પ્રતિમાવિધાન

કોઈ મૂળ વસ્તુની પ્રતિકૃતિ, પ્રતિચ્છાયા કે પ્રતીક. સૌંદર્યાનુભૂતિમાં પ્રતિમા એ કલાકારનું માનસ-પ્રત્યક્ષ છે; જેમાં તાલ, લય, ગતિ, વિન્યાસ, સંતુલન વગેરે સંપૂર્ણ અંગો સહિત સુંદરતાનો આવિર્ભાવ થાય છે. ભારતમાં ‘પ્રતિમા’ શબ્દ અંગ્રેજી ભાષામાં વપરાતા idol(બાવલા)ના અર્થમાં લેવાતો નથી. ત્યાં idol હંમેશાં ‘ખોટા દેવ’ માટે વપરાય છે, જ્યારે ‘પ્રતિમા’ શબ્દ તો ભારતીય દર્શનની નક્કર ભૂમિકા પર ઊભો છે. ‘મૂર્તિ’ શબ્દ પ્રતિમાના પર્યાય જેવો છે પણ તે ઘણુંખરું પૂજાતી પ્રતિમાના સંદર્ભમાં પ્રયોજાય છે. સંસ્કૃતમાં ‘પ્રતિમા’ એટલે તુલ્યતા, સામ્ય, આકાર અથવા પ્રતિબિંબ. ભારતમાં પ્રતિમાને ‘દૈવી સત્વનું સામ્ય’ માનવામાં આવે છે. હિંદુઓના ઉચ્ચ તત્વજ્ઞાનમાં પરમાત્માને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કહ્યા છે અને આ સ્વરૂપની અનુભૂતિ આધ્યાત્મિક કક્ષાએ પહોંચ્યા પછી જ થઈ શકે છે; પરંતુ આ સ્વરૂપ સામાન્ય પૂજા માટે અનુકૂળ નથી. તેથી બ્રહ્મને સગુણ અને સાકાર કહી તેમને વિશ્વના સર્જક, પાલક અને સંહારક તરીકે દર્શાવવામાં આવેલ છે અને એ સગુણ દેવને માનવ-આકારમાં દર્શાવી તેમની પૂજા-ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું છે. આવાહન વખતે હિંદુઓ જે તે દેવને એમના માટે ખાસ બનાવવામાં આવેલી પ્રતિમામાં આવીને વાસ કરવા પ્રાર્થના કરે છે. આથી પ્રકૃતિમાંથી વિકૃતિ એ જ નિરાકારમાંથી સાકાર અને તેમાંથી એક જ પરમાત્મશક્તિના કલાયુક્ત ધ્યાન-કલ્પનો રૂપે અનેક દેવ-દેવીઓનાં સ્વરૂપ પ્રગટે છે એમ વિષ્ણુધર્મોત્તર પુરાણમાં કહેવામાં આવ્યું છે. આમ પ્રતિમા દ્વારા નિરાકારને આકારમાં પ્રતીત કરાવવાનું કર્તવ્ય કલાકાર અદા કરે છે.

ભારતીય પ્રતિમા-નિર્માણ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો : ભારતીય પ્રાચીન વાસ્તુ અને શિલ્પગ્રંથોમાં વિવિધ પ્રકારની અને વિવિધ સ્વરૂપની પ્રતિમાઓ બનાવવાનું વિજ્ઞાન આપેલું છે. એમાં કેટલાંક સ્થળોએ રેખા અને રંગથી અનુકૃતિ કરતી ચિત્રકલામાં પ્રતિમાકલાને પણ સમાવી લેવામાં આવી છે. વિષ્ણુ-ધર્મોત્તર પુરાણનો ત્રીજો ખંડ ભારતની પ્રાચીન કલાઓના સારભૂત ગ્રંથ જેવો છે. આ પુરાણ(3–43–31, 32)માં નૃત્યકલા અને ચિત્રકલાનો પરસ્પર સંબંધ બતાવ્યો છે, તેવી રીતે એમાં ચિત્ર અને પ્રતિમાનો પણ સંબંધ દર્શાવ્યો છે. સોનામાં, રૂપામાં તેમજ તાંબા વગેરેમાં કોતરીને કે ઢાળીને ચિત્ર (રૂપરેખા) પ્રમાણે પ્રતિમા બનાવવી, તેવી રીતે પથ્થર, કાષ્ઠ અને લોહમાં પણ પ્રતિમા કરવાનું સૂચવવામાં આવ્યું છે. આમ ચિત્ર અને પ્રતિમાને સમાન વર્ગમાં મૂકવાથી બંનેનું અનુકરણાત્મક લક્ષણ સ્પષ્ટ થાય છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ(44–1)માં પ્રતિમાનું લક્ષણ ‘દેવતાઓનું રૂપનિર્માણ’ હોવાનું કહ્યું છે. તો અહીં પ્રશ્ર્ન એ થાય છે કે અનુકૃતિને પ્રતિમાનું લક્ષણ ગણીએ તો દેવતાઓની પ્રતિમા કોની અનુકૃતિ ગણાય? એનો એક ઉત્તર સ્પષ્ટ અપાયો છે કે માનવ આકૃતિ. તેમાં વિશેષતાઓ બતાવવા ચાર કે એથી વધારે હાથ, ત્રણ કે ચાર મસ્તક કરવાનાં હોય તો તે પણ માનવહાથ કે માનવમસ્તકની અનુકૃતિરૂપે હોય. આમ છતાં જેની મૂળ પ્રતિકૃતિ કે સ્વરૂપ શોધવું અશક્ય નહિ તો મુશ્કેલ હોય તેવાં પ્રતીકાત્મક સ્વરૂપોની બાબતમાં પ્રતિમાઓનું વિધાન કરવું મુશ્કેલ બને છે. શાસ્ત્રકારોએ બધાં દેવ-દેવીઓ અને પ્રતીકોનું પ્રતિમાવિધાન વિગતવાર નિરૂપ્યું છે.

પ્રતિમાના પ્રકાર : પ્રતિમાઓમાં મુખ્ય બે પ્રકારો જોવામાં આવે છે – સ્થાવર કે અચલ અને જંગમ કે ચલ. આ ઉપરાંત એક અન્ય ‘ક્ષણિક’ પ્રકાર પણ ગણાવ્યો છે. અચલ પ્રતિમાઓ મંદિરોમાં સ્થાપિત કરવામાં આવે છે, જ્યારે ચલ પ્રતિમાઓ ઉત્સવો અને શોભાયાત્રાઓ વગેરેમાં ઉપયોગી હોય છે. દક્ષિણ ભારતની તુલનામાં ગુજરાતમાં દેવોની શોભાયાત્રા અથવા દેવયાત્રાવિધિ ઘણી ઓછી જોવામાં આવે છે. કેટલીક પ્રતિમાઓની યાત્રાવિધિ વરસમાં એક કે બે વખત કરવામાં આવે છે; જેમ કે, ભગવાન જગન્નાથની રથયાત્રા. ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયનો વરઘોડો કાઢવાનો રિવાજ છે. ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં દર પૂનમે માતાજીની શોભાયાત્રા નીકળે છે. દક્ષિણ ભારતમાં એક સપ્તાહના મહોત્સવ વખતે મંદિરમાં સ્થિર પ્રતિમાની સાથે નાની-જંગમ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ જંગમ પ્રતિમાને રથ, પાલખી કે હાથી પર બેસાડી મંદિર પરિસરમાં ફેરવવામાં આવે છે. તેને દેવયાત્રા કહે છે. બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન – ત્રણેય ધર્મ-સંપ્રદાયોની ચલ પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે, જે પૈકીની ઘણીખરી ધાતુપ્રતિમા સ્વરૂપની હોવાનું જણાય છે. ક્ષણિક પ્રતિમા કોઈ ચોક્કસ પ્રયોજન માટે કરવામાં આવે છે અને પ્રયોજન પૂરું થતાં પ્રતિમાને જળમાં વિસર્જિત કરી દેવામાં આવતી હોય છે. વ્રતો, અનુષ્ઠાનો અને વિશિષ્ટ પ્રસંગોએ, થોડા વખત માટે, માટી કે બીજાં દ્રવ્યોની પ્રતિમાઓ બનાવી તેમની પૂજા-અર્ચા વગેરે કર્યા બાદ નદી, સરોવર કે સમુદ્રમાં તેમનું વિસર્જન કરવાનો મહિમા જાણીતો છે. મહારાષ્ટ્ર અને અન્ય પ્રદેશોમાં અનંતચતુર્દશીને દિવસે ગણપતિની પ્રતિમાનું અને બંગાળમાં એ રીતે સરસ્વતી અને દુર્ગાની પ્રતિમાઓનું વિસર્જન કરવાની પ્રથા જાણીતી છે.

