પ્રતિરક્ષી ચિકિત્સા (immunotherapy) : પ્રતિરક્ષાલક્ષી ઘટકો કે તેમની અસરમાં ફેરફાર લાવનાર પરિબળો કે રસાયણો વડે સારવાર. બહારના પ્રોટીન(નત્રલ)ને ઓળખીને તેની સાથે રક્ષણના હેતુસર પ્રતિક્રિયા કરનારા ગ્લૉબ્યુલિન (ગોલનત્રલો) નામના પ્રોટીનના અણુઓને પ્રતિદ્રવ્યો (antibodies) કહે છે. તે પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન કે પ્રતિરક્ષી ગોલનત્રલો(immunoglobulins)નાં બનેલાં હોય છે. તેમના ઉપયોગથી થતી બાહ્ય પ્રોટીનની સામેના ચોક્કસ પ્રકારના રક્ષણની ક્રિયાને પ્રતિરક્ષા (immunity) કહે છે. શરીરની પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓમાં વધારો કે ઘટાડો કરીને કરાતી સારવારને પ્રતિરક્ષી ચિકિત્સા કહે છે. તેનો ઉપયોગ ઍલર્જીજન્ય રોગોની સારવારમાં થાય છે. આ ઉપરાંત તે કૅન્સર, સાર્કૉઇડતા (sarcoidosis), પ્રતિરક્ષાની ઊણપ ધરાવતા રોગો, સ્વકોષઘ્ની વિકારો (autoimmune disorders), ચેતાતંત્રીય બહુસ્થાની તંતુકાઠિન્ય (multiple sclerosis), મહત્તર સ્નાયુદુર્બલતા (myasthenia gravis), ચામડીમાં ફોલ્લા કરતો પૅમ્ફિગસ નામનો રોગ વગેરેની સારવારમાં પણ ઉપયોગી છે. (જુઓ સારણી)
ઍલર્જીજન્ય રોગોની સારવાર : બાહ્ય પદાર્થો તરફની પ્રતિરક્ષાલક્ષી રક્ષણાત્મક પ્રક્રિયાને સંવેદિતા અથવા પ્રતિગ્રાહ્યતા (sensitivity) કહે છે. જ્યારે તેનું પ્રમાણ વધુ પડતું થાય ત્યારે તે શરીરને પણ નુકસાન કરે છે. તેને અતિસંવેદિતા અથવા અતિપ્રતિગ્રાહ્યતા (hyper-sensitivity) કહે છે. તેને ઍલર્જી અથવા વિષમોર્જા (allergy) પણ કહે છે. જો વારસાગત રીતે તેની સંભાવના ઉદભવેલી હોય અને તે એક શારીરિક બંધારણરૂપ ઍલર્જીનો વિકાર હોય તો તેને કૌટુંબિક વિષમોર્જા (atopy) કહે છે. તેમાં ઍલર્જીને કારણે નાકમાં, આંખની ફાડમાં દેખાતા ડોળાના સફેદ ભાગ પરની નેત્રકલા (conjunctiva) નામના આવરણમાં, શ્વસનનલિકાઓમાં, ચામડીમાં અને જઠર-આંતરડાંમાં અનુક્રમે કૌટુંબિક વિષમોર્જાજન્ય નાસિકાશોથ (atopic rhinitis), વિષમોર્જાજન્ય નેત્રકલાશોથ (allergic conjunctivitis), વિષમોર્જાજન્ય દમ (allergic asthma), કૌટુંબિક વિષમોર્જાજન્ય ત્વચાશોથ (atopic dermatitis) તથા વિષમોર્જાજન્ય જઠરાંત્રરુગ્ણતા (atopic gastroenteropathy) થાય છે. વિષમોર્જાજન્ય નાસિકાશોથ(allergic rhinitis)ને સાદી ભાષામાં ઍલર્જીજન્ય શરદી કહે છે. તેઓમાં IgE પ્રકારનાં પ્રતિદ્રવ્યો હોય છે. IgE પ્રકારનાં પ્રતિદ્રવ્યોની હાજરી સાબિત કરવા માટે અને તે દ્વારા કૌટુંબિક વિષમોર્જાજન્ય રોગનું નિદાન કરવા માટે ચામડીની અંદર ઇંજેક્શન આપીને તેની સામેની પ્રતિક્રિયા નોંધવામાં આવે છે. દર્દીને કોઈ બાહ્ય દ્રવ્ય માટે ઍલર્જી હોય તો તેની ચામડીમાં તેને લગતા પ્રતિજન(antigen)નું ઇંજેક્શન આપવાથી 15–2૦ મિનિટમાં તે સ્થળે ખૂજલી આવે છે, રતાશ (લાલાશ) થાય છે અને તે