પ્રદરાંતક રસ : મહિલાઓને થતા પ્રદરરોગ માટેનું આયુર્વેદિક ઔષધ.

ઔષધિ પાઠ અને વિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, રૌપ્ય ભસ્મ, બંગ ભસ્મ, કોડી ભસ્મ, શંખ ભસ્મ, પ્રવાલ ભસ્મ, શંખજીરાની ભસ્મ અને રાળ – આટલાં 9 દ્રવ્યો સરખા વજને લઈ તે બધાંના સમાન વજને લોહભસ્મ લઈ, બધું મોટી ખરલમાં એકત્ર કરીને ઘૂંટવામાં આવે છે. પછી તેમાં લીલી ધરો, દાડમ અને આમળાના સ્વરસની 3–3 ભાવના (પુટ) આપી, 3 દિન સુધી ખરલ કરે છે. છેવટે તેમાં કુંવારપાઠાનો રસ નાંખીને 1 દિવસ સુધી ખરલમાં તેની ઘૂંટાઈ કરીને તેની 1–2 રતીની નાની ગોળીઓ વાળવામાં આવે છે. પછી તે ચૂર્ણ રૂપમાં શીશીમાં ભરી લેવામાં આવે છે.

માત્રા અનુપાન : 2–2 ગોળી અથવા 125 મિગ્રા. દવા દિવસમાં 2થી 3 વાર આમળાના રસ અને મધ સાથે અથવા ઘી અને મધ સાથે અપાય છે.

ઉપયોગ : મહિલાઓને ગુપ્ત માર્ગેથી પડતા સફેદ પાણી, લીલા રંગના કે લાલ રંગના થતા (વધુ રજ) સ્રાવ તથા શૂળ, પ્રદરરોગ અને સોમરોગ(જળપ્રદર)માં આ ઔષધ ખાસ ઉપયોગી અને લાભપ્રદ છે. આ ઔષધના સેવનથી માસિકધર્મ સાફ આવે છે અને શરીર નીરોગી તથા તેજસ્વી બને છે. જે સ્ત્રીઓનાં શરીર નિસ્તેજ હોય અને વારંવાર ચક્કર આવતાં હોય, સહનશીલતા ન હોય, આંખોની ચારે બાજુ કાળાશ, હૃદયની અનિયમિત ગતિ, સહેજ મહેનત કરતાં હૃદયની ગતિ વધી જવી, હાથ-પગ તૂટવા, મન ઉદાસ રહેવું, દાહ, મંદાગ્નિ, કઠણ ચીજો ન પચવી, પેટ ભારે રહેવું અને પ્રદરનો સ્રાવ ગરમ ગરમ પાતળો પાણી જેવો નીકળવો વગેરે લક્ષણો હોય તેમને આ પ્રદરાંતક રસ અમૃત સમાન ગુણકારી બને છે.

બળદેવપ્રસાદ પનારા