પ્રતિરોપણ અને નિરોપ (transplantation and graft)

February, 1999

પ્રતિરોપણ અને નિરોપ (transplantation and graft)

અન્ય અવયવ, સ્થાન કે વ્યક્તિમાં કોઈ પદાર્થ કે પેશીને રોપવામાં આવે કે જેથી તે તેને મેળવનાર એટલે આદાતા (recipient) અવયવ, સ્થાન કે વ્યક્તિનો જાણે એક આંતરિક (integral) ભાગ બની જાય તેને નિરોપ (graft) કહે છે. જો તે ફક્ત સજીવ પદાર્થ હોય તો તેને પ્રતિરોપ (transplant) કહે છે. તેમને મૂકવાની ક્રિયાને અનુક્રમે નિરોપણ (grafting) અને પ્રતિરોપણ કહે છે. તેને માટે પ્રત્યારોપણ શબ્દ પણ વપરાશમાં છે. સામાન્ય રીતે દાંત, ચામડી કે હાડકાનો ટુકડો અથવા ચામડી કે સ્વચ્છા(cornea)ની સપાટી પરના અધિચ્છદ (epithelium) નામના સ્તરનું નિરોપણ કરાય છે. આંખની કીકીનું પારદર્શક ઢાંકણ સ્વચ્છાને નામે ઓળખાય છે. તેના અધિચ્છદનું નિરોપણ સાદી ભાષામાં નેત્રદાન તરીકે જાણીતું છે. સામાન્ય રીતે આખા અવયવને જ્યારે બીજી વ્યક્તિમાં રોપવામાં આવતો હોય ત્યારે તેને પ્રતિરોપ કહે છે પરંતુ જો પેશી કે અવયવના કોઈ ભાગને વ્યક્તિના પોતાના જ શરીરમાં બીજે ક્યાંક કે બીજાના શરીરમાં રોપવામાં આવતો હોય તો તેને નિરોપ કહે છે. ઘણી વખત બંને શબ્દોને એકબીજાની અવેજીમાં પણ વાપરવામાં આવે છે, જેમ કે સ્નાયુબંધનિરોપ (tendon graft) અથવા સ્નાયુબંધપ્રતિરોપ (tendon transplant) તથા દંતનિરોપ (tooth graft) અથવા દંતપ્રતિરોપ (tooth transplant).

જે વ્યક્તિમાંથી પેશી કે અવયવ લેવાય તેને દાતા (donor) કહે છે, જ્યારે જે વ્યક્તિ તેને સ્વીકારે છે તેને આદાતા (recipient) કહે છે. અમેરિકા દેશમાં હાલ 59,૦૦૦ માણસો સુયોગ્ય અવયવદાન માટે રાહ જુએ છે તે દર્શાવે છે કે આ પ્રક્રિયાનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. મુશ્કેલી પૂરતી સંખ્યામાં દાનને યોગ્ય અવયવો ઉપલબ્ધ હોતા નથી તે છે. સજીવ દાતા પાસેથી મૂત્રપિંડ, અને અમુક અંશે ફેફસું કે યકૃત (liver) મેળવવાની પદ્ધતિ હાલ અમલમાં છે. તેમ છતાં મોટા ભાગે મૃતદેહાંગી (cadaveric) દાનનો વધુ ઉપયોગ થાય છે.

મૃતદેહાંગી (cadaveric) દાતાઓ : સામાન્ય રીતે મગજને ઈજા થઈ હોય, મગજમાં લોહી વહી ગયું હોય કે મગજનું કૅન્સર થયું હોય અને તેને કારણે મૃત્યુ પામેલી, પરંતુ અન્ય બીજી બધી રીતે તંદુરસ્ત વ્યક્તિના અવયવને અવયવદાન માટે લેવાય છે. આવા સંજોગોમાં મગજ મૃત્યુ પામ્યું હોય પરંતુ હૃદય ચાલુ હોય તો તેને મસ્તિષ્કી મૃત્યુ (brain death) કહે છે. તેથી મસ્તિષ્કી મૃત્યુની ચુસ્ત વ્યાખ્યા જરૂરી બને છે. ભારતમાં તેને કાયદાકીય સ્વરૂપ અપાયેલું છે. તે ઉપરાંત, ભારતમાં અવયવ-પ્રતિરોપણ અંગે પણ સુનિશ્ચિત કાયદાકીય જોગવાઈ કરાયેલી છે. મસ્તિષ્કી મૃત્યુની સ્વીકાર્ય વૈજ્ઞાનિક વ્યાખ્યા પ્રમાણે દર્દી ગાઢ બેભાનાવસ્થા(coma)માં હોય, તેનું શ્વસન અટકી ગયું હોય (શ્વસનસ્તંભન, apnoea), તેની કનીનિકાલક્ષી (pupillary), સ્વચ્છાલક્ષી (corneal), સંતુલન-નેત્રીય (vestibulo-occular) અથવા ગ્રસનીલક્ષી (pharyngeal) પરાવર્તી ક્રિયાઓ (reflexes) બંધ થઈ હોય તેવી વ્યક્તિ બે કે વધુ તબીબો સહમત થાય તો મસ્તિષ્કી મૃત્યુ પામેલી ગણાય છે. તેમાં નિદાનકસોટીઓ રૂપે રુધિરાભિસરણનું વિકિરણ ચિત્રણ (blood circulation scan) અથવા ધમનીચિત્રણ (arteriography) અને શ્વસનસ્તંભન કસોટી(apnoea test) કરાય છે. અવયવને દાન માટે લેતા પહેલાં મૃતકનાં કુટુંબીજનોની મંજૂરી મેળવાય છે અને તેના જીવન દરમ્યાન તેને કોઈ રોગો, વિકારો, અકસ્માતો કે ઈજાઓ થયેલી છે કે નહિ તે જાણી લેવાય છે. જો દાતાનું હૃદય બંધ થઈ ગયું હોય અને તેને સારવારથી ઝડપથી ફરીથી ચાલુ કરી શકાયેલું હોય તેવી માહિતી મળે તો તેવા મૃતદેહાંગી અવયવને પણ દાન માટે સ્વીકારાય છે. મગજ સિવાયના અવયવનું કૅન્સર, એઇડ્ઝ જેવો ચેપી રોગ કે ઔષધ કુપ્રયોગ (drug abuse) ન થયેલાં હોય તો સામાન્ય રીતે તેવી મૃત વ્યક્તિના અવયવને દાન માટે સ્વીકારવામાં આવે છે.

આકૃતિ 1 : (અ) શરીરના અવયવો (1) મોટું મગજ, (2) ગલગ્રંથિ, (3) સ્વરપેટી, (4) શ્વાસનળી, (5) શ્વસનનલિકા, (6) ફેફસાં, (7) જઠર, (8) સ્વાદુપિંડ, (9) મૂત્રપિંડ. (આ) શ્વસનમાર્ગ. (3) સ્વરપેટી, (4) શ્વાસનળી, (5) શ્વસનનલિકા, (6) ફેફસાં, (1૦) ગ્રસની (કંઠ), (11) નાક, (12) મોઢું. (ઇ) પાચનતંત્ર : (7) જઠર, (8) સ્વાદુપિંડ, (9) મૂત્રપિંડ, (1૦) ગ્રસની (કંઠ), (12) મોઢું, (11) અન્નનળી, (12) મોઢું, (13) યકૃત, (14) પિત્તાશય, (15) નાનું આંતરડું, (16) મોટું આંતરડું, (17) મળાશય, (18) ગુદા.

