પ્રાણીશાસ્ત્ર : પ્રાણીજીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું પ્રાકૃતિક (natural) વિજ્ઞાન. વનસ્પતિ અને પ્રાણી – આમ બે સૃષ્ટિમાં સજીવો વહેંચાયેલા છે. એ બંનેનો અભ્યાસ એટલે સજીવવિજ્ઞાન (biology). માનવ-પ્રાણીનાં ઘણાં લક્ષણો અન્ય પ્રાણીઓ સાથે મળતાં આવે છે; તેથી અન્ય પ્રાણીઓના અભ્યાસ પરથી પણ માનવ-સ્વાસ્થ્ય માટે અગત્યની ઘણી માહિતી મેળવી શકાય છે.

વનસ્પતિસૃષ્ટિનાં સભ્યોની જેમ પ્રાણીઓ ખોરાકનું સંશ્લેષણ કરી શકતાં નથી. ખોરાક માટે તેઓ વનસ્પતિઓ પર આધાર રાખે છે. એટલે પ્રાણીઓ વનસ્પતિજન્ય ખોરાકનું ગ્રહણ કરી તેને પચાવી એકરસ (assimilation) કરે છે. સ્થળાંતર કરીને તેઓ ખોરાક મેળવે છે. ખોરાક સંકીર્ણ સ્વરૂપનો હોય છે, તેથી તેનું વિઘટન કરીને સૌપ્રથમ તેને એકરસ બનાવે છે. તેને એકરસ કરવાની પ્રક્રિયાને ‘પાચનક્રિયા’ કહે છે. પચેલો ખોરાક પરિવહન-તંત્ર દ્વારા શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે. શરીરનાં વિવિધ અંગો તેમાંથી શક્તિ મેળવીને વિવિધ ક્રિયાઓ કરવાની ક્ષમતા મેળવે છે. ખોરાકના ઉપયોગથી શરીરનાં વિવિધ અંગો બંધાય છે. આ અંગો સમન્વિત રીતે કાર્ય કરે અને સહસંબંધિત રહે તે આવશ્યક છે. તેનું સંચાલન ચેતાતંત્ર દ્વારા થાય છે. વિવિધ પ્રવૃત્તિ દરમિયાન લાગેલ ઘસારા(wear and tear)થી તેમજ અન્યથા શરીરમાં ભેગા થયેલ કચરાનો ત્યાગ કરવા ઉત્સર્જન-તંત્રની ગોઠવણ થયેલી હોય છે. ખોરાકના દહન(oxidation)થી કાર્યશક્તિ મેળવવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રાણવાયુ અગત્યનો છે. ઑક્સિડેશન પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયૉક્સાઇડનું વિમોચન થાય છે. તેથી પર્યાવરણમાંથી ઑક્સિજન મેળવીને કાર્બન ડાયૉક્સાઇડ છોડવા માટે શ્વસન-તંત્રની ગોઠવણ થયેલી છે.

સજીવો માટે મૃત્યુ એક અનિવાર્ય ઘટના છે. પૃથ્વી પર પ્રાણીસૃષ્ટિનું સમતોલન જાળવવા માટે પોતાનાં જેવાં લક્ષણો ધરાવતાં સંતાનોને તે જન્મ આપે છે. વંશવૃદ્ધિ સાથે પ્રજનનતંત્ર સંકળાયેલું છે.

પ્રાણીઓનાં શરીરનાં વિવિધ અંગો સમાન કોષોના સમૂહ રૂપે પેશીઓ(tissues)નાં બનેલાં હોય છે. પ્રાણીઓમાં અધિચ્છદીય પેશી (epithelial tissue), સંયોજક પેશી (connective tissue), સ્નાયુપેશી (muscular tissue) અને ચેતાપેશી (nervous tissue) – આમ ચાર મુખ્ય પ્રકારની પેશીઓ આવેલી છે. કોષ તેમજ પેશીઓને લગતા અભ્યાસની શાખાને અનુક્રમે કોષવિજ્ઞાન (cell biology) અને પેશીવિજ્ઞાન (histology) કહે છે. પેશીઓનાં બનેલાં શરીરનાં વિવિધ અંગોના અભ્યાસને તુલનાત્મક શરીરરચનાશાસ્ત્ર (comparative anatomy) કહેવામાં આવે છે. કાર્યશક્તિની મદદથી શરીરમાં થતી પાચનકોષીય શ્વસન, સમરસીકરણ (assimilation), સ્નાયુ-સંકોચન (muscular contraction), ચેતા વડે સંદેશાવહન (neural transmission), સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ થતું ક્રિયાશીલ વહન (active transport) જેવી જૈવી પ્રક્રિયાઓને લગતા વિજ્ઞાનને પ્રાણી-દેહધર્મ-વિદ્યા (animal physiology) કહે છે.