અંગવિન્યાસ : પ્રતિમાવિધાનમાં સહુથી મહત્વનું સ્થાન અંગવિન્યાસને આપવામાં આવ્યું છે. પ્રતિમાના પ્રત્યેક અંગની રચના તેની ઊંચાઈ અનુસાર શાસ્ત્રકારોએ સ્પષ્ટ નિર્દેશી છે. આવી યોગ્ય માન (=માપ) અનુસાર બનાવેલી રમ્ય પ્રતિમાઓ ઈશ્વરના પ્રતીક તરીકે સર્વમાન્ય બની શકે છે. શાસ્ત્રકારોએ સાધારણ રીતે દેવોની પ્રતિમાઓ નવ અગર દસ તાલની, ઉગ્ર દેવોની પ્રતિમાઓ બારથી સોળ તાલની, પશુ-પક્ષીઓ અને બાળકોની એકથી પાંચ તાલની અને કુમારની પ્રતિમાઓ છ તાલની બનાવવા સૂચવ્યું છે. સામાન્ય રીતે શિલ્પીની પોતાની વાળેલી મૂઠીના ચોથા ભાગને આંગળ કહે છે. આવા બાર આંગળનો એક તાલ બને છે. ત્રણ આંગળનો અંશ ગણાય છે. સ્ત્રીઆકૃતિની પ્રતિમાઓ મુખ્યત્વે પુરુષાકૃતિની પ્રતિમાઓ કરતાં એક અંશ નીચી રખાય છે. સ્ત્રીઓના વક્ષ:પ્રદેશમાં બાર આંગળના પરિઘવાળાં બે સ્તન કરવાનું વિધાન છે. યોગ્ય માપની પ્રતિમા બને એ ઇષ્ટ છે. અન્યથા પ્રતિમામાં સાચી લાક્ષણિકતા આવતી નથી, બલકે તેમાં વિરૂપતા આવે છે અને અર્ચક, પૂજક તથા સેવકો માટે એવી પ્રતિમા અનિષ્ટકર થાય એવું મનાય છે.

ભંગ અથવા ભંગિમા : પ્રતિમાઓ બેઠી, ઊભી, શયન કરતી કે ચરિત્રાત્મક વિવિધ કાર્યો કરતી દર્શાવાય છે. ચરિત્રાત્મક સ્વરૂપની પ્રતિમાઓમાં તાંડવ કરતા શિવ, ગોવર્ધનધારી કૃષ્ણ, મહિષાસુર સાથે યુદ્ધ કરતી દુર્ગા વગેરેનાં ર્દષ્ટાંત ઉલ્લેખનીય છે. દેહછટાના સંદર્ભમાં જોઈએ તો પ્રતિમાઓમાં કોઈ સંપૂર્ણ સીધી ટટ્ટાર, કોઈ સહેજ વાંકી કે શરીરનાં બધાં અંગોથી વળેલી, કોઈ વળાંક લેતી કે જુદા જુદા અભિનય કરતી જણાય છે. આ બધા પ્રકારોને ‘ભંગ’ એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. ‘માનસાર’ વગેરે ગ્રંથોએ ભંગના સમભંગ, આભંગ, ત્રિભંગ અને અતિભંગ – એવા ચાર પ્રકારો જણાવ્યા છે.

સમભંગ કે સમપાદ પ્રતિમામાં દેવને ટટ્ટાર દેહે મસ્તક બરાબર મધ્યમાં હોય એ રીતે ઊભેલા કે બેઠેલા દર્શાવાય છે. અલબત્ત, તેમની હાથની મુદ્રાઓ ભિન્ન હોઈ શકે છે. વિષ્ણુ, સૂર્ય અને બુદ્ધની પ્રતિમાઓ સમભંગવાળી હોય છે. આભંગ સ્વરૂપની પ્રતિમા માથા પાસેથી સહેજ જમણી બાજુ ઝૂકેલી અને કટિ પાસેના ભાગેથી સહેજ ડાબી બાજુ વળેલી હોય છે. ઋષિમુનિઓ, બોધિસત્ત્વો, ધાર્મિક મનુષ્યો, સેવકો વગેરેની પ્રતિમાઓ સાધારણ રીતે આભંગ સ્વરૂપની કરાય છે. ત્રિભંગ પ્રકારની પ્રતિમા પગના તળિયેથી કટિદેશ સુધી પોતાની જમણી બાજુએ, કટિથી કંઠ સુધી પોતાની ડાબી બાજુએ અને કંઠથી મસ્તક સુધી પોતાની જમણી બાજુએ ઢળેલી હોય છે. આવી રીતે રચાયેલ ત્રિભંગમાં દેવી-પ્રતિમાનું મસ્તક જમણી બાજુએ અને દેવ-પ્રતિમાનું મસ્તક ડાબી બાજુએ ઢળેલું રખાય છે. અર્થાત્ દેવતા દેવી તરફ અને દેવી દેવતા તરફ ઢળી રહે છે. યુગલ-મૂર્તિઓના નિર્માણમાં આ નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. તેથી એમાં પુરુષ પ્રતિમાને પોતાની ડાબી બાજુ અને સ્ત્રી પ્રતિમાને પોતાની જમણી બાજુ ઢળતી રાખવાની હોય છે.

સમભંગ (બુદ્ધ, સુલતાનગંજ)

આભંગ (વિષ્ણુ)       ત્રિભંગ (સરસ્વતી)      અતિભંગ (ગણેશ)

અલબત્ત, અભિમાન, ખેદ, રૂસણું વગેરે ભાવ બતાવવા હોય ત્યારે પુરુષમાં નારીનો અને નારીમાં પુરુષનો ત્રિભંગ રચવાનું વિધાન છે. આવે વખતે બંનેનાં મોં જુદી જુદી દિશામાં ઢળેલાં હોવાં જોઈએ. ત્રિભંગ-રચનાથી પ્રતિમાના સૌંદર્યમાં કે ભાવનિદર્શનમાં ઉત્કૃષ્ટ લાવણ્ય પ્રગટ થતું હોય છે. વધુ મરોડ હોય, વધુ વળાંક હોય કે અંગો વધુ ઝૂકેલાં હોય તેવી પ્રતિમાને અતિભંગવાળી કહેવામાં આવે છે. શિવતાંડવનૃત્ય, દેવાસુરયુદ્ધ, અપ્સરાઓનાં કેટલાંક નૃત્ય વગેરેમાં આ પ્રકાર પ્રયોજાય છે. પ્રતિમામાં ગતિવેગ, નર્તનશક્તિ વગેરે દેખાડવા માટે પણ અતિભંગનો પ્રયોગ થાય છે.

