પ્રવાસસાહિત્ય

પ્રવાસ – મુસાફરી અંગેનું લલિત અથવા લલિતેતર ગદ્ય(ક્વચિત્ પદ્ય)માં રજૂ થતું સાહિત્યિક લખાણ. કોઈ પ્રદેશ, ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું લોકજીવન અને સંસ્કૃતિ આ સર્વ પરત્વેનાં લેખકનાં અવલોકન-ચિંતન-સ્મરણ-સંવેદનોને – અનુભૂતિઓને નિજી રસરુચિ સાથે અભિવ્યક્ત કરતું સાહિત્યનું એક સ્વરૂપ. નિબંધ કે આત્મકથાની જેમ ઉત્તમ પ્રવાસકથા સર્જનાત્મક સ્વરૂપની હોઈ શકે. જે તે ભાષામાં ગુણવત્તાની ર્દષ્ટિએ મહત્વનું અને જુદા જુદા સમયનું પ્રવાસસાહિત્ય ઉપલબ્ધ છે. ગુજરાતીમાં નર્મદ-દલપતના સુધારાયુગથી શરૂ કરીને સાક્ષરયુગ, ગાંધીયુગ અને સ્વાતંત્ર્યોત્તર યુગમાં નોંધપાત્ર પ્રવાસસાહિત્ય મળ્યું છે. ભ્રમણ અને પ્રવાસ વ્યાવહારિક-ધાર્મિક-સાંસ્કૃતિક પ્રયોજના માટે ને તે સાથે આનંદ માટે પણ હોઈ શકે છે. પ્રવાસ દ્વારા માનવીની ચિત્તક્ષિતિજો ક્રમશ: વિસ્તૃત બનતી જાય છે. વ્યક્તિ-સમષ્ટિનાં અને પ્રકૃતિનાં રસ-રૂપ-રંગે માનવીને મુગ્ધ કર્યો છે, અને તેની સૌંદર્ય-પિપાસા અને ચિંતનશીલતાને સંચાલિત કરી છે. માનવીની ભ્રમણ-ઇચ્છા પ્રબળ બનતી જાય છે અને તેથી પર્યટન-પ્રવાસ તેના માટેની એક અગત્યની પ્રવૃત્તિ બનતો રહ્યો છે. પ્રવાસવર્ણન અજાણ્યાં-અણદેખ્યાં પ્રદેશો, ર્દશ્યો, વાતાવરણ, લોકપ્રવૃત્તિ આદિનું દર્શન કરાવે છે; તેવી  રીતે જાણીતા પ્રદેશનીયે અવનવી વાતો દ્વારા આનંદાશ્ચર્યનો અનુભવ કરાવે છે. તેમાંથી વાચકને નવીન માહિતી પણ મળે છે. ગુજરાતીમાં આવું નોંધપાત્ર પ્રવાસસાહિત્ય સરજાયું છે.

પ્રાચીન અને મધ્યકાલીન યુગના સાહિત્યમાં આજના અર્થમાં પ્રવાસવર્ણન ર્દષ્ટિગોચર થતું નથી. ધાર્મિક પ્રયોજનસર થયેલાં તીર્થયાત્રાવર્ણનો પદ્યમાં જરૂર મળે છે. અર્વાચીન યુગમાં આરંભે આંશિક પ્રવાસનું નિરૂપણ કરતી કેટલીક કૃતિઓ લખાઈ છે. ડોસાભાઈ ફરામજી કરાકા-લિખિત ‘ગરેટ બરીટનની મુસાફરી’ (1861) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પ્રવાસકથા છે. ‘એક પારસી ઘરહસથ’-લિખિત ‘અમેરિકાની મુસાફરી’ (1962) ‘ડાએરી’(ડાયરી)ના સ્વરૂપે પ્રકાશિત થયેલું પ્રવાસવર્ણન છે. ત્યારપછી મહીપતરામ નીલકંઠનું ‘ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ (1804) નોંધપાત્ર છે. દીનશાહ અરદેશર તાલેયારખાંએ ‘દક્ષિણ હિંદુસ્થાનમાં મુસાફરી’માં એમના પ્રવાસનો પૂર્વાર્ધ આપ્યો છે. ઉત્તરાર્ધ બાકી રહ્યો જણાય છે. સુધારાયુગના પ્રવાસસાહિત્યમાં વસ્તુ અને નિરૂપણની ર્દષ્ટિએ તે નોંધપાત્ર ગણાય તેવો પ્રવાસગ્રંથ છે. અરદેશર ફરામજી મુસનું ‘હિંદુસ્થાનમાં મુસાફરી’ અધૂરું છે. ફરામજી દીનશાજી પીટીટે ‘યુરોપની મુસાફરી’ અને ‘યુરોપ, અમેરિકા, જાપાન અને ચીન’ પુસ્તકો લખ્યાં છે. કરસનદાસ મૂળજીએ ‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ’ (1866) લખ્યું છે. મરાઠીમાં પણ તેનો અનુવાદ થયેલો.

સુધારાયુગના પ્રવાસસાહિત્યમાં બોધ-ઉપદેશ, પ્રચારલક્ષિતા–હેતુલક્ષિતાનું લક્ષણ સ્પષ્ટ છે. દામોદર ઈશ્વરદાસે ‘ચીનની મુસાફરી’ લખી છે. કવિ શિવલાલ ધનેશ્વરે પદ્યમાં ‘કચ્છથી મહાબળેશ્વરનું પ્રવાસવર્ણન’ કર્યું છે. આ પ્રકારનાં પદ્ય પ્રવાસવર્ણનો જૂજ છે. મનચેરજી ભાવનગરી અને પૂતળીબાઈ વાડિયાએ મહારાણી વિક્ટોરિયાના સ્કૉટલૅન્ડ અને હાઇલૅન્ડના પ્રવાસનાં વર્ણનોનો અને મહીપતરામ નીલકંઠે ડબ્લ્યૂ. એસ. કેન-રચિત ‘ટ્રિપ રાઉન્ડ ધ વર્લ્ડ’નો ‘જગત- પ્રવાસ’ નામે કરેલો અનુવાદ નોંધપાત્ર છે.

