પ્રતિરક્ષાપૂરકો (complements) : શારીરિક રક્ષણ અને પ્રતિરક્ષા(immunity)ની પ્રક્રિયામાં પૂરક કાર્ય કરતા પ્રોટીનનો સમૂહ. તે મુખ્ય સૂક્ષ્મજીવો સામેના સંરક્ષણમાં તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓમાં અવિશિષ્ટ (nonspecific) ઘટકો તરીકે કાર્ય કરે છે. કુલ 9 પ્રોટીનોને આ જૂથમાં સમાવેલાં છે. તેમને C1થી C9ની સંજ્ઞાઓ વડે ઓળખવામાં આવે છે. તેઓને સંયુક્ત રૂપે પ્રતિરક્ષાપૂરક તંત્ર(complement system)ના નામે ઓળખવામાં આવે છે. તે પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓ તથા ઍલર્જીલક્ષી પ્રક્રિયાઓમાં સક્રિય છે માટે તેમને પ્રતિરક્ષાપૂરકો કહે છે. એહલરિચે મૂળ જીવાણુઓના પ્રતિરક્ષાલક્ષી નાશમાં સક્રિય અને જરૂરી ગણાય એવા પ્રોટીનના સમૂહને ઓળખી બતાવ્યો. ગરમીની તેમના પર અસર થાય છે અને તેમાં ફેરફાર આવે છે માટે તેમને ઉષ્માવિકારી (thermolabile) દ્રવ્યો પણ કહે છે. સામાન્ય રીતે તેઓ ક્રમશ: થતી ક્રિયાશૃંખલા દ્વારા કાર્ય કરે છે. તેને પ્રતિરક્ષાપૂરક પ્રપાત (complement cascade) અથવા પ્રતિરક્ષાપૂરક ક્રિયાપથ (pathway) કહે છે. તેમનું કાર્ય 2 જુદા જુદા ક્રિયાપથો દ્વારા થાય છે. તેમને અનુક્રમે આદર્શ (classical) અને વૈકલ્પિક (alternate) ક્રિયાપથો કહે છે. તે બંનેમાં મુખ્ય પ્રક્રિયા C3નું વિચ્છેદન (cleavage) થવું તે છે. બંને ક્રિયાપથોમાં એક પછી એક પ્રતિરક્ષાપૂરકો ક્રમશ: સક્રિય બને છે અને ક્રમમાં તેમને અનુસરતા પ્રતિરક્ષાપૂરકોને સક્રિય કરતા જાય છે. બંને ક્રિયાપથો C3ના વિચ્છેદન માટે એક બિંદુ પર આવે છે. ત્યારપછીનો ક્રિયાપથ સમાન છે, જે છેવટે કોઈ કોષનાશક ક્રિયામાં પરિણમે છે.

પ્રતિરક્ષી પ્રક્રિયાઓમાં બહારથી આવતા સૂક્ષ્મજીવમાંના પ્રોટીનના અણુઓને પ્રતિજન (antigen) તરીકે ઓળખી કાઢવામાં આવે છે. તેની સાથે પ્રતિદ્રવ્યો (antibodies) પ્રક્રિયા કરીને પ્રતિજન-પ્રતિદ્રવ્ય સંકુલ (antigen-antibody complex) બનાવે છે. આ સંકુલ જે-તે કોષને પ્રતિસંવેદિત અથવા પ્રતિગ્રાહિત (sensitized) કરે છે, જેમનો પાછળથી નાશ થાય છે. કેટલાંક પ્રતિદ્રવ્યો આ કોષોને પ્રતિરક્ષાપૂરક સાથે જોડાવા માટે પ્રતિસંવેદિત અથવા પ્રતિગ્રાહિત કરે છે. આવાં પ્રતિદ્રવ્યોને પ્રતિરક્ષાપૂરકસ્થાપી પ્રતિદ્રવ્યો (complement fixing antibodies) કહે છે. પ્રતિરક્ષાપૂરક દ્રવ્યો પ્રતિજન-પ્રતિદ્રવ્ય સંકુલ સાથે પ્રક્રિયા કરે છે. તેમની પ્રક્રિયામાં ઘણાં પગથિયાં છે જે એક પછી એક નિશ્ચિત ક્રમાનુસાર થાય છે. તેને અંતે જે-તે જીવાણુનો નાશ થાય છે. આવું જ ક્યારેક કોઈ વિકાર હોય તો શરીરના પોતાના કોષો માટે પણ બને છે. કોષોની પ્રતિરક્ષી ક્રિયાને અંતે થતા નાશને પ્રતિરક્ષી કોષલયન (immunolysis) કહે છે. પ્રતિરક્ષાપૂરકો આ પ્રતિરક્ષી કોષલયન માટે જરૂરી દ્રવ્યો છે. પ્રતિદ્રવ્યો જીવાણુ કે વિકારયુક્ત કોષને ઓળખીને તેને પ્રતિરક્ષાપૂરકની પ્રક્રિયા માટે પ્રતિગ્રાહિત કરે છે. સાથે સાથે તેઓ પ્રતિરક્ષાપૂરકોને પણ સક્રિય કરે છે.