વિધિનિષેધ : પ્રતિમાવિધાન માટે શાસ્ત્રકારોએ ચોક્કસ પ્રકારના વિધિનિષેધો નક્કી કરેલા છે. જેમ કે, શાસ્ત્રમાં કહેલા માનથી વધારે કે ઓછા માનની પ્રતિમા કરવી નહિ; કેમ કે, તેમાં ઘણા દોષ થાય છે. વળી તેનાથી કાર્ય-સિદ્ધિ થતી નથી. શાસ્ત્રથી અજ્ઞાત શિલ્પીએ કરેલા કાર્યનો દોષ મૂર્તિ કરાવનાર યજમાનને લાગતો નથી; પણ તે શિલ્પી માટે જોખમી થાય છે. ધાતુ કે લૂગદીની પ્રતિમાનો જો અંગ-ભંગ થયો હોય તો તેને સુધારીને ફરી સંસ્કારયોગ્ય કરાય, પરંતુ કાષ્ઠ કે પાષાણની મૂર્તિ ખંડિત થઈ હોય તો ફરીથી સંસ્કાર-યોગ્ય બનતી નથી. ઘરમાં પૂજન માટે એક આંગળથી અગિયાર આંગળની અને દેવાલયમાં પૂજન માટે શાસ્ત્રમાં જણાવેલ માપની પ્રતિમાઓ કરવી જોઈએ. પ્રતિમા માનથી ન્યૂન કે અધિક હોય કે પરિવારરહિત હોય તો તે ગૃહસ્થના ઘરે પૂજવા યોગ્ય લેખાતી નથી. ભયાનક પ્રતિમા એના કર્તાનો નાશ કરાવે છે. અધિક અંગવાળી પ્રતિમા શિલ્પીનો નાશ કરાવે છે. પાતળી દેહયષ્ટિવાળી પ્રતિમા લક્ષ્મીની નાશકારક થાય છે, જ્યારે પાતળા કે ઊંડા ઊતરી ગયેલા ઉદરવાળી પ્રતિમા દુકાળ પડાવે છે. વાંકા નાકવાળી પ્રતિમા દુખ:કારક અને ટૂંકા નાકવાળી ગોત્ર-ક્ષયકારક, નેત્રવિહીન પ્રતિમા અંધત્વકારક, સ્થૂળ દેહયુક્ત પ્રતિમા રોગકારક, પાતળા હાથપગવાળી પ્રતિમા દુષ્કાળકારક હોવાનું માનવામાં આવે છે. તેથી આવી દોષવાળી પ્રતિમાઓ કરાવવા તેમજ તેવી પ્રતિમાની પૂજા કરવા સામે શાસ્ત્રકારોએ નિષેધ ફરમાવ્યો છે. સાધારણ રીતે ઉપર જણાવેલ પ્રકારે દોષિત પ્રતિમાઓમાં દેવપણું રહેતું હોતું નથી, આમ છતાં જો પ્રતિષ્ઠા 1૦૦ વર્ષ પહેલાં થઈ હોય અને તે કોઈ ઉત્તમ આચાર્ય કે મહાપુરુષના હસ્તે થયેલ હોય તો એમાં કોઈક ત્રુટિ આવવા છતાં તે પૂજા કરવા યોગ્ય રહે છે. એની પૂજા નિષ્ફળ જતી નથી. આથી એવી પ્રતિમાનો સમુદ્ધાર કરી તેનો પુન:પ્રયોગ કરી શકાય છે. શિલ્પીએ પૂજન માટેની પ્રતિમાની શાસ્ત્રાનુસાર રચના કરવી જોઈએ; બાકીની અર્થાત્ જેની પૂજા કરવાની ન હોય તેવી પ્રતિમાઓ શિલ્પી પોતાની અભિરુચિ પ્રમાણે કરી શકે છે. ઇષ્ટદેવની પ્રતિમાઓ પોતપોતાના આસનમાં ઊભેલી કે બેઠેલી, વાહનયુક્ત, ઉઘાડી આંખવાળી, યુવાન, દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી યુક્ત, કૃપા વરસાવવા માટે તત્પર અને ભાવવાહી કરવી જોઈએ. જે મૂર્તિમાં ત્રણ કે તેથી વધુ મુખ કે મસ્તક રચવામાં આવે એમાં દરેક મૂર્તિનાં ગ્રીવા, કર્ણ, નાસિકા, ચક્ષુ વગેરે અલગ ઘડવાં જોઈએ. પંચમુખ મૂર્તિમાં હારબંધ પાંચ મુખ ન કરતાં ચાર દિશાએ ચાર અને ઉપર એક, ષણ્મુખમાં ઉપર પ્રમાણે ચાર અને તેની ઉપર બે, દશમુખમાં એ પ્રમાણે ચાર, એની ઉપર ત્રણ, એની ઉપર બે અને તેની ઉપર એક મુજબ ગોઠવવાં જોઈએ. દરેક મુખનાં ગ્રીવા, મુકુટ, આંખ, કાન વગેરે અલગ અલગ રચવાં જોઈએ. પ્રતિમામાં ચાર કે એથી વધારે હાથ રચવાના હોય ત્યારે જુદા જુદા ખભા રચવાની જરૂર નથી, એક જ ખભામાંથી બાહુઓ મયૂરપિચ્છની જેમ છત્રાકારે રચવા જોઈએ.

પ્રતિમાવિધાનમાં વેશભૂષા, અલંકારો, આયુધો અને ઉપકરણો, મુદ્રાઓ, આસનો તેમજ ભાવ વગેરે અત્યંત મહત્વનાં હોય છે અને તે દરેક વિશે પ્રતિમાવિજ્ઞાનમાં ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે.