સાક્ષરયુગનું પ્રવાસસાહિત્ય પુરોગામી સુધારાયુગના પ્રવાસ-સાહિત્યથી નિ:શંક આગળ વધ્યું છે. હરગોવિંદદાસ કાંટાવાળાએ ‘મહીસુરની મુસાફરી’ (ત્રણ આવૃત્તિઓ) કન્યાકેળવણીના સંદર્ભમાં રાજઆજ્ઞાથી લખી છે. કલાપીનો ‘કાશ્મીરનો પ્રવાસ’ ગદ્યગરિમાનું એક ઊજળું ઉદાહરણ છે. તેમાં કવિનો પ્રકૃતિપ્રેમ અને તેમની સૌંદર્યપ્રેમી ર્દષ્ટિ શિષ્ટ, સરલ, મધુર, વિશદ તથા પ્રવાહી ગદ્યશૈલીમાં, પત્રસ્વરૂપમાં પ્રગટ થયાં છે. આ પુસ્તક ગુજરાતી પ્રવાસવાઙ્મયનું એક સીમાચિહ્ન છે. સૌ. નંદકુંવરબાએ ગોંડલની મહારાણી તરીકે ‘ગોમંડળ પરિક્રમણ’માં પોતે યુરોપના દેશોમાં ભ્રમણ કર્યું તેનું રસપ્રદ બયાન કર્યું છે. કવિ હરિલાલ હ. ધ્રુવના ‘પ્રવાસપુષ્પાંજલી’માં 29 કાવ્યો પણ છે. ગણપતરામ ત્રવાડીના ‘યુરપ ખંડનું વર્ણન’ અથવા ‘દરિયાપારના દેશોની વાતો’માં ભૌગોલિક જ્ઞાન ભરપૂર છે. મહારાજા સયાજીરાવની આજ્ઞાથી બળદેવપ્રસાદ પાઠકે ‘યુરોપનો પ્રવાસ’ લખ્યું. દત્તાત્રય ચિંતામણિ મજમુદાર-લિખિત ‘યુરોપનો પ્રવાસ’ (ડાયરી), રામચંદ્રરાવ પાટિલ-રચિત ‘યુરોપના પ્રવાસનું સિંહાવલોકન’, છોટાલાલ બાબરભાઈ પટેલે લખેલ ‘જાપાનનું વૃત્તાંત’ અને ગિરજાશંકર દ્વિવેદીનો ધાર્મિક ર્દષ્ટિએ લખાયેલ દળદાર ગ્રંથ ‘ભારતવર્ષની યાત્રા’ નોંધપાત્ર છે. કેળવણીકાર મગનલાલ દલપતરામ ખખ્ખરનું ‘તીર્થયાત્રાવર્ણન’, ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનો ‘હિંદુસ્તાનમાં પ્રવાસ’, કવિ ગિરધરલાલનો ‘ભરતખંડનો પ્રવાસ’, સૌ. સુમતિની ‘દક્ષિણયાત્રા’ અને ધાર્મિક માહાત્મ્યના સંદર્ભમાં ભોમિયા જેવું શંકર ગણેશ ગોચિડેનું ‘શ્રીક્ષેત્ર નાશિક પંચવટી અને ત્ર્યંબૅંકવર્ણન’ ઉલ્લેખનીય પ્રવાસગ્રંથો છે. આ સમયના પારસી લેખકોએ તેમનાં લખાણમાં આવતી રમૂજી વૃત્તિ અને ચિત્રાત્મક તથા નાટ્યાત્મક અભિવ્યક્તિને કારણે રસપ્રદ પ્રવાસસાહિત્ય સર્જ્યું છે. આમાં જહાંગીર મર્ઝબાનનાં ‘મુંબાઈથી કાશ્મીર’, ‘મોદીખાનાથી મારસેલ્સ’, ‘વીલાયતી વેહેજાં’ અને ‘ગોરૂં વીલાયત’ નોંધપાત્ર પુસ્તકો છે. મર્ઝબાનની શૈલી તેના રોમાંચક અને રોચક નિરૂપણની સાથે તાજી અને આહલાદક છટાવાળી છે. આ ઉપરાંત આદરજી દાદાભાઈ પેટીવાળા-લિખિત ‘ઇંગ્લૅન્ડ અને આફ્રિકાનો જળપ્રવાસ’, કાવસજી દીનશાહજીનું ‘ઈરાનમાં મુસાફરી’ અને હાજી સુલેમાન શાહ મહમદના ‘પૃથ્વીની પ્રદક્ષિણા ભાગ 1’ અને ‘ઉત્તર ધ્રુવથી ખારટૂમ યાને પૃથ્વીની પ્રદક્ષિણા ભાગ 2’ ઉલ્લેખનીય છે. આ અરસામાં કેટલીક અનૂદિત પ્રવાસકૃતિઓ મળે છે; દા.ત., સ્વામી સત્યદેવે હિન્દીમાં રચેલ ‘અમરીકા પથદર્શક’, ‘અમરીકા કે  નિર્ધન વિદ્યાર્થી, ‘અમરીકા દિગ્દર્શન’ના અનુવાદો. રત્નસિંહ દીપસિંહનો ‘અમેરિકાપ્રવાસ’ અનૂદિત છતાંય મૌલિક કૃતિ જેવો રસિક ગ્રંથ છે. મરાઠીમાં ગજાનન પાંડુરંગ નાટેકરે (સ્વામી હંસે) લખેલ ‘શ્રી કૈલાસ માનસ સરોવર દર્શન’નો અનુવાદ સરળ અને શિષ્ટ ભાષામાં ગિરિજાશંકર ભગવાનજી બધેકાએ કર્યો છે. વાસુદેવ નરહરિ ઉપાધ્યાયે અંગ્રેજ પ્રવાસલેખક કામ્ફરના ગ્રંથનો ‘જાપાનનું વર્ણન’ નામે અનુવાદ કર્યો છે.