સહેજ ઊપસી આવે છે. તેમને અનુક્રમે ખર્જરિકા (pruritus), રક્તિમા (erythema) અને ઉપસણ (wheal) કહે છે. તેને ઉપસણ અને ઝાળ(wheal and flare)ની પ્રક્રિયા કહે છે. આવું જ્યારે વ્યક્તિને શીળસ (urticaria) નીકળે ત્યારે પણ થાય છે. આ કસોટીનો ઉપયોગ દમ કે ઍલર્જીજન્ય શરદી(allergic rhinitis)ના નિદાનમાં કૌટુંબિક વિષમોર્જા છે કે નહિ તે જાણવા માટે થાય છે. પ્રયોગશાળામાં લોહીની તપાસ કરીને પણ તેમાં IgE પ્રકારનાં પ્રતિદ્રવ્યો છે કે નહિ તે જાણી શકાય છે. આ પ્રકારના રોગોમાં જે–તે વિષમોર્જાકારક (allergic) પદાર્થોથી દૂર રહેવાની સલાહ અપાય છે. માસ્ટ કોષોમાંથી હિસ્ટામીન નામનું દ્રવ્ય છૂટું પડે તેમને ક્રોમોલિનના નામની દવા અપાય છે. આ ઉપરાંત હિસ્ટામીનરોધકો (antihistamens), અનુકંપી ચેતાતંત્રના કાર્ય જેવું કાર્ય કરતાં ઔષધો, થિયોફાયલીન, કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ તથા કેટલાંક નવાં ઔષધો વપરાય છે. આ નવાં ઔષધોને લ્યૂકોટ્રાઇન્સ (leucotrienes) કહે છે જેમાં મૉન્ટેલુકાસ્ટ(montelukast), ઝૅફિરલુકાસ્ટ (zafirlukast) અને ઝિલેયુટોન(zileuton)નો સમાવેશ થાય છે. તે દમની સારવારમાં વપરાય છે.
ઍલર્જીજન્ય શરદી તથા દમનો વારંવાર હુમલો ઘટાડવા માટે તથા તેમનું પ્રમાણ તેમજ તેમના થવાનો દર ઘટાડવા માટે પ્રતિરક્ષી ચિકિત્સાનો ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે આવા દર્દીઓ પર દવાની અસર ઘટી ગયેલી હોય છે તથા તેમના રોગકારક પ્રતિજનોનો સંસર્ગ પણ ઘટાડી શકાય તેમ હોતું નથી. રોગકારક પ્રતિજનને વિષમોર્જાજન (allergen) કહે છે. જેમને ઍલર્જીને કારણે શરદી થતી હોય કે આંખ આવતી હોય તેમને તેનાથી ફાયદો થાય છે. ઍલર્જીને કારણે આંખ આવે તેને વિષમોર્જાજન્ય નેત્રકલાશોથ (allergic conjunctivitis) કહે છે. જોકે દમના દર્દીઓમાં તેની સફળતા ઓછી રહે છે. તે કૌટુંબિક ત્વચાશોથના દર્દીમાં ઉપયોગી નીવડતી નથી. જો દર્દીને ખોરાકના કોઈ ઘટકની ઍલર્જી હોય તો તેવો આહાર ન લેવાની સલાહ આપવી વધુ યોગ્ય ગણાય છે. પ્રતિરક્ષી સારવાર રૂપે ધીમે ધીમે વધતી જતી સાંદ્રતા (concentration) સાથે જે-તે ઍલર્જી કરતું દ્રવ્ય ચામડીમાં ઇંજેક્શન દ્વારા અપાય છે. આમ શરીરને જાણે તેનાથી ટેવાય એવું કરવામાં આવે છે. આ પ્રક્રિયાને અલ્પસંવેદીકરણ અથવા અલ્પપ્રતિગ્રાહીકરણ (hyposensitisation) કહે છે (જુઓ ગુજરાતી વિશ્વકોશ ખંડ 1માં ‘‘અલ્પપ્રતિગ્રાહીકરણ’’). આ પ્રક્રિયા દિવસોથી માંડીને મહિનાઓ સુધી ચાલે છે. ક્યારેક કોક કિસ્સામાં તે ઝડપથી કરવું જરૂરી બને છે ત્યારે ત્વરિત નિષ્પ્રતિગ્રાહીકરણ અથવા નિ:સંવેદીકરણ (acute desensitisation) કરાય છે. આ પ્રકારની ક્રિયામાં થોડાક જ કલાકોમાં ઍલર્જીની અસર ઘટાડવા પ્રયત્ન કરાય છે, ખાસ કરીને પેનિસિલિન અને ઇન્સ્યુલિન જેવી દવાઓની ઍલર્જી ઘટાડવા તેનો ઉપયોગ કરવાનું સૂચવાય છે.