કેટલાંક સમાન લક્ષણોના આધારે પ્રાણીઓને વિવિધ સમૂહમાં વહેંચવામાં આવે છે. પ્રાણીઓના મુખ્ય સમૂહોને સમુદાય (phylum) કહે છે; દા.ત., એકકોષીય (કે અકોષીય) (acellular) પ્રાણીઓના સમુદાયને પ્રજીવો (protozoa) કહે છે. ગર્ભાવસ્થામાં મેરુદંડ(notochord)ની રચના થયેલી હોય તેવાં બધાં પ્રાણીઓને મેરુદંડી (chordate) સમુદાયમાં મૂકવામાં આવે છે. કરોડસ્તંભ ધરાવતાં મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી (vertebrates) તરીકે જાણીતાં છે. જ્યારે દુગ્ધગ્રંથિ(mammary gland)વાળાં પૃષ્ઠવંશીઓને સસ્તન (mammals) વર્ગનાં ગણવામાં આવે છે. માનવ અંગુષ્ઠધારી (primate) શ્રેણી(order)નું પ્રાણી છે. સમાન લક્ષણોના આધારે કરવામાં આવતા અભ્યાસને સજૈવ વિજ્ઞાનની શાખાનું વર્ગીકરણશાસ્ત્ર (taxonomy) કહે છે.

આજથી આશરે 100 કરોડ વર્ષો પૂર્વે પ્રજીવ જેવાં સાદાં સ્વરૂપનાં પ્રાણીઓ હસ્તીમાં આવ્યાં. સમય જતાં આવાં સાદાં સજીવોના વિકાસથી બહુકોષી સજીવો પૃથ્વી પર અવતર્યાં. કાળક્રમે બહુકોષી સજીવો સંકીર્ણ સ્વરૂપનાં સજીવો બન્યાં. આજથી આશરે 22 કરોડ વર્ષો પૂર્વે ડાયનોસૉર નામે ઓળખાતા વિકરાળ કાયનાં સરીસૃપો અસ્તિત્વમાં આવ્યાં અને તે આશરે 15 કરોડ વર્ષો સુધી જમીન પર આધિપત્ય જાળવીને આજથી આશરે 6.3 કરોડ વર્ષો પૂર્વે અચાનક લુપ્ત થયાં. વીતતા સમયને અધીન વિવિધ કાળ દરમિયાન પૃથ્વી પર વસતાં સજીવોનાં ઉત્પત્તિ અને વિકાસને અનુસરતા અભ્યાસને સજૈવ ઉત્ક્રાંતિ (organic evolution) કહે છે.

એક યા બીજા સમયે પૃથ્વી પર વસેલાં, પરંતુ હાલમાં લુપ્ત (extinct) એવાં સજીવો વિશેની માહિતી પૃથ્વીના વિવિધ સ્તરે દટાયેલા જીવાશ્મો(fossils)ને આભારી છે. જીવાશ્મોને લગતા વિજ્ઞાનની શાખાને જીવાશ્મ-વિજ્ઞાન (paleontology) કહે છે.

