પ્રદર્શનવૃત્તિ : એક પ્રકારની જાતીય વિકૃતિ. જાતીય ઉત્તેજના પ્રાપ્ત કરવા માટે બિનરાજી કે અસંમત પ્રેક્ષક સમક્ષ પોતાનાં જનનાંગો ખુલ્લાં કરવા લાગે છે. આવાં પ્રદર્શન દરમિયાન પ્રદર્શક મોટેભાગે હસ્તમૈથુન પણ કરે છે અને સામાન્ય રીતે પ્રદર્શન બાદ થોડા સમયમાં જ ત્યાંથી પલાયન થઈ જાય છે. પ્રદર્શનનું આ કાર્ય પોતે જ સામાન્ય રીતે સાધ્ય હોય છે, સાધન નહિ.

પ્રદર્શનવૃત્તિને જાતીય વિકૃતિ ગણવામાં આવે છે. એને અશ્લીલ પ્રદર્શન કે લૈંગિક પ્રદર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે. સી. કૉલમૅન નામના મનોવૈજ્ઞાનિક આ પ્રકારના જાતીય વિચલન કે જાતીય વૈવિધ્યને ‘કુસમાયોજિત (maladjusted) અને સામાજિક ર્દષ્ટિએ અમાન્ય જાતીય વર્તનતરેહો’ના વર્ગમાં મૂકે છે.

અશ્લીલ પ્રદર્શન કરનાર વ્યક્તિઓ મોટેભાગે યુવાનો હોય છે. ક્યારેક પ્રદર્શન કરનારી વ્યક્તિ વૃદ્ધ કે મદ્યપાન-વ્યસની પણ હોય છે. સ્ત્રીઓમાં આવી વિકૃતિનું પ્રમાણ નોંધાયું નથી. આમાં સામેની વ્યક્તિની સંમતિ કે સહકાર કે ઇચ્છા હોતી નથી; તેથી દેખીતી રીતે જ તે ગુનો બને છે. અમેરિકામાં અશ્લીલ પ્રદર્શન સૌથી વ્યાપક જાતીય ગુનો છે અને જાતીય ગુનાઓમાં એનું પ્રમાણ 1/3 જેટલું છે. ગેબહાર્ડ અને તેના સાથીઓને (1965) જેલમાંના જાતીય ગુનેગારોના અભ્યાસમાં જણાયું કે પ્રદર્શકો વિજાતીય વ્યક્તિઓ સાથેના સમાયોજનમાં મુશ્કેલી ધરાવતા હોય છે. ખૂબ જ ઓછા પ્રદર્શકો લગ્ન કરે છે અને લગ્ન કરનારા મોટેભાગે પોતાના લગ્નજીવનમાં વેશ્યાઓ સાથેના જાતીય સંબંધો કે હસ્તમૈથુન પર આધાર રાખે છે. તેઓ સજાનો ભોગ બનતા હોવા છતાં આ કુટેવ છોડતા નથી.

અશ્લીલ પ્રદર્શકો આ ગુનો વારંવાર કરે છે. તેઓ આ કાર્ય માટે અંદરથી અનિવાર્ય ક્રિયાદબાણ (compulsion) અનુભવે છે. મોટાભાગનાં પ્રદર્શનો અગાઉથી ઘડી કાઢેલાં (premeditated) હોય છે, પરંતુ તેમાં અજાણી વ્યક્તિઓને લક્ષ્ય બનાવવામાં આવે છે. આવા પ્રદર્શકો સામાન્ય રીતે જાહેર બગીચાના ખૂણા, પોતાના મકાનની બાલ્કની, સિનેમાગૃહોના આછા પ્રકાશવાળી જગાઓ, બસ-સ્ટૅન્ડ કે શાળાઓની આસપાસના વિસ્તારોમાં વિજાતીય વ્યક્તિઓની રાહ જુએ છે અને તક મળે તો એકલદોકલ સ્ત્રીઓ પસાર થાય ત્યારે પોતાનાં જાતીય અંગોનું પ્રદર્શન કરે છે. આવા પુરુષો નાહિંમત હોઈ મોટેભાગે પ્રદર્શનથી આગળ વધતા નથી. આમ લગભગ 80% પ્રદર્શન બિનઆક્રમક હોય છે; છતાં 20% કિસ્સાઓમાં સ્ત્રી ઉપર આક્રમણ પણ થાય છે.

અશ્લીલ પ્રદર્શકો સામાન્ય રીતે શરમાળ, અતડા અને સામાજિક રીતે પછાત હોય છે. તેમને પોતાની જાતીય શક્તિ અંગે આશંકા હોય છે. મોટાભાગના નપુંસક હોય છે અને આવી પ્રવૃત્તિ કદાચ પુરુષત્વ વિશેનો વિશ્વાસ જગાવવા માટે થતી હોય છે.

અશ્લીલ પ્રદર્શનનો હેતુ સ્ત્રીને આઘાત આપી જાતીય સંતોષ મેળવવાનો હોય છે. જો સ્ત્રીને આઘાત ન લાગે તો પ્રદર્શક હતાશ થઈ જાય છે. સામેની સ્ત્રી જેટલી હેબતાઈ જાય તેટલો પ્રદર્શક જાતીય ઉશ્કેરાટ વધુ અનુભવે છે.

કેટલીક વાર અશ્લીલ પ્રદર્શન અન્ય મનોવિકૃતિના ભાગરૂપ હોય છે. વિચ્છિન્ન ચિત્તવિકાર (schizophrenia) અને વ્યામોહ(paranoia)ના દર્દીમાં પણ આવી વૃત્તિ જોવા મળે છે.

બિપીનચંદ્ર મગનલાલ કોન્ટ્રાક્ટર