અન્ય વિકારોની સારવાર : ઍલર્જીજન્ય વિકારો થયા હોય ત્યારે વધી ગયેલી પ્રતિરક્ષાલક્ષી ક્રિયાઓનું અવદાબન કરાય છે. તેવી જ રીતે કોઈ અવયવનું પ્રત્યારોપણ કરાયું હોય પણ પ્રતિરક્ષી ક્રિયાઓને દબાવવામાં આવે છે તેને પ્રતિરક્ષી અવદાબન (immuno-suppression) કહે છે. તેમાં કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ, અનેક કૅન્સરવિરોધી ઔષધો, ઍઝાથાયોપ્રિમ, સાઈક્લોસ્પૉરિન વગેરે દવાઓનો ઉપયોગ કરાય છે. મોટેભાગે સારવાર લાભકારક રહે છે. કેટલાક રોગોમાં પ્રતિરક્ષાનો વિકાર થવાને કારણે શરીરના પોતાના કોષો પોતાના બીજા કોષોને મારે છે. તેમને સ્વકોષઘ્ની વિકારો (autoimmune disorders) કહે છે. આવા જ એક બીજા વિકારમાં લોહીને ગંઠાવનારા લોહીના ગઠનકોષો(platelets)નો નાશ થાય છે. તે સમયે લોહી વહેવાનો વિકાર થાય છે. તેને અજ્ઞાતમૂલ અલ્પગઠનકોષી રુધિરછાંટ (idiopathic thrombocytopenic purpura) કહે છે.
સારણી : પ્રતિરક્ષી ચિકિત્સાના ઉપયોગો | ||||
ચિકિત્સાનો પ્રકાર | સારવારનો હેતુ | વિકારો | ઔષધો | નોંધ |
અલ્પસંવેદીકરણ (hyposensitisation) | ઍલર્જીની તકલીફ ઘટાડવી | ઍલર્જીજન્ય શરદી, ઍલર્જીને કારણે વારંવાર આંખ આવવી, ઍલર્જીજન્ય દમ | જે તે પ્રતિજનને ઓળખીને તેને વધતી જતી માત્રામાં વારંવાર આપવો | ઍલર્જીને કારણે થતી શરદી કે આંખ આવવાના વિકાર- માં ઘણો લાભ, દમના વિકારમાં મર્યાદિત ફાયદો |
નિ:સંવેદીકરણ (desensitisation) | ઍલર્જીની તકલીફ તરત ઘટાડવી | પેનિસિલિન કે ઇન્સ્યુલિનની ઍલર્જી | જેતે પ્રતિજનને ઓળખીને તેને ઝડપથી વધતી જતી માત્રામા વારંવાર આપવો | ઘણી વખત ફાયદો થાય |
પ્રતિરક્ષી અવદાબન (immuno-suppression) | વધી ગયેલી પ્રતિરક્ષાલક્ષી ક્રિયાઓનું અવદાબન | ઍલર્જીજન્ય વિકારો, અવયવનું પ્રત્યારોપણ કરાયું હોય ત્યારે | કૉર્ટિકોસ્ટીરૉઇડ અને કૅન્સર- વિરોધી ઔષધો ઍઝાથાયોપ્રિમ, સાઇક્લોસ્પૉરિન | મોટેભાગે લાભકારક |
પ્રરસીય ગલન (plasmapheresis) | પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિનને ગાળી કાઢવા | સ્વકોષઘ્ની વિકારો (autoimmune disorders), મહત્તર સ્નાયુદુર્બલતા (myasthenia gravis), અજ્ઞાતમૂલ અલ્પગઠનકોષી રુધિરછાંટ (idiopathic thrombocytopenic purpura) | ઘણી અસરકારક પદ્ધતિ | |
પ્રતિરક્ષી ઉત્તેજન (સક્રિય) અનુભવ (immuno-stimulation) | રસી (vaccine) આપી ચેપ થતો અટકાવવો | વિષાણુજ કે જીવાણુજ ચેપની સંભાવના અથવા બાળકોને, સગર્ભા સ્ત્રીને કે વિદેશ જતા પ્રવાસીને તે તે અપાય છે. | વિવિધ પ્રકારની રસીઓ | શરીરના કોષો જાત- મેળવીને તેમને પ્રતિકાર કરે છે. ઘણી અસરકારક પદ્ધતિ. |
