પ્રશસ્તિ : પ્રશસ્તિ એટલે પ્રશંસા. પરંતુ અહીં ‘પ્રશસ્તિનું નાનું કાવ્ય’ એવો અર્થ અભિપ્રેત છે. આવી પ્રશસ્તિઓ ઘણી વાર શિલા પર કોતરાતી; જેમકે, રુદ્રદામા અને સ્કંદગુપ્તના જૂનાગઢ-શૈલલેખ, સમુદ્રગુપ્તનો અલાહાબાદ-શિલાસ્તંભલેખ, ખારવેલનો હાથીગુફા-લેખ, યશોધર્માનો શિલાસ્તંભલેખ, કુમારપાલનો વડનગર-શિલાલેખ, તેજપાલનો આબુ-દેલવાડા-શિલાલેખ, શ્રીધરનો પ્રભાસપાટણ-શિલાલેખ, ડભોઈનો વૈદ્યનાથ-શિલાલેખ અને કવિ નાનાકનો કોડિનાર-શિલાલેખ. આમાં સમુદ્રગુપ્ત અને યશોધર્માના અભિલેખ શુદ્ધ પ્રશસ્તિરૂપ છે, જ્યારે બીજા અભિલેખ પૂર્તનિર્માણ નિમિત્તે લખાયેલા છે. એમ તો ઘણાં દાનશાસનોમાં દાન દેનાર રાજા તથા એના પૂર્વજોની પ્રશસ્તિનો સમાવેશ થાય છે. પ્રશસ્તિલેખોમાં પરાક્રમ કે પરમાર્થની ઘટના નિમિત્ત હોય એ સ્વાભાવિક છે.

કેટલીક વાર હસ્તલિખિત ગ્રંથોના અંતે ગ્રંથકારની પ્રશસ્તિ આપવામાં આવે છે. એમાં કર્તાનાં નામ અને કુળ ઉપરાંત રચનાકાલ પણ જણાવવામાં આવે છે. ક્યારેક લહિયા લેખાયક અર્થાત્ પ્રત લખાવનારની પ્રશસ્તિ આપે છે. એમાં એના ગોત્ર કે ગચ્છ વગેરેની માહિતી મળે છે. અભિલેખોની જેમ આવી ગ્રંથને લગતી પ્રશસ્તિઓના પણ સંગ્રહ પ્રકાશિત થાય છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી