પ્રાદેશિક જળવિસ્તાર

February, 1999

પ્રાદેશિક જળવિસ્તાર : નદીરચના દ્વારા જળવહન પામતો સપાટીજળવિસ્તાર. ભૂપૃષ્ઠ પરનું દરેક નદીથાળું જળવિભાજકથી અલગ પડતું હોય છે, પોતાના વિસ્તારના સપાટીજળગ્રહણ તથા તેમાંથી શોષાતા અધોભૌમજળ પૂરતું મર્યાદિત હોય છે. દરેક નદીથાળાનો જળજથ્થો છેવટે તો સરોવર કે સમુદ્ર કે મહાસાગરમાં ઠલવાતો હોય છે. આ પ્રકારના બધા જ જળવિસ્તારો જળશાસ્ત્રના અભ્યાસ માટેનું એક અલગ એકમ (માળખું) રચે છે. આવા પ્રત્યેક જળમાળખાનો જળજથ્થો નિર્ધારિત કરી શકાય છે; એટલું જ નહિ, તેના જળસ્રાવવિસ્તારનું, જળસ્રોતોનું મૂલ્યાંકન પણ કરી શકાય છે. પૂર કે દુકાળ જેવી વિષમ પરિસ્થિતિ વખતે આવા જળજથ્થાની ક્ષમતાનો વધતો-ઓછો અંદાજ પણ કાઢી શકાય છે. વિશેષે કરીને તો આ પ્રકારના પ્રાદેશિક જળવિસ્તારો જુદા જુદા પ્રકારની જળજરૂરિયાતને અસર પણ પહોંચાડતા હોય છે. નદીઓ પર બંધ બાંધીને, તેની પાછળ જળાશયોનું નિર્માણ કરીને પ્રાદેશિક જળવિસ્તારના વ્યર્થ વહી જતા જળરાશિનું નિયંત્રણ કરી શકાય છે અને તે પાણીનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરી શકાય છે.

નદીથાળાંને તેમના જળસ્રાવવિસ્તાર પર આધારિત ત્રણ બહોળાં  જૂથોમાં વિભાજિત કરવામાં આવેલાં છે :

(1) 20,000 ચોકિમી. કે તેથી વધુ જળસ્રાવવિસ્તાર ધરાવતાં વિશાળ કદવાળાં જળથાળાં. ભારતમાં આ પ્રકારનાં 14 જેટલાં જળથાળાં આવેલાં છે.

(2) 2,000થી 20,000 ચોકિમી. વચ્ચેનો જળસ્રાવવિસ્તાર ધરાવતાં મધ્યમ કદવાળાં જળથાળાં. ભારતમાં આ પ્રકારનાં 44 જેટલાં જળથાળાં આવેલાં છે.

(3) 2,000 કે તેથી ઓછો જળસ્રાવવિસ્તાર આવરી લેતાં જળથાળાં. ભારતમાં નાની નાની નદીઓથી રચાયેલાં આવાં જળથાળાં સંખ્યાબંધ છે.

સામાન્ય સમજ માટે, નાનુંમોટું કોઈ પણ જળથાળું વડના પાંદડાના આકારને આબેહૂબ મળતું આવે છે. તેની નદીઓ, ઉપનદીઓ, ઝરણાં વગેરે પાંદડાની જાળાકાર શિરાવિન્યાસ જેવાં હોય છે; તેમ છતાં પ્રાદેશિક જળવિસ્તારને ભૂપૃષ્ઠ-રચનાત્મક એકમના સંદર્ભમાં ત્રણ કક્ષાઓમાં વહેંચેલો છે : (1) રચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર(structural geology)નાં લક્ષણોને આધારે રચાયેલાં જળમાળખાં. યુનાઇટેડ સ્ટેટ્સનાં મોટાભાગનાં જળમાળખાં આ રીતે ગોઠવાયેલાં છે. (2) ભૂ-રચનાત્મક લક્ષણોને આધારે રચાયેલાં જળમાળખાં. તેમાં મેદાનો તેમજ અન્યોન્ય છેદતા ઢોળાવોનો સમાવેશ થાય છે. આ કક્ષામાં બહુમુખી સ્થળર્દશ્યોની રચના થતી હોય છે. (3) સ્થળઆધારિત જમીનધોવાણને અનુસરીને રચાતું ભૌમિતિક આકારો ધરાવતું જળમાળખું. (જળશાસ્ત્રીઓ પ્લેફેર અને ડેવિસે આ માળખાની પરખ કરી આપેલી છે.)

આ રીતે જળમાળખાંની સ્થળર્દશ્યાત્મક (topographic), જળઅભિયાંત્રિકી (hydraulic) અને જળશાસ્ત્રીય (hydrological) એકસૂત્રતા ભૂપૃષ્ઠ પરની જળરચનાનો આધાર બની રહે છે. આવું અર્થઘટન આર. ઈ. હૉર્ટને (1945) કરેલું છે, જેને સ્વૉહલરે (1964)  વિસ્તૃત કરી આપેલું છે. આજે તે મૂળભૂત ધોવાણજન્ય સ્થળર્દશ્યવાળા એકમો માટે ઉપયોગમાં લેવાય છે, કારણ કે (1) આવો ભૂપૃષ્ઠરચનાત્મક એકમ મર્યાદિત હોય છે, પરખ માટે સરળ પડે છે અને નદીથાળાંનો ક્રમ સમજવામાં ઉપયોગી બની રહે છે. (2) ખુલ્લા રહેતા આવા એકમોમાં પાણીની આવક સૌર વિકિરણની તથા પાણીની જાવક બાષ્પીભવનની તેમજ પુનર્વિકિરણની સ્પષ્ટ સમજ આપે છે.

કૃષ્ણમૂર્તિ કુલકર્ણી

અનુ. ગિરીશભાઈ પંડ્યા