પ્રવાસનભૂગોળ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રવાસન-ભૂગોળનું ક્ષેત્ર મુખ્યત્વે લાંબીટૂંકી રજાઓના ઉદ્યોગ પર કેન્દ્રિત થયું છે. ઘરની બહાર મળતાં મનોરંજનના સંદર્ભમાં પર્યટન અંગેના અભ્યાસો ઘરઆંગણે થવા લાગ્યા છે. પ્રવાસનના ફેલાવા સાથે જુદાં જુદાં પાસાંઓને અનુલક્ષીને ભૂગોળશાસ્ત્રીઓએ આ ક્ષેત્રને ખેડવા માંડ્યું છે. આમાં લોકો દ્વારા વિવિધ દેશોમાં થતું સ્થળાંતર, વાહનવ્યવહારમાં સાધનોનો વિકાસ, વધુ સરળતાથી જે તે જગ્યાએ જઈ શકાય તેવી સવલતો, જમીનના ઉપયોગમાં થતો ફેરફાર, શહેરી વિકાસ, સાંસ્કૃતિક વિનિમય વગેરેનો સમાવેશ થાય છે; છતાંય આશ્ચર્ય તો એ વાતનું છે કે અલ્પસંખ્યક ભૂગોળશાસ્ત્રીઓનું ધ્યાન પ્રવાસનના વિષય પર દોરાયું છે. આ વિષયમાં પાયાનું કામ કરનાર પ્રા. ઇ. ડબ્લ્યૂ. ગિલ્બર્ટનું નામ નોંધપાત્ર છે. તાજેતરમાં જે. એ. પેટમોરે જે તે પ્રદેશની ભૂગોળ અને આરામ માટેની આ પ્રવૃત્તિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને પ્રવાસનભૂગોળ પર પ્રકાશ ફેંક્યો છે.

સાંપ્રત સમયમાં પ્રવાસનભૂગોળની અગત્ય વધતી જાય છે. પ્રવાસનનો બહુધા સંદર્ભ જગ્યાના વિસ્તાર સાથે છે; એટલું જ નહિ, પરંતુ પ્રવાસનનું સ્થળ કઈ જગ્યાએ છે અને લોકોની અવરજવર કઈ જગ્યાએથી ક્યાં થાય છે તે તેનું અગત્યનું પાસું છે. પ્રવાસનભૂગોળે પ્રવાસીની જરૂરિયાત અને તેના સંતોષને લક્ષમાં લઈ પોતાનો ભાગ ભજવવાનો છે.