ગાંધીયુગમાં ઇયત્તા અને ગુણવત્તાની ર્દષ્ટિએ આપણને સમૃદ્ધ પ્રવાસસાહિત્ય પ્રાપ્ત થયું છે. કેટલાક પ્રવાસગ્રંથો તો કલાત્મક અને તેથી આસ્વાદ્ય છે. પ્રવાસસાહિત્યના ઉત્તમ પ્રવાસલેખક તો કાકા કાલેલકર. ‘હિમાલયનો પ્રવાસ’ તેમની ઉત્તમ અને યશસ્વી કૃતિ છે. આ ઉપરાંત તેમના ‘બ્રહ્મદેશનો પ્રવાસ’, ‘ઉગમણો દેશ’ અને ‘પૂર્વ આફ્રિકામાં’ જેવા પ્રવાસગ્રંથો ઉલ્લેખનીય છે. તેમના પ્રવાસલેખોમાં ‘લોકમાતા’, ‘જીવનલીલા’, ‘રખડવાનો આનંદ’ અને ‘ભારતદર્શન’(ચાર ભાગ)નો નિર્દેશ કરી શકાય. કાકાસાહેબ કુદરતઘેલા, જીવનભરના રખડુ મનીષી છે; એટલું જ નહિ, પરંતુ ભારતીય સંસ્કૃતિના પરિવ્રાજક આચાર્ય પણ છે. હિમાલયના આ અનુરાગીએ આપણને હિમાલયના અનુપમ પ્રેમચિત્રો આપ્યાં છે. ગાંધીયુગના આ મૂર્ધન્ય સાહિત્યકાર સૌંદર્યાનુરાગી, સંવેદનશીલ છતાંય વિનોદવૃત્તિવાળા સમર્થ ગદ્યસ્વામી છે. આ સમયના અન્ય લેખકોમાં પદ્માવતી દેસાઈ (‘પવિત્ર હિમાલય પ્રવાસ’); ઝવેરચંદ મેઘાણી (‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’, ‘સોરઠને તીરે તીરે’); ધીરજલાલ શાહ (‘કુદરત અને કળાધામમાં વીસ દિવસ’, ‘અચલરાજ આબુ’, ‘પાવાગઢનો પ્રવાસ’) અને રતિલાલ ત્રિવેદી (‘હિમાલયનો સર:પ્રદેશ’, ‘પ્રવાસનાં સંસ્મરણો’, ‘સ્મૃતિ અને દર્શન’) પ્રવાસ અંગેનું શિષ્ટ અને સુઘડ વાચન પૂરું પાડે છે. ડુંગરશી સંપટની ‘હિમાલયના પુણ્યપ્રદેશમાં’ કૃતિનો ઉલ્લેખ કરવો એટલે તેમની વેધક સ્મરણશક્તિને નવાજવી. રંગદર્શી વિજયરાય વૈદ્ય ‘ખુશ્કી અને તરી’માં તેમના કરાંચી અને રંગૂનના પ્રવાસોનું બયાન કરે છે. રામનારાયણ નાગરદાસ પાઠક ઉત્તમ પ્રવાસી છે. તેમણે ‘ચાર પ્રવાસો’, ‘કાળાપાણીને પેલે પાર’, ‘પ્રવાસપત્રો’, ‘ભારતયાત્રા’ અને ‘પલટાતી દુનિયાના દર્શને’ (આમાં છેલ્લી કૃતિ શ્રી ભાનુભાઈ શુક્લ સાથે) – આ પ્રવાસગ્રંથો આપ્યા છે. ધૂમકેતુ ‘પગદંડી’માં નૈનિતાલ, દાર્જિલિંગ, ગિરનાર વગેરેનું પ્રકૃતિનિરૂપણ કરે છે. સુન્દરમ્નું ‘દક્ષિણાયન’ ચિત્રાત્મક શૈલીમાં લખાયેલ, સૌંદર્યાભિમુખ સંસ્કૃતિદર્શનનો ઉત્તમ પ્રવાસગ્રંથ છે. કનૈયાલાલ મુનશીએ ‘મારી બિનજવાબદાર કહાણી’ અને તેમના યુરોપ-પ્રવાસની વાતો લાક્ષણિક અને જોમભરી સચોટ શૈલીમાં કરી છે. સમર્થ ચિત્રકાર રવિશંકર રાવળ તેમના ભારત, જાપાન અને રશિયાના પ્રવાસોનું વર્ણન ‘કળાકારની સંસ્કારયાત્રા’, ‘દીઠાં મેં માનવી નવાં’ અને ‘કુલુનો પ્રવાસ’માં કરે છે. એમાં તેમનું સંસ્કૃતિ અને કલાનું અવલોકન આકર્ષક છે. વળી ‘પૂર્વ આફ્રિકાનો પ્રવાસ’, ‘મ્હારું કાશ્મીરપ્રયાણ’, ‘નેપાળ-આસામ ભ્રમણ’, ‘હિંદપર્યટન’, ‘હિંદની માર્ગદર્શિકા’, ‘આબુ અને આરાસુર’ એ મણિલાલ જગજીવનભાઈ દ્વિવેદીના પ્રવાસગ્રંથો છે. મહાન ઉદ્યોગવીર નાનજી કાલિદાસ મહેતાએ ‘યુરોપનો પ્રવાસ’ અને ‘તપોભૂમિ બદરીકેદાર’માં સ-રસ અને પ્રમાણભૂત માહિતી આપી છે. આ ઉપરાંત હિંમતલાલ પુજારા, સારાભાઈ ચોકસી, સોમેશ્વર દ્વારકાપ્રસાદ જોશી, રતિલાલ કીકાણી, વ્રજલાલ કામદાર, હરિચંદ મહેતા, દવે મોહનલાલ વગેરેએ પ્રવાસસાહિત્યમાં પોતાનું પ્રદાન કર્યું છે. જેમનો ઉલ્લેખ કરવો ઘટે તેવાં પ્રવાસપુસ્તકોમાં જેઠાલાલ દવેનું ‘હિંદુસ્તાનની તીર્થયાત્રા’, લલ્લુભાઈ પંડ્યાનું ‘તીર્થયાત્રા દિગ્દર્શન’, રમણલાલ શાહનું ‘અમર યાત્રાધામો’ તથા ગદ્યપદ્યમાં સુખશંકર ત્રિવેદીનું ‘પ્રવાસ-વિનોદ’, શાંતિલાલ ગાંધીનું ‘દક્ષિણ ભારતનાં તીર્થધામો’ (પુત્રને ઉદ્દેશીને લખાયેલા પત્રો), લલ્લુભાઈ દેસાઈનું ‘શ્રી વ્રજયાત્રાદર્શન’ (ચોર્યાશી કોસની વ્રજપરિક્રમાનું સચિત્ર વર્ણન), મોહનલાલ ધામીનું ‘કચ્છ ગિરનારની મહાયાત્રા’ (જૈન તીર્થો), મુનિરાજ વિદ્યાવિજયનું ‘મારી સિંધયાત્રા’ (ધર્મપ્રચાર), વડિયા દરબાર શ્રી સુરગવાળા-રચિત ‘કાઠિયાવાડથી કન્યાકુમારી’, લીના મંગળદાસ-નિરૂપિત ‘સ્થલચિત્રો’ (શાંતિનિકેતન, ઓરિસાના પ્રવાસની ડાયરી), ‘ચીનપ્રવાસ’ વગેરે છે. પ્રવાસવર્ણનોની આ સૂચિમાં મોતીચંદ કાપડિયાનાં ‘યુરોપનાં સંસ્મરણો’, ગોવિંદજી પટેલનો ‘મારો અમેરિકાનો પ્રવાસ’, ક્ષિતિમોહન સેનની ગુજરાતીમાં અનુવાદ પામેલી ‘ચીન-જાપાન યાત્રા’, વિઠ્ઠલભાઈ પટેલનું ‘ચોરવાડથી જાપાન’ અને ચંદનબહેન દ્વિવેદીના ‘બલૂચિસ્તાન પર્યટન’નો પણ સમાવેશ કરવો ઘટે.

