પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય
February, 1999
પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય : શિલાલેખોમાં અભિલેખ રૂપે પ્રાકૃત ભાષામાં થયેલી રચનાઓ. આવા શિલાલેખો મુખ્યત્વે નીચે મુજબ છે.
(1) હાથીગુફાનો શિલાલેખ : પ્રાકૃત શિલાલેખોમાં રાજા ખારવેલનો હાથીગુફાનો શિલાલેખ ખૂબ પ્રાચીન છે. ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના અંતભાગમાં બ્રાહ્મી લિપિમાં ભુવનેશ્વર(જિ. પુરી)ની પાસે ઉદયગિરિ નામની ટેકરીમાં તે કોતરવામાં આવેલો છે. એમાં ખારવેલના રાજ્યનાં 13 વર્ષનું પ્રવાહી ભાષામાં વર્ણન છે. અર્હતોને તથા સર્વ સિદ્ધોને નમન કરી ચેદિરાજ મહારાજ મેઘવાહનના વંશમાં ઉદભવેલા કલિંગાધિપતિ ખારવેલની બાલક્રીડા, પછી લેખ્ય, રૂપ, ગણના, વ્યવહાર અને ધર્મવિધિમાં વિશારદ બની સર્વ વિદ્યાઓમાં સંપન્ન બની નવ વર્ષ સુધી યુવરાજપદ, પછી 24 વર્ષની વય વીતતાં કલિંગ રાજ્યવંશમાં મહારાજ્યાભિષેક, પ્રથમ વર્ષે જ ઝંઝાવાતમાં પડી ગયેલા ગોપુર અને પ્રાકારનો જીર્ણોદ્ધાર, ઋષિતળાવની પાળીઓના બાંધકામનો અને સર્વ પ્રકારનાં ઉદ્યાનોના પુનરુદ્ધારનો ઉલ્લેખ છે.
(2) નાસિકનો શિલાલેખ : વાસિષ્ઠીપુત્ર પુલુમાયિનો નાસિકગુફાનો આ શિલાલેખ ઈ. સ. 149માં કોતરવામાં આવેલો. આમાં રાજાની મનોદશાનું પ્રતિબિંબ છે. શિલાલેખમાં આ મુજબ નિરૂપણ કરવામાં આવ્યું છે : રાજા વાસિષ્ઠીપુત્ર પુલુમાયિના ઓગણીસમા વર્ષે ગ્રીષ્મ ઋતુના દ્વિતીય પક્ષના બે દિવસ વીત્યા બાદ ચૈત્ર સુદિ 13ના દિવસે રાજરાજ ગૌતમીપુત્ર, હિમવાન-મેરુ-મંદર પર્વત સમાન શ્રેષ્ઠ, ઋષિક, અશ્મક, મૂલક, સુરાષ્ટ્ર, કુકુર, અપરાન્ત, અનૂપ, વિદર્ભ અને આકરાવંતિના રાજા, વિંધ્ય, ઋક્ષવત્, પારિયાત્ર, સહ્ય, કૃષ્ણગિરિ, મર્ત્યશ્રી, સ્તન, મલય, મહેન્દ્ર, શ્રેષ્ઠગિરિ અને ચકોર પર્વતોના સ્વામી, સર્વ રાજલોકમંડલ પર શાસન કરનારા, ખીલેલા કમળ સમાન મુખવાળા, ત્રણ સમુદ્રોના અધિપતિ એવા શ્રી શાતકર્ણિની માતા મહાદેવી ગૌતમી બલશ્રીએ, સત્યવચન, દાન, ક્ષમા, અહિંસા, તપ, દમ, નિયમ અને ઉપવાસપરક જીવન ગાળતાં, રાજવધૂના પદને શોભાવતાં, ત્રિરશ્મિ પર્વતના શિખર પર શ્રેષ્ઠ વિમાનની જેમ મહાસમૃદ્ધિયુક્ત આ ગુફા ખોદાવી.
પ્રાકૃતનું શિલાલેખીય સાહિત્ય પણ મહત્વપૂર્ણ છે. ગુપ્તકાળની પૂર્વે જે લગભગ 1,500 શિલાલેખ ઉપલબ્ધ છે, તેમાં 25%થી વધારે સંખ્યા પ્રાકૃતના શિલાલેખોની છે; પરંતુ આ બધામાં સમ્રાટ અશોક (ઈ. સ.ની ત્રીજી સદી) દ્વારા ભારતના પશ્ચિમ, દક્ષિણ, મધ્ય તથા પૂર્વના ભાગોમાં બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિમાં કોતરાયેલી ધર્મલિપિઓનું મહત્વ સર્વાધિક છે. આ શિલાલેખો દ્વારા લગભગ 700 વર્ષોમાં ભિન્ન ભિન્ન દેશોમાં બોલચાલની ભાષાનાં વિવિધ રૂપોનું વૈજ્ઞાનિક અધ્યયન કરી શકાય છે. આ ર્દષ્ટિએ પણ આ શિલાલેખોનું મહત્વ છે.
નારાયણ કંસારા