પ્રવર : બ્રાહ્મણ જે વંશમાં જન્મ્યો હોય તે વંશના સર્વપ્રથમ ઋષિઓનાં નામો. વૈદિક યુગમાં પોતાની ઓળખાણ આપવા માટે ગોત્ર અને પ્રવર કહેવામાં આવતાં. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ગુરુનાં ગોત્ર અને પ્રવર વડે પોતાની ઓળખાણ આપતા. બાળક ગુરુ પાસે ભણવા જાય ત્યારે અને સંધ્યા, યજ્ઞ વગેરે ધાર્મિક વિધિ વખતે ગોત્ર અને પ્રવર તથા વેદની શાખાનો નિર્દેશ કરી ઓળખાણ આપવામાં આવતી. લગ્ન સમયે ગોત્રની ઓળખાણ એટલા માટે જરૂરી હતી કે એક જ ગોત્ર અને પ્રવર ધરાવતી કન્યા સાથે વરનાં લગ્ન કરવાનો નિષેધ હતો.

પ્રત્યેક ગોત્રના ચોક્કસ પ્રવરો ત્રણ કે પાંચની સંખ્યામાં હોય છે : (1) જમદગ્નિ ગોત્રના જમદગ્નિ, ઔર્વ અને વસિષ્ઠ; (2) ભરદ્વાજ ગોત્રના ભરદ્વાજ, અંગિરસ અને બાર્હસ્પત્ય; (3) વિશ્વામિત્ર ગોત્રના વિશ્વામિત્ર, મરીચિ અને  કૌશિક; (4) અત્રિ ગોત્રના અત્રિ, આત્રેય અને શાતાતપ; (5) ગૌતમ ગોત્રના ગૌતમ, વસિષ્ઠ અને બાર્હસ્પત્ય; (6) વસિષ્ઠ ગોત્રના વસિષ્ઠ, અત્રિ અને સાંકૃતિ; (7) કાશ્યપ ગોત્રના કાશ્યપ, આપ્સાર અને નૈધ્રુવ; (8) અગસ્ત્ય ગોત્રના અગસ્તિ, દધીચિ અને જૈમિનિ; (9) સૌકાલિ ગોત્રના સૌકાલિ, અંગિરસ, બાર્હસ્પત્ય, આપ્સર અને નૈધ્રુવ; (10) મૌદગલ્ય ગોત્રના મૌદગ, ચ્યવન, ભાર્ગવ, જમદગ્નિ અને આપ્નુવાન્; (11) પરાશર ગોત્રના પરાશર, શક્તિ અને વસિષ્ઠ; (12) બૃહસ્પતિ ગોત્રના બૃહસ્પતિ, કપિલ અને પાર્વણ; (13) કાંચન ગોત્રના અશ્વત્થ, દેવલ અને દેવરાજ; (14) વિષ્ણુ ગોત્રના વિષ્ણુ, વૃદ્ધિ અને કૌરવ; (15) કૌશિક ગોત્રના કૌશિક, અત્રિ અને જમદગ્નિ; (16) કાત્યાયન ગોત્રના અત્રિ, ભૃગુ અને વસિષ્ઠ; (17) આત્રેય ગોત્રના આત્રેય, શાતાતપ અને સાંખ્ય; (18) કાણ્વ ગોત્રના કાણ્વ, અશ્વત્થ અને દેવલ; (19) કૃષ્ણાત્રેય ગોત્રના કૃષ્ણાત્રેય, આત્રેય અને વાસ; (20) સાંકૃતિ ગોત્રના અવ્યાહાર, અત્રિ અને સાંકૃતિ; (21) કૌણ્ડિલ્ય ગોત્રના કૌણ્ડિલ્ય, સ્તિમિક અને કૌત્સ; (22) ગર્ગ ગોત્રના ગાર્ગ્ય, કૌસ્તુભ અને માંડવ્ય; (23) આંગિરસ ગોત્રના આંગિરસ, વસિષ્ઠ અને બાર્હસ્પત્ય; (24) અનાવૃકાક્ષ ગોત્રના ગાર્ગ્ય, ગૌતમ અને વસિષ્ઠ; (25) અવ્ય ગોત્રના અવ્ય, બલિ અને સારસ્વત; (26) જૈમિનિ ગોત્રના જૈમિનિ, ઉતથ્ય અને સાંકૃતિ; (27) વૃદ્ધિ ગોત્રના કુરુવૃદ્ધ, અંગિરા અને બાર્હસ્પત્ય; (28) શાંડિલ્ય ગોત્રના શાંડિલ્ય, અસિત અને દેવલ; (29) વાત્સ્ય ગોત્રના ઔર્વ, ચ્યવન, ભાર્ગવ, જમદગ્નિ અને આપ્નુવાન્; (30) સાવર્ણ ગોત્રના ઔર્વ, ચ્યવન, ભાર્ગવ, જમદગ્નિ અને આપ્નુવાન્; (31) આલંબ્યાયન ગોત્રના આલંબ્યાયન, શાલંકાયન અને શાકટાયન; (32) વૈયાઘ્રપદ્ય ગોત્રના સાંકૃતિ; (33) ઘૃતકૌશિક ગોત્રના કુશિક, કૌશિક અને ઘૃતકૌશિક અથવા બંધુલ; (34) શક્તિ ગોત્રના શક્તિ, પરાશર અને વસિષ્ઠ; (35) કાણ્વાયન ગોત્રના કાણ્વાયન, આંગિરસ; બાર્હસ્પત્ય, ભરદ્વાજ અને અજમીઢ; (36) વાસુકિ ગોત્રના અક્ષોભ્ય, અનન્ત અને વાસુકિ; (37) ગૌતમ ગોત્રના ગૌતમ, આપ્સર, અંગિરસ, બાર્હસ્પત્ય અને નૈધ્રુવ અથવા આવાસ; (38) શુનક ગોત્રના શુનક, શૌનક અને ગૃત્સમદ; (39) સૌપાયન ગોત્રના ઔર્વ, ચ્યવન, ભાર્ગવ, જમદગ્નિ અને આપ્નુવાન્ એ પ્રવરો છે એમ ધનંજયના ‘ગોત્રપ્રવરવિવેક’ નામના ગ્રંથમાં જણાવ્યું છે.

વર્ષા ગ. જાની

પ્ર. ઉ. શાસ્ત્રી