ઉપર જણાવેલી પ્રાણીવિજ્ઞાનની વિવિધ શાખાઓના અભ્યાસને મુખ્યત્વે શુદ્ધ (pure) વિજ્ઞાન લેખવામાં આવે છે. માનવના હિત સાથે અન્ય પ્રાણીઓનું જીવન સંકળાયેલું હોવાથી પ્રયુક્ત (applied) કક્ષાએ પણ પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરવો અનિવાર્ય બને છે. પ્રાણીશાસ્ત્રને લગતા ઘણા વિષયોનો અભ્યાસ શુદ્ધ અને પ્રયુક્ત – એમ બે કક્ષાએ કરવામાં આવે છે; દા.ત., પ્રજીવ સમુદાયના મલેરિયા જંતુ (plasmodium) માનવશરીરમાં પ્રવેશીને મલેરિયા રોગ ઉત્પન્ન કરે છે. પ્રજીવોના શુદ્ધ અને પ્રયુક્ત અભ્યાસની શાખાઓ સૂક્ષ્મજીવવિજ્ઞાન(micro biology)નો એક વિષય બને છે. તે જ પ્રમાણે રોગજન્ય કૃમિઓનો અભ્યાસ કૃમિવિજ્ઞાન(helminthology)નો ભાગ બને છે; જ્યારે માનવમાં રોગ ફેલાવનાર તેમજ આર્થિક ર્દષ્ટિએ નુકસાનકર્તા કીટકોના અભ્યાસનો સમાવેશ કીટકશાસ્ત્ર(ento-mology)માં થાય છે. એક અગત્યના ખોરાકરૂપ ગણાતી માછલીઓ, તેમનો વસવાટ, તેમને પકડવાની પ્રવૃત્તિ તેમની આડપેદાશો (byproducts), તેમનાં જતન અને વેચાણ જેવાં ક્ષેત્રો સાથે સંકળાયેલ કામગીરી મત્સ્યોદ્યોગ(fisheries)ના વિષયો છે. વળી મત્સ્યવિજ્ઞાન-(ichthyology)ના ભાગ રૂપે માછલીઓની શરીરરચના, પ્રજનન, ભૌગોલિક વહેંચણી અને વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવે છે. પાલતુ પ્રાણીઓને લગતાં વિવિધ ક્ષેત્રોની માહિતીને લગતાં પશુચિકિત્સા (veterinary science), પશુપોષણ, પશુસંવર્ધન, પશુખેતી (animal-husbandry), પશુપ્રાણીઉછેર (animal breeding), દુગ્ધોદ્યોગ (dairy science) જેવી શાખાઓ પ્રયુક્તવિજ્ઞાનનું ક્ષેત્ર લેખાય છે. પ્રાણીવર્તનશાસ્ત્ર (ethology), વિવિધ પ્રાણીઓની આદતો વિશેની માહિતી સાથે સંકળાયેલું છે.

પ્રાણીઓના સ્વાસ્થ્યને લગતાં અનુકૂળ પરિબળો અને પ્રાણીઓનાં નિવાસસ્થાનો વિશેની માહિતી પરિસ્થિતિવિજ્ઞાન (ecology), પર્યાવરણિક જીવવિજ્ઞાન (environmental biology), વન્ય જીવન (wild life) અને પ્રાણીભૂગોળ (zoo-geography) દ્વારા મેળવી શકાય.