આ સમયના પારસી લેખકોએ ઈરાન, કાશ્મીર, યુરોપ, દાર્જિલિંગ, મૉસ્કો, પેશાવર વગેરે સ્થળોની મુસાફરી અને ત્યાંનાં જોવાલાયક સ્થળોનું મહદ્અંશે રમૂજી નિરૂપણ કરતા પ્રવાસગ્રંથો આપ્યા છે. આ સંદર્ભમાં નરીમાન મહેરવાનજી કરિયાનું ‘ઇરાક ભૂમિ પર રખડ’, ‘રંગભૂમિ પર રખડ’, મર્ઝબાન કોઠવાલાનું ‘મોટરમાં મુંબઈથી કાશ્મીર’, ‘મોટરમાં મારી મુસાફરી’, જીવનજી જમશેદજી મોદીનાં ‘મારી મુંબઈ બહારની સહેલ’, ‘યુરોપ-ઈરાનની મુસાફરી’ (જે પત્રશૈલીમાં લખાયું છે.) અને ‘ટૂંક ખરચમાં યુરોપ કેમ જશો ?’, સુનામાય દેસાઈ-રચિત ‘મારી કાશ્મીરની ટુર અને દાર્જિલિંગની મુસાફરી’ ઉલ્લેખનીય છે. શૌકત ઉસ્માનીની ‘પેશાવરથી મૉસ્કો’ પ્રવાસકથા કરતાં સવિશેષ સાહસકથા છે. આ પ્રવાસપુસ્તકોમાં અંગત અનુભવ, વિચાર, ચિંતન, સંવેદન તથા કલ્પનાનું ઠીક ઠીક સંયોજન થયું છે.