પ્રવાસના કોઈ પણ સ્થળનું આકર્ષણ તેની રચના, સ્વરૂપ, ઉપયોગ અને જાળવણી પર આધારિત છે. પ્રવાસનના સ્થળે સહેલાણીઓને રહેવા માટે આવાસો અને અન્ય સગવડો ઊભી કરીને અને છતાં પણ તે સ્થળની પ્રકૃતિને, તેના અસલ સ્વરૂપને આંચ ન આવવા દઈને તેને જેમની તેમ જાળવી રાખી પ્રવાસન-ઉદ્યોગના પ્રયાસો રાષ્ટ્રીય ઉદ્યાનો અને આરક્ષિત કરાયેલાં પ્રાકૃતિક સ્થળોની કુનેહપૂર્વક માવજત કરે છે. જોકે આના પરિણામે પરસ્પર વિરોધાભાસી અસરો જે તે પ્રવાસનાં સ્થળો પરત્વે થાય છે; પરંતુ ભૂગોળનું કામ તો આ બંને પરિણામોને સંતુલિત રાખવાનું છે. પ્રવાસન-ઉદ્યોગે જમીન-વિસ્તારના કુદરતી દેખાવ પર થતી અવળી અસર અને લોકસંખ્યાશાસ્ત્રની કાળજી રાખવી ઘટે. પ્રવાસન-વિભાગ પ્રવાસના સ્થળની આજુબાજુના પ્રદેશોનો વિકાસ કરે છે અને તેમ કરીને ત્યાંના આર્થિક અને લોકસંખ્યાવિષયક જરૂરી ફેરફારો લાવવા પ્રયત્ન કરે છે. ભૂગોળશાસ્ત્રીઓનું ધ્યાન આ બાબતે સાધારણ રીતે જ દોરાયું છે. આથી જે તે પ્રવાસન-પ્રદેશના આર્થિક વિટંબણા અને વસ્તીનિયંત્રણના પ્રશ્નો ઉકેલવા માટેની યોજનાઓ હાથ પર લઈ શકાય છે. પ્રવાસન એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે અને એટલા વાસ્તે આર્થિક ભૂગોળનો એ ભાગ છે. પ્રવાસનને મહત્વનો ઉદ્યોગ ગણવામાં આવે છે. તેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને રોટીરોજી મળે છે; એટલું જ નહિ, પરંતુ ત્યાં આવાસો, જીવનજરૂરિયાતની વસ્તુઓની લેવડદેવડ, વાહનવ્યવહાર અને આનંદપ્રમોદનાં સાધનોનો પણ વિકાસ થાય છે. આમાં બીજી સેવાઓની વૃદ્ધિની સાથે તે અંગેનું માહિતીવિષયક સાહિત્ય પણ પ્રગટ કરવામાં આવે છે. અવિકસિત કે અર્ધવિકસિત પ્રદેશોમાં વિકાસની યોજનાઓ દ્વારા જે તે પ્રદેશની ઉન્નતિ થાય છે. ભારતમાં 1996–97ના વર્ષમાં પ્રવાસનક્ષેત્રે સીધેસીધી નોકરીઓની સંખ્યા 91 લાખ અને આડકતરી રીતે 2 કરોડ અને 1 લાખની થઈ છે. છેલ્લા ત્રણ દશકામાં ભારતમાં પ્રવાસનનો વિકાસ ઘણો થયો છે. 1996ના વર્ષમાં પરદેશથી આવનાર પ્રવાસીઓની સંખ્યા 22,87,860 હતી તે 1997માં 23,74,094 થઈ છે. હૂંડિયામણની કમાણીમાં પ્રવાસીઓનો ફાળો 1996–97ના વર્ષમાં રૂ. 10,418 કરોડને બદલે 1997–98ના વર્ષમાં રૂ. 11,264 કરોડ થયો છે. ભારત સરકારે 1997–98 માટે પ્રવાસન-વિભાગ માટે રૂ. 4,728.99 લાખ મંજૂર કર્યા હતા, જેમાંથી રૂ. 1,607.25 લાખ રાજ્ય સરકારોને ફાળવવામાં આવ્યા હતા. ભારત સરકારે પ્રવાસનક્ષેત્રના વિકાસ માટે ડિપાર્ટમેન્ટ ઑવ્ ટુરિઝમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ ટુરિઝમ ઍન્ડ ટ્રાવેલ મૅનેજમેન્ટ, નૅશનલ કાઉન્સિલ ફૉર હોટેલ મૅનેજમેન્ટ ઍન્ડ કૅટરિંગ ટેક્નૉલોજી, ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્કીઇંગ ઍન્ડ માઉન્ટેનિયરિંગ, તથા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વૉટરસ્પૉટર્સ વગેરેની સ્થાપના કરી છે. 1997માં પ્રવાસનક્ષેત્રે 325 ટુર ઑપરેટરો, 220 ટ્રાવેલ-એજન્ટો અને 165 ટ્રાન્સપૉર્ટ ઑપરેટરો કાર્ય કરે છે. આમ દેશની આર્થિક સુધારણા માટે પ્રવાસનક્ષેત્ર એક અગત્યનું પાસું બની રહે છે. બોશ્ચ(Boesch)ના મત મુજબ મનોરંજન અંગેના અભ્યાસો વિવિધ પ્રકારના અને અટપટા હોય છે. આર્થિક ભૂગોળના અભ્યાસીઓ માટે આ સંશોધનનો વિષય બની રહે છે. પ્રવાસન દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધે છે અને તેમ થતાં તે દેશની આયાત અને નિકાસમાં પોતાનું આગવું પ્રદાન કરે છે. પ્રવાસનક્ષેત્રની સામાજિક અને સાંસ્કૃતિક અસરો અગત્યની અને લાંબા ગાળાની હોય છે. ભૂગોળવેત્તાને મન આ અગત્યની વાત છે. પ્રવાસન-વિભાગના સામાજિક ફાયદાઓમાં નવા રસ્તાઓનાં બાંધકામ કે સમારકામ, વીજળીનું વિસ્તરણ, પીવાલાયક પાણીનો પુરવઠો, ગટરવ્યવસ્થા, ઇસ્પિતાલો, શાળાઓ અને તરેહતરેહની વસ્તુઓના વેચાણ માટેની દુકાનો વગેરેની વ્યવસ્થાઓના વિકાસ જેવી બાબતોનો સમાવેશ થાય છે. પ્રવાસનથી સાંસ્કૃતિક વિચારો અને વિનિમયો દ્વારા જે તે પ્રદેશની સંસ્કૃતિ પર પરસ્પર ગાઢી અસર થાય છે. આમ પ્રવાસન-ભૂગોળને વ્યાવહારિક અથવા ઔદ્યોગિક વિજ્ઞાન અને કલા તરીકે પણ જોઈ તપાસી શકાય.