નોબેલ પુરસ્કાર વિજેતા વૅટ્સન અને ક્રિક જેવા જીવવિજ્ઞાનીઓએ ઈ. સ. 1953માં આનુવંશિક લક્ષણોના સંચારણ માટે અગત્યના DNA–જૈવી અણુઓના પ્રતિરૂપ(models)ની પરિકલ્પના(hypothesis)ની રજૂઆત કરી. આ પરિકલ્પના સાચી સાબિત થઈ છે. ઉપરના જીવવિજ્ઞાનીઓએ કરેલાં સંશોધનોને લીધે જનીનશાસ્ત્ર(genetics)ના અભ્યાસને વેગ મળ્યો છે. જનીનો DNAના અણુઓની શૃંખલાઓની હારમાળા તરીકે આવેલાં છે. અગાઉ આનુવંશિકતા(heredity)નો અભ્યાસ મુખ્યત્વે જનસમુદાય(population)માં સમાન લક્ષણો ધરાવતી વ્યક્તિઓનો સાંખ્યિકીય અભ્યાસ, વંશવેલામાં ઊતરેલાં વિશિષ્ટ લક્ષણો તેમજ સંકરણ-પ્રયોગો દ્વારા અમુક પેઢીઓ સુધી મેળવેલ પ્રજાઓનાં લક્ષણોની માહિતીના આધારે કરવામાં આવતો હતો. હાલમાં જૈવતકનીકી (biotechnology), જનીન-ઇજનેરી (genetic engineering), પેશીસંવર્ધન (tissue culture) જેવાં ક્ષેત્રે સધાયેલ પ્રગતિને લીધે આજે જનીનોની માહિતી જૈવી અણુઓને શરીરમાંથી અલગ કરી મેળવી શકાય છે. પરિણામે રંગસૂત્રો પર આવેલાં જનીનોનાં વિશિષ્ટ સ્થાનો નક્કી કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, અને એક સજીવના શરીરમાંથી જનીનને અલગ કરી અન્ય સજીવોમાં તેનું સ્થાનાંતર શક્ય બન્યું છે; દા.ત., માનવમાં ઇન્સ્યુલિન માટે કારણભૂત જનીનને અલગ કરી તેને E. coli બૅક્ટેરિયાના શરીરમાં મૂકવામાં આવે છે. આવા બૅક્ટેરિયા ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે અને હાલમાં બૅક્ટેરિયાની મદદથી મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન શક્ય બન્યું છે, જે મધુમેહથી પીડાતા દર્દીઓને માટે આશીર્વાદરૂપ નીવડ્યું છે. પ્રત્યારોપણ પ્રક્રિયા વડે હાલમાં જનીન-પ્રત્યારોપિત પ્રાણી(transgenic animals)નું ઉત્પાદન શક્ય બન્યું છે. પ્રત્યારોપણ પ્રક્રિયામાં અંત:ક્ષેપણથી DNAના અણુઓનાં બનેલાં જનીનોને ફલિતાંડના કોષકેન્દ્રમાં ઉમેરવામાં આવે છે. એઇડ્ઝ (Aids), મધુપ્રમેહ, કૅન્સર જેવા રોગ માટે કારણભૂત જનીનોનો ઉંદર જેવાં પ્રાણીઓના શરીરમાં નિક્ષેપ કરવામાં આવે છે. રોગનિદાન અને રોગ સામેના ઉપચાર માટે આ પ્રયોગો મહત્વપૂર્ણ નીવડ્યા છે. કેટલાંક જનીનો રોગનિવારક પ્રોટીનજન્ય દવાઓના ઉત્પાદન માટે અગત્યનાં છે. આવાં જનીનોનું પ્રત્યારોપણ દૂધ-ઉત્પાદક બકરી જેવાં પ્રાણીઓના શરીરમાં કરવામાં આવે છે. આવાં પ્રાણીઓનું દુગ્ધપાન કરવાથી રોગથી પીડાતા દર્દીઓ રોગનો સામનો કરવાની ક્ષમતા ધારણ કરે છે. ધૂમ્રપાનને લીધે ફેફસાં જેવા અવયવોમાં વાયુ ભરાઈ જતાં શ્વાસનળી પર તીવ્ર સોજો આવે છે. આ રોગના ઉપચાર માટેની પ્રોટીનજન્ય દવાના કારણભૂત જનીનના પ્રત્યારોપણથી દૂધમાં આ પ્રકારના જૈવી અણુઓ ઉમેરાય છે. ભૂંડ, ઘેટી, બકરી, સસલાં જેવાં સસ્તન પ્રાણીઓમાં ઉપર્યુક્ત જનીનનું પ્રત્યારોપણ કરી ઉપર જણાવેલ રોગો સામે રાહત મેળવી શકાય છે.

જનીન પ્રત્યારોપણના પ્રયોગો મોટાભાગે પ્રાણીસુધાર(animal improvement)ને લગતા હોય છે. વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) માટે કારણભૂત જનીનનું પ્રત્યારોપણ કરવાથી ઢોરમાં દૂધનું-ઉત્પાદન વધારી શકાય છે. ભારતમાં થતા પ્રાણીસુધારને લગતા પ્રયોગોને લીધે શ્ર્વેત ક્રાંતિ સર્જાઈ છે અને દૂધનું વાર્ષિક ઉત્પાદન 7.6 કરોડ ટન જેટલું થયું છે, જે દૂધના ઉત્પાદનમાં અન્ય દેશોના કરતાં ભારતનું સૌથી વધારે છે. વળી એ જ રીતે શરીરમાં ચરબીનું પ્રમાણ વધારીને ઉચ્ચ ગુણવત્તાવાળું ગોમાંસ (beef) મેળવવામાં આવે છે. આવા પ્રયોગો ઘેટામાં કરીને સારી ગુણવત્તાવાળા ઊનનું ઉત્પાદન પણ વધારી શકાય છે.