સ્વાતંત્ર્યોત્તર યુગનું પ્રવાસસાહિત્ય (1947 પછીનું) સંખ્યા, ગુણવત્તા અને વૈવિધ્યની ર્દષ્ટિએ સમૃદ્ધ છે. આમાં પ્રવાસસાહિત્યનું સ્વરૂપ પ્રગટ થતું જાય છે. નવનીત પારેખ (‘કૈલાસદર્શન’ – સ્થૂળ ચર્ચા કરતું છતાંય કલ્પનાપ્રચુર), પીતાંબર પટેલ (ભારતનાં નવાં યાત્રાધામો, જેમાં નાંગલ, સિંદરી, ચિત્તરંજન, તાતાનગર, હીરાકુડ, બૅંગ્લોર, મદ્રાસ વગેરેનાં વર્ણનો છે.) અને રમેશનાથ ગૌતમ (પાછળથી સ્વામી પ્રણવતીર્થ) (‘કૈલાસ’, ‘દક્ષિણકૈલાસદર્શન’, ‘ચલો બદરીકેદાર’, ‘બ્રહ્મદેશ’) ચારુતાયુક્ત શૈલીમાં પ્રવાસવર્ણનો આપે છે. અંબુભાઈ પુરાણીએ ‘ઇંગ્લૅન્ડની સંસ્કારયાત્રા’, ‘પથિકની સંસ્કારયાત્રાઓ’ તથા ‘આફ્રિકા અને અમેરિકાથી લખેલ પત્રસંચય’  – એ ગ્રંથો આપ્યા છે. યશોધર મહેતાનાં ‘શ્રીનંદા’ અને ‘44 રાત્રિઓ’ નોંધપાત્ર પ્રવાસવર્ણનો છે. ભોગીલાલ સાંડેસરા કૃત ‘પ્રદક્ષિણા’માં પ્રવાસવર્ણન કરતાં એમણે વિદ્યાયાત્રા નિમિત્તે જે શિક્ષણસંસ્થાઓ જોઈ તેનું, વિદ્યાકીય સમસ્યાઓનું તથા જે વ્યક્તિઓને મળ્યા તેમનું વર્ણન વિશેષ છે. મંજુલા મહેતાનાં ‘યુરોપની યાત્રાનો આનંદ’ અને ‘નંદનવન કાશ્મીર’ માહિતીલક્ષી છે. નરભેરામ સદાવ્રતી તેમની દૈનંદિની દ્વારા ‘શ્રી કૈલાસદર્શન’ લખે છે. કૈલાસ અને શ્રીકૈલાસ બંને જુદાં છે; તેનું યથાર્થ વર્ણન તેમણે કર્યું છે. સ્વામી આનંદ હિમાલયના મોટા ગજાના અનુરાગી છે. તેમનું ‘બરફ રસ્તે બદરીનાથ’ એ ‘ઍક્રૉસ ગંગોત્રી ગ્લૅશિયર્સ’નો ગુજરાતી અવતાર છે. તેમની પ્રવાસકથામાં રજૂ થતું અવનવી ભાષાભંગિઓવાળું ભાતીગળ ગદ્ય ગુજરાતી સાહિત્યશૈલીનું નજરાણું છે. કિશનસિંહ ચાવડાના પ્રવાસના કલાત્મક નિબંધો ‘હિમાલયની પત્રયાત્રા’માં છે. હર્ષદ દવેનું ‘અમે 26’ તાપી નદીમાંના તે ટુકડીના સાહસની દાસ્તાન છે. સાહસિક પ્રવાસવર્ણનનું આ એક નોંધપાત્ર પુસ્તક છે. ઈશ્વરચંદ ભટ્ટનું ‘ભ્રમણરસ’ દ્વારકા, સોમનાથ, ભિલાઈ અને દક્ષિણ ભારતનાં હૃદયંગમ શબ્દચિત્રોથી ભરપૂર છે. ઉમાશંકરને મન પ્રવાસ એક પ્રકારની અંતરયાત્રા છે. આ ર્દષ્ટિએ તેમનું ‘ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર’ તથા ‘યુરોપયાત્રા’ તથા મરણોત્તર પ્રસિદ્ધ થયેલ ‘ચીનમાં ચોપન દિવસ’ તથા ‘યાત્રી’ પ્રવાસવર્ણનની સ-રસ ઉલ્લેખનીય રસપ્રદ કૃતિઓ છે. ગુજરાતીમાં હિમાલયની યાત્રાનાં અનેક પુસ્તકો જુદા જુદા લેખકોએ લખેલાં છે, તેમાં ‘હિમાલય યાને ઉત્તરાખંડ’ (રમણલાલ શાહ); ‘મારો હિમાલયનો પ્રવાસ’ (રસિકલાલ પરીખ); ‘જય શ્રી બદરીકેદારનાથ’ (પૂર્ણિમા પકવાસા); ‘ગંગોત્રી-જમનોત્રી યાત્રા’, ‘કૈલાસ માનસરોવર યાત્રા’, ‘ભગવાન અમરનાથ’, ‘બદરીકાશ્રમ’ (સૌભાગ્યચંદ રાજદેવ); ‘શ્રી બદરીનાથની યાત્રા’ (ઠાકોરલાલ કાંટાવાળા) અને ‘ચાલો શ્રી કેદારબદરીનાથ’ (માલતી દલાલ – પોતાનાં બાળકોને પત્ર રૂપે) ઉલ્લેખનીય છે. ‘દક્ષિણનાં તીર્થો’ (તારાચન્દ અડાલજા); દક્ષિણાપથના પ્રવાસના સંબંધમાં ‘દક્ષિણ ભારતની વિકાસયાત્રા’ (કપિલરાય મહેતા) અને ‘પ્રવાસપત્રો’ (છોટુભાઈ અનડા) ધ્યાનાર્હ છે. વળી રમણલાલ સોનીનો ‘રળિયામણો મારો દેશ’; હિંમતલાલ વ્યાસનાં ‘પ્રવાસનાં સંસ્મરણો’, ધીરજલાલ ગજ્જરનો ‘ભારતનો પ્રવાસ’; રમણભાઈ પટેલનો ‘મેં જોયો આ ભારત દેશ’, ‘ચાર ખૂણા વર્તુળના’; જયંતકૃષ્ણ દવેનું ‘અમર ભારત’; વજુભાઈ દવેનાં ‘પ્રવાસપ્રસાદી’, ‘નવી નજરે કાશ્મીર’, ‘પ્રવાસપરાગ’ અને ‘પ્રવાસ પરિમલ’ પણ અત્રે સ્મરણીય છે. ચુનીલાલ મડિયાનું ‘જય ગિરનાર’ અને રમણલાલ શાહનું ‘મહારાષ્ટ્રનું નંદનવન માથેરાન’, મંજુલાલ મજમુદારનું ‘રેવાને તીરે તીરે’, ચીનુભાઈ પટવાનું ‘ચાલો, સજોડે પ્રવાસ કરીએ’, મોહનલાલ મહેતાની ‘પૃથ્વી પરકમ્મા’, ભોગીલાલ ગાંધીનું ‘રશિયાની કાયાપલટ’, રમણલાલ દેસાઈનું ‘રશિયા અને માનવશાંતિ’, નવલભાઈ શાહનું ‘સૂતેલો ખંડ જાગે છે’, ભાનુશંકર વ્યાસનું પત્રશૈલીમાં લખાયેલું ‘મંદારની પરકમ્મા’, રમણીક શાહનું ‘દર્શન અધૂરાં વસુંધરાનાં’, ચંદ્રકાન્ત પંડ્યાનું ‘સુદામાએ દીઠી દ્વારામતી’ આસ્વાદ્ય પ્રવાસવર્ણનો છે. ઈશ્વરભાઈ પટેલનો ‘એક શૈક્ષણિક પ્રવાસ’ અને ‘એક્સ્પૉ ’70ના દેશમાં’ ઉલ્લેખનીય પ્રવાસપુસ્તકો છે. મનસુખલાલ ઝવેરીએ ‘અમેરિકા – મારી ર્દષ્ટિએ’ પ્રસિદ્ધ કર્યું છે. બિપિન ઝવેરીનું ‘ધરતી ખૂંદી ભમી ભમી’ જાપાન, બાલી, બૅંગકૉગ, વિયેટનામ અને થાઇલૅન્ડના પ્રવાસોની કથા છે. રવિશંકર મહારાજે ‘મારો ચીનનો પ્રવાસ’, મોહન પરીખે પુત્રીને લખેલા પત્રો સ્વરૂપે પોતાના પ્રવાસની વાતો લખી છે. ઉપર્યુક્ત પ્રવાસપુસ્તકોમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, માનવસૃષ્ટિ અને તેની બહુવિધ પ્રવૃત્તિઓનું સુપેરે આલેખન થયું છે. ચંદ્રવદન મહેતા કૃત ગઠરિયાં ગ્રંથમાળામાં ઠેર ઠેર પ્રવાસસંસ્મરણો વેરાયેલાં છે. તેમની ‘ભમિયે ગુજરાતે’ પ્રવાસકથા છે. તેઓ અલ્લડ પ્રવાસી, સદાબહાર યુવાન અને રમૂજી લેખક છે. રસિક ઝવેરી અલગારી પ્રવાસી છે. તેમનું ‘અલગારી રખડપટ્ટી’ પ્રવાસકથાના આકર્ષક ઉન્મેષો પ્રગટ કરતી કૃતિ છે. શિવકુમાર જોષી ‘‘જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા’’ ભા. 1 અને 2 આધુનિક યુગની અને યુરોપ વિશેની સારી પ્રવાસકથા છે. આબિદ સુરતીએ સરળ અને ગતિશીલ શૈલીમાં ‘એક ઝલક જાપાનની’ અને શેખાદમ આબુવાળાએ ‘હું ભટકતો શાયર છું’ જેવી કૃતિઓ રચી આપી છે.

આ અરસામાં મરાઠી, હિંદીમાંથી ગુજરાતીમાં અનૂદિત થયેલી પ્રવાસસાહિત્યની કૃતિઓમાં સર્વોદય કાર્યકર કુસુમ નારગોલકરની હરિશ્ચંદ્ર દ્વારા અનૂદિત ‘જ્યાં ચીની સૈન્યો ત્રાટક્યાં હતાં’, પદ્મનાભ શ્રીવર્મા ‘જૈની’કૃત હિન્દી પુસ્તકનો શ્રી નગીનદાસ પારેખે કરેલો અનુવાદ ‘સિલોનમાં બે વર્ષ’, વિમલા સેતલવાડે શ્રીનિધિ સિદ્ધાંતાલંકારકૃત હિન્દી પુસ્તકો ‘શિવાલિકના પહાડોમાં’, ‘માલિનીનાં વનોમાં’ અને ‘માચન પર ઓગણપચાસ દિવસ’નો કરેલો અનુવાદ સ્મરણીય છે. આ બધી પ્રવાસકથાઓમાં વિષય, શૈલીની ર્દષ્ટિએ ભરપૂર વિવિધતા ર્દષ્ટિગોચર થાય છે.