સામાન્ય રીતે કોઈ ઉંમરનો બાધ ગણાતો નથી પરંતુ મૂત્રપિંડના પ્રતિરોપણ માટે 7૦ વર્ષથી વધુ વયના દાતાનો અવયવ લેવામાં આવતો નથી. તેવું જ યકૃત(liver)ના દાતા માટે પણ સાચું છે. કેટલાક કિસ્સામાં દાતાની ઉંમર 7૦ વર્ષથી વધુ પણ હોય છે. દાતાને મૂત્રપિંડનો કોઈ પણ રોગ હોય, તેના રુધિરરસમાં ક્રિયેટિનિનનું પ્રમાણ વધુ હોય, અથવા દાતાને કોઈ શારીરિક રોગ હોય તો તેનો મૂત્રપિંડ લેવામાં આવતો નથી. જો આદાતાને યકૃતશોથ-સી(hepatitis-C)નો ચેપ લાગેલો હોય તો તેને યકૃતશોથ-સી વાળા દાતાનો મૂત્રપિંડ અપાય છે. આ ઉપરાંત અન્ય ધ્યાનમાં રાખવામાં આવતી બાબતોમાં ‘ABO’ પ્રકારનાં રુધિરજૂથો, ઉંમર, યકૃતની કાર્યકસોટીઓ વગેરેનો સમાવેશ થાય છે. સ્વાદુપિંડનું પ્રતિરોપણ કરવાની જરૂર હોય તો દાતાને મધુપ્રમેહ કે સ્વાદુપિંડશોથ- (pancreatitis)નો રોગ થયેલો ન હોય તે ખાસ જોવાય છે.

જીવંત દાતા : તેમાં સામાન્ય રીતે, નજીકના જીવંત સગાનો અવયવ લેવાય છે. તેઓ લોહીની સગાઈ ધરાવતા હોવા જરૂરી નથી, જીવંત દાતાની તબિયત અને જિંદગીને સાચવવાની જવાબદારી પણ મહત્વની વાત બને છે.

મૃતદેહાંગી અવયવપ્રાપ્તન (harvesting) : ઉદાહરણ રૂપે યકૃતનું અવયવ પ્રાપ્તન અહીં દર્શાવ્યું છે. યકૃતને મેળવવા માટે યકૃતદ્વારિકા- (hilum)માંની બધી જ નળીઓને સાચવી રાખીને યકૃતને બહાર કઢાય છે. તેથી સંયુક્ત પિત્તનળી (common bile duct), નિવાહિકા શિરા (portal vein), યકૃત ધમની (hepatic artery) તથા કોઈ અનિયમિત ધમની હોય તો તેને પણ સાચવી રખાય છે. ત્યારબાદ યકૃતને વિસ્કૉન્સિન યુનિવર્સિટી (UW) પરિરક્ષણ પ્રવાહી (preservation fluid) વડે અંદરથી ધોઈને સાફ કરાય છે તથા ઠંડું પડાય છે, તે માટે તે પ્રવાહીને ધમની દ્વારા અંદર ધકેલાય છે. ત્યારબાદ યકૃતને તેનાં બીજાં બંધનોથી અલગ પાડીને બહાર કઢાય છે અને (UW) પ્રવાહીમાં મૂકીને બંધ કરાય છે. તેને બરફની પેટીમાં અન્ય જરૂરી સ્થળે લઈ જવાય છે. આ રીતે 16 કલાક સુધી યકૃતને સાચવી રાખી શકાય છે. તેવી રીતે જીરોટાના તંતુપડ(fascia)ને કાપીને મૂત્રપિંડની આસપાસનું વાતાવરણ બરફ વડે ઠંડું કરાય છે અને મૂત્રપિંડની દ્વારિકામાંની બધી જ નળીઓ સાથે તેને દૂર કરાય છે.

પેશીસંગતતા (histocompatibility) : અન્ય શરીરની પેશીમાંના પ્રોટીનની સામે માનવશરીરમાં પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. તેની મદદથી બહારની પેશીનો તે અસ્વીકાર (rejection) કરે છે. લોહીના વિવિધ જૂથો આ રીતે જ બનેલાં છે. અન્ય પેશીઓમાંના માનવ શ્વેતકોષી પ્રતિજન (human leucocytic antigen, HLA) હોય છે. તેમની સામે આપોઆપ પ્રતિદ્રવ્યો (antibodies) બનતાં નથી. અગાઉ સગર્ભતા થઈ હોય, રુધિરદાન મેળવ્યું હોય કે કોઈ અવયવનું પ્રતિરોપણ કરાયેલું હોય તો HLAની સામેનાં પ્રતિદ્રવ્યો બને છે. દાતાના HLA સામે આદાતામાં પ્રતિદ્રવ્યો છે કે નહિ તેની કસોટીને પ્રતિજોડ કસોટી (cross-match test) અથવા પ્રતિરક્ષાપૂરક-આધારિત લસિકાકોષી વિષાક્તતા આમાપન (complement-dependent lymphotoxic assay) કહે છે. તેને માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તેને માટે વહન કોષમિતિ (flow cytometry) અને બહુગુણક-ઉત્સેચક શૃંખલા પ્રતિક્રિયા (polymerase chain reaction) વડે કસોટીઓ કરાય છે. મુખ્ય HLA-પ્રતિજનોના પ્રકારની જાણકારી મેળવાય છે તેને (typing) કહે છે. પ્રકાર નિશ્ચયન આ ઉપરાંત દાતાના પ્રતિજનો સાથેની પ્રતિજોડ નક્કી કરવાની કસોટી પણ કરાય છે. HLA-પ્રતિજોડ કસોટી મૂત્રપિંડ અને સ્વાદુપિંડના પ્રતિરોપણમાં મહત્વ ધરાવે છે.

આકૃતિ 2 : માનવ શ્વેતકોષી પ્રતિજનનો અણુ (HLA વર્ગ-1)

 

સારણી1 : મૂત્રપિંડી પ્રતિરોપણ કરી શકાય તેવા મૂત્રપિંડની નિષ્ફળતાનાં કારણો
પ્રકાર ઉદાહરણ નોંધ
1. જન્મજાત અવિકસન (aplasia) મૂત્રપિંડનો જન્મથી વિકાસ ન થયો હોય
અવરોધજન્ય મૂત્રપિંડી વિકાર (obstructive uropathy) મૂત્રમાર્ગમાં અવરોધ સર્જાવાથી થતો મૂત્રપિંડી રોગ
2. વારસાગત આલ્પૉર્ટનું સંલક્ષણ વારસાગત મૂત્રપિંડશોથ (hereditary nephritis)
બહુકોષ્ઠી મૂત્રપિંડિતા (polycystic kidney) મૂત્રપિંડમાં પ્રવાહી ભરેલી પોટલીઓ કરતો વિકાર
ગંડિકામય તંતુકાઠિન્ય (tuberous sclerosis) સાથે સાથે મગજનો વિકાર પણ થાય
3. કૅન્સર મૂત્રપિંડકોષી કૅન્સર

વિલ્મનું કૅન્સર

સામાન્ય રીતે મોટી ઉંમરે થાય બાળકોનું મૂત્રપિંડી કૅન્સર
4. ઈજાજન્ય મૂત્રપિંડની નસોમાં અવરોધ, મૂત્રપિંડને ઈજા
5. અન્ય મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, એમિલૉઈડતા, ગુડપાશ્ચરનું સંલક્ષણ, ત્વકીય તંતુકાઠિન્ય (scleroderma) વિવિધ અન્ય અવયવો કે બહુતંત્રીય રોગોમાં મૂત્રપિંડ અસરગ્રસ્ત થાય
સકુંડી મૂત્રપિંડ શોથ (pyelonephritis), અવરોધજન્ય મૂત્રપિંડી વિકાર, અપમૂત્રપિંડી શોફ સંલક્ષણ (nephrotic syndrome) સંપ્રાપ્ત (પાછળથી ઉદભવેલા) મૂત્રપિંડના વિકારો

 

સારણી 2 : મૂત્રપિંડના પ્રતિરોપણ પછી થતી આનુષંગિક તકલીફો
ક્રમ આનુષંગિક તકલીફ ચિહ્ન અને લક્ષણો નિદાન-તપાસ સારવાર
1. લોહી વહેવું પેશાબ તથા લોહીનું દબાણ ઘટે અશ્રાવ્ય ધ્વનિચિત્રણ (ultrasonography) શસ્ત્રક્રિયા વડે લોહી વહેતું બંધ કરવાની ક્રિયા
2. નિરોપની