હાલમાં આર્થિક ર્દષ્ટિએ ઊંચી જાતનાં પ્રાણીઓની સંખ્યા તેમના સમજનીનીકરણ(cloning)થી વધારવા અંગેના પ્રયોગો તરફ કેટલાક વિજ્ઞાનીઓએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્કૉટલૅન્ડના જીવવિજ્ઞાનીઓએ જુલાઈ 1996માં પોતાની પ્રયોગશાળામાં પુખ્ત ઘેટીની સમજનીનિક ડૉલી જન્મ્યાની જાહેરાત ફેબ્રુઆરી 1997માં કરી હતી. હાલમાં આ જ પ્રયોગશાળામાં ડઝન જેટલાં ડૉલીનાં સમજનીનિકોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અનેક શાસ્ત્રજ્ઞોએ આ સંશોધનની પ્રશંસા કરી છે; પરંતુ અન્ય અનેક શાસ્ત્રજ્ઞો અને સમાજશાસ્ત્રીઓ સંભાવ્ય સમજનીનિક માનવીના પ્રયોગોની શક્યતા અંગે ચિંતાકુલ પણ થયા છે. જોકે સ્કૉટલૅન્ડના જીવવિજ્ઞાનીઓના પ્રમુખ ડૉ. વિલ્મટે માનવીના સમજનીનીકરણ સામેની મનાઈનું સમર્થન કર્યું છે.

પ્રાણીસૃષ્ટિમાં માનવીનું સ્થાન : માનવી સસ્તન પ્રાણી છે અને સસ્તન પ્રાણીઓનાં સામાન્ય લક્ષણો ધરાવે છે. માનવીની ગણના એક બુદ્ધિશાળી પ્રાણી તરીકે થયેલી છે. જોકે પૃથ્વી પર ઘણાં સજીવો (દા.ત., ડૉલ્ફિન), બુદ્ધિશાળી હોવાના પુરાવા ઉપલબ્ધ છે; આમ છતાં માનવી અન્ય પ્રાણીઓ કરતાં જુદાં એવાં કેટલાંક અજોડ લક્ષણો ધરાવે છે. ઈ. સ. 1993માં ડબ્લિનમાં મળેલ નોબેલ પુરસ્કારવિજેતા સહિત આંતરદેશીય ખ્યાતિ પામેલા જીવવિજ્ઞાનીઓના એક પરિસંવાદમાં તેમણે માનવી વિશે આ પ્રમાણેનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો : (1) માનવી પોતાના ગુજરાન માટે ઓજારો અને યંત્રોનો ઉપયોગ મોટા પાયા પર કરે છે. અન્ય પ્રાણીઓ માનવીની જેમ છૂટથી ઓજારોનો ઉપયોગ કરવા માટે જરાય અનુકૂલન પામેલાં નથી. (2) માનવીનું એક બીજું આગવું લક્ષણ, ભાષા-બોલી (language) અને લેખન છે. આના પરિણામે માનવી અન્ય માનવી સાથે માહિતી અને વિચારોની આપલે કરે છે તેમજ પોતાથી અત્યંત દૂર તેમજ હજારો વર્ષો પૂર્વે થયેલ ઘટનાઓથી પરિચિત રહે છે અને પોતાના હિતાર્થે તેનો લાભ પણ ઉઠાવે છે. (3) વધારામાં કલાનું સર્જન કરી તેમાંથી પણ તે આનંદ અનુભવે છે.