પ્રતિરક્ષી સહાય (અસક્રિય) (passive immunity) | ચેપ લાગ્યા પછી તેની ઝેરી કે વિપરીત અસર ઘટાડવા માટે ગ્લૉબ્યુલિન આપવા રુધિરછાંટ | ધનુર્વા (tetanus), હડકવા, અજ્ઞાતમૂલ અલ્પગઠનકોષી વગેરે રોગો | વિશિષ્ટ કે અવિશિષ્ટ પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન | મોટેભાગે અસરકારક, ટૂંકા સમય માટે ઉપયોગી |
પ્રતિરક્ષી કલન (immuno-modulation) | પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓને સમધાત કરવા | મોટા આંતરડાનું કૅન્સર | લિવામેઝોલ | અન્ય કૅન્સરવિરોધી દવાઓ સાથે વપરાય તો ઘણું ઉપયોગી |
ક્યારેક સ્નાયુઓમાં ઘણી જ શિથિલતા આવી જાય તેવો મહત્તર સ્નાયુદુર્બલતા (myasthenia gravis) નામનો વિકાર થાય છે. આ બધા વિકારોમાં પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિનનું લોહીમાં પ્રમાણ વધે છે. તેથી લોહીના પ્રવાહી ભાગ અથવા પ્રરસ(plasma)ને યંત્રની મદદથી ગાળવાની એક પ્રક્રિયા કરાય છે. તેને પ્રરસીય ગલન (plasmapheresis) કહે છે. પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિનને ગાળી કાઢવાની આ પદ્ધતિ ઘણી અસરકારક સાબિત થયેલી છે. વિવિધ પ્રકારના ચેપને માટે હાલ રસીઓ શોધી કઢાઈ છે. એક રીતે જોતાં આ એક પૂર્વનિવારણ પ્રક્રિયા છે. તેમાં સક્રિય પ્રતિરક્ષી ઉત્તેજન (immuno-stimulation) થાય છે. રસી (vaccine) આપી ચેપ અસરકારક રીતે થતો અટકાવી શકાય છે અથવા તેનું જોર ઘટાડી શકાય છે. તેથી જ્યારે પણ વિષાણુજ કે જીવાણુજ ચેપની સંભાવના હોય ત્યારે અથવા શિશુઓને, બાળકોને, સગર્ભા સ્ત્રીઓને કે વિદેશ જતા પ્રવાસીઓને તે અપાય છે. વિવિધ પ્રકારની રસીઓ વડે શરીરના કોષો જાતઅનુભવ મેળવીને તેમનો પ્રતિકાર કરે છે. ક્યારેક ચેપ લાગ્યા પછી તરત રક્ષણાત્મક ક્રિયા કરવાની જરૂર પડે છે. તેવે વખતે એટલે કે ચેપ લાગ્યા પછી તરતના સમયે તેની ઝેરી કે વિપરીત અસર ઘટાડવા માટે ગ્લૉબ્યુલિન આપીને ધનુર્વા (tetanus), હડકવા, અજ્ઞાતમૂલ અલ્પગઠનકોષી રુધિરછાંટ વગેરે રોગોને કાબૂમાં લઈ શકાય છે. આવી પ્રતિરક્ષી સહાય અસક્રિય (passive immunity) પ્રકારની હોય છે. માતાના લોહીમાંથી ગર્ભને કે માતાના દૂધમાંથી ધાવતા શિશુને માતા પાસેથી પણ આવી પ્રતિરક્ષી સહાય મળે છે. તેમાં વિશિષ્ટ કે અવિશિષ્ટ પ્રકારનાં પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન મળે છે. તે મોટેભાગે અસરકારક અને ટૂંકા સમય માટે ઉપયોગી નીવડે છે. કેટલાક કિસ્સામાં પ્રતિરક્ષી ક્રિયાને સમધાત કરવી જરૂરી બને છે, જેમ કે મોટા આંતરડાનું કૅન્સર. તેવે સમયે લિવામેઝોલ નામની દવા વપરાય છે. તે પ્રતિરક્ષક પ્રક્રિયાઓને સમધાત કરે છે. તેને પ્રતિરક્ષી કલન (immuno-modulation) કહે છે. જ્યારે મોટા આંતરડાના કૅન્સરમાં લિવામેઝોલની સાથે અન્ય કૅન્સરવિરોધી દવાઓ વપરાય છે ત્યારે તે ઘણી ઉપયોગી સાબિત થયેલી છે.
નિલય રા. ઠાકોર
શિલીન નં. શુક્લ