પ્રાણીભૂગોળ : પ્રાણીસૃષ્ટિના ભૌગોલિક વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ. જૈવભૂગોળના બે મુખ્ય વિભાગો પૈકીનો એક વિભાગ. રણો, પર્વતો અને મહાસાગરો જેવા કુદરતી અવરોધોથી અલગ પડતા અનેક પ્રાણીભૌગોલિક વિસ્તારો પ્રાણીઓના મુખ્ય જાતિસમૂહોના વિતરણની સમજ સ્પષ્ટ કરવામાં ઉપયોગી બની રહે છે. દુનિયાભરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓનું વિતરણ આ વિષય સાથે સંકળાયેલું છે. આ સંદર્ભમાં જોતાં, 10 લાખ જેટલી જુદી જુદી પ્રાણીજાતિઓનું અસ્તિત્વ હોવાનું જાણવા મળે છે. આ વિષયના નિષ્ણાત ગણાયેલા બ્રિટિશ પ્રાણીવિદ્ વૉલેસે પ્રાણીઓના ભૌગોલિક અને સ્થાનિક વિતરણ વચ્ચેના તફાવતો સ્પષ્ટ કરી આપેલા છે. હકીકતમાં તો આ તફાવતોને ત્રણ સ્તરોમાં વહેંચી નાખવાથી સરળતા ઊભી થાય છે : (1) સમગ્ર દુનિયાના સંદર્ભમાં બહોળી ર્દષ્ટિએ જોતાં, પ્રથમ ક્રમે ભૌગોલિક પ્રાણી-વિતરણ, (2) દુનિયાના અમુક ચોક્કસ વિભાગોનું પ્રાદેશિક પ્રાણી-વિતરણ, (3) વૉલેસની વિચારસરણી મુજબનું સ્થાનિક પ્રાણી-વિતરણ. સ્થાનિક પ્રાણી-વિતરણમાં પ્રાણીજાતિઓ તથા તેમની ભૌગોલિક અને પારિસ્થિતિક ભૂમિકાઓનો સમાવેશ થઈ જાય છે.
ઉત્પત્તિ સ્થિતિ અને વિકાસ : ડાર્વિનના સમય પહેલાં પણ બફેન અને બીજાંઓ [ગ્રેડો (1913)]એ આવા ડઝન જેટલા સંશોધકોની યાદી આપેલી છે. પ્રાણી-વિતરણ વિષેના સામાન્ય ખ્યાલો રજૂ કરેલા. આ પૈકીના કેટલાક ખ્યાલોમાં પ્રાણીસર્જનનાં કેન્દ્રો શોધવાનો પ્રયાસ થયેલો હોવાનું જણાય છે. દુનિયાના વિક્ષેપરહિત ભાગોમાં થયેલી પ્રાણી-વિતરણની રીત પ્રાણી-ઉત્ક્રાંતિના અનેક પુરાવાઓ પૈકીના એક પુરાવારૂપ છે એમ ડાર્વિન અને વૉલેસનું માનવું છે. ઉત્ક્રાંતિના ખ્યાલની સ્વીકૃતિ થઈ તે પણ એટલું જ મહત્ત્વનું છે. આ ખ્યાલ પરથી જ આધુનિક પ્રાણીભૂગોળનો અભ્યાસ શક્ય બની રહ્યો છે. ડાર્વિને તેની આ સંકલ્પનાના કેન્દ્રમાં ઉત્ક્રાંતિનો મુદ્દો જ રાખ્યો હતો. ડાર્વિને બહાર પાડેલા ‘On the Origin of Species’ નામક પુસ્તકમાં ભૌગોલિક વિતરણ પર લખેલાં બે પ્રકરણો હજી આજે પણ આ વિષયના ઉત્ક્રાંતિમૂલક સિદ્ધાંતની ચર્ચાના સંદર્ભમાં શ્રેષ્ઠ લેખાય છે. વૉલેસનું કામ આજના પ્રાણી-વિતરણ સાથે વધુ સંકળાયેલું છે. વૉલેસ બાદ પણ ઘણા પરંપરાગત કાર્યશૈલીના પ્રાણીભૂગોળવેત્તાઓએ પ્રાણીઓના વર્તમાન વિતરણની વધુ વિગતો એકઠી કરવાનું કામ કરેલું. તેમણે દુનિયાના જુદા જુદા ભાગોને પ્રાણીઓ મુજબ વહેંચી આપ્યા છે. આમ પ્રાણીભૂગોળ પરનું સાહિત્ય મૂળભૂત રીતે જોતાં તો માત્ર પ્રાણીભૌગોલિક હકીકતો જ નહિ, પરંતુ તે સાથે સંબંધિત બધાં જ પ્રાણીઓનું વર્ગીકરણ, તેમની આદતો અને તેમના ઇતિહાસની તવારીખ પણ દર્શાવે છે; વળી તેમનાં સામાન્ય ભૌગોલિક લક્ષણો, આબોહવાત્મક લક્ષણો, પરિસ્થિતિવિજ્ઞાન અને ઉત્ક્રાંતિ વિશેની બાબતો પણ સમજાવે છે.