પ્રતિમાવિધાન (જૈન) : હિંદુ અને બૌદ્ધ મૂર્તિવિધાનની તુલનામાં જૈનધર્મમાં મૂર્તિપૂજન અને મૂર્તિવિધાનની પરંપરા પ્રાચીન જણાય છે. હડપ્પામાંથી પ્રાપ્ત થયેલ પુરુષનું નગ્ન ધડ મળ્યું છે. તેને દિગંબરની ખંડિત મૂર્તિ માનવામાં આવે છે. ઓરિસાના રાજા ખારવેલના શિલાલેખ પરથી જણાય છે કે મગધનો નંદરાજા કલિંગમાંથી જે જિનપ્રતિમા લઈ ગયો હતો તેને ખારવેલે મગધ પર આક્રમણ કરી કલિંગમાં પાછી આણેલી. આ બાબત સૂચવે છે કે નંદના સમયમાં એટલે કે ઈ.પૂ. ચોથી સદી પહેલાં પણ જિનપ્રતિમાઓ બનતી હતી. પટણા પાસે લોહાનીપુરમાંથી પ્રાપ્ત થયેલી મૌર્યકાલીન દિગંબર જિન પ્રતિમા ઐતિહાસિક કાલનો પ્રથમ નમૂનો ગણાય છે. ચૌસા અને મથુરાથી શુંગ-કુષાણ કાલની જૈન પ્રતિમાઓ મળી છે. મથુરાથી લગભગ ઈ.પૂ. 15૦થી માંડીને ઈ. સ. અગિયારમી સદી દરમિયાનની ઘણી જૈન પ્રતિમાઓ મળી છે. આ મૂર્તિઓ જૈનપ્રતિમાવિધાનની વિકાસ-શૃંખલા દર્શાવવામાં ઘણી મહત્વની સિદ્ધ થઈ છે. ગુપ્તકાલ અને મધ્યકાલમાં અનેક જિનાલયો બન્યાં હતાં. ગુજરાત અને રાજસ્થાનમાં શ્વેતાંબર અને અન્ય ક્ષેત્રોમાં દિગંબર સંપ્રદાયની પ્રતિમાઓની પ્રધાનતા જોવામાં આવે છે. ગુજરાત તેમજ રાજસ્થાનનાં શ્વેતાંબર મંદિરોમાં 24 દેવકુલિકાઓને સંયોજીને તેમાં 24 તીર્થંકરોની પ્રતિમાઓ સ્થાપવાની પરંપરા લોકપ્રિય થઈ. શ્વેતાંબર સ્થળોની તુલનામાં દિગંબર સ્થળોમાં તીર્થંકરોની અધિક પ્રતિમાઓ કંડારાઈ, જેમાં સ્વતંત્ર તથા દ્વિતીર્થી, ત્રિતીર્થી અને ચૌમુખી પ્રતિમાઓનો સમાવેશ થાય છે. તુલનાત્મક ર્દષ્ટિએ જોઈએ તો શ્વેતાંબર સ્થળોની પ્રતિમાઓમાં એકરસતા વરતાય છે, જ્યારે દિગંબર પ્રતિમાઓમાં વિવિધતા ર્દષ્ટિગોચર થાય છે. શ્વેતાંબર પ્રતિમાઓના પીઠિકા-લેખમાં તીર્થંકરોનો નામોલ્લેખ થાય છે, જ્યારે દિગંબરોમાં પીઠિકા પર લાંછન અંકિત થતું જોવામાં આવે છે. પ્રાપ્ય પ્રતિમાઓ પરથી જણાય છે કે ઈ.પૂ. ચોથી સદીથી આરંભીને ઈ.સ.ની તેરમી સદી સુધીમાં જૈન દેવકુલનો પૂર્ણપણે વિકાસ થયો હતો. એમાં 24 તીર્થંકરો, કૃષ્ણ, બલરામ, રામ, નૈગમેષી અને અન્ય શલાકાપુરુષો, 24 યક્ષ-યક્ષિણી યુગલો, 16 વિદ્યાદેવીઓ, દિક્પાલ, નવગ્રહ, ક્ષેત્રપાલ, ગણેશ, બ્રહ્મશાંતિયક્ષ, કપર્દિયક્ષ, બાહુબલિ, 64 યોગિનીઓ, શાંતિદેવી, પંચપરમેષ્ઠિ વગેરેનો સમાવેશ થાય છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોમાં જૈન દેવકુલનો વિકાસ બાહ્ય ર્દષ્ટિએ સરખો છે, પરંતુ દેવતાઓનાં નામો અને કેટલીક વિશેષતાઓના સંદર્ભમાં બંને પરંપરાઓ વચ્ચે ક્યાંક ક્યાંક ભિન્નતા જોવામાં આવે છે.

ઈ. પૂ. ત્રીજી સદીમાં 24 તીર્થંકરોની વિભાવના ર્દઢ થઈ ગઈ હતી. શિલ્પમાં તેમનું અંકન પણ લગભગ ત્યારથી જ થતું જોવામાં આવે છે. અલબત્ત, ‘કલ્પસૂત્ર’માં ઋષભનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં જીવનવૃત્તાંતનું વિસ્તારથી નિરૂપણ થયું છે અને ઉત્તરકાલના ગ્રંથોમાં પણ એ ચાર જિનોની જ સર્વાધિક ચર્ચા મળે છે. કુષાણકાલમાં આ તીર્થંકરોનું વિગતપૂર્ણ અંકન સૌપ્રથમ શરૂ થયું. આગળ જતાં એમની જ પ્રતિમાઓ વિશેષે કરીને ઉત્કીર્ણ થયેલી જોવામાં આવે છે. આ તીર્થંકરો પછી, અજિતનાથ, સંભવનાથ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ- સ્વામી, શાંતિનાથ અને મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાઓ મળે છે. અન્ય તીર્થંકરોની પ્રતિમાઓ જૂજ મળે છે.

શુંગકુષાણકાલથી તીર્થંકર પ્રતિમાઓના સ્વરૂપમાં વિકાસ થવા લાગ્યો અને પાંચમી સદી સુધીમાં એનાં સામાન્ય લક્ષણો નિર્ધારિત થઈ ગયાં. વરાહમિહિરે ‘બૃહત્સંહિતા’ (ઈ.સ.ની પાંચમી સદી)માં લાંબી ભુજાઓ (આજાનબાહુ), વક્ષ:સ્થલ પર શ્રીવત્સનું ચિહ્ન, પ્રશાન્ત સુંદર દેહયષ્ટિ અને નગ્ન અવસ્થાને જિનમૂર્તિનાં આવશ્યક લક્ષણો રૂપે બતાવ્યાં છે.

પાર્શ્વનાથ, યક્ષ ધરણેન્દ્ર અને પદ્માવતી (ક્લુગુમલાઈ)

મથુરામાંથી કુષાણકાલની તીર્થંકરોની કાયોત્સર્ગમાં ઊભેલી અને પદ્માસનમાં બેઠેલી તેમજ ચૌમુખ સ્વરૂપે ઊભેલી કે બેઠેલી પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. એમાં આદિનાથ, સુપાર્શ્વનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ જોવામાં આવે છે. આ નગ્ન સ્વરૂપની પ્રતિમાઓમાં લાંબા હાથ અને પહોળી છાતી દર્શાવેલ છે. આ મૂર્તિઓ તેમની પૂર્વકાલીન યક્ષપ્રતિમાઓના અનુકરણરૂપ હોવાનું મનાય છે.

