પ્રતિરક્ષીકરણ (immunisation) : નિયંત્રિત વિકાર સર્જીને લાંબો સમય અસરકારક રહે તેવી ચોક્કસ રોગો સામે રક્ષણ મેળવવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની ક્રિયા. તેને સાદી ભાષામાં રસી આપવી એમ પણ કહે છે. શાસ્ત્રીય રીતે રુધિરરસ (blood serum) દ્વારા સક્રિય અને અસક્રિય એમ બે પ્રકારે રોગપ્રતિકારકતા (પ્રતિરક્ષા, immunity) વધારી શકાય છે. પ્રતિરક્ષણમાં આ બંને પ્રક્રિયાઓ સમાવી લેવાય છે. કોઈ રોગ સામે નિશ્ચિત રસી (vaccine) આપવાની ક્રિયા કરાય છે. તે સક્રિય પ્રકારની પ્રતિરક્ષા સર્જે છે. તેથી આવી સક્રિય પ્રતિરક્ષણની ક્રિયાને રસીકરણ (vaccination) કહે છે. હજુ પણ પૂરતા પ્રમાણમાં તેનો ઉપયોગ થતો નથી. વિકાસશીલ દેશોમાં એવા ચેપી રોગો જોવા મળે છે જેમને વિકસિત દેશોએ એમના દેશોમાંથી નાબૂદ કર્યા હોય. સારણી 1માં સામાન્ય રીતે વપરાતી રસીઓ (vaccines) દર્શાવી છે.

સારણી 1 : સામાન્ય રીતે વપરાતી રસીઓ

સૂક્ષ્મજીવનાં જૂથ રસીનો પ્રકાર ચેપી રોગો વિરુદ્ધની રસીઓ
જીવાણુઓ

(bacteria)

જીવન્ત (live) ક્ષયવિરોધી રસી, ટાઇફૉઇડ
હત (killed) કૉલેરા, ઉટાટિયું, ધનુર્વા, ડિફથેરિયા (ઘટસર્પ), મૅનિન્ગોકોકલ તાનિકાશોથ  (meningitis), એચ. ઇન્ફ્લુએન્ઝીનો પ્રકાર-બી, ન્યૂમોકોકલ ફેફસીશોથ (pneumonia)
વિષાણુઓ

(viruses)

જીવન્ત (live) સાકની બાળલકવા (polio) વિરુદ્ધ રસી, ઓરી, ગાલપચોળું અથવા લાપોટિયું

(mumps), પીતજ્વર (yellow fever)

હત (killed) સૅબિનની બાળલકવા (polio) વિરુદ્ધ રસી, હડકવા (rabies), યકૃતશોથ-બી (hepatitis-B), ઇન્ફ્લુએન્ઝા, જાપાનીઝ મસ્તિષ્કશોથ (encephalitis)

1974થી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વનાં બધાં જ બાળકોને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે વૈશ્વિક પ્રતિરક્ષણ કાર્યક્રમ અથવા વૈશ્વિક રસીકરણ કાર્યક્રમ (global immunisation programme) અમલમાં આવેલો છે. તેની અંદર 6 ચેપી રોગોથી વિશ્વનાં બધાં જ બાળકોને ઈ. સ. 2૦૦૦ સુધીમાં રક્ષણ આપવાનો ઇરાદો રખાયેલો છે. તેમાં આવરી લેવાયેલા રોગો છે બાળલકવો, ઘટસર્પ (diphtheria), ઉટાટિયું, ધનુર્વા, ક્ષયરોગ અને ઓરી. ભારતમાં ઈ. સ. 1978માં તે કાર્યક્રમને વૈશ્વિક પ્રતિરક્ષણનો કાર્યક્રમ(universal immunisation programme)ના નામે અમલમાં મૂકવામાં આવ્યો. ઈ.સ. 1985માં UNICEF દ્વારા તે કાર્યક્રમને સમયબદ્ધ બનાવાયો. 199૦ સુધીમાં સર્વ બાળકોને રસી અપાઈ જાય એ હેતુથી આ કાર્યક્રમ શરૂ કરાયેલો હોવાથી તેને સાર્વત્રિક બાળ રસીકરણ કાર્યક્રમ, 199૦ કહેવાયો. ભારતીય રૂપના કાર્યક્રમને UNICEF દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો અને 1985માં સમગ્ર વિશ્વમાં રસીકરણ થઈ શકે તે માટે સાર્વત્રિક પ્રતિરક્ષીકરણ કાર્યક્રમ અમલમાં મુકાય જેમાં વિશ્વનાં બધાં જ બાળકોને 199૦ સુધીમાં રસી મૂકી શકાય તેવું આયોજન કરાયું.