ધમનીમાં

લોહીનો ગઠ્ઠો

જામવો

મૂત્રપિંડનું

કાર્ય બંધ

અશ્રાવ્ય ધ્વનિચિત્રણ,

આઇસોટોપની

મદદથી

મૂત્રપિંડચિત્રણ

મૂત્રપિંડના

નિરોપને કાઢી

નાખવાની

શસ્ત્રક્રિયા

3. નિરોપની

શિરામાં

લોહીનો ગઠ્ઠો

મૂત્રપિંડનું કાર્ય ‘2’ પ્રમાણે ‘2’ પ્રમાણે, ક્યારેક

ફક્ત લોહીનો

ગઠ્ઠો કાઢીને

નિરોપ બચાવી

શકાય

4. નિરોપની

ધમની સાંકડી

થઈ ગઈ હોય

(સંકીર્ણન,

stricture)

લોહીનું વધતું

દબાણ; મૂત્ર-

પિંડનું ઘટતું

કાર્ય

‘2’ પ્રમાણે શસ્ત્રક્રિયા વડે

ધમનીનો તે ભાગ

પહોળો કરાય

(વાહિનીનવરચના,

angioplasty)

5. નિરોપનું

ફાટી જવું

‘1’ અને ‘3’

પ્રમાણે

અશ્રાવ્ય ધ્વનિચિત્રણ નિરોપને કાઢી

નંખાય અથવા

ક્યારેક તેને

બચાવી શકાય છે

6. લસિકાશોફ

(lymphoe-

dema)

નિરોપનું ઘટેલું

કાર્ય, પગ પર

સોજા, નિરોપમાં

સોજા

અશ્રાવ્ય ધ્વનિચિત્રણ શસ્ત્રક્રિયા વડે

નિરોપમાંનું

પ્રવાહી દૂર કરાય

7. મૂત્રપિંડનળીમાં

અવરોધ

મૂત્રપિંડનું કાર્ય

બંધ

‘2’ પ્રમાણે શસ્ત્રક્રિયા વડે

અવરોધ દૂર

કરાય

8. ઘાવમાંથી મૂત્ર

બહાર આવે

ઘાવમાંથી મૂત્ર

બહાર આવે

‘2’ પ્રમાણે તથા

શિરામાર્ગી

મૂત્રમાર્ગચિત્રણ

(intravenous

pyelography)

ચામડીમાંથી

નાંખેલી પસાર-

નળી (stent)

નાંખીને તેના

દ્વારા પેશાબને

બહાર કઢાય

9. મૂત્રપિંડનળીમાં

કોષનાશ

(ureteric

necrosis)

નિરોપમાં સોજા,

પેશાબમાં પરુ

તથા ઘટતું જતું

મૂત્રપિંડનું કાર્ય

‘8’ પ્રમાણે પુન:શસ્ત્રક્રિયા

કોષનાશ

(ureteric

necrosis)

1૦. મૂત્રપિંડનળીનું

સંકીર્ણન

‘9’ પ્રમાણે ‘8’ પ્રમાણે પુન:શસ્ત્રક્રિયા

કરીને અવરોધ

ઘટાડવો

પ્રતિરક્ષાદાબન (immunosuppression) : વિવિધ દવાઓની મદદથી આદાતા(recipient)ના પ્રતિરક્ષાતંત્રનું કાર્ય દાબી દેવામાં આવે છે, જેથી દાન મેળવેલા અવયવનો તે અસ્વીકાર (rejection) ન કરે. તે માટે પ્રેડિનસોલોન, મિથાઇલ પ્રેડિનસોલોન, સાઇક્લોસ્પૉરિન, FK5૦6 અથવા ટ્રૅકોલિમસ, એઝાથાયોપ્રિન, બહુકોષગોત્રીય પ્રતિવક્ષકોષી પ્રતિદ્રવ્યો (polyclonal antithymocytic antibodies), એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો (monoclonal antibodies), માયકોફિનોલેટ મોફેટિલ અને અન્ય પ્રકારનાં પ્રતિદ્રવ્યો ઉપલબ્ધ હોય છે. આ દ્રવ્યોનો પ્રતિરોપણ પછીની સારવારરૂપે કરાય છે. પ્રતિરક્ષાદાબનની મુખ્ય આડઅસરોમાં સાયટોમિગેલો વિષાણુ, ઍબ્સ્ટિન-બાર વિષાણુ તથા હર્પિસ સિમ્પેક્સ વિષાણુના ચેપ, જીવાણુઓ અને ફૂગ વડે ચેપ તથા કેટલાક તકઝડપુ જોખમી ચેપ લાગે છે. લાંબે ગાળે લાદીસમ કોષીય કૅન્સર (squamous cell cancer), તલીય કોષ કૅન્સર (basal cell cancer), કાપોસીનું યમાર્બુદ (sarcoma), લસિકાર્બુદ (lymphoma), ગર્ભાશયની ગ્રીવાનું કૅન્સર કે યકૃતનું કૅન્સર પણ થાય છે. વિષાણુજ ચેપ રોકવા માટે ઍસાઇક્લોવિર કે ગૅન્સાયક્લોવિર અપાય છે. ફ્લુકેનૅઝોલની મદદથી શ્વેતફૂગનો ચેપ રોકવામાં આવે છે. કો-ટ્રાઇમૅક્સેઝોલની મદદથી ન્યૂમોસિસ્ટિક કૅરિનાઇનો ચેપ અટકાવાય છે.

મૂત્રપિંડી પ્રત્યારોપણ (renal transplantation) : મૂત્રપિંડના વિવિધ રોગોના છેલ્લા તબક્કાને અંતિમ તબક્કી મૂત્રપિંડી રોગ અથવા ‘અંતમ રોગ’ (end-stage renal disease, ESRD) કહે છે, જે સમયે તેનો ગુચ્છીગલન દર (glomerular filtration rate, GFR) 2૦ મિલી.થી ઓછો હોય તો મૂત્રપિંડના પ્રતિરોપણનો વિચાર કરાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાનાં જે કારણોમાં મૂત્રપિંડનું પ્રતિરોપણ કરી શકાય છે તેમને સારણી 1માં દર્શાવ્યાં છે.

અંતિમ ફલકીય (તબક્કી) મૂત્રપિંડી રોગની સારવારમાં લોહીને ‘ગાળવાની’ પારગલનની ક્રિયા (dialysis) અથવા મૂત્રપિંડનું પ્રત્યારોપણ કરવાનો સમાવેશ થાય છે. તેની વડે દર્દી, કોઈ પણ પ્રકારના આહાર કે પ્રવાહી લેવા અંગેની મર્યાદા વગર, તેની મૂળ સામાન્ય જિંદગી જીવી શકે છે. તેના મુખ્ય 2 પ્રકારો છે : (1) જીવંત દાતા(live donor)ના મૂત્રપિંડનું પ્રત્યારોપણ અને (2) મૃતદેહ(cadaver)ના મૂત્રપિંડનું પ્રત્યારોપણ. તેમને અનુક્રમે મૂત્રપિંડનું જીવંત અંગી પ્રત્યારોપણ (live donor transplantation) અને મૃતદેહાંગી પ્રત્યારોપણ (cadaveric transplantation) કહે છે.