છેલ્લા બે દાયકામાં શિવકુમાર જોશી, ધીરુભાઈ ઠાકર, વિષ્ણુ પંડ્યા, જિતેન્દ્ર દેસાઈ, રમણલાલ ચી. શાહ, ભોળાભાઈ પટેલ, પ્રીતિ સેનગુપ્તા, દુષ્યંત પંડ્યા, પ્રવીણ શેઠ, રઘુવીર ચૌધરી, સ્વામી સચ્ચિદાનંદજી વગેરેએ પ્રવાસસાહિત્યને સમૃદ્ધ કરવામાં યશસ્વી પ્રદાન કર્યું છે. ભોળાભાઈ પટેલના ‘વિદિશા’, ‘રાધે તારા ડુંગરિયા પર’, ‘દેવોની ઘાટી’, ‘દેવતાત્મા હિમાલય’, ‘કાંચનજંઘા’, ‘પૂર્વોત્તર’, ‘બોલે ઝીણા મોર’ જેવા પ્રવાસવર્ણનના ગ્રંથો આકર્ષક છે.

પ્રવાસસાહિત્ય (ભારતીય) : ગુજરાતી ભાષાની જેમ અન્ય ભારતીય ભાષાઓમાં આ સાહિત્યપ્રકાર ઓછેવત્તે અંશે ખેડાયો છે. આસામી પ્રવાસસાહિત્યનો ઉદગમ ત્રિપુરા બુરાન્જી રત્નાકાંડલી અને અર્જુનદાસ બૈરાગીના સહિયારા સર્જનથી થાય છે. અન્ય નોંધપાત્ર લેખકો ગુણાભિરામ બરુઆ અને આનંદચંદ્ર અગરવાલ છે. જ્ઞાનદાભિરામ બરુઆ (‘બિલાનાર ચિઠ્ઠી’), બિરિંચીકુમાર બરુઆ (‘સ્વેટ્ઝરલૅન્ડ બ્રહ્મન્’; ‘પ્રો. બરુઆર અમેરિકાર ચિઠ્ઠી’) અને લલિતકુમાર બરુઆ (‘યુરોપાર બાતૉ’) ઉલ્લેખનીય છે. હેમ બરુઆના ‘સાગર-દેખિયા’, ‘રંગા કરણિર ફૂલ’, ‘મૅકોંગ નાઇ દેખિલો’ અને ‘ઇઝરાયલ’ સ-રસ પ્રવાસવર્ણનો છે. આ ઉપરાંત હેમાંગ બિશ્વાસ, કનકચંદ્ર મોહંતા, પ્રસન્ના ગોસ્વામી, ચંદ્રપ્રસાદ સાઇકિયા, અબ્દુલસત્તાર, અમલેંદુ ગુહા, દેવેન્દ્રનાથ બારા તથા હેમલતા બરુઆએ પણ પ્રવાસકથાઓ આપી છે.

બંગાળી પ્રવાસસાહિત્યનું ભારતીય સાહિત્યમાં અનોખું સ્થાન છે. જલંધર સેન (‘હિમાલયા’), પ્રબોધકુમાર સંન્યાલ (‘મહાપ્રસ્થાનેર પાથે’; ‘દેવાત્મા હિમાલય’), ઉમાપ્રસાદ મુખરજી (‘બિગાલિટા કરુણા જ્હાન્બી જમુના’) ઉલ્લેખનીય પ્રવાસલેખકો છે. ગોરકિશોર ઘોષ અને બીરેન્દ્રનાથ સરકાર હિમાલયના અનુરાગીઓ છે. રવીન્દ્રનાથ ટાગોર પ્રવાસકથાના બેનમૂન રચયિતા છે. તેમનાં પ્રવાસપુસ્તકોમાં ‘રુશિયાર ચિઠ્ઠી’, ‘યુરોપ પ્રબાશિર પાત્ર’, ‘જાપાન જાત્રી’, ‘યુરોપ જાત્રિર ડાયરી’ અને ‘પાથેર સંચય’ છે. સ્વામી વિવેકાનંદે ‘પ્રાચ્ય-ઓ-પાશ્ર્ચાત્ય’ અને ‘પરિવ્રાજક’ લખ્યાં છે.

ઉપરાંત આનંદશંકર રે, મનોજ બાસુ, સુનીતિકુમાર ચેટરજી, સૈયદ મુઝાટાબા અલી, વિભૂતિભૂષણ મુખરજી પ્રવાસલેખકો છે. આમાંના મુખરજીએ ગામડાં અને પ્રકૃતિનું હૂબહૂ નિરૂપણ તેમનાં ‘અભિજાત્રિક’, ‘તિનાન્કુર’ અને ‘ઊર્મિમુખર’ પુસ્તકોમાં કર્યું છે. અવધૂતના ‘મેરુતીર્થ હિંગળાજ’માં વાર્તાની અંતર્ગત પ્રવાસવર્ણન છે. સુબોધકુમાર ચક્રવર્તી (‘રામાયણી વીક્ષ્યા’), નિર્મલકુમાર ગાંગુલી, શંકર નર્મદા (‘મોન મધુકર’, ‘ખજૂરાહો’, ‘ચાંડેલો સ્મૃતિ’), અતુલ ચંદ્રગુપ્તા (‘નદીપથે’) બીજા ઉલ્લેખનીય પ્રવાસલેખકો છે. પ્રબોધકુમાર સંન્યાલ વાર્તાની આડશમાં પ્રવાસકથાનું આલેખન કરે છે.

હિંદી સાહિત્યનાં પ્રવાસવર્ણનોના પ્રેરણાસ્રોતમાં સાહસ, જ્ઞાનની ખોજ, ધર્મપ્રચાર, આજીવિકાની શોધ અને ભ્રમણશોખ મુખ્ય છે. માહિતીવિષયક અને સાહિત્યિક એમ બંને પ્રકારનાં પ્રવાસવર્ણનો મળે છે. ઠાકુર ગદાધરસિંહ (‘ચીનમેં તેરહ માસ’); સ્વામી સત્યદેવ પરિવ્રાજક (‘જ્ઞાન કે ઉદ્યાનમેં’); ગણેશલાલ સોમાની (‘મેરી યુરોપયાત્રા’); રાહુલ સાંકૃત્યાયન (‘તિબેટમેં સવા વર્ષ’, ‘મેરી યુરોપયાત્રા’, ‘મેરી લડાખયાત્રા’, ‘મેરી જીવનયાત્રા’, ‘રાહુલ યાત્રાવલી’); કાકા કાલેલકર, વિષ્ણુ પ્રભાકર (‘ગંગા જમનાકે નહેરમેં’); યશપાલ જૈન, દેવેન્દ્ર સત્યાર્થી, શેઠ ગોવિંદદાસ (‘હમારા પ્રધાન ઉપનિવેશ’), ભગવતશરણ ઉપાધ્યાય, બેનીપુરી (‘પૈરોંમેં પંખ બાંધકર’); દિનકર (‘દેશવિદેશ’) અને ‘અજ્ઞેય’ પ્રતિનિધિ પ્રવાસલેખકો છે. આમાં રાહુલ સાંકૃત્યાયનનું નામ પ્રવાસસાહિત્યમાં ખૂબ જાણીતું છે.

