પ્રાકૃતમણિદીપ : સંસ્કૃતમાં લખાયેલો પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. બીજું નામ ‘પ્રાકૃતમણિદીપિકા’. લેખક સુપ્રસિદ્ધ શૈવ વેદાન્તી અપ્પય્ય દીક્ષિત (1553–1636). સંપાદક : ટી.ટી. શ્રીનિવાસ ગોપાલાચાર્ય. પ્રકાશક : મૈસૂર વિશ્વવિદ્યાલયનું ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 1953. પુષ્પવનનાથ, વરરુચિ અને અપ્પય્ય દીક્ષિતના ‘વાર્તિકાર્ણવભાષ્ય’ વગેરેમાં ઘણો વિસ્તાર થયો હોવાથી સંક્ષેપમાં રુચિ ધરાવનારા માટે આ નાનકડી ‘મણિદીપિકા’ લખી છે. તેને સમજવામાં પડતી મુશ્કેલી નિવારવા સંપાદકે ‘પ્રાકૃતમણિદીપદીધિતિ’ નામની સરળ ટિપ્પણી લખી પોતાની આવૃત્તિમાં મૂકી છે, જે ખૂબ મદદરૂપ થાય તેવી છે. વૈયાકરણ વાલ્મીકિનાં મૂળ સૂત્રો ઉપર તે આધારિત છે. ‘કાત્યાયનસૂત્ર’ કરતાં વધારે વિસ્તૃત હોઈ આ સૂત્રો ચાર-ચાર પાદવાળા ત્રણ અધ્યાયમાં વહેંચાયેલાં છે. ‘પ્રાકૃતમણિદીપ’ના ઉપોદઘાતને અંતે લેખકનું નામ ચિન્નબોમ્મ રાજા આપ્યું છે, જ્યારે દરેક પ્રકરણને અંતે અપ્પય્ય દીક્ષિતનું નામ છે. આથી સમજાય છે કે વિજયનગરના રાજાના સામન્તરાજા ચિન્નબોમ્મ લેખકના આશ્રયદાતા હશે અને સોથી વધારે ગ્રંથો લખનાર લેખકે પોતાનો આ વ્યાકરણગ્રંથ તેના કહેવાથી તેને આપી દીધો હશે અને એ રીતે તેને નામે ચઢ્યો હશે. બ્રહ્મસૂત્ર ઉપરના શ્રીકંઠભાષ્યની અપ્પય્ય દીક્ષિતની ‘શિવાર્કમણિદીપિકા’—ટીકા અને આ ગ્રંથ બંનેની પ્રશસ્તિમાં લેખક માટે એકસરખાં વિશેષણો વપરાયાં છે અને બંને ગ્રંથોનાં નામમાં પણ સામ્ય હોવાથી બેઉના લેખક એક જ હોવાની પ્રતીતિ થાય છે. પોતાની સંસ્કૃત પ્રસ્તાવનામાં સંપાદકે નિર્દિષ્ટ ગ્રહોને આધારે લેખકની કુંડળી બનાવી છે. તે પણ સોળમા શતકના ઉત્તરાર્ધથી સત્તરમા શતકના ઉત્તરાર્ધનો સમય નિર્દેશે છે અને એ અપ્પય્ય દીક્ષિતનો નિશ્ચિત સમય છે. આ આવૃત્તિ માત્ર પ્રથમ ભાગ જ પ્રકટ કરે છે, જે સુબન્ત પ્રકરણ સુધીનો ભાગ સમાવે છે. તેમાં સંજ્ઞાવિધિ, સંધિવિધિ, અન્ત્યહલ્વિકાર, બિન્દુવિધિ, લિંગવ્યવસ્થા, સ્વરવિકાર, અસંયુક્ત અને સંયુક્ત હલ્ના આદેશ, નિપાત, તદ્ધિત પ્રત્યય, સ્ત્રીપ્રત્યયો, અવ્યય જેવા વિષયો આવરી લેવાયા છે. સુબન્તમાં પુંલ્લિગં, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં પ્રથમ સ્વરાન્તની ચર્ચા છે, પછી વ્યંજનાન્તની. પછી સર્વનામમાં પણ ક્રમાનુસાર ત્રણેય લિંગ લીધાં છે. વાલ્મીકિસૂત્રોની વાર્તિક સાથેની સૂચિ ઉપરથી સમજાય છે કે બારેય પાદમાં થઈને કુલ 1,087 સૂત્રો છે. આમાંથી ‘પ્રાકૃતમણિદીપ’ના પ્રથમ ભાગમાં 391 સૂત્રોનો વિનિયોગ થયો છે. ગ્રંથ સારો છે અને આખો પ્રકાશિત થાય તો ઉપયોગી નીવડે તેમ છે.
જયન્ત પ્રે. ઠાકર