સમાન જનીનોવાળાં જોડિયાં ભાઈ કે બહેન અથવા પ્રથમ પેઢીએ સગપણ (first degree relation) હોય એવાં અન્ય પ્રકારના જનીનોવાળાં સગાં પાસેથી જ જીવંત અંગી પ્રત્યારોપણ સ્વીકારવું સલાહભર્યું ગણાય છે. જોડિયાં ભાઈબહેનનાં જનીનો સમાન હોવાથી તેમને સમજનીની (syngenic) કહે છે, જ્યારે અન્ય પ્રથમ પેઢીએ સગાં હોય તેઓનાં જનીનો પૂરેપૂરાં સમાન ન હોવાથી તેમને અન્યજનીની (allogenic) કહે છે. જોડિયાં સહોદર(sibling)નો મૂત્રપિંડ લેવામાં આવેલો હોય તો પ્રતિરક્ષાકીય પ્રતિક્રિયા (immunological reaction) થતી નથી તેથી પ્રતિરક્ષાની પ્રક્રિયાને દાબવી પડતી નથી. પ્રતિરક્ષાની પ્રક્રિયાને દાબવાને પ્રતિરક્ષાલક્ષી અવદાબન અથવા પ્રતિરક્ષાદાબન (immunological inhibition) કહે છે અને તેને માટે વપરાતાં ઔષધોને પ્રતિરક્ષાદાબી ઔષધો (immunosuppressants) કહે છે. જોકે જ્યારે પણ અન્યજનીની દાતા પાસેથી મૂત્રપિંડ લેવાનો હોય ત્યારે તેની અને આદાતા (recipient) અથવા સ્વીકારક દર્દીનાં લોહીનાં જૂથો અને પેશીઓનાં માનવ શ્વેતકોષી પ્રતિજનો (human leucocytic antigens) સમાન હોય તેવું જોવાય છે. તેમ છતાં આદાતા દર્દીના પ્રતિરક્ષાતંત્રનું અવદાબન કરવું જરૂરી બને છે. તે માટે સામાન્ય રીતે સાઇક્લોસ્પૉરિન નામની દવા વપરાય છે. તેને વાપરવાથી સ્ટીરૉઇડ જૂથની દવાનો વપરાશ ઘટાડી શકાયો છે. ક્યારેક અન્ય પ્રકારનાં પ્રતિરક્ષાદાબી ઔષધો પણ વપરાય છે. તેમની ઘણી આડઅસરો હોય છે. પ્રતિરક્ષાદાબનની આડઅસરો રૂપે વારંવાર ચેપ લાગવાની શક્યતા જોવા મળે છે. કૉર્ટિકોસ્ટીરૉઇડ ઔષધોની આડઅસર રૂપે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવું, મધુપ્રમેહનો વિકાર ઉદભવવો કે વધવો, લોહીની ઊલટી થવી, વહેલો મોતિયો આવવો, હાડકાંમાં લોહીનું પરિભ્રમણ ઘટે અને તેને કારણે તેનો કોષનાશ (necrosis) થવો, કુશિંગના રોગ જેવું સંલક્ષણ થવું વગેરે તકલીફો જોવા મળે છે. એઝાથાયોપ્રિન નામની પ્રતિરક્ષાદાબી દવા લોહીના કોષોનું ઉત્પાદન ઘટાડે છે અને ક્યારેક કમળો કરે છે. સાઇક્લોસ્પૉરિનને કારણે ક્યારેક મૂત્રપિંડ પર ઝેરી અસર થાય છે, હાથપગમાં ધ્રુજારી (કંપન) થાય છે અને ચેતાતંત્રમાં વિકારો ઉદભવે છે. આ બધી ઔષધીય આડઅસરો તેમની કેટલી વધુ માત્રા છે તેના પર આધાર રાખે છે.

સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા, તીવ્ર પ્રકારનો હૃદય-વાહિનીતંત્રનો રોગ (cardiovascular disease) કે ફેફસાંમાં વારંવાર ચેપ લાગી જાય એવો શ્વસનનલિકાવિસ્ફારણ(bronchiectasis)નો રોગ હોય, દર્દીને તરતનું શોધાયેલું કે અન્યત્ર ફેલાયેલું કૅન્સર હોય, શરીરમાં કોઈ લાંબા ગાળાનો ચેપ હોય, કોઈ અન્ય અવયવનો તીવ્ર રોગ હોય, દર્દી પૂરતો સહકાર ન આપતો હોય કે કોઈ માનસિક રોગથી પીડાતો હોય તો મૂત્રપિંડનું પ્રતિરોપણ કરાતું નથી. પ્રત્યારોપણ કર્યા પછી ક્યારેક કેટલીક આનુષંગિક તકલીફો થાય છે જેમાં નિરોપનો અસ્વીકાર સૌથી મહત્વની બાબત છે. તે સમયે લોહીના રુધિરરસ(serum)માં ક્રિયેટિનિન નામનું દ્રવ્ય વધે છે. મૂત્રપિંડનો નાનો ટુકડો મેળવીને તેને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. તેને મૂત્રપિંડનું પેશીપરીક્ષણ (biopsy) કહે છે. ક્યારેક સાઇક્લોસ્પૉરિનની ઝેરી અસર થઈ હોય ત્યારે પણ તેના નિદાન માટે આ તપાસ કામમાં આવે છે. પહેલા 3 મહિનામાં થયેલા અસ્વીકારને ટૂંકા સમયમાં થયેલો અથવા ઉગ્ર (acute) વિકાર કહે છે. તે કોષસંબંધિત કે નસોને લગતો હોય છે. તેમને અનુક્રમે કોષીય અસ્વીકાર (cellular rejection) કે વાહિનીલક્ષી અસ્વીકાર (vascular rejection) કહે છે. તેને ભારે માત્રામાં કૉર્ટિકોસ્ટીરૉઇડની દવા આપવાથી મટાડી શકાય છે. ક્યારેક લોહીના લસિકાકોષોની વિરુદ્ધ કાર્ય કરતા પ્રતિગ્લૉબ્યુલિન અપાય છે કે રુધિરપ્રરસ(plasma)ને ગાળવાની ક્રિયા કરાય છે. જોકે લાંબે ગાળે થતા અસ્વીકારની સારવારથી ખાસ ફાયદો થતો નથી અને અંતે પ્રતિરોપિત મૂત્રપિંડ પણ બગડવા માંડે છે.

સ્વાદુપિંડી પ્રતિરોપણ (pancreatic transplant) : ઇન્સ્યુલિન વગર જેની સારવાર શકય નથી તેવા મધુપ્રમેહના રોગને ઇન્સ્યુલિનાધીન મધુપ્રમેહ કહે છે. આવા ઇન્સ્યુલિનાધીન મધુપ્રમેહ- (insulin dependent diabetes mallitus, IDDM)ના દર્દીમાં મૂત્રપિંડની નિષ્ફળતા, અંધાપો, હાથ-પગ કાપવો પડે તેવી અંગોચ્છેદન(amputation)ની કરાતી શસ્ત્રક્રિયા, હૃદ્સ્નાયુ પ્રણાશ (myocardial infarction) અથવા હૃદયરોગનો હુમલો, લકવાનો હુમલો તથા ચેતારુગ્ણતા (neuropathy) વધુ થાય છે. તેથી તેવા દર્દીની સારવારમાં ઇન્સ્યુલિન આપતા સ્વનિયંત્રી પ્રદાબચાલક-(autoregulatory pump)નો ઉપયોગ કરાય છે. તે માટે સ્વાદુપિંડના દ્વીપકોષોનું પ્રતિરોપણ તથા આખા સ્વાદુપિંડનું પણ પ્રતિરોપણ કરાય છે. ફક્ત સ્વાદુપિંડનું જ પ્રતિરોપણ કરાયું હોય તેવું ક્યારેક જ બને છે પરંતુ ઇન્સ્યુલિનાધીન મધુપ્રમેહને કારણે અંતિમ તબક્કાનો મૂત્રપિંડી રોગ (અંતમ રોગ) થયો હોય તેવા દર્દીમાં સ્વાદુપિંડ અને મૂત્રપિંડ બંનેનું પ્રતિરોપણ કરવામાં આવે છે. જો મધુપ્રમેહને લીધે હૃદય,

આકૃતિ 3 : મૂત્રપિંડનું પ્રતિરોપણ. (અ) દાતાના શરીરમાં મૂત્રપિંડની અંતર શીતકારી પરિરક્ષણકારી પ્રવાહીનું વહન કરાવવાની રીત. તીર પ્રવાહીના વહનની દિશા દર્શાવે છે. (1) મૂત્રપિંડ, (2) મહાધમની, (3) મૂત્રપિંડધમની, (4) ફોલ્લીની નિવેશિકા નળી, (5) મૂત્રપિંડનળી. (આ) આદાતા શરીરની નસો અને મૂત્રાશય સાથે જોડાણ કરીને કરાતું પ્રતિરોપણ. (1) મૂત્રપિંડ, (3) મૂત્રપિંડધમની, (6) મૂત્રાશય, (7) મૂત્રપિંડશિરા, (8) બાહ્ય નિતંબીય ધમની, (9) બાહ્ય નિતંબીય શિરા

ચેતાતંત્ર કે લોહીની નસોમાં ઉદભવતો વિકાર અનુક્રમે અસાધ્ય હૃદયી નિષ્ફળતા, અશક્ત કરતી ચેતારુગ્ણતા કે પેશીનાશ (gangrene) કરીને આંગળીઓ કે હસ્ત કે પાદને કાપી કાઢવો પડે તેટલી હદનો નસોનો વિકાર થયો હોય તો સ્વાદુપિંડનું પ્રતિરોપણ કરાતું નથી. આ ઉપરાંત મૂત્રપિંડનું પ્રતિરોપણ પણ જે કિસ્સાઓમાં કરી શકાતું નથી તેમાં પણ સ્વાદુપિંડનું પ્રતિરોપણ કરાતું નથી.