કુષાણ રાજા કનિષ્ક, હુવિષ્ક અને વાસુદેવના શાસનકાળમાં મથુરામાં યક્ષપ્રતિમાનું અનુકરણ કરીને કાયોત્સર્ગ સ્થિતિમાં તીર્થંકરની વિશાળ નગ્ન પ્રતિમાઓ બનવા લાગી. મથુરા પાસે કંકાલી ટીલાના ઉત્ખનનમાંથી દિગંબર પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. તીર્થંકર-પ્રતિમાઓમાં અધોવસ્ત્રનો પ્રયોગ કુષાણકાલ પછી થતો હોવાનું જણાય છે. કુષાણકાલમાં આયાગપટ્ટ, ધર્મચક્ર, માંગલિક ચિહ્નો, શ્રીવત્સ, કમળ વગેરેની પૂજા થતી હતી; પરંતુ તીર્થંકરોનાં જુદાં જુદાં લાંછનો (ઓળખચિહ્નો) નિર્ધારિત થયાં નહોતાં; તેથી તેમની પ્રતિમાઓમાં આસન-પાટલી પર તીર્થંકરનું નામ કોતરવામાં આવતું. સમય જતાં એ સ્થાને તીર્થંકરનું લાંછન અંકિત થવા લાગ્યું. ઋષભનાથ, અજિતનાથ, સંભવનાથ, સુપાર્શ્વનાથ, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન મહાવીર – આ આઠ તીર્થંકરોની પ્રતિમાઓ મળી છે; જેમાં ઋષભનાથ, નેમિનાથ અને મહાવીર-સ્વામીની પ્રતિમાઓ બેઠેલી મળી છે, જ્યારે બાકીની કાયોત્સર્ગરૂપે મળી છે. મહાવીરની પ્રતિમાઓમાં સિંહાસન, મધ્યમાં ચક્ર, મસ્તક પર છત્ર અને ધ્યાનમુદ્રા બતાવાય છે. પ્રથમ તીર્થંકર ઋષભનાથની જે કાયોત્સર્ગ પ્રતિમા બની તેમાં એમના વાળની લટો (જટા) ખભા પર તેમજ બહાર લટકતી જોવામાં આવે છે. ઉત્તરકાલમાં આ લક્ષણ ર્દઢ થતું નજરે પડે છે. ખજૂરાહોમાંથી એમની 4.2૦ મી. ઊંચી ઊભેલી પ્રતિમા પાર્શ્વનાથ મંદિરની સમીપમાંથી પ્રાપ્ત થઈ છે. નેમિનાથની મૂર્તિમાં એમની સાથે બલરામ અને કૃષ્ણનું પણ અંકન થયું છે. પાર્શ્વનાથની મૂર્તિમાં મસ્તક પર સાત સર્પફણાઓનો છત્રવટો છેક ઈ.પૂ. બીજી-પહેલી સદીથી રજૂ થતો જોવામાં આવે છે.

ગુપ્તકાલમાં ચોથી સદીથી સાતમી સદી દરમ્યાન તીર્થંકરોની સાથે લાંછનો, યક્ષ-યક્ષી યુગલો તેમજ અષ્ટ પ્રાતિહાર્યોના અંકનનો પ્રારંભ થયો. રાજગિર, વારાસણી અને અકોટામાંથી આ સ્વરૂપની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. અકોટાની શ્વેતાંબર સંપ્રદાયની મૂર્તિઓમાં પહેલી વાર પીઠિકા પર મધ્યમાં ધર્મચક્રની પ્રત્યેક બાજુ બે મૃગોનું અંકન થયું છે; જે બૌદ્ધ પ્રતિમાકલાનો પ્રભાવ સૂચવે છે.

આઠમી-નવમી સદીમાં 24 તીર્થંકરોનાં સ્વતંત્ર લાંછનોની સૂચિ નિશ્ચિત થઈ. શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં સુપાર્શ્વનાથ, શીતલનાથ, અનંતનાથ અને અરનાથ સિવાય અન્ય તીર્થંકરોનાં લાંછનોમાં કોઈ ભિન્નતા નથી. નવમી-દસમી સદીમાં જૈન મૂર્તિવિજ્ઞાનનો સંપૂર્ણ વિકાસ થયો અને પૂર્ણવિકસિત તીર્થંકર પ્રતિમાઓમાં લાંછનો, યક્ષ-યક્ષી યુગલો અને અષ્ટ પ્રાતિહાર્યોની સાથે પરિકરમાં નાની જિનમૂર્તિઓ, નવગ્રહો, ગજકૃતિઓ, ધર્મચક્ર, વિદ્યાઓ તેમજ અન્ય આકૃતિઓનું અંશમૂર્ત અંકન થવા લાગ્યું. સિંહાસનની મધ્યમાં પદ્મયુક્ત શાંતિદેવી તથા ગજો અને મૃગોનું આલેખન કેવળ શ્વેતાંબર પ્રતિમાઓમાં લોકપ્રિય થયેલું ર્દષ્ટિગોચર થાય છે.

ઋષભદેવ (શત્રુંજય)

તીર્થંકરોની ચૌમુખી પ્રતિમાઓ ઈ.સ.ની પહેલી સદીથી મળવા લાગે છે અને ઉત્તરકાલમાં પણ આ સ્વરૂપ લોકપ્રિય રહ્યું. આમાં ચાર દિશાઓમાં ચાર ધ્યાનસ્થ કે કાયોત્સર્ગ તીર્થંકરોની મૂર્તિઓ કંડારાય છે. આમાં એક જ તીર્થંકરની ચારેય મૂર્તિઓ અથવા ચાર જુદા જુદા તીર્થંકરોની મૂર્તિઓ પણ કરાય છે. ચૌમુખજીની પ્રતિષ્ઠા કરી હોય તે ગર્ભગૃહમાં ચારેય તરફથી દર્શન થાય એ માટે ચાર દ્વારો કરવામાં આવે છે. દિગંબર મંદિરોમાં બહારના ભાગમાં રચવામાં આવતા માણવક સ્તંભની ટોચે ચૌમુખજીની પ્રતિમા સ્થાપવામાં આવે છે.

મધ્યકાલમાં મધ્યપ્રદેશ, વિદર્ભ, બિહાર, ઓરિસા અને દક્ષિણના કેટલાક ભાગોમાં દિગંબર સંપ્રદાય મુખ્ય થયો હતો. તેથી એ સંપ્રદાયની પ્રતિમાઓ વિશેષ પ્રાપ્ત થાય છે. આઠમી સદીમાં ઇલોરામાં છોટા કૈલાસ નામની ગુફામાં કંડારાયેલી ઋષભનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની ધ્યાનમુદ્રામાં બેઠેલી પ્રતિમાઓમાં પ્રત્યેકની આસપાસ ઊભા રહી ચામર ઢોળતા યક્ષ તથા ગંધર્વોની આકૃતિઓ કંડારી છે. ઋષભનાથના સ્કંધ પર વાળની લટો ફેલાયેલી છે. પાર્શ્વનાથના શિર પર સાત સર્પફણાઓનો છત્રવટો છે, જ્યારે સિંહાસન પર બિરાજેલા મહાવીરના મસ્તક પર છત્ર કરેલું છે. ઇન્દ્રગુફામાં કાયોત્સર્ગમુદ્રામાં ઊભેલા પાર્શ્વનાથ અને જગન્નાથસભામાં રાજસિંહાસન પર ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા પાર્શ્વનાથની પ્રતિમાઓ કલાની ર્દષ્ટિએ અનુપમ છે.

મૈસૂર પાસે શ્રવણબેલગોલા નામના સ્થાને આવેલી ગોમટેશ્વરની 17.1૦ મી. ઊંચી અને એક જ ખડકમાંથી કંડારેલી ભવ્ય દિગંબર પ્રતિમા પ્રથમ તીર્થંકર ઋષભનાથના પુત્ર બાહુબલિની છે. એમણે રાજપાટ ત્યજીને સંન્યાસ લીધેલો. તપસ્યારત બાહુબલિની આ કાયોત્સર્ગ પ્રતિમામાં પગ તળે સર્પ અને પગના ઘૂંટણ સુધી જામેલા કીડીઓના રાફડા દર્શાવ્યા છે.

