પ્રશસ્તિકાવ્ય : જેમાં પ્રશસ્તિ કેન્દ્રસ્થાને હોય એવી કાવ્યરચના. કવિતામાં જેમ સ્નેહ, ભક્તિ, વાત્સલ્ય જેવા ભાવો તેમ સ્તુતિ-પ્રશંસા જેવા ભાવો પણ અવારનવાર જોવા મળે છે. પ્રાર્થનાકાવ્યો, સ્તુતિકાવ્યો ને સ્તોત્રકાવ્યોમાંયે પ્રશસ્તિનો ભાવ ભળતો – પ્રગટ થતો જોઈ શકાતો હોય છે. કીર્તન-પ્રકારમાંયે પ્રશસ્તિનો ભાવ અનુસ્યૂત હોય છે. આ પ્રકારની રચનાઓ ઉપરાંત જીવનનાં વિવિધ ક્ષેત્રો – ખાસ કરીને ધાર્મિક, રાજકીય, વિદ્યાકીય વગેરે ક્ષેત્રોમાં નામાંકિત વિભૂતિઓને બિરદાવવાનો ઉપક્રમ પણ કવિતા દ્વારા ચાલતો હોય છે. યુરોપાદિ પાશ્ચાત્ય તેમજ ભારતાદિ પૌરસ્ત્ય દેશોમાં પ્રશસ્તિકાવ્યોની એક પરંપરા જ ભાટચારણો દ્વારા – લોકકવિઓ તેમજ રાજકવિઓ દ્વારા ચાલી છે અને અનેક સામાજિક-સાંસ્કૃતિક કે રાજકીય નિમિત્તો મળતાં પ્રશસ્તિમૂલક કાવ્યરચનાઓ થઈ છે. પ્રબંધ, રાસ, પવાડુ, ચરિય, છંદ, દુહા, રાસડા, બિરદાવલી જેવા અનેક પ્રકારોમાં ઢગલાબંધ પ્રશસ્તિમૂલક દીર્ઘ તેમજ લઘુ કાવ્યરચનાઓ થઈ છે. આ પ્રશસ્તિકાવ્યોમાં આશ્રિત કવિ આશ્રયદાતાનું ગુણગાન કે ગુણાનુવાદ કરતાં અતિશયોક્તિનોયે આશ્રય લેતો હોય છે. વળી આવાં કાવ્યોમાં ધર્મવીર, દયાવીર, દાનવીર ને ક્ષમાવીર જેવા વીરરસના વિવિધ પ્રકારોયે જોવા મળે છે. લોકકવિતા, દરબારી કવિતામાં તેમજ પ્રશિષ્ટ કવિતામાંયે આવી કવિતાના નમૂના મળી શકે. ‘રણમલ્લ છંદ’ હોય કે ‘કાન્હડદે પ્રબંધ’, ‘રાણકદેવીના દુહા’ હોય કે ‘કાદુ મકરાણીનું ગીત’ હોય – આવી રચનાઓમાં પ્રશસ્તિનો તાર જોઈ શકાય છે. કસીદા ને રાજિયા-મરસિયા જેવા કાવ્યપ્રકારોમાંયે પ્રશસ્તિની ભાવધારા પ્રગટ કે પ્રચ્છન્ન રીતે વહેતી હોય છે. આસાજી રોહડિયા, ઈસરદાસ, માંડણ વરસડા, હરદાસ મિશણ, સાંયાજી ઝૂલા, જીવણ રોહડિયા, ગોદડ મહેડુ, એભલ ગઢવી, લાંગીદાસ મહેડુ જેવા અનેક મધ્યકાલીન ચારણ કવિઓએ પોતપોતાની રીતે આ પ્રશસ્તિકાવ્યની ધારાને પુષ્ટ કરવાનું કાર્ય કર્યું છે. કાદુ મકરાણી, મૂળુ માણેક, શેઠ ઘેલાશા જેવા અનેકોની પ્રશસ્તિનાં કાવ્યો તેમની પાસેથી મળ્યાં છે. વળી જૈન કવિઓ દ્વારા પણ તીર્થંકરો, સાધુસૂરિઓ તેમજ શ્રાવકો આદિ વિશેનાં પ્રશસ્તિકાવ્યો મળ્યાં છે. તીર્થોની પ્રશસ્તિ વળી એક અલગ જ પ્રકાર જણાય છે. અર્વાચીન કવિ દલપતરામના ‘ફાર્બસવિલાસ’ ને ‘ફાર્બસવિરહ’માંયે પ્રશસ્તિની ધારા જોઈ શકાય. ગાંધીકવિતામાંયે એવાં અનેક કાવ્યો છે, જે ગાંધીજીના વિભૂતિતત્વની પ્રશસ્તિરૂપ હોય. વળી રાષ્ટ્રવીરો, ક્રાંતિવીરો વગેરેને લગતાંયે પ્રશસ્તિકાવ્યો મળે છે. પ્રશસ્તિકાવ્યોમાં જ્યારે ખુશામતનો ભાવ ભળે છે ને વિવેકનો અભાવ વરતાય છે ત્યારે તે નિમ્ન કોટિનાં બની રહે છે.

પ્રશસ્તિકાવ્યનો પ્રકાર જેમ ગુજરાતી તેમ ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં તેમજ ફારસી-અરબી વગેરેમાં ને અંગ્રેજી, ફ્રેન્ચ, લૅટિન આદિ વિદેશી ભાષાઓમાંયે મળે છે. એ પ્રકાર કોઈ ને કોઈ રૂપમાં આજેય એના પ્રભાવનો અનુભવ કરાવે છે. પ્રશસ્તિકાવ્યો સાધારણ રીતે પદ્યમાં હોય છે. કાવ્યાત્મક ગદ્યમાંયે પ્રશસ્તિવચનો મળે છે ખરાં.

ચન્દ્રકાન્ત શેઠ