સામાન્ય રીતે અનેક અવયવો મેળવવાની ક્રિયા થતી હોય તેવા કિસ્સામાં સ્વાદુપિંડ લેવાતું હોય છે. તેવા દર્દીને મધુપ્રમેહ, સ્વાદુપિંડશોથ (pancreatitis), સ્વાદુપિંડને ઈજા કે લાંબા સમયનું મદ્યપાનનું બંધાણ ન હોય તે ખાસ જોઈ લેવાય છે. અવયવને કાઢતી વખતે યકૃતને કોઈ વધારાની ધમની લોહી પહોંચાડે છે કે નહિ તે પણ જોઈ લેવાય છે. પેટના અવયવોને UWના દ્રાવણ વડે સાફ કરીને ઠંડા પડાય છે તથા તેમને ત્યારબાદ એકસાથે બહાર કઢાય છે તેમાં યકૃત, સ્વાદુપિંડ, પક્વાશય અને બરોળને એકસાથે બહાર કઢાય છે. એકસામટા એક ઘન રૂપે(enblock) આ અવયવોને બહાર કાઢવા ઘણું જરૂરી ગણાય છે.

જ્યારે આખું સ્વાદુપિંડ રોપવામાં આવે છે ત્યારે તેમાંથી પાછું આવતું લોહી મુખ્ય બહુતંત્રીય રુધિરાભિસરણમાં ઠાલવવામાં આવે છે અને તેનો પાચકરસ મૂત્રાશયમાં ઠાલવવામાં આવે છે. હાલ ઘણાં કેન્દ્રોએ તેના લોહીને નિવાહિકાતંત્ર(portal system)માં ઠાલવવાના અને પાચકરસને આંતરડામાં ઠાલવવાના સફળ પ્રયત્નો કર્યા છે. તે રીતે સ્વાદુપિંડનો પૂરેપૂરો સફળ દેહધર્મી ઉપયોગ કરી શકાય તેમ છે. વળી તે વધુ ઇચ્છવાયોગ્ય સુધારો ગણાય છે. જો પ્રતિરોપમાંની નિવાહિકા શિરા (portal vein) ટૂંકી હોય તો તેને દાતાની નિતંબીય શિરા (iliac vein) સાથે, તેની સંયુક્ત નિતંબીય ધમની(commoniliac artery)ને આદાતાની બાહ્ય નિતંબીય ધમની (external iliac artery) સાથે જોડવામાં આવે છે. પ્રતિરોપમાંના પક્વાશય(duodenum)ને આદાતાના પિત્તાશય (gall bladder) સાથે કે નાના આંતરડા સાથે જોડવામાં આવે છે. મોટા આંતરડાના ઉપર ચડતા આરોહી સ્થિરાંત્ર(ascending colon) નામના ભાગની બાજુમાં આવેલી જમણી પરાસ્થિરાંત્રીય નીક (paracolic gutter) આવેલી છે. સામાન્ય રીતે સ્વાદુપિંડને તેમાં ગોઠવવામાં આવે છે. જો સાથે મૂત્રપિંડનું પ્રતિરોપણ પણ કરાતું હોય તો સ્વાદુપિંડને ડાબી બાજુ ગોઠવાય છે.

સ્વાદુપિંડ–મૂત્રપિંડનું સંયુક્ત પ્રતિરોપણ કરાયેલું હોય તો પ્રતિરોપ અને આદાતા(recipient) વચ્ચે બંને પ્રતિરોપ તરફના પ્રતિરક્ષી પ્રતિભાવોના સરખાપણાને કારણે તેમની સારવાર સહેલી બને છે. તેમાં બંને અવયવો સ્વીકારાય છે અથવા તો બંનેનો અસ્વીકાર કરાય છે.

એક અન્ય પ્રતિરોપણ પદ્ધતિ રૂપે કરાતી સ્વાદુપિંડના દ્વીપકોષોના પ્રતિરોપણ(નિરોપ)ની પ્રક્રિયા હજુ પ્રયોગાત્મક છે. દાતાના સ્વાદુપિંડમાંથી દ્વીપકોષોને જુદા તારવીને તેમનું મૂત્રપિંડના આવરણરૂપ સંપુટમાં કે બરોળમાં અંત:રોપણ (implantation) કરાય છે. તેમને નિવાહિકા શિરામાં ઇંજેક્શન દ્વારા આપીને યકૃત(liver)માં નિરોપિત કરાય છે. આ પ્રતિક્રિયાની 3 મુખ્ય સમસ્યાઓ છે. ગ્લુકોઝની સપાટી જાળવવા કેટલી સંખ્યામાં દ્વીપકોષો જરૂરી બનશે તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે, તેમનો અસ્વીકાર થાય તો તેનાં લક્ષણોની જાણકારીમાં મુશ્કેલી છે અને તેમને લાંબા સમય સુધી જાળવી રાખવા માટેની પ્રવિધિઓનું અજ્ઞાન પ્રવર્તે છે. ગર્ભના સ્વાદુપિંડમાંથી પણ દ્વીપકોષોનો નિરોપ કરવાના પ્રયોગો થઈ રહેલા છે.

આકૃતિ 4 : (અ) આખા યકૃતનું યથાસ્થાની પ્રતિરોપણ. (1) અધોમહાશિરા, (2) અધોમહાશિરા સાથેનું નીચેનું જોડાણ, (ક) યકૃત, (ખ) અધોમહાશિરા, (ગ) નિવાહિકાશિરા, (ઘ) યકૃત ધમની, (ચ) પિત્તનલિકા. (આ) યકૃતના વિખંડોનું પ્રતિરોપણ કરવા માટેના કાપ માટેના તલ (plane) (ક) યકૃત, (ખ) અધોમહાશિરા, (ચ) પિત્તનલિકા, (છ) નાભિલક્ષી ફાડ, (જ) જમણી પિત્તનળી, (ઝ) ડાબી પિત્તનળી. Iથી VIII – યકૃતની વિવિધ ખંડિકાઓ (segments)

જો પાચકરસની નલિકા મૂત્રાશય સાથે જોડવામાં આવે તો પેશાબમાંના ઍમાયલેઝની સાંદ્રતા જાણવાથી પ્રતિરોપનો અસ્વીકાર થયો હોય તો તે જાણી શકાય છે. પેશાબના માર્ગમાં સ્વાદુપિંડનો પાચકરસ આવતો હોવાથી પેશાબમાં લોહી વહે છે, ચેપ લાગે છે, મૂત્રાશયનળી સંકોચાઈ જાય છે અને ક્યારેક વિપરીતમાર્ગી સ્વાદુપિંડશોથ (reflux pancreatitis) થાય છે. આ ઉપરાંત શરીરનાં પાણી અને વીજવિભાજી આયનો(electrolytes)ના સંતુલનના વિકારો થાય છે. જો સ્વાદુપિંડની નળીને આંતરડામાં રોપવામાં આવે તો આ તકલીફો થતી નથી. જોકે આ પ્રક્રિયામાં પ્રતિરોપિત સ્વાદુપિંડના પાચનક્રિયા માટેના પાચકરસની કામગીરીની ખબર પડતી નથી.