પ્રવાસનક્ષેત્રનું વિશિષ્ટ લક્ષણ ભૌગોલિક છે. આમાં જે તે સ્થળ અને ત્યાં પહોંચવાના વાહનવ્યવહાર અગત્યનાં છે. પ્રવાસનું સ્થળ દરિયાકિનારે છે કે પ્રદેશના અંતરિયાળ ભાગમાં છે અને કેટલી સરળતાથી તે સ્થળે પહોંચી શકાય તેમ છે તે અગત્યનું છે. તે સ્થળની ભૂરચના પણ તેટલી જ અગત્યની છે. કેટલાક સહેલાણીઓ વેરાનઉજ્જડ પ્રદેશ અને એકાંતની શોધમાં હોય છે. આમાં પ્રાકૃતિક ર્દશ્ય અથવા જમીનવિસ્તારમાં કુદરતી દેખાવનું સ્થળ તેમના માટે મહત્વનું બની રહે છે. તેમાં ઊગતી વનસ્પતિ અને તેનું પ્રાકૃતિક સૌંદર્ય પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. પ્રવાસનક્ષેત્રનું હવામાન, ત્યાંનો તડકો, વાતાવરણ તથા ભેજ વગેરે પણ અગત્યનાં છે. ત્યાંનું પ્રાણીજગત, ત્યાંનો પક્ષીઓનો વસવાટ અને તેમનું આવાગમન અને કુદરતી રહેઠાણમાં તેમની સૃષ્ટિનું અવલોકન વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષણો હોય છે. વળી ખુલ્લામાં રમાતી રમતગમતો જેવી કે માછીમારી અને વન્ય પશુપંખીઓનો શિકાર વગેરે માટેની સવલતો પણ પ્રવાસીઓનો શોખ સંતોષે છે. પ્રાકૃતિક પરિવેશ પર – ભૂતલ પર માણસનો પ્રભાવ પડે છે. પ્રવાસસ્થળે રહેવા માટેની જગ્યા, આજુબાજુનાં ઐતિહાસિક સ્થાપત્યો અને પુરાતત્વના અવશેષો પ્રવાસીઓ માટે આગવું આકર્ષણ બને છે. વળી પ્રવાસસ્થળ પરની વસ્તીનાં આગવાં સાંસ્કૃતિક લક્ષણો – જેવાં કે તેમની જીવનશૈલી, લોકસાહિત્ય, કલાત્મક અભિવ્યક્તિ વગેરે – ત્યાં ફરવા જવા માટેનાં કારણો બને છે.

ભૂગોળનો પ્રભાવ પર્યટનપ્રવાસ-ક્ષેત્ર પર કેટલો બધો હોય છે તે આથી સમજાય છે. પ્રવાસન અંગેનો અભ્યાસ તે ઉદ્યોગમાં આર્થિક પાસાંઓ પર ભાર મૂકે છે. તેમાં હોટેલ અને ખાદ્ય પદાર્થ અંગેના અભ્યાસો થાય છે. તેમાં સહેલાણીઓ માટેની વાહનવ્યવહારની સુવિધા અંગે પણ જરૂરી અભ્યાસ થવા લાગ્યા છે. આમ પ્રવાસન માટે ભૂગોળ અગત્યનો ભાગ ભજવે છે. જો એક સ્થળ અન્ય સ્થળથી જુદું જ ન પડતું હોય તો પ્રવાસનક્ષેત્ર ઉદભવે જ નહિ તે નિ:શંક છે.

કૃષ્ણમૂર્તિ કુલકર્ણી

અનુ. વિ. પ્ર. ત્રિવેદી