પ્રાણીભૂગોળના ઉપયોગી સિદ્ધાંતો : ડાર્લિંગટન (1957) દ્વારા સૂચવાયેલા પ્રાણીભૂગોળના અભ્યાસ માટે ઉપયોગી સિદ્ધાંતો આ પ્રમાણે છે :
(1) પ્રાણીભૂગોળનો અભ્યાસ શરૂ કરતાં અગાઉ તેને માટે જરૂરી કાર્યપદ્ધતિનું માળખું તૈયાર કરવું.
(2) શક્ય હોય ત્યાંસુધી મંતવ્યો કરતાં હકીકતો પર આધાર રાખી કાર્ય કરવું. પ્રાણીભૂગોળમાં ક્રિયાન્વિત હકીકતોનો પ્રકાર સમજવો અને તેમનું કાળજીથી વિશ્લેષણ કરવું અને જડતાપૂર્વક મંતવ્યો બાંધવાનું કે તેમનો બચાવ કરવાનું ટાળી જે વૈકલ્પિક શક્યતાઓ જણાય તે યોગ્ય રીતે વ્યક્ત કરવી.
(3) પ્રાણીભૂગોળની મર્યાદામાં રહીને તે અંગેનું કાર્ય આગળ ધપાવવું તેમજ હકીકતોના ઊંડાણમાં ઊતરવું.
(4) સારણીઓ, ચિત્રો, પ્રમાણભૂત રૂપરેખાવાળા નક્શાઓ તેમજ વિગતો જુદાં જુદાં પ્રાણીઓ કે પ્રકારો મુજબ રજૂ કરવી.
(5) પ્રાણીઓ જીવંત એકમો છે, તેમની સતત ઉત્ક્રાંતિ થતી રહે છે. સ્થાનસંજોગ મુજબ તેમની વસ્તીવૃદ્ધિ થતી રહે છે. તેઓ સ્થળાંતર કરતાં રહે છે. કેટલાંક મૃત્યુ પામે છે તો કેટલાંક તેમનાં નવાં ભૌગોલિક સ્વરૂપોમાં ઉત્ક્રાંત થાય છે.
બધાં જ પ્રાણીઓનું વિતરણ તેમના જટિલ સંતુલનનું જ પરિણામ ગણાય છે. બધા જ સ્તરે પ્રાણીઓના પ્રજોત્પત્તિના દર અને મૃત્યુદર વચ્ચેનું સંતુલન પણ હમેશાં કુદરતની કે જૈવિક પ્રક્રિયા દ્વારા જળવાતું રહે છે.
(6) પ્રાણીઓનાં ભૌગોલિક ઇતિહાસનાં તારણોની સમજ કેળવવી અને તેમનો યોગ્ય ઉપયોગ કરવો.
(7) અધિતર્કો (hypothesis) એ હકીકતો કે સિદ્ધાંતો નથી હોતા – એ બાબતને સતત ધ્યાનમાં રાખીને પણ હકીકતો જ્યાં ઉપયોગી ન થાય ત્યાં તેમનો આધાર લઈને કાર્ય આગળ ધપાવવું.
તેમ છતાં બૉર્નિયો અને સુલાવેસી (અગાઉનું સેલીબીઝ) વચ્ચે વૉલેસે પ્રાણી-વિતરણ માટે માની લીધેલી (hypothetical) સીમારેખા મકાસરની સામુદ્રધુનીને પાર કરે છે અને વધુ આગળ દક્ષિણ તરફ બાલી અને લોમ્બોકના ટાપુઓ વચ્ચે સુધી વિસ્તરીને બે મુખ્ય પ્રાણીભૌગોલિક વિસ્તારો રચે છે : ઉત્તર અને પશ્ચિમ તરફનો પૌરસ્ત્ય વિસ્તાર અને બીજો દક્ષિણ અને પૂર્વ તરફનો ઑસ્ટ્રેલિયન વિસ્તાર. જોકે ઘણા ઓછા ભૂગોળવેત્તાઓએ પ્રાણીભૂગોળની સમસ્યાઓ તરફ લક્ષ આપ્યું છે; તેમ છતાં કીટકો, પક્ષીઓ અને પ્રાણીઓના જીવનમાં કાર્યાન્વિત પ્રાદેશિક ફાળાએ નજીકના ભૂતકાળમાં આ અંગેની કેટલીક સિદ્ધિઓ મેળવી છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. ગિરીશભાઈ પંડ્યા