ઉત્પાદનસ્થળથી વપરાશ કરનારા સુધી સક્રિય, અસરકારક અને સક્ષમ રસી પહોંચાડવા અને ઓછા તાપમાને તેનો સંગ્રહ કરવા માટેની તથા પરિવહન કરવાની પદ્ધતિ વિકસાવાઈ છે. તેને શીતશૃંખલા તંત્ર (cold chain system) કહે છે. તેને માટે 3 મહત્ત્વની કડીઓ ગણાય છે. તે છે યોગ્ય સંગ્રહસાધનો, જરૂરી વાહનો અને પૂરેપૂરા મનથી કામ કરતા પ્રશિક્ષિત કાર્યકરો. શીતશૃંખલામાં વપરાતાં સંગ્રહસાધનો તેના સંગ્રહ અને પરિવહનની સુગમતા કરી આપે છે. બરફના ટુકડાવાળા ઠંડા બૉક્સમાં કે રસીવહનપાત્ર(vaccine carrier)માં રસીને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાય છે. ઠંડા બૉક્સમાં મુકાયેલી રસીને લાંબા સમય સુધી સાચવી શકાય છે અને તેથી લાંબાં અંતરો સુધી લઈ જવામાં સુગમતા રહે છે. નાનાં રસીપાત્રોમાં તે 3 દિવસ સુધી સુરક્ષિત રહે છે માટે તેને હાથમાં ઊંચકીને કે સાઇકલ પર મૂકીને લઈ જવાય છે.

સારણી 2 : રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ

લાભ પ્રાપ્ત

કરનાર

ઉંમર રસી માત્રા (dose) પ્રવેશમાર્ગ
શિશુ

(infant)

6 અઠવાડિયાંથી 9 મહિના ત્રિગુણી (DPT) 3 સ્નાયુમાં ઇંજેક્શન
6 અઠવાડિયાંથી 9 મહિના બાળલકવો 3 મુખમાર્ગી
જન્મથી 3 મહિને ક્ષયરોગ 1 ચામડીમાં ઇંજેક્શન
9થી 12 મહિને ઓરી 1 ચામડીની નીચે
બાળક 18થી 24 મહિને ત્રિગુણી (DPT) 1 બળવર્ધક માત્રા સ્નાયુમાં ઇંજેક્શન
18થી 24 મહિને બાળલકવો 1 બળવર્ધક માત્રા મુખમાર્ગી
5થી 6 વર્ષે ડિફથેરિયા

અને ધનુર્વા

1, જો પ્રથમ વખત હોય તો મહિનાને અંતરે 2 સ્નાયુમાં ઇંજેક્શન
5થી 6 વર્ષે ટાઇફૉઇડ 2 ચામડીની નીચે
1૦મે વર્ષે ધનુર્વા 1, જો પ્રથમ વખત હોય તો મહિનાને અંતરે 2 સ્નાયુમાં ઇંજેક્શન
1૦મે વર્ષે ટાઇફૉઇડ 1, જો પ્રથમ વખત હોય તો મહિનાને અંતરે 2 ચામડીની નીચે
16મે વર્ષે ધનુર્વા 1, જો પ્રથમ વખત હોય તો મહિનાને અંતરે 2 સ્નાયુમાં ઇંજેક્શન
16મે વર્ષે ટાઇફૉઇડ 1, જો પ્રથમ વખત હોય તો મહિનાને અંતરે 2 ચામડીની નીચે
સગર્ભા 16થી 36મા અઠવાડિયે ધનુર્વા 1, જો પ્રથમ વખત હોય તો મહિનાને અંતરે 2 સ્નાયુમાં ઇંજેક્શન