શ્વેતાંબર પ્રતિમાઓ રાજસ્થાનમાં રાણકપુર અને આબુમાં અને ગુજરાતમાં કુંભારિયા, શત્રુંજય, ગિરનાર, તારંગા, ખંભાત, પાટણ, કાવી, ગંધાર વગેરે અનેક સ્થળોએ પ્રાપ્ત થાય છે. 14મી સદી બાદ શ્વેતાંબરોનાં મંદિરો દેશનાં લગભગ બધાં મોટાં નગરોમાં બંધાયાં છે અને એમાં શ્વેતાંબર પરંપરાની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થયેલી જોવામાં આવેલ છે.

શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં તીર્થંકરોનાં નામ, લાંછન, તેમનાં યક્ષ-યક્ષિણીઓ વગેરે સૂચવતું કોષ્ટક નીચે આપ્યું છે.

જૈન પ્રતિમાવિધાન

તીર્થંકર લાંછન   યક્ષ    યક્ષિણી
  1   2   3      4
1. ઋષભનાથ

(આદિનાથ)

વૃષભ ગોમુખ ચક્રેશ્વરી (શ્વે.દિ.),

અપ્રતિચક્રા (શ્વે.)

2. અજિતનાથ ગજ મહાયક્ષ અજિતા (શ્વે.),

રોહિણી (દિ.)

3. સંભવનાથ અશ્વ ત્રિમુખ દુરિતારિ (શ્વે.),

પ્રજ્ઞપ્તિ (દિ.)

4. અભિનંદન કપિ યક્ષેશ્વર (શ્વે.દિ.),

ઈશ્વર (શ્વે.)

કાલિકા (શ્વે.),

વજ્રશૃંખલા (દિ.)

5. સુમતિનાથ ક્રૌંચ તુમ્બુરુ મહાકાલી (શ્વે.),

પુરુષદત્તા, નરદત્તા (દિ.),

સમ્મોહિની (શ્વે.)

6. પદ્મપ્રભ પદ્મ કુસુમ (શ્વે.),

પુષ્પ (દિ.)

અચ્યુતા, માનસી (શ્વે.),

મનોવેગા (દિ.)

7. સુપાર્શ્વનાથ સ્વસ્તિક

(શ્વે.દિ.)

નંદ્યાવર્ત (દિ.)

માતંગ શાન્તા (શ્વે.),

કાલી (દિ.)

8. ચંદ્રપ્રભ શશી વિજય (શ્વે.),

શ્યામ (દિ.)

ભ્રૂકુટિ, જ્વાલા (શ્વે.),

જવાલામાલિની,

જ્વાલિની (દિ.)

9. સુવિધિનાથ (શ્વે.),

પુષ્પદંત (શ્વે.દિ.)

મકર અજિત (શ્વે.દિ.)

જય

સુતારા (શ્વે.)

મહાકાલી (દિ.)

1૦. શીતલનાથ શ્રીવત્સ (શ્વે.દિ.)

સ્વસ્તિક (દિ.)

બ્રહ્મ અશોકા (શ્વે.),

માનવી (દિ.)

11. શ્રેયાંસનાથ ગેંડો ઈશ્વર (શ્વે.દિ.),

યક્ષરાજ, (શ્વે.)

મનુજ (શ્વે.)

માનવી, શ્રીવત્સા (શ્વે.),

ગૌરી (દિ.)

12. વાસુપૂજ્ય મહિષ કુમાર ચંડા, પ્રચંડા, અજિતા,

ચંદ્રા (શ્વે.), ગાંધારી (દિ.)

13. વિમલનાથ વરાહ ષણ્મુખ (શ્વે.દિ.),

ચતુર્મુખ (દિ.)

વિદિતા (શ્વે.),

વૈરોટી (દિ.)

14. અનંતનાથ બાજ (શ્વે.),

રીંછ (દિ.)

પાતાલ અંકુશા (શ્વે.)

અનંતમતી (દિ.)

15. ધર્મનાથ વજ્ર કિન્નર કંદર્પા, પન્નગા (શ્વે.),

માનસી (દિ.)

16. શાંતિનાથ મૃગ ગરુડ નિર્વાણી (શ્વે.),

મહામાનસી (દિ.)

17. કુંથુનાથ બકરો ગન્ધર્વ બલા, અચ્યુતા,

ગાંધારિણી (શ્વે.),

જયા (દિ.)

18. અરનાથ નંદ્યાવર્ત (શ્વે.),

મત્સ્ય (દિ.)

યક્ષેન્દ્ર (શ્વે.)

યક્ષેશ્વર (શ્વે.)

ખેંદ્ર (દિ.)

ધારિણી (શ્વે.),

તારાવતી (દિ.)

19. મલ્લિનાથ કલશ કુબેર વૈરોટ્યા, ધરણપ્રિયા (શ્વે.)

અપરાજિતા (દિ.)

2૦. મુનિસુવ્રત કાચબો વરુણ નરદત્તા, વરદત્તા (શ્વે.),

બહુરૂપિણી (દિ.)

21. નમિનાથ નીલકમલ ભ્રૂકુટિ ગાંધારી (શ્વે.),

ચામુંડા (દિ.)

22. નેમિનાથ

(અરિષ્ટનેમિ)

શંખ ગોમેધ અંબિકા (શ્વે.દિ.),

કુષ્માંડી (શ્વે.),

કુષ્માંડિની (દિ.)

23. પાર્શ્વનાથ સર્પ પાર્શ્વ, વામન (શ્વે.)

ધરણ (દિ.),

પદ્માવતી
24. મહાવીર

(વર્ધમાન)

સિંહ માતંગ સિદ્ધાયિકા (શ્વે.દિ.)

સિદ્ધાયિની (દિ.)

જૈન માન્યતા અનુસાર, ઇંદ્રે પ્રત્યેક તીર્થંકરની સેવા માટે યક્ષ-યક્ષિણી નિયુક્ત કરેલ છે. તેમને સહાયક દેવ કે શાસનદેવતા કહેવામાં આવે છે. તેમનું પ્રતિમાવિધાન વિપુલ અંલકરણયુક્ત હોય છે.

યક્ષી અંબિકા

જિનાલયમાં તીર્થંકરની મુખ્ય પ્રતિમાને મૂળનાયક કહેવામાં આવે છે અને ગર્ભગૃહના પ્રવેશદ્વારની બહાર યક્ષ અને યક્ષિણીની પ્રતિમાઓને ગવાક્ષોમાં સ્થાપેલી હોય છે. સાધારણ રીતે આ પ્રતિમાઓ ચતુર્ભુજ હોય છે. યક્ષિણીઓની સ્વતંત્ર પ્રતિમાઓ કરી તેમની અલગ પ્રતિષ્ઠા કરવામાં આવતી. આમાં ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતીની મૂર્તિઓ વિશેષ નજરે પડે છે. ઋષભનાથની યક્ષિણી ચક્રેશ્વરીની કેટલીક પ્રતિમાઓમાં બાર હસ્ત હોય છે, જેમાં યક્ષી આઠ હસ્તમાં ચક્ર, બેમાં વજ્ર અને બાકીના બેમાં બીજપૂરક તથા અભયમુદ્રા ધારણ કરતી જોવામાં આવે છે. તે પોતાના વાહન ગરુડ પર સ્થિત કમલના આસન પર બેઠેલી નજરે પડે છે. નેમિનાથની શાસનદેવી અંબિકા આમ્રવૃક્ષ નીચે, સિંહ પર બેઠેલી અને પોતાના બે હાથમાં આમ્રલુંબી, ત્રીજામાં બાળક અને ચોથા દ્વારા વરદમુદ્રા ધારણ કરતી દેખાય છે. પાર્શ્વનાથનાં યક્ષિણી પદ્માવતીની જૈનધર્મમાં પૂજા વિશેષ થાય છે. તાંત્રિક સાધના પરત્વે તેમનું પ્રતિમાવિધાન પણ વિશિષ્ટ છે. સર્પફણા પર બેઠેલ તામ્રચૂડ (કુક્કુટ) પર ચતુર્ભુજ દેવી બેઠાં હોય છે. તેમના હસ્તમાં પાશ, અંકુશ, પદ્મ અને વરદમુદ્રા કે ફળ હોય છે. દેવીના મસ્તક પર ત્રિસર્પફણાઓનો છત્રવટો હોય છે.

