પ્રવીણકુમાર (જ. 6 ડિસેમ્બર 1947, સરહાલી, જિ. અમૃતસર, પંજાબ) : દૂરદર્શનની મહાભારત શ્રેણીના ભીમ તરીકે વધારે જાણીતા ભારતના વ્યાયામવીર. પિતા પોલીસ-અધિકારી અને હૉકી-ખેલાડી. સાત ભાઈઓમાં પ્રવીણ ભીમની જેમ વચેટ અને સૌથી કદાવર. પક્વ વયે તેમની ઊંચાઈ 201 સેમી. અને વજન 125 કિગ્રા. પર પહોંચ્યાં.  પિતાના પ્રોત્સાહનથી ખેલકૂદમાં રસ લેતા થયા. પ્રવીણકુમારે તેમની ખેલકૂદની કારકિર્દી હથોડાફેંક અને ચક્રફેંકની રમતોથી આરંભી.

પ્રવીણકુમાર

1965 અને 1968માં ભારત–રશિયાની બે દેશોની ખેલકૂદ-સ્પર્ધામાં ચાર વખત હથોડાફેંકની સ્પર્ધામાં ભાગ લીધો. 1966માં જમૈકામાં યોજાયેલા રાષ્ટ્રસમૂહ રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં 60.12 મીટરના અંતરે હથોડો ફેંકીને બીજું સ્થાન અને 48.97 મીટર અંતરે ચક્ર ફેંકીને આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું. એ જ વર્ષે બૅંગકોક એશિયાઈ રમતોત્સવમાં 49.62 મીટર દૂરના અંતરે ચક્ર ફેંકીને સુવર્ણચંદ્રક મેળવી ભારતને ગૌરવ અપાવ્યું હતું; જ્યારે 57.18 મીટરના દૂરના અંતરે હથોડો ફેંકીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. 1970ના બૅંગકોક એશિયાઈ રમતોત્સવમાં 52.32 મીટર અંતરે ચક્ર ફેંકીને ફરીથી સુવર્ણચંદ્રક ભારતને અપાવ્યો. 1970ના એડિનબરો રાષ્ટ્રસમૂહ રમતોત્સવમાં 60.34 મીટરના અંતરે હથોડો ફેંકીને પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું. 1972 અને 1979માં આંતરરાજ્ય ખેલકૂદ સ્પર્ધામાં હથોડાફેંકમાં રાષ્ટ્રીય ચૅમ્પિયન બન્યા. આ ઉપરાંત 1972, ’74, ’77 અને ’88માં ખુલ્લા વિભાગની રાષ્ટ્રીય ખેલકૂદ ચૅમ્પિયનશિપ અને 1971, ’72 અને ’78માં આંતરરાજ્ય ખેલકૂદ ચૅમ્પિયનશિપમાં ચક્રફેંકમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું; જ્યારે 1974માં 53.64 મીટરના અંતરે ચક્ર ફેંકીને રજતચંદ્રક જીત્યો. 1975માં એશિયાઈ દોડકૂદ(track and field)-સ્પર્ધામાં 57.78 મીટરના અંતરે ચક્ર ફેંકીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1977માં પ્રથમ વિશ્વકપ ખેલકૂદ-સ્પર્ધા ડરોલડૉર્ફમાં યોજાઈ, જેમાં પ્રવીણકુમારે એશિયાના પ્રતિનિધિ તરીકે ચક્રફેંકની રમતમાં ભાગ લીધો અને 53.24 મીટરના અંતર સાથે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું. 1968માં રમતગમત-ક્ષેત્રમાં ભારત સરકારે અર્જુન પુરસ્કાર આપીને તેમનું બહુમાન કર્યું હતું. વ્યવસાયે તેઓ પંજાબમાં ડી.એસ.પી. તરીકેની સેવાઓ બજાવે છે. તેમણે ચલચિત્રો તથા ટી.વી. શ્રેણીઓમાં અભિનેતા તરીકે પણ કામ કર્યું છે.

હર્ષદભાઈ પટેલ