સ્વાદુપિંડના પ્રતિરોપ પછી તેનો અસ્વીકાર રોકવા પ્રતિલસિકાકોષી ચિકિત્સા (antilymphocytic therapy) રૂપે OKT-3 (એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય) કે બહુકોષગોત્રી પ્રતિવક્ષકોષી પ્રતિદ્રવ્યો ઉપરાંત સાઇક્લોસ્પૉરિન, પ્રેડિનસોલોન અને એઝાથાયોપ્રિમ વપરાય છે. હાલ તેમાં FK 5૦6 (માયકોફિનોલેટ મોફેટિલ) વાપરવાથી વધુ સફળતા મળી રહી છે. ઇન્સ્યુલિનની સારવાર બંધ કરાય છે અને ગ્લુકોઝની રુધિરસપાટી જોતા રહેવાય છે. એવું મનાય છે કે પ્રતિરોપિત સ્વાદુપિંડ મૂત્રપિંડ, ર્દષ્ટિપટલ (retina) અને ચેતાઓ(nerves)માં મધુપ્રમેહની ખરાબ અસરોને રોકે છે અને કદાચ તે ચેતારુગ્ણતા(neuropathy)માં સુધારો પણ કરે છે.

આંત્રીય પ્રતિરોપણ (intestinal transplantation) : ખોરાકના અવશોષણ માટે જરૂરી હોય તેથી પણ ઓછી સપાટી સક્રિય હોય તેવા આંતરડામાં અવશોષણનું કાર્ય અપૂરતું બને છે. તેને આંત્રીય અપર્યાપ્તતા અથવા આંત્રીય નિષ્ફળતા (intestinal failure) કહે છે. તેવું વિવિધ રોગો કે વિકારોમાં થાય છે, જેમ કે આંતરડાને લોહી પહોંચાડતી ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામે કે અન્યત્ર ઉદભવેલો ગઠ્ઠો આવીને ચોંટી જાય, તેને અનુક્રમે ઊર્ધ્વ આંત્રપટલીય ધમની રુધિરગુલ્મતા (superior mesenteric artery thrombosis) અથવા ઊર્ધ્વ આંત્રપટલીય ધમની સ્થાનાંતરગુલ્મતા (superior mesenteric artery embolism) કહે છે. આંતરડામાં કોષનાશ થઈને લોહી ઝરતાં ચાંદાં પડે તેવા વિકારને કોષનાશી આંત્રસ્થિરાંત્રશોથ (necrotising enterocolitis) કહે છે. આંતરડાનો એક ભાગ બીજા ભાગ પર આંટી ખાઈને ચડી જાય તેને આંત્રીય આમળ (volvulus) કહે છે. નાના આંતરડાનું પોલાણ સંકુચિત થયેલું હોય (આંત્રીય કુંઠિતતા, intestinal atresia), ક્રોહનનો રોગ થયેલો હોય, આંતરડાને ઈજા થયેલી હોય, આંતરડામાં ગાંઠો થયેલી હોય કે છદમ-આંત્રરોધ (pseudo-intestinal obstruction) થયો હોય ત્યારે આંત્રીય નિષ્ફળતા થાય છે.

જ્યારે 1 વર્ષથી નાના બાળકની 5૦% કૅલરીની જરૂરિયાત, 4 વર્ષથી મોટાં બાળકોની 3૦% કૅલરીની જરૂરિયાત અને મોટાં બાળકો કે પુખ્તવયની વ્યક્તિની 5૦% કૅલરીની જરૂરિયાત જો 1 વર્ષ સુધી નસ વાટે પોષણ આપીને પૂરી કરવી પડતી હોય તો તેને આંત્રીય નિષ્ફળતા કહે છે. નસ વાટે પૂરેપૂરું પોષણ આપવાની ક્રિયાને સંપૂર્ણ પરાંત્રીય પોષણ (total parenteral nutrition) કહે છે. તેમાં અન્ય તકલીફો પણ થાય છે, જેમ કે વારંવાર ચેપ લાગવો, વૃદ્ધિ અટકી જવી, યકૃતનું કાર્ય વિષમ બનવું વગેરે. આવા સંજોગોમાં આંત્રીય પ્રતિરોપણ વિશે વિચારવામાં આવે છે. સામાન્ય રીતે બહુઅવયવી પ્રાપ્તન(multiorgan recovery)ની અગાઉ દર્શાવેલી પદ્ધતિ (જુઓ સ્વાદુપિંડ પ્રતિરોપણ) દ્વારા યકૃત, સ્વાદુપિંડ વગેરે સાથે નાનું આંતરડું પણ મેળવી લેવાય છે. આદાતા(recipient)ના શરીરમાં તેને મૂકતી વખતે તેની ધમની, શિરા અને આંતરડાને અનુક્રમે તેની ઊર્ધ્વ આંત્રપટલીય ધમની (superior mesenteric artery), નિવાહિકાશિરા (portal system) તથા આંતરડાની સાથે જોડવામાં આવે છે. ક્યારેક તેને યકૃતની સાથે પ્રતિરોપિત કરવામાં પણ આવે છે.

પ્રતિરોપણ પછીનું પ્રતિરક્ષાદાબન FK 5૦6 અને પ્રેડિનસોલોન વડે કરાય છે. અંત:નિરીક્ષા કરીને પેશીપરીક્ષણ (biopsy) માટે ટુકડો લઈને પ્રતિરોપનો અસ્વીકાર થયો છે કે નહિ તે પણ જાણવામાં આવે છે. પાતળા પાણી જેવા ઝાડા થાય તો કાં તો તે અસ્વીકાર થયેલો હોય છે અથવા તો ચેપ લાગેલો હોય છે. ઘણી વખત વિષાણુજ, ફૂગજન્ય અને જીવાણુજન્ય ચેપ રોકવા માટે દવાઓ આપવી પડે છે. આશરે 4૦% દર્દીઓમાં 3 વર્ષની અંદર પ્રતિરોપનો અસ્વીકાર થાય છે. જો યકૃત અને આંતરડાનો સંયુક્ત નિરોપ વપરાયેલો હોય તો વધુ આનુષંગિક તકલીફો હોય છે. પ્રતિરક્ષાદાબી સારવારને કારણે પણ ક્યારેક મધુપ્રમેહ, માથાનો દુખાવો, ચેતાતંત્ર પર ઝેરી અસર અને મૂત્રપિંડના વિકાર જોવા મળે છે. આ ઉપરાંત ચેપ લાગવાનો કે કૅન્સર થવાનો ભય પણ રહે છે.

આકૃતિ 5 : (1) સ્વાદુપિંડ, (2) પક્વાશય, (3) મૂત્રાશય, (4) બાંધી લેવાયેલી બરોળ ધમની, (5) બાંધી લેવાયેલી બરોળ શિરા, (6) ઉદરકોષ્ઠીય ધમની (coeliac artery) વડે જોડાણ, (7) બાહ્ય નિતંબીય ધમની, (8) બાહ્ય નિતંબીય શિરા, (9) બાંધી લીધેલી નિવાહિકા શિરા

યકૃતીય (hepatic) પ્રતિરોપણ : કલેજું અથવા યકૃતનું વિવિધ સંજોગોમાં પ્રતિરોપણ કરવાથી તે જીવનરક્ષક બની રહે છે. યકૃતીય પ્રતિરોપણની જરૂરિયાત અંતિમ તબક્કાનો યકૃત રોગ (અંતય રોગ) (end- stage liver disease, ESLD) થાય ત્યારે પડે છે. જ્યારે પણ ગમે તે કારણસર યકૃતની અસાધ્ય નિષ્ફળતા થાય ત્યારે તે કરી શકાય છે. યકૃતની નિષ્ફળતાનાં કારણોમાં પિત્તમાર્ગમાં અવરોધ કરતા રોગો, યકૃતના કોષોના વિકારો, યકૃતમાં ઉદભવતાં કૅન્સર, યકૃતમાંથી નીકળતી શિરામાં અવરોધ કે વિવિધ પ્રકારના ચયાપચયી રોગોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે યકૃતકોષીય નિષ્ફળતા (liver cell failure) થાય ત્યારે દર્દીને લોહીની ઊલટી થાય છે, કાબૂમાં ન રાખી શકાય તેવો જળોદર (ascites) થાય છે (એટલે કે પેટમાં પ્રવાહી ભરાય છે), યકૃતવિકારજન્ય બેભાનાવસ્થા (hepatic coma) થાય છે, અચાનક થઈ આવતો પેટમાંનો ચેપ જેને પરિતનકલાશોથ (peritonitis) કહે છે – એવા વિવિધ વિકારો અને તકલીફો થાય છે. સામાન્ય રીતે યકૃતના દીર્ઘકાલીન રોગોમાં યકૃતનું પ્રતિરોપણ થાય છે પરંતુ ક્યારેક યકૃતની ઉગ્ર નિષ્ફળતામાં દર્દીમાં પણ તાત્કાલિક પ્રતિરોપણ પણ કરાય છે. આવા દર્દીઓમાં મૂત્રપિંડ અને ફેફસાની તકલીફો પણ વધુ થાય છે.