યક્ષી પદ્માવતીદેવી

સ્વતંત્ર પ્રતિમાઓમાં શ્રુતદેવતા સરસ્વતી, સોળ વિદ્યાદેવીઓ, બ્રહ્મશાંતિ-યક્ષ, ઘંટાકર્ણ-વીર, ક્ષેત્રપાળ, મણિભદ્ર-યક્ષ વગેરેની પ્રતિમાઓ પણ જોવામાં આવે છે. સાધારણ રીતે પ્રત્યેક જિનાલયમાં બહારના ભાગમાં એક અલગ ગવાક્ષ કે દેરી કરી તેમાં રક્ષક દેવતા મણિભદ્ર-યક્ષની પ્રતિમા સ્થાપવામાં આવે છે. ગજસવાર મણિભદ્રના ચાર હાથમાં મુખ્યત્વે ગદા, શંખ, ચક્ર અને અંકુશ જોવામાં આવે છે.

પ્રતિમાવિધાન (બૌદ્ધ) : ઈ. પૂ. છઠ્ઠી સદીમાં પ્રગટેલા બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રભાવ ભારતમાં ઈ. સ.ની તેરમી સદી સુધી રહ્યો. આ લાંબા ગાળા દરમ્યાન બૌદ્ધ ધર્મમાં વિવિધ પૂજા-સ્વરૂપો પ્રચલિત થયાં. આમ તો ગૌતમ બુદ્ધના ઉપદેશમાં પૂજનવિધિનો સમાવેશ નહોતો, તેમ છતાં તેમના જીવનકાળ દરમ્યાન તેમના ઉષ્ણીષની પૂજા શરૂ થઈ ગઈ હતી. એ ઉષ્ણીષ-પૂજનથી શરૂ કરીને જુદા જુદા સમયે જે પૂજા-સ્વરૂપો વિકાસ પામ્યાં તેમને ચાર તબક્કામાં વહેંચી શકાય : (1) સ્તૂપયાત્રા અને પ્રતીકપૂજનનો તબક્કો, (2) પ્રતિમા-પૂજનનો પ્રાથમિક તબક્કો, (3) પ્રતિમા-સ્વરૂપોમાં નવીન પરંપરાઓ અને (4) પ્રતિમા-સ્વરૂપો પર તાંત્રિક પ્રભાવનો તબક્કો.

(1) ઈ. પૂ. પાંચમી સદીથી ઈ. પૂ.ની બીજી સદી સુધીના તબક્કામાં સ્તૂપની યાત્રા અને ગૌતમ બુદ્ધના પૂજન માટેનાં બોધિવૃક્ષ, ધર્મચક્ર, પગલાં, કમળ, અગ્નિસ્તંભ, સિંહાસન, ભિક્ષાપાત્ર વગેરે પ્રતીકોનો મહિમા પ્રવર્ત્યો. ઈ. પૂ.ની બીજી સદીમાં બૌદ્ધ ધર્મમાં મહાયાન અને હીનયાન એવા બે સ્પષ્ટ પંથ પડ્યા ત્યારે હીનયાનપંથીઓએ સ્તૂપોની યાત્રા અને પ્રતીક-પૂજન ચાલુ રાખ્યાં, જ્યારે મહાયાનપંથીઓએ સ્તૂપોની યાત્રા તો ચાલુ રાખી, પરંતુ પ્રતીકપૂજનને પ્રતિમાપૂજનમાં ફેરવી નાખ્યું.

(2) ઈ. સ.ની બીજી સદીમાં મહાયાનપંથીઓએ જે પ્રતિમા-સ્વરૂપો ઘડ્યાં તેમાં મુખ્યત્વે ત્રણ સ્વરૂપો વિશેષ પ્રચલિત હતાં : (ક) બધા જ માનુષી બુદ્ધો માટેનું સામાન્ય પ્રતિમા-સ્વરૂપ, જે દિવ્ય જ્ઞાની ‘બુદ્ધ-પ્રતિમા’-સ્વરૂપ કહેવાયું. (ખ) હવે પછી જે માનુષી બુદ્ધ તરીકે અવતરનાર છે તે મૈત્રેયનું પ્રતિમાસ્વરૂપ અને (ગ) પંચસ્કંધયુક્ત જે જીવ બુદ્ધત્વ પામવા પ્રયત્ન કરતો હોય તે ‘બોધિસત્વ’  – સ્વરૂપ.

મહાયાનપંથીઓએ ગૌતમ-બુદ્ધને જ્ઞાન-પ્રાપ્તિ થઈ અને તેમણે ધર્મચક્રપ્રવર્તન કર્યું તે અવસ્થાને અનુલક્ષીને દિવ્ય જ્ઞાની બુદ્ધનું પ્રતિમા-સ્વરૂપ નક્કી કર્યું. તેને ‘બુદ્ધ-પ્રતિમા’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિમા-સ્વરૂપ કેવળ શાક્યસિંહ ગૌતમ બુદ્ધનું જ પ્રતીક નથી, પણ બુદ્ધત્વ પામેલા બધા જ માનુષી બુદ્ધો માટેનું સામાન્ય પ્રતિમા-સ્વરૂપ છે.

બુદ્ધ (ધર્મચક્ર મુદ્રા, સારનાથ)

આ સ્વરૂપમાં બુદ્ધ ફક્ત એક વસ્ત્ર પરિધાન કરેલા, કોઈ પણ આભૂષણો ધારણ કર્યા વિનાના, પદ્માસનસ્થ હોય છે. તેઓ ધ્યાની મુદ્રા (અર્ધમીચેલી આંખો અને ખોળામાં ડાબા હાથની હથેળીમાં જમણા હાથની હથેળી આકાશ સમાંતર ખુલ્લી રહે તેવી મુદ્રા), શાંત અને સૌમ્ય મુખભાવ, દીર્ઘ કાન, જટાબંધ અથવા જટાબંધ વિનાના ગૂંચળાંવાળા વાળ વગેરે લક્ષણો ધરાવે છે. ક્યારેક ડાબો હસ્ત-હથેળી ખુલ્લી રહે એ પ્રમાણે ખોળામાં હોય છે અને જમણો હસ્ત વરદ, અભય, ભૂમિસ્પર્શ કે ધર્મચક્રમુદ્રા(વ્યાખ્યાનમુદ્રા, ઉપદેશમુદ્રા)માં હોય છે. ધર્મચક્રમુદ્રાવાળી બુદ્ધની ઊભેલી સ્થિતિની પ્રતિમા પણ મળી આવે છે.

