પ્રવચનસારોદ્ધાર : જૈન ધર્મની અનેક બાબતો ચર્ચતો જૈન ધર્મનો સર્વસંગ્રહ કે વિશ્વકોશ જેવો વિપુલ ગ્રંથ. મૂળ પ્રાકૃત નામ ‘પવયણસારુદ્ધારો’. રચયિતા નેમિચન્દ્રસૂરિ (અગિયારમું શતક), ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ની સંસ્કૃત ટીકા અને ‘મહાવીરચરિય’ના લેખક. આ રચના કુલ 1,599 ગાથાઓ અને 276 દ્વારમાં વહેંચાયેલી છે. સિદ્ધસેનસૂરિ(બારમું–તેરમું શતક)એ તેના ઉપર ‘તત્વજ્ઞાનવિકાશિની’ કે ‘તત્વપ્રકાશિની’ નામની સંસ્કૃત વૃત્તિ લખી છે. આ સિદ્ધસેનસૂરિ સિદ્ધસેન દિવાકર તથા સિદ્ધસેનગણિથી જુદા છે. આ ટીકા સાથે આ ગ્રંથ મુંબઈના શેઠ દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારના ગ્રંથાંક 58 તથા 64 તરીકે 1922 તથા 1926માં બે ભાગમાં પોથી-આકારે પ્રકાશિત થયો છે. તેમાં અનુક્રમે 103 અને 173 દ્વાર છપાયાં છે. શ્રમણ તથા શ્રાવકના આચાર આદિને લગતી પુષ્કળ સામગ્રીની ચર્ચા આમાં થઈ છે. આ વિષયો ક્રમાનુસાર પહેલી 63 ગાથાઓમાં આપેલા છે. જૈન- સિદ્ધાન્તસાગરના સારભૂત આ સઘળા વિષયો કોઈ મહત્વપૂર્ણ વિષય રહી ન જાય તે રીતે નિર્દેશ્યા છે. આથી ‘પ્રવચનસારોદ્ધાર’ એ નામ યથાર્થ છે. પદ્ધતિસર છણાવટ પામેલા આ વિષયોમાંનાં કેટલાકનાં નામ જોઈએ :

ચૈત્યવન્દન, ગુરુવન્દન, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, કાયોત્સર્ગ, ગૃહિવ્રત-અતિચાર, વિંશતિ-સ્થાન, જિનોના યક્ષ-યક્ષિણી-લાંછન-વર્ણ-આયુષ્ય-નિર્વાણ-પ્રતિહાર્ય-અતિશયો, જિનકલ્પી, સ્થવિરકલ્પી, મહાવ્રતો, ચૈત્યપંચક, પુસ્તકપંચક, દંડકપંચક, તૃણપંચક, ચર્મપંચક, દૂષ્યપંચક, અવગ્રહપંચક, પરીષહો, સ્થાંડિલભેદ, ભવનપતિ આદિની લેશ્યાઓ, જીવોની લેશ્યાઓ, એકેન્દ્રિય-દ્વીંદ્રિયાદિ જીવોની વીગતો, 42 પ્રકારની પુણ્યપ્રકૃતિઓ, 82 પ્રકારની પાપપ્રકૃતિઓ, જીવ અને અજીવનું અલ્પત્વ તેમજ બહુત્વ, યુગપ્રધાનોની સંખ્યા, કૃષ્ણરાજીસ્વરૂપ, અસ્વાધ્યાયિક, નન્દીશ્વરસ્વરૂપ, લબ્ધિ તેમજ તપના ભેદો, પાતાલ-કલશો, આહારકસ્વરૂપ, અનાર્યદેશો અને આર્ય-દેશો, સિદ્ધોના 31 ગુણો વગેરે. શ્રમણો તેમજ શ્રાવક ગૃહસ્થોના આચાર આદિને લગતા આટલા બધા નાનામોટા વિષયોની આવી છણાવટ અન્યત્ર ભાગ્યે જ મળી શકશે.

કેટલાક વિદ્વાનો આ અંગે આ ગ્રંથની સાથેના પ્રદ્યુમ્નસૂરિકૃત ‘વિચારસાર’ના સામ્ય તરફ ધ્યાન દોરે છે. બંનેમાં વિષયસામ્ય છે; પરંતુ તેમાં નિર્દેશેલ ન હોય એવા કેટલાય વિષયો અહીં જોવા મળે છે અને અહીં ન હોય તેવા કેટલાકની વીગતો તેમાં મળે છે. તેથી બંનેનું અલગ અસ્તિત્વ ઉચિત જ છે. વળી ‘વિચારસાર’ મુખ્યત્વે ક્રિયાપ્રધાન છે, જ્યારે ‘પ્રવચનસારોદ્ધાર’ જ્ઞાનપ્રધાન છે.

જયન્ત પ્રે. ઠાકર