એક સ્થળે લાંબા સમય માટે રસીઓને સંગ્રહવા માટે શીતસંગ્રાહક (refrigerator) ઘણું મહત્વનું સાધન છે. તેમાં અતિશીત ખાના(freezing compartment)માં બાળલકવાવિરોધી રસી રખાય છે. મુખ્ય નીચલાં ખાનાંઓમાં સૌથી ઉપરના ભાગમાં ક્ષયવિરોધી રસી અને ઓરી વિરોધી રસીને અલગ અલગ ખોખામાં રખાય છે. વચ્ચેના ભાગમાં ત્રિગુણી રસી (DPT), ડિફથેરિયા-ધનુર્વા (DT) અને ધનુર્વાની વિષાભ રસી(tetanus toxid)ને અલગ અલગ ખોખામાં રખાય છે જ્યારે વચ્ચેના અલગ ખાનામાં યકૃતશોથ-બી વિરોધી રસી રખાય છે. સૌથી નીચે રસીઓના દ્રાવણને મંદ કરવા માટે વપરાતું મંદક (diluent) રખાય છે. તે કદી પણ ઠરીને બરફ થઈ ન જાય તેની ખાસ સંભાળ લેવાની હોય છે.

સગર્ભા સ્ત્રીઓમાં દરેક વખતે અગાઉ ધનુર્વાની રસી ક્યારે અને કેટલી લેવાઈ છે તેની માહિતી બરાબર મળતી ન હોવાને કારણે તેમને એક મહિનાને અંતરે 2 વખત ધનુર્વા-વિરોધી રસી મુકાય છે. જો ઘણે મોડેથી તબીબી સહાય આવી હોય તો પણ તેને ઓછામાં ઓછી રસીની એક માત્રા તો આપી દેવાની હોય છે. સારણી 2માં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમની સૂચવાયેલી પદ્ધતિ દર્શાવી છે. બાળરોગવિદોની ભારતીય અકાદમીએ તેનાથી સહેજ અલગ સૂચનો કરેલાં છે. તેમના મતે ક્ષયવિરોધી રસી જન્મસમયથી 2 અઠવાડિયાંમાં આપી શકાય તથા જન્મસમયે જ બાળલકવાવિરોધી રસી અને યકૃતશોથ-બીવિરોધી રસી પણ મૂકી શકાય. બાળલકવાવિરોધી રસીને ફરીથી 6, 1૦ અને 14મે અઠવાડિયે અપાય અને 9મે મહિને તેની બળવર્ધક માત્રા (booster dose) પણ આપી શકાય. યકૃતશોથ-બીવિરોધી રસીની બીજી માત્રાઓ 6 અઠવાડિયે, 6થી 9મે મહિને અપાય અને તેની બળવર્ધક માત્રા 1૦મે વર્ષે અપાય. તેમના સૂચિત કાર્યક્રમમાં તેમણે 15થી 18 મહિને ઓરી, લાપોટિયું અને રુબેલા(જર્મન ઓરી)ની સંયુક્ત રસી (MMR) આપવાનું સૂચવેલું છે.