ઉપરાંત કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાળમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઊડિયા, પંજાબી, રાજસ્થાની, સિંધી, તમિળ, તેલુગુ, ઉર્દૂ વગેરે ભારતીય ભાષાઓમાં પણ પ્રવાસસાહિત્ય રચાયું છે. વી. કે. ગોકાક અને એ. એન. મૂર્તિરાવ (કન્નડ); સોમનાથ સાધુ અને પુષ્કરભાણ (કાશ્મીરી); રવીન્દ્ર કાલેલકર અને બેત્રા એમ. બ્રેગાન્ઝા (કોંકણી); ઉપેન્દ્ર ઝા વ્યાસ અને રામાનંદ ઝા રમણ (મૈથિલી); એન. જે. નાયર, જૉસેફ મુંદાસરી અને કે. એમ. પણિક્કર તથા એસ. કે. પોટ્ટેકટ્ટુ (મલયાળમ); એન. કુંજમોહનસિંહ અને એમ. કે. બિનોદિની દેવી (મણિપુરી); ભાસ્કર હરિ ભાગવત (કરસનદાસ મૂળજીના ‘ટ્રાવેલ્સ ઇન ઇંગ્લૅન્ડ’નો મરાઠી અનુવાદ) અને વિષ્ણુભાટ ગોડસે, કાકા કાલેલકર, મહાદેવશાસ્ત્રી જોષી, ગંગાધર ગાડગીલ (મરાઠી); કુમાર ઘિસિંગ, બેનાસિંહ બાંગદેલ (નેપાળી); કે. બી. દાસ અને સૂર્યકાન્ત દાસ (ઊડિયા); નવલકિશોર કંકર, સુદામા, વી. રાઘવન્, સખારામ શાસ્ત્રી (રાજસ્થાની); લાલસિંહ કમલા અકાલી, હરદીતસિંહ, નરિન્દરપાલસિંહ અને કિરપાલસિંહ, ગુરબક્ષસિંહ (પંજાબી); વી. એસ. રામાસ્વામી શાસ્ત્રી, સખારામ શાસ્ત્રી (સંસ્કૃત); એન. આર. મલકાની, તાહિરામ આઝાદ, ક્રિશિન ખટવાણી (સિંધી); જગન્નાથ મુદાલિયર, એનુકુલા વીરાસ્વામી ઐયર, સાલેમ પગદાલુ, નરસિંહાલુ નાયડુ, એસ. વી. એસ. માનિયન, જી. ડી. નાયડુ (તમિળ); અવુલાગોપાલા, ક્રિષ્ના મૂર્તિ, સી. નારાયણ રેડ્ડી (તેલુગુ); મુનશી મેહબૂબ, અબ્દુલ હસન નદવી, ગોપીચંદ નારંગ (ઉર્દૂ) વગેરે લબ્ધપ્રતિષ્ઠ ભારતીય પ્રવાસલેખકો છે.

કેટલાક ભારતીય લેખકોએ અંગ્રેજીમાં પ્રવાસગ્રંથો લખ્યા છે. શાન્તા રામા રાવ (‘ઇસ્ટ ઑવ્ હોમ’, ‘માય રશિયન જર્ની’, ‘ગિફ્ટ્સ ઑવ્ પેસેજ’), અરુણા અસફઅલી (‘ટ્રાવેલ ટૉક’), એ. જી. પી. અય્યર (‘એન ઇન્ડિયન ઇન વેસ્ટર્ન યુરોપ’); કે. એમ. જ્યૉર્જ (‘અમેરિકન લાઇફ થ્રુ ઇન્ડિયન આઇઝ’) નોંધપાત્ર છે. આ ઉપરાંત ભારતન્ કુમારપ્પાનું ‘માય સ્ટુડન્ટ ડેઝ ઇન અમેરિકા’ આત્મકથનાત્મક પ્રવાસવર્ણન છે. ડી. એફ. કરાકાનાં ‘આઇ ગો વેસ્ટ’, ‘ચુંગ કિંગ ડાયરી’ સારાં પ્રવાસપુસ્તકો છે. વેદ મહેતાની ‘વૉકિંગ ઇન ઇન્ડિયન સ્ટ્રીટ્સ’ સંસ્કૃતિ અને સમાજ વિશેની વિવેચનાત્મક પ્રવાસકથા છે.

પ્રવાસસાહિત્ય : પાશ્ચાત્ય અને ભારતેતર : પ્રવાસસાહિત્ય ખાસ કરીને પશ્ચિમના સંદર્ભમાં, બહુ પુરાતન સમયથી ખેડાયેલો વિવિધતાભર્યાં લખાણોનો પ્રકાર છે. એને શુદ્ધ અર્થમાં સાહિત્યનું સ્વરૂપ, કે સાહિત્યનો પ્રકાર કહેવો મુશ્કેલ છે. વ્યવસાયે લેખક હોય એવી સંખ્યાબંધ પ્રતિભાઓએ તેમાં પોતીકું પ્રદાન કર્યું છે. આ ઉપરાંત અન્ય વર્ગોની મેધાવી વ્યક્તિઓએ પણ તેના વિકાસમાં ફાળો આપ્યો છે. આમ રાજદ્વારી પ્રતિનિધિઓ, વિદ્વાનો, ધર્મ-પ્રચારકો, નસીબ અજમાવવા નીકળી પડેલા સાહસિકો, ડૉક્ટરો, નવા પ્રદેશોની શોધમાં નીકળેલા પ્રવાસીઓ, ખલાસીઓ – એમ વિવિધ ક્ષેત્રના વ્યક્તિવિશેષોએ આ પ્રકારનાં લખાણો આપ્યાં છે. એટલે એક સ્વરૂપ કે પ્રકાર તરીકે જોતાં આમાં દરિયાઈ ખોજ કે અન્ય સાહસભર્યાં પરાક્રમોના વૃત્તાંત તેમજ વિદેશોમાંના પ્રવાસના હેવાલરૂપ સાહિત્યથી માંડીને ઘણીબધી પ્રકીર્ણ સામગ્રીનો સમાવેશ થઈ જાય છે.