આમ હોવા છતાં માનવ જાતિસંહાર(genocide)નું વ્યસન લગાડનાર દ્રવ્યો(drugs)નો દુરુપયોગ કરે છે અને માનવ સહિત અન્ય પ્રાણીઓને અતિશય પીડા આપીને આસુરી આનંદ અનુભવે છે. વળી પૃથ્વીને નુકસાનકારક ઘણાં દુષ્કૃત્યોમાં તે સંડોવાયેલો છે. આથી ઊલટું, અન્ય બધાં સજીવો કુદરતના આદેશોનું ચુસ્તપણે પાલન કરે છે; જ્યારે આ બાબતમાં માનવી અન્ય પ્રાણીઓ કરતાં હલકી કક્ષાના ગુણધર્મો ધરાવે છે.

માનવનાં કેટલાંક લક્ષણો ભલે અજોડ હોય; માનવીનાં જનીનો અને તેના હાલના નજીકના સંબંધી અપુચ્છ વાનર (ape) ચિમ્પાન્ઝીના 98.4% જેટલાં જનીનો એકસરખાં છે. માનવીનાં 90% જેટલાં જનીનો અસાંકેતિક (non-coding) હોઈ નિરર્થક હોય છે. તે જોતાં જનીનોની ગુણવત્તાની ર્દષ્ટિએ માનવી અને ચિમ્પાન્ઝી વચ્ચે માત્ર 0.16% જેટલો જનીનોનો તફાવત હોવા છતાં માનવી પ્રાણીજગતમાં પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. હાલનો માનવી વન્ય જંગલોનો નાશ કરી સિમેન્ટનાં જંગલોના નિર્માણમાં તેમજ પોતાના સ્વાર્થ ખાતર પૃથ્વીને વધુ અને વધુ પ્રમાણમાં પ્રદૂષિત કરવામાં સમય વ્યતીત કરે છે; જ્યારે તેનો નજીકનો સંબંધી વન્ય જંગલોનાં વૃક્ષોને પોતાનું નિવાસસ્થાન બનાવી સ્વચ્છ વાતાવરણમાં ખોરાક તરીકે મંકોડા, ઊધઈ જેવા કીટકોનું પ્રાશન કરવામાં પોતાનો સમય વિતાવે છે.

પૃથ્વી-બાહ્ય અવકાશમાં માનવી જેવાં સમજશક્તિ ધરાવતાં સજીવોનું સંભાવ્ય અસ્તિત્વ : અમેરિકાની NASA સંસ્થા SETI (search for extra-terrestrial intelligence) યોજના દ્વારા પૃથ્વી-બાહ્ય (extra-terrestrial) અવકાશમાં સમજશક્તિ ધરાવતાં સજીવોના અસ્તિત્વ વિશે માહિતી મેળવવા માટે અને તેમનો સંદેશો ઝીલવા માટે સક્રિય છે. તેમણે સંપાદન કરેલ માહિતી મુજબ આવાં સજીવો મંગળ (Mars) કે શુક્ર (Venus) પર વસતાં નથી. પૃથ્વી પર થયેલ સજીવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના પ્રક્રમને જોવા તેમના જેવાં લક્ષણોવાળાં સૂઝબૂજ (intelligence) ધરાવતાં પ્રાણીઓ હોવાની શક્યતા નહિવત્ છે. કદાચ અન્ય ગ્રહો પર બુદ્ધિજીવી સજીવો વસતાં હશે તેમ કલ્પીએ તોપણ તે માનવ તો નહિ હોય. માનવનાં કરોડો વર્ષો પૂર્વેનાં એક વખતનાં પૂર્વજ વૃક્ષનિવાસી કીડીખાઉ સસ્તનો હતાં. તેમના ક્રમિક વિકાસથી અનુક્રમે આદિમાનવદ્વિપદી (biped) માનવ જેવા માનવો જન્મ્યા; જે તે વખતનાં પૃથ્વી પરનાં વિશિષ્ટ પરિબળોને અધીન છતાં યાર્દચ્છિક રીતે થયેલા છે. કદાચ બે ગ્રહોનાં પર્યાવરણિક પરિબળો એકસરખાં હોય; પરંતુ ઉત્ક્રાંતિનું એક દિશામાં પ્રચલન શક્ય નથી.

મ. શિ. દૂબળે