દાતાને નક્કી કરતી વખતે અન્ય અવયવોમાં રખાતી ચીવટ રખાય છે. તે ઉપરાંત તે દાતાને મગજ સિવાય ક્યાંય કૅન્સર ન હોવું જોઈએ, તેને માનવ-પ્રતિરક્ષાઊણપકારી વિષાણુ (human immuno deficiency virus, HIV) કે યકૃતશોથ–બી  વિષાણુ(hepatitis-B)નો ચેપ લાગેલો ન હોય તે પણ જોવામાં આવે છે. પ્રતિરોપણની ક્રિયાને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રથમ તબક્કામાં આદાતા- (recipient)ના રોગગ્રસ્ત યકૃતને અલગ પાડવામાં આવે છે. બીજા તબક્કાને યકૃતીય ફેરબદલીનો તબક્કો (anhepatic stage) કહે છે જેમાં આદાતાના યકૃતની નસોને કાપવામાં આવે છે અને પ્રતિરોપણ માટેના યકૃતની નસોને જોડવામાં આવે છે. તે સમયે આદાતાની નિવાહિકા શિરા(portal vein)ને બહુતંત્રીય રુધિરાભિસરણ(systemic circulation)ની નસો સાથે એક યુગ્મક(shunt)થી જોડવામાં આવે છે. આવો યુગ્મક એક શિરાને બીજી શિરા સાથે જોડતો હોવાથી તેને શિરાનુશિરા યુગ્મક (venovenous shunt) કહે છે. તેને કારણે દર્દીનું રુધિરાભિસરણ અકબંધ રહે છે અને પ્રતિરોપણ રોપવા માટે સમય મળી રહે છે. યકૃતના નિરોપને સૌપ્રથમ દર્દીની ઊર્ધ્વયકૃતીય મહાશિરા (suprahepatic vena cava) સાથે અને પછીથી અધોયકૃતીય મહાશિરા (infrahepatic vena cava) સાથે જોડાય છે. ત્યારબાદ તેને નિવાહિકા શિરા સાથે જોડીને શિરાનુશિરા યુગ્મક કાઢી નંખાય છે. સૌથી છેલ્લે ધમનીઓને જોડવામાં આવે છે. ત્રીજો તબક્કો પિત્તની નળીઓના જોડાણનો ગણાય છે.

ક્યારેક યોગ્ય પ્રતિરોપ મળી રહે તેની રાહ જોતા બાળદર્દીઓ કે પુખ્ત દર્દીઓમાં આખા યકૃતને બદલે યકૃતના 2 કે 3 ખંડોનું પ્રતિરોપણ કરાય છે. તેને યકૃતખંડીય પ્રતિરોપણ (split-liver transplant) કહે છે. યકૃતખંડીય પ્રતિરોપણની સફળતાએ જીવંત દાતાના શરીરમાંથી યકૃતનો ડાબો ખંડ કે ડાબા ખંડનો ડાબો છેડો મેળવીને આદાતા દર્દીના શરીરમાં મૂકવાની શસ્ત્રક્રિયાનો વિકાસ કર્યો છે. તે માટે પણ અન્ય પ્રતિરોપણોની માફક સઘળી સાવચેતી રખાય છે. યકૃતનો નાનો ભાગ પણ અતિશય વૃદ્ધિક્ષમતા રાખતો હોવાથી આ પ્રકારનું પ્રતિરોપણ શક્ય બન્યું છે.

પ્રતિરોપણ કર્યા પછી રુધિરાભિસરણ, શ્વસનકાર્ય તથા યકૃતના કાર્ય અંગેની ખાસ નોંધ રખાય છે. 6૦% પ્રતિરોપણનો અસ્વીકાર થાય છે. ઘણી વખત વિન્કૉન્સિન યુનિવર્સિટીના દ્રાવણના ઉપયોગને કારણે પ્રતિરોપિત યકૃત બરાબર કામ કરતું નથી. આ ઉપરાંત અનેક નસો અને નળીઓને જોડવાની હોવાથી ક્યારેક કોઈ એક નસ કે નળીમાં અવરોધ ઉદભવે છે. ક્યારેક સાયટોમિગેલો વિષાણુનો ચેપ લાગે છે અથવા યકૃતશોથ-બી અને સી વિષાણુઓનો ચેપ પણ લાગે છે, જે અંતે યકૃતના કૅન્સર સુધીની તકલીફો સર્જે છે. યકૃતના પ્રતિરોપ પછી પાણી અને ક્ષારોનું સંતુલન જાળવવું અઘરું, છતાં ઘણું મહત્વનું,  બની જાય છે. દર્દીને હોજરીમાં તણાવજન્ય ચાંદું ન પડે તે માટે હિસ્ટામીન રોધકો અપાય છે. તેના પોષણની ખાસ જાળવણી રાખવી પડે છે. પ્રતિરોપનો અસ્વીકાર રોકવા માટે હાલ FK 5૦6, એકકોષગોત્રી કે બહુકોષગોત્રી પ્રતિદ્રવ્યો, કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ, એઝાથાયોપ્રિમ અને સાઇક્લોસ્પૉરિન વપરાય છે.

હૃદય અને/અથવા ફેફસાનું પ્રતિરોપણ : 1967માં ક્રિશ્ચિયન બર્નાર્ડે હૃદયનું સૌપ્રથમ સફળ પ્રતિરોપણ કર્યું હતું. હૃદયના પ્રતિરોપણ માટે અન્ય કોઈ હૃદય પરની શસ્ત્રક્રિયાની માફક તૈયારી કરવામાં આવે છે અને હૃદ્-ફેફસી ઉપપથયંત્ર (cardiopulmonary bypass) વાપરવામાં આવે છે. તે સમયે સાથે સાથે દાતાના શરીરમાંથી હૃદય મેળવવાની પ્રક્રિયા પણ કરાય છે. હૃદયને તેના યોગ્ય સ્થાને મૂકવામાં આવે છે. જ્યારે પણ કોઈ પ્રતિરોપિત અવયવને આદાતા(recepient)ના શરીરમાં તેના સામાન્ય અથવા મૂળ સ્થાને મૂકવામાં આવે ત્યારે તેને યથાસ્થાન પ્રતિરોપણ (orthotopic transplantation) કહે છે. યકૃત અને હૃદયનું પ્રતિરોપણ સામાન્ય

આકૃતિ 6 : (અ) હૃદયને કાપી લીધા પછીનો દેખાવ. (1) પરિહૃદ્કલા, (2) જમણું કર્ણક, (3) ડાબું કર્ણક, (4) ફેફસી શિરાનાં છિદ્રો, (5) ઊર્ધ્વ મહાશિરા, (6) મહાધમની, (7) ફેફસી ધમની, (8) અધો મહાશિરા. (આ) પ્રતિરોપણ વખતનું ર્દશ્ય, (2) જમણું કર્ણક, (3) ડાબું કર્ણક, (4) ફેફસી શિરાનાં છિદ્રો, (5) ઊર્ધ્વ મહાશિરા, (6) મહાધમની, (7) ફેફસી ધમની, (8) અધો મહાશિરા, (9) ડાબું ક્ષેપક, (1૦) પ્રતિરોપ, (11) આદાતા. (ઇ) હૃદય-ફેફસી ઉપપથયંત્ર. (2) જમણું કર્ણક, (3) ડાબું કર્ણક, (5) ઊર્ધ્વ મહાશિરા, (6) મહાધમની, (7) ફેફસી ધમની, (8) અધો મહાશિરા, (9) ડાબું ક્ષેપક, (12) જમણું ક્ષેપક (13) ફેફસું, (14) ઑક્સીદાયક (oxygenator), (15) દાબસંક્ષેપ (pump), (16) તાપમાન નિયંત્રક, (17) ગાળક (filter).