જો વર્ગીકરણ કરવું જ હોય તો તેને મુખ્યત્વે સાહિત્યના ગદ્યસ્વરૂપોમાં મૂકી શકાય. કલ્પનોત્થ ગદ્ય સાહિત્યની તુલનામાં પ્રવાસસાહિત્યમાં પ્રવાસમાં વર્ણવાયેલાં બાહ્ય સ્થાનો કરતાં પ્રવાસ ખેડનાર વ્યક્તિનું અંતરંગ, તેની બૌદ્ધિક સજ્જતા, તેની ઊર્મિશીલતા, તેની વર્ણનછટા અને અન્ય લેખનકલા, તેની વૈયક્તિક વિલક્ષણતાઓ – આ બધાં પાસાં વધુ ભાગ ભજવે છે. અહીં લેખકે મુખ્યત્વે સાહિત્યકાર તરીકેની પોતાની શક્તિઓની પ્રતીતિ કરાવવાની નથી હોતી. જો એ ‘સાહિત્યિક ઢાંચામાં રહી લખતો હોય – લખી શકતો હોય, તો તે એક વિશિષ્ટ ગુણ ગણાય; પણ દરેક વખતે પ્રવાસવર્ણન સાહિત્યિક મૂલ્યવત્તા ધરાવતું જ હોય એ જરૂરી નથી. કોઈ અલગારી મુસાફર હોય, કોઈ કલાના નમૂનાઓનો કોવિદ હોય, કોઈ વિધવિધ ભૂમિતલનાં ર્દશ્યોનો માહેર હોય, કોઈ પ્રજાએ પ્રજાએ બદલાતા ચિત્રવિચિત્ર સંસ્કારપુંજનો અભ્યાસી હોય – એમ એકથી વધુ પ્રકારની વિલક્ષણ પ્રતિભાઓએ આ સ્વરૂપને સમૃદ્ધ કર્યું છે.

ઐતિહાસિક ર્દષ્ટિએ જોઈએ તો પ્રવાસવૃત્તાંતના (વહેલામાં વહેલા) સૌપહેલા નમૂના ઇજિપ્તમાંથી મળી રહે છે. અહીં ક્રાઇસ્ટ પૂર્વેની ચૌદમી સદીમાંથી જડતા ‘ધ જર્નિઇંગ ઑવ્ ધ માસ્ટર ઑવ્ ધ કૅપ્ટન્સ ઑવ્ ઇજિપ્ત’નો ઉલ્લેખ કરી શકાય. આ પછી ચીનમાંથી ઈ. પૂ. 494–399 દરમિયાન મળતા ફાહ્યાનના ભારતના પ્રવાસને નોંધી શકાય. આ સાથે ગ્રીસમાં ઈ. પૂ. 485–425માં મળતાં હિરૉડોટસનાં ઇતિહાસમૂલક લખાણોમાં પણ ઇજિપ્ત, આફ્રિકા વગેરેનાં વર્ણનો મળી આવે છે. ઈ. પૂ. 430ના અરસામાં ગ્રીકમાં ઝેનફનનાં લખાણો મળે છે. એ જ રીતે ગ્રીસમાંથી ઈસુની બીજી સદીમાં પોસાનિયસનાં લખાણોમાં ગ્રીસનું વિસ્તૃત વર્ણન મળે છે. રોમન લેખકોમાંથી હૉરેસના સમય દરમિયાન બ્રુન્ડિસિયસનું વર્ણન મળે છે.

તે પછી 1304–’78ના સમયગાળામાં થઈ ગયેલા અરબ મુસાફર ઇબ્ન બતુતાએ પણ પોતાનાં વિસ્તૃત પ્રવાસવિષયક લખાણોમાં દૂર પૂર્વ, ભારત, આફ્રિકા, દક્ષિણ રશિયા, ઇજિપ્ત, સ્પેન – એમ વિવિધ પ્રદેશોનું વર્ણન કર્યું છે.

મધ્યકાલીન સમય પછી નવજાગૃતિ એટલે કે રેનેસાંના ગાળા દરમિયાન વળી દરિયાઈ માર્ગો વાટે નવા દેશોની શોધમાં લાગેલા સંખ્યાબંધ પ્રવાસખેડુઓનાં અહેવાલરૂપ લખાણો પ્રાપ્ત થાય છે. તેમાં પૉર્ટુગીઝ, સ્પૅનિશ ઉપરાંત અંગ્રેજી નામોનો સમાવેશ થાય છે. માર્કો પૉલો (1254–1324ના અરસામાં); પંદરમી સદીમાં મૅહન અને સેબૅસ્ટિયન કૉબટ એમ બે ભાઈઓ; સોળમી સદીમાં ચેલીની – એ નામો મુખ્ય છે. અંગ્રેજીમાં 1598માં પ્રસિદ્ધ થયેલ હૅકલૂટની સફરોએ અને 1625માં મળતી તેની સંવર્ધિત આવૃત્તિએ બહુ પ્રભાવ પાડ્યો છે.

ઓગણીસમી સદીમાં પ્રવાસ-સાહિત્યને રોમૅન્ટિક પ્રેરણાનો સંસ્પર્શ મળવાથી હવે તેમાં નવાં વિષયવસ્તુ ઉમેરાય છે. રોમૅન્ટિક યુગમાં નિસર્ગ એટલે કે કુદરતના વિવિધ આવિષ્કારો સાથે તાદાત્મ્ય સાધવાની, જિજ્ઞાસા તેમજ અનુભવની પરાકાષ્ઠાએ પહોંચતી, રહસ્યવાદ સુધી ખેંચાતી–વ્યાપતી વૃત્તિથી પ્રેરાઈ, લેખકો હવે પ્રવાસને આત્મખોજના જ એક સાધન તરીકે લેખે છે. આને પરિણામે જર્મન લેખક ગ્યૂઇથેના 1786–88 દરમિયાન કરાયેલા ઇટાલીના પ્રવાસનું વર્ણન; રશિયન લેખક ગોન્કારોવ(1812–91)નું વિશ્વપ્રવાસનું વર્ણન; રશિયન લેખક આન્દ્રે બેલીનું પીટર્સબર્ગનું વર્ણન (1913–14); અંગ્રેજ ઇતિહાસકાર ઍલેકઝાન્ડર ડબ્લ્યૂ. કિંગલેક (1819–91)નું તેમજ ફ્રેંચ લેખક ગેલિનો(1816–82)નું એશિયાના પ્રદેશોનું વર્ણન મુખ્ય છે. આ ઉપરાંત રૂસો, આનાતોલ ફ્રાન્સ વગેરેનાં વૅનિસનાં વર્ણનોનો ઉલ્લેખ પણ થઈ શકે. છેક હોમરના સમયથી પ્રવાસ, એ માણસ માટે પોતાના અંતરતમ અનુભવોને નિરૂપવા માટેનું એક મુખ્ય પ્રતીક બની રહ્યું છે.

દિગીશ મહેતા

વિ. પ્ર. ત્રિવેદી