મહાયાનપંથીઓ ર્દઢપણે માને છે કે હાલ તુષિત સ્વર્ગમાં નિવાસ કરતા ‘મૈત્રેય’ બધી જ્ઞાનપારમિતાઓ પાર કરી ચૂક્યા હોઈ તેઓ આ પૃથ્વી પર અનુકૂળ સમયે જન્મ લેશે ત્યારે બુદ્ધત્વ પ્રાપ્ત કરશે અને ધર્મચક્રનું પ્રવર્તન કરશે. આ માન્યતાને અનુલક્ષીને એમણે મૈત્રેયનું પ્રતિમા-સ્વરૂપ પણ શરૂઆતથી જ નક્કી કર્યું છે અને તેમનું પૂજન શરૂ કર્યું છે. આ તબક્કાના મૈત્રેયના પ્રતિમા-સ્વરૂપમાં દ્વિભુજ, સમપાદ ઊભા રહ્યાની સ્થિતિ, માથા પર જટાબંધ કે તેના અભાવમાં ગૂંચળાંવાળા વાળ, મસ્તક પાછળ પ્રભાચક્ર, ડાબા હાથમાં અમૃતકુંભ અને અભય મુદ્રાવાળો જમણો હાથ જોવા મળે છે.

બોધિસત્વ (સારનાથ)

આ તબક્કામાં મહાયાન-પંથીઓમાં બોધિસત્વનું સ્વરૂપ મનુષ્ય અવતારના બૌદ્ધ આચાર્યો અને સાધુઓને મળતું આવે છે. ઈ. પૂ.ની પહેલી સદીનું ભિક્ષુ બલ દ્વારા સ્થાપિત સ્વરૂપ સારનાથમાંથી મળ્યું છે. એમાં ધોતી ધારણ કરેલા દ્વિભુજ બોધિસત્વ ગૂંચળાંવાળી જટા ધરાવે છે, એમાં જટાબંધ નથી કે મસ્તક પાછળ પ્રભામંડળ પણ નથી. આ બોધિસત્વની પ્રતિમાના ડાબા ખંડિત થયેલા હાથમાં કમંડળ મૂકવામાં આવ્યું હોય એ શક્ય છે. ઉત્તરકાલમાં આ સ્વરૂપમાંથી બોધિસત્વની પ્રતિમાઓનો વિકાસ થયો.

(3) ઈ. પૂ. બીજી સદીમાં ઉપરનાં ત્રણેય પ્રતિમાસ્વરૂપો પ્રચલિત બન્યાં, તે પછી લગભગ દોઢ સો વર્ષ બાદ પ્રતિમાઓમાં એક નવીન પરંપરા ઊભી થતી જોવામાં આવે છે. એ પરંપરા મુજબ ‘આદિબુદ્ધ’ અને ‘આદિપ્રજ્ઞા’ના જોડકામાંથી પાંચ ધ્યાની બુદ્ધો(અક્ષોભ્ય, વૈરોચન, રત્નસંભવ, અમિતાભ અને અમોઘસિદ્ધિ)નું સર્જન થયું. એ પાંચ ધ્યાની બુદ્ધોને પોતપોતાની બુદ્ધશક્તિ છે. એમનાં એ પાંચ જોડકાંમાંથી પાંચ દૈવી બોધિસત્વો(અનુક્રમે વજ્રપાણિ, સમંતભદ્ર, રત્નપાણિ, પદ્મપાણિ અને વિશ્વપાણિ)નો ઉદભવ થયો. પાંચેય ધ્યાની બુદ્ધો સતત ધ્યાનમાં રહે છે; તેથી જે તે ધ્યાની બુદ્ધના બોધિસત્વ પોતપોતાના યુગના અધિષ્ઠાતા બને છે. આ દૈવી બોધિસત્વો પૃથ્વી પર અવતાર ધારણ કરતા નથી, પણ એમના યુગના, એમની સાથે સંકળાયેલા માનુષી બુદ્ધ દ્વારા ધર્મચક્રપ્રવર્તન કરાવે છે. આ પરંપરા મુજબ ધ્યાની બુદ્ધ ‘અમિતાભ’, એમનાં બુદ્ધશક્તિ-દેવી ‘પાંડરા’, એમની સાથે સંકળાયેલ દૈવી બોધિસત્વ-‘પદ્મપાણિ’ (અવલોકિતેશ્વર) અને માનુષી બુદ્ધ ‘શાક્યસિંહ ગૌતમ’, વર્તમાન સાથે સંકળાયેલા છે.

(ક) આદિબુદ્ધ જ્યારે માનવ-સ્વરૂપમાં ર્દષ્ટિગોચર થાય છે ત્યારે તેઓ વજ્રધરને નામે ઓળખાય છે. વજ્રધરને એમની શક્તિ પ્રજ્ઞાપારમિતા સાથે આલિંગનમાં હોય તે રીતે દર્શાવવામાં આવે છે અને તેમના જમણા હાથમાં વજ્ર હોય છે.

(ખ) આદિપ્રજ્ઞા એ જ પ્રજ્ઞાપારમિતા છે. એની પ્રતિમામાં દેવી પૂર્ણ વિકસિત કમળ પર પદ્માસનમાં બેઠાં હોય છે. દ્વિભુજ હોય ત્યારે બંને હસ્ત વ્યાખ્યાન-મુદ્રામાં હોય છે. એ ઉપરાંત ડાબા હાથ સાથે કમળદંડ સહિતનું પૂર્ણ વિકસિત કમળ હોય છે, જેના પર ‘પ્રજ્ઞાપારમિતા’ નામનું પવિત્ર પુસ્તક જોવામાં આવે છે. દેવી મુકુટ અને સકળ આભૂષણોથી સજ્જ તથા પ્રભાચક્ર અને મુખ પર દિવ્ય તેજ તેમજ સૌમ્ય ભાવ ધરાવતી હોઈને ખૂબ જ આકર્ષક રૂપવિધાન દર્શાવે છે.

(ગ) ધ્યાની બુદ્ધોમાં સૌપ્રથમ પાંચની કલ્પના હતી. નેપાળના બૌદ્ધ મતવાદમાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ વજ્રસત્વની માન્યતા ર્દકઢ થતાં એમનું પ્રતિમા-સ્વરૂપ પણ વિકાસ પામ્યું. પ્રથમ પાંચ ધ્યાની બુદ્ધોની પ્રતિમાઓ લગભગ સરખા સ્વરૂપની જોવામાં આવે છે. અલબત્ત, એમના હાથની મુદ્રા અને એમનાં ઉપકરણો પરથી એમને અલગ અલગ રીતે ઓળખી શકાય છે. અક્ષોભ્ય, વૈરોચન, રત્નસંભવ, અમિતાભ અને અમોઘસિદ્ધિ અનુક્રમે ભૂમિસ્પર્શ, ધર્મચક્રપ્રવર્તન, વરદ, ધ્યાન અને અભય મુદ્રામાં હોય છે. સેવ્ય સ્વરૂપમાં પાંચેય ધ્યાની બુદ્ધો કલામય જટામુકુટ, હાર, વલય, બાજુબંધ વગેરે આભૂષણો ધારણ કરતા, ધ્યાનરત અર્ધોન્મીલિત નેત્રવાળા તથા લલિતાસનમાં બેઠેલા જોવામાં આવે છે.