રીતે યથાસ્થાની પ્રતિરોપણ હોય છે. યથાસ્થાની પ્રતિરોપણ માટે મૂળ વિકારયુક્ત અવયવને દૂર કરાય છે. ક્યારેક હૃદયનું પ્રતિરોપણ મૂળ વિકારયુક્ત હૃદયની સાથે કાર્ય કરે તે રીતે મૂકીને કરાય છે. તેને અતિરિક્ત નિરોપ (auxiliary transplant) કહે છે. જોકે હાલ અતિરિક્ત નિરોપને બદલે યથાસ્થાની પ્રતિરોપ મૂકવાનું વલણ વધુ છે. જ્યારે પ્રતિરોપણશીલ હૃદય મેળવી શકાય તેમ છે એવા સમાચાર મળે તે પછી આદાતાના શરીરમાંથી હૃદયના કાપછેદન(resection)ની શસ્ત્રક્રિયા શરૂ કરાય છે. છાતીની મધ્યરેખામાં આવેલા વક્ષાસ્થિ (sternum) નામના હાડકાને ઊભા છેદથી કાપવામાં આવે છે અને હૃદયની આસપાસ આવરણ બનાવતી પરિહૃદ્કલાને કાપીને ખોલી કાઢવામાં આવે છે. આદાતાના શરીરમાં બંને કર્ણકોને એવી રીતે કાપી કાઢવામાં આવે છે કે જેથી તેમાં જોડાતી શિરાઓ યથાસ્થાને રહે. મહાધમની (aorta) અને ફેફસીધમની(pulmonary artery)ને હૃદયથી છૂટી કરવા કાપવામાં આવે છે. ત્યારબાદ પ્રતિરોપણમાં જમણા કર્ણકને આદાતાના જમણા કર્ણક સાથે, ડાબા કર્ણકને આદાતાના ડાબા કર્ણક સાથે તથા મહાધમની અને ફેફસીધમનીને આદાતાની અનુક્રમે તે જ નામધારી ધમનીઓ સાથે જોડવામાં આવે છે. સમગ્ર ક્રિયા વખતે નસોમાં હવાના પરપોટા ન રહે તે ખાસ જોવાય છે. તેમાં હવા રહી જાય તો પ્રતિરોપિત હૃદય જ્યારે ધબકવાનું શરૂ કરે ત્યારે તે હવાનો પરપોટો ખસીને કોઈ મહત્વની ધમનીમાં લોહીના પરિભ્રમણને અટકાવી દે છે. તેને વાયવી સ્થાનાંતરતા (air embolism) કહે છે. 8૦% દર્દીઓ 1 વર્ષ અને 65% દર્દીઓ 5 વર્ષ જીવે છે. મધુપ્રમેહ કે 55 વર્ષથી વધુ વય ન હોય એવા દર્દીમાં પ્રતિરોપણ કરવામાં આવે તો તેને વધુ સફળતા મળે છે. જરૂર પડે ત્યારે પુન:પ્રતિરોપણ (retransplantation) કરવાથી ફાયદો રહે છે. હૃદય અને ફેફસાનું સહપ્રતિરોપણ (joint transplant) એકલા હૃદયના પ્રતિરોપણ કરતાં સહેલું ગણાય છે. જોકે આદાતાના શરીરમાંથી ફેફસાને કાઢવામાં તકલીફ રહે છે, જે કંટાળાજનક કાર્ય બને છે. વળી પ્રતિરોપ અને આદાતાની શ્વાસનળીઓ વચ્ચેનું સંધાન ઘણી વખતે તૂટી પડે છે. તેનું મુખ્ય કારણ શ્વાસનળીના રુધિરાભિસરણને પહોંચતી ઈજા છે. એકલા ફેફસાના પ્રતિરોપણમાં પણ શ્વાસનળી કે શ્વસનનલિકાના રુધિરાભિસરણની સમસ્યા ઉદભવે છે. તેને કારણે ક્યારેક મુશ્કેલીઓ સર્જાય છે. હવે પેટમાંના ઉદરાગ્રપટલ (omentum) કે પાંસળીઓ વચ્ચેના આંતરપર્શૂક સ્નાયુ (intercostal muscle) વડે શ્વસનમાર્ગની નળીને વીંટાળવાથી આ સમસ્યા ઘણી હલ થયેલી જણાય છે. તેને બદલે અંત:વક્ષીય ધમની(internal mammory artery)ની શાખાઓ જોડે સૂક્ષ્મ શસ્ત્રક્રિયા (microsurgery) વડે શ્વસનમાર્ગની નસોને સાંધવામાં આવે છે. બાકીની શસ્ત્રક્રિયામાં નસોને બાંધી ફેફસાને કાઢવામાં આવે છે અને તેને આદાતાના શરીરમાં યોગ્ય નસો સાથે જોડીને પ્રતિરોપિત કરાય છે. બંને ફેફસાંના પ્રતિરોપણમાં સરળતાથી રુધિરાભિસરણ પ્રસ્થાપિત કરવા ડાબા કર્ણકનો કેટલોક ભાગ પણ તેની સાથે પ્રતિરોપિત કરાય છે. એકઘન રૂપે (enblock) બંને ફેફસાંનું એકસાથે પ્રતિરોપણ જવલ્લે જ કરાય છે. ફક્ત 5૦% દર્દીઓ 1 વર્ષ જીવે છે.

જો પ્રતિરોપણ પહેલાં દાતાના અવયવોની સ્થિતિ સારી હોય તથા તેમને લાંબા સમય માટે ઠંડા ન કરવામાં આવેલા હોય તો સફળતા વધુ રહે છે. નિરોપનો અસ્વીકાર થયો છે કે નહિ તે જાણવા ગળામાંની શિરામાંથી હૃદયની અંત:કલા (endocardium) અને સ્નાયુને તથા શ્વાસનળી દ્વારા ફેફસાના ટુકડાને કાપી લેવામાં આવે છે અને તેમને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. તેમને અનુક્રમે કંઠશિરામાર્ગી હૃદયાંત:સ્નાયવી પેશીપરીક્ષણ (jugular endomyocardial biopsy) તથા શ્વસનનલિકામાર્ગી ફેફસી પેશીપરીક્ષણ (transbronchial pulmonary biopsy) કહે છે. શંકાસ્પદ કિસ્સામાં નિરોપ-અસ્વીકારનો વિરોધ કરતી સારવાર તરત જ શરૂ કરાય છે. જોકે તે માટે કરાતા પ્રતિરક્ષાના અતિશય દબાણને કારણે ક્યારેક ફેફસામાં જીવનને જોખમી ચેપ લાગે છે. ફેફસી-પ્રતિરોપણમાં સાયટોમેગેલો વિષાણુજન્ય ચેપનું ઘણુ મોટું જોખમ રહે છે. ક્યારેક પ્રતિરોપણમાં ઝડપથી વધતો હૃદધમની મેદકાઠિન્યનો વિકાર (coronary atherosclerosis) અથવા તંતુકારી શ્વસનિકાશોથ (fibrosing bronchiolitis) થાય છે. તેમને લાંબા સમય માટેનો પ્રતિરોપણનો અસ્વીકાર કહે છે.

પ્રકીર્ણ પ્રત્યારોપણો (miscellaneous transplantations) : પાર્કિન્સન્સના રોગમાં ગર્ભમાંની અધિવૃક્ક ગ્રંથિ(adrenal gland)ના મધ્યસ્તર (medulla) કે અધિવૃક્ક ગ્રંથિની મજ્જા(marrow)નું પ્રત્યારોપણ કરવાથી ક્યારેક હલનચલન ફરીથી સુધરે છે. તેને ગર્ભીય અધિવૃક્ક-મજ્જાનું પ્રત્યારોપણ (foetal adrenal medullary transplantation) કહે છે. (ચામડીના નિરોપ માટે જુઓ વિશ્વકોશ ખંડ–2માં ‘ઈજાઓ અને દાહ’ અને અસ્થિના નિરોપ માટે જુઓ વિશ્વકોશ ખંડ1.)

પ્રવીણા પી. શાહ

સોમાલાલ ત્રિવેદી

શિલીન નં. શુક્લ