સક્રિય થયેલા પ્રતિરક્ષાપૂરકો જુદી જુદી રીતે કાર્ય કરીને જીવાણુઓનો નાશ કરે છે. (1) કેટલાક પ્રતિરક્ષાપૂરકો એક ક્રિયાશૃંખલા સર્જીને કોષના આવરણરૂપ કોષપટલમાં કાણાં પાડે છે. આ રીતે તે કોષનો નાશ થાય છે. તેને કોષલયન (cell lysis) કહે છે. (2) કેટલાક પ્રતિરક્ષાપૂરકો કોષોનું ભક્ષણ કરતા કોષભક્ષી કોષો(phagocytes)ની સપાટી પરના સ્વીકારકો સાથે ક્રિયા કરીને તેમને વિકારયુક્ત કોષ કે જીવાણુનું કોષભક્ષણ (phagocytosis) કરવા પ્રેરે છે. આ પ્રક્રિયાને પ્રતિરક્ષી આસંગ (immune adherence) અથવા ભક્ષણદાન (opsonisation) કહે છે. (3) કેટલાક પ્રતિરક્ષાપૂરકો પેશીમાંના માસ્ટકોષો, લોહીના શ્વેતકોષો તથા લોહીને ગંઠાવનારા ગઠનકોષોમાંથી હિસ્ટામીન નામના દ્રવ્યને છૂટું પાડે છે. તે નસોમાંથી પ્રવાહીને ચૂએ એવી રીતે તેની પારગમ્યતાને (permeability) વધારે છે અને આમ તે શોથ(inflammation)ની પ્રક્રિયા શરૂ કરે છે. પેશીમાં આવતા પીડાકારક સોજાને શોથ કહે છે. તે જ્યારે પણ જીવાણુનો ચેપ લાગે કે ઍલર્જી થાય ત્યારે જોવા મળે છે. (4) તેમનામાંના પ્રથમ 7 ઘટકો કોષાકર્ષી રસાયણઘટકો (chemotactic factors) છે. જ્યારે 5, 6 અને 7 ઘટકો સક્રિય બને છે ત્યારે તેઓ લોહીમાંના તટસ્થ શ્વેતકોષોને વિકારના સ્થળે ખેંચી લાવે છે અથવા આકર્ષે છે. તેથી તેમને કોષાકર્ષી રસાયણઘટકો કહે છે.

પ્રતિરક્ષાપૂરક સ્થાપન (complement fixation) એક અગત્યની પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયા છે. જો કોઈ એક પ્રતિરક્ષી પ્રક્રિયામાં પ્રતિરક્ષાપૂરક સ્થાપિત થઈ જાય (વપરાઈ જાય) તો તે પ્રતિરક્ષાપૂરક તે સમયે થતી બીજી પ્રતિરક્ષી ક્રિયા માટે ઉપલબ્ધ રહેતો નથી. તેથી તે બીજી પ્રતિરક્ષી ક્રિયા થઈ શકતી નથી. આમ આ બીજી પ્રતિરક્ષી ક્રિયા થાય છે કે નહિ તે જાણવામાં આવે તો પહેલી ક્રિયામાં પ્રતિરક્ષાપૂરક વપરાઈ ગયો છે કે નહિ તે જાણી શકાય છે. દા.ત., રક્તકોષોની સાથે કોઈ રક્તકોષલયી ઘટક (haemolytic factor) ઉમેરવામાં આવે અને તે સમયે પ્રતિરક્ષાપૂરક હાજર હોય તો રક્તકોષનો નાશ થાય છે. તેને રક્તકોષલયન (haemolysis) કહે છે. પરંતુ જો તે સમયે પ્રતિરક્ષાપૂરક કોઈ અન્ય પ્રક્રિયામાં વપરાઈ ગયેલો હોય તો તે ઉપલબ્ધ ન હોવાથી રક્તકોષનું લયન થતું નથી. આમ કસોટી દ્વારા પ્રતિરક્ષાપૂરક વપરાઈ ગયેલો છે કે નહિ તે જાણી શકાય છે. આવી કસોટીને પ્રતિરક્ષાપૂરક સ્થાપન કસોટી (complement fixation test) કહે છે. વિવિધ પ્રકારના ચેપના નિદાનમાં આ કસોટી વપરાય છે.

શાંતિ પટેલ

શિલીન નં. શુક્લ