ક્ષયવિરોધી રસી જન્મ પછી ટૂંકા ગાળામાં આપવામાં આવે છે. પ્રારંભિક રસીકરણ કાર્યક્રમ(primary vaccination schedule)માં તેનો સમાવેશ થયેલો છે. સામાન્ય રીતે તેને ચામડીમાં ૦.1 મિલી.ની માત્રામાં અપાય છે. માતાને જો ક્ષયરોગ હોય તો શિશુને આઇસોનિયાઝિડની દવા પણ અપાય છે. જો અગાઉ તે ન અપાઈ હોય તો જ તે 3 મહિને અપાય છે. મુખમાર્ગી બાળલકવા(polio)વિરોધી રસી નવજાત શિશુને અપાય છે. યકૃતશોથ-બી(hepatitis-B)વિરોધી રસીને લોહી કે ઇંજેક્શન દ્વારા ફેલાતા ચેપી પ્રકારના કમળાના વિકારનું પૂર્વનિવારણ (prevention) કરવામાં હવે તેને પ્રારંભિક રસીકરણ કાર્યક્રમમાં સમાવવાનું સૂચવાયેલું છે. ત્રિગુણી રસી (triple vaccine અથવા DPT) જેમાં ડિફથેરિયા, ધનુર્વા (tetanus) અને ઉટાંટિયું (pertusis અથવા whooping cough)વિરોધી રસીનો સમાવેશ થાય છે તે અને બાળલકવાવિરોધી રસીનો પ્રારંભિક રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ થયેલો છે. જો શિશુકાળે ખેંચ કે આંચકી(convulsion)ની તકલીફ હોય તો ફક્ત ધનુર્વા અને ઉટાટિયું-વિરોધી રસી અપાય છે. 3 વર્ષ પછી ઉટાંટિયાની રસી અપાતી નથી. બાળલકવાવિરોધી રસી મુકાવ્યા પછી તરત જ બાળકને ગંભીર ઈજા થાય તો ધનુર્વાની રસી મૂકવા વિશે નિષ્ણાત તબીબે જોખમ અને લાભની તુલના કરીને નિર્ણય લેવો પડે છે. ઓરી (measles) વિરોધી રસી 9 મહિનાથી 1 વર્ષે અપાય છે. હાલ પ્રારંભિક રસીકરણ કાર્યક્રમમાં તેનો સમાવેશ થયેલો છે. ઓરીવિરોધી રસી સામાન્ય રીતે 9 મહિના પછીની કોઈ પણ ઉંમરે અપાય છે. દુર્બળ અને ખેંચની તકલીફવાળા બાળકને આપતી વખતે ક્યારેક સાથે પ્રતિરક્ષાગ્લૉબ્યુલિન (immunoglobulin) પણ અપાય છે. ઓરી, લાપોટિયું (mumps) તથા જર્મનઓરી રુબેલા(rubella)વિરોધી સંયુક્ત (MMR) રસી હવે સ્વીકારાતી ગઈ છે. તેને 15 મહિને આપીને પ્રારંભિક રસીકરણ કાર્યક્રમમાં તેનો સમાવેશ કરવાનું સૂચવાયેલું છે. 2 વર્ષની વયે આંત્રજવર (typhoid fever) વિરુદ્ધની રસી આપીને દર 3 વર્ષ ફરી ફરીને આપવાનું સૂચન કરાય છે. આ ઉપરાંત એચ. ઇન્ફ્લ્યુએન્ઝિથી થતા ન્યુમોનિયા અને મેનિન્નીઇટિસ ને રોકવા માટે 1½ મહિને, 2½ મહિને અને 3½ મહિને રસી મૂકીને તેની બળવર્ધક માત્રા 18 મે મહિને આપવાનું પણ સૂચન કરાયેલું છે. ‘એ’ પ્રકારના યકૃતશોથ (hepatitis–A) સામે રક્ષણ મેળવવામાં ગમેતે ઉંમરે પ્રથમ માત્રા આપીને ત્યારબાદ 1 મહિને અને 6 મહિને તેને ફરીથી અપાય છે. અછબડા માટેની રસી 1 વર્ષની ઉંમરે આપી શકાય છે.

