પ્રવક્તા : રેડિયો નાટક આદિમાં સૂત્રધારની જેમ નાટ્યસંચાલન તેમ સંકલનકાર્ય કરતું મહત્વનું પાત્ર. રંગભૂમિ પર ભજવાતાં કેટલાંક નાટકોમાં પ્રવક્તા સૂત્રધાર કે પાત્રરૂપે પ્રવેશ લેતો હોય છે અને તેનું કાર્ય બજાવતો હોય છે (જેમ કે, અર્વાચીન નાટકોમાં ‘સુમનલાલ ટી. દવે’માં સૂત્રધાર, ‘પીળું ગુલાબ અને હું’માં સ્ત્રીનિર્માતા, ‘નજીક’માં રામદયાલ); પણ રેડિયોનાટકમાં પ્રવક્તા(narrator)ની વિશિષ્ટ કામગીરી હોય છે.

રેડિયોનાટક ‘સંવાદ’ પર નિર્ભર શ્રાવ્ય-કલાપ્રકાર છે. તેમાં વસ્તુસંકલનાસંદર્ભે સ્થળ-સમયનાં બંધનો નથી હોતાં. તેથી લેખક પ્રવક્તાનો ઉપયોગ વસ્તુવિકાસમાં ખૂટતા અંકોડાઓ પૂરા પાડવા, સ્થળ કે સમયનો નિર્દેશ કરવા, પાત્રોના બાહ્ય કે આંતરિક સંઘર્ષને મુખરિત કરવા વર્ણનાત્મક કે વિવરણાત્મક ઢબે કરતો હોય છે.

રેડિયોનાટકમાં પ્રવક્તા બે રીતે આવે છે : (1) તટસ્થ પ્રવક્તાની રીતે અને (2) પાત્રપ્રવક્તાની રીતે. તટસ્થ પ્રવક્તા રેડિયોનાટકનું અંતર્ગત પાત્ર ન હોવાને કારણે તે સર્વજ્ઞ બની ભિન્ન ભિન્ન જગ્યાએ આવશ્યક પૂર્તિ કરવાનો અને કૃતિને અ-ખંડ રાખવાનો ધર્મ બજાવે છે; પણ આ પ્રવક્તા આગંતુક હોવાને કારણે તેનો વધુ પડતો પ્રવેશ શ્રોતાઓને વિક્ષેપકારક લાગવાનો પૂરો સંભવ રહે છે. પાત્રપ્રવક્તા રેડિયોનાટકની પાત્રસૃષ્ટિનો જ એક ભાગ હોવાથી તેનું વિવરણ વધુ પ્રભાવક રહે છે અને શ્રોતાઓ સાથે સહજતાથી ભાવાત્મક અનુસંધાન જાળવી શકે છે. રેડિયોનાટકનો કસબ જે લેખકોને આત્મસાત્ થયો હોય તેઓ પાત્રોના પરસ્પરના સંવાદના જ માધ્યમથી અને રેડિયોનાટકની અન્ય પ્રયુક્તિઓથી કૃતિને અનવદ્ય રમણીય બનાવવાનો ઉપક્રમ સેવતા હોય છે. તેઓ જરૂરી હોય તો જ પ્રવક્તાનો કલાત્મક વિનિયોગ કરતા હોય છે. પ્રવક્તાની ભાષા દીર્ઘસૂત્રી કે આડંબરી નહિ; પણ સીધી, સરળ, સચોટ અને શ્રોતાઓ સાથે હૃદયસંવાદ કરનારી હોવી જરૂરી છે. નિર્માતા પણ ‘પ્રવક્તા’નું પાત્ર પસંદ કરવામાં કલાકારના અવાજ(voice quality)ને અગ્રિમતા આપતો હોય છે.

સામાન્ય રીતે દસ્તાવેજી (ફીચર) કે ચરિત્રાત્મક (biographical) રેડિયોનાટકમાં પ્રવક્તાનો ઉપયોગ થતો હોય છે. કોઈ નવલકથા પરથી રેડિયોરૂપાંતર કરવાનું થાય ત્યારે પણ રૂપાંતરકાર નવલકથાના આડપ્રસંગોને કે ગૌણ પાત્રોને વિવેકપૂર્વક ટાળી પ્રવક્તાની મદદથી રેડિયોનાટકને એકસૂત્રે બાંધવાનો પ્રયત્ન કરતો હોય છે. લેખકે શક્ય હોય ત્યાં સુધી પ્રવક્તાનો ઉપયોગ ન કરવો હિતાવહ છે, પણ જો કૃતિની આંતરિક જરૂરિયાત હોય તો લેખકે રેડિયોનાટકનું શિલ્પ ખંડિત ન બને એ રીતે વિવેકબુદ્ધિથી તેનો ઉપયોગ કરવો ઇષ્ટ ગણાય છે. ટેલિસ્ક્રિપ્ટમાં પણ પ્રસંગોપાત્ત, પ્રવક્તાનો ઉપયોગ થતો હોય છે.

લવકુમાર દેસાઈ