મોટી ઉંમરે ધનુર્વાવિરોધી રસી સામાન્ય રીતે દર 1૦ વર્ષે અપાય છે. પરંતુ વધુ જોખમ હોય તો તે દર 5 વર્ષે પણ અપાય છે. નવજાત શિશુમાં તેનું જોખમ ઘટાડવા માટે સગર્ભા માતાને પણ તે અપાય છે. ડિફથેરિયાવિરોધી રસી 1૦ વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે અપાતી નથી પરંતુ જો જાહેર આરોગ્યરક્ષક કર્મચારીમાં શિકની કસોટી હકારાત્મક હોય તો જ તે વિશિષ્ટ સંજોગો રૂપે અપાય છે. બાળલકવા- વિરોધી અસક્રિયકૃત (inactivated) રસી શાળા છોડવાની ઉંમરે ક્યારેક અપાય છે. હાલ ભારતમાંથી બાળલકવાના રોગને નાબૂદ કરવાની ઝુંબેશ ચાલે છે. તેથી 5 વર્ષની ઉંમરના દરેક બાળકને દર વર્ષે આપવાની રાષ્ટ્રવ્યાપી યોજના હાથ ધરાયેલી છે. શરૂઆતની સગર્ભાવસ્થામાં રુબેલાનો ચેપ ન લાગે માટે ફક્ત સ્ત્રીઓને રુબેલાવિરોધી રસી અપાય છે. અરક્ષિત આરોગ્યરક્ષક સ્ત્રી-કર્મચારીઓને પણ તેની ખાસ જરૂરિયાત ગણાય છે. આંત્રજ્વર અથવા ટાઇફૉઇડ(typhoid)વિરોધી રસી 6 વર્ષની ઉંમરથી વધુ ઉંમરે કાં તો ઇંજેક્શન દ્વારા કે મુખમાર્ગે અપાય છે. સામાન્ય રીતે તે સમયે શ્વસનમાર્ગમાં જઠર-આંતરડાંમાં કોઈ સક્રિય ચેપ ન હોય તે ખાસ જોવાય છે. તેવી જ રીતે દર્દીને ખેંચની બીમારી કે સક્રિય ખરજવું ન હોય તે પણ જોવાય છે. પ્રારંભિક પ્રતિરક્ષણ માટે 7થી 28 દિવસના અંતરે 3 ઇંજેક્શન અપાય છે. તેથી 1 વર્ષ માટે રક્ષણ મળે છે. ક્ષયવિરોધી રસી કોઈ પણ ઉંમરે આપી શકાય છે. નવજાત શિશુને આપવાનું સુગમ અને સુરક્ષિત ગણાય છે. જેમનામાં ક્ષયનિદાન કસોટી નકારાત્મક પરિણામ આપતી હોય તે બધી પુખ્ત વયની વ્યક્તિમાં તેને આપવામાં આવે છે. આવી વ્યક્તિ જો ક્ષયના રોગીના સતત સંપર્કમાં રહેતી હોય તો તેને આવશ્યક ગણવામાં આવે છે, દા.ત., તેનાં સગાં, પરિચારિકાઓ (nurses), તબીબો, તબીબી વિદ્યાર્થીઓ તથા જાહેર સફાઈ કામદારો વગેરે. ક્યારેક રસીને સ્થાને ગૂમડું થાય, પ્રતિરક્ષાની ઊણપવાળી વ્યક્તિમાં શરીરમાં વ્યાપક ક્ષયનો ચેપ ફેલાય કે બગલમાં મોટી વેળ ઘાલે છે. તે સમયે યથાયોગ્ય સારવાર અપાય છે. તાનિકાગોલાણુ (meningococcal) નામના જીવાણુથી થતા તાનિકાશોથ(meningitis)ના વિકારવિરોધી રસી જ્યાં તેનો વ્યાપક વાવડ હોય ત્યાં વપરાય છે. વાવડ (epdiemic) વખતે કે તેના દર્દીના નજીકના સગાને તે અપાય છે. 2 વર્ષની વય પછી ગમે તે ઉંમરે આપી શકાય છે, 3 મહિના પછી તેની એક વધુ બળવર્ધક માત્રા અપાય છે. ફેફસીગોલાણુ (pneumococci) નામના જીવાણુથી થતા ફેફસીશોથ (pneumonia) બરોળનું ઉચ્છેદન કરાયેલું હોય કે વારંવાર મૂત્રપિંડનો પુષ્કળ સોજા લાવતો અપમૂત્રપિંડી શોફ સંલક્ષણ (nephrotic syndrome) નામનો વિકાર થતો હોય તેવા દર્દીઓમાં જીવલેણ ન્યુમોનિયા ન થાય તે માટે અપાય છે. હડકવાવિરોધી રસી કૂતરું કરડે તે પછી કરાતા પ્રતિરક્ષણ રૂપે રોજ એક એમ 14 માત્રા(doses)માં રસી અપાતી હતી. મૂળ રસીની ઘણી આડઅસરો રહેતી હતી. હાલ આધુનિક સુરક્ષિત રસીઓ ઉપલબ્ધ થઈ છે પરંતુ ઘણી મોંઘી છે. કૂતરાને હડકવા થયેલો છે કે નહિ અને તેની માહિતી છે કે નહિ તેને આધારે 9૦ દિવસમાં તેમની 6 માત્રા આપવાનું સૂચવાય છે. પ્લેગવિરોધી રસી વાવડના સમયે 7થી 1૦ દિવસના અંતરે 2 ઇંજેક્શનો અપાય છે, જે 6થી 12 મહિના સુધી રક્ષણ આપે છે. કૉલેરાવિરોધી રસીનો ઉપયોગ વ્યાપક ઉપદ્રવ અથવા વાવડના સમયે કરાય છે. 7 દિવસના અંતરે 2 ઇંજેક્શનો અપાય છે. હાલ મેલેરિયા અને કુષ્ઠરોગ (leprosy) સામે રસી શોધવાના પ્રયોગો ચાલી રહ્યા છે.

મનોજ  સુથાર

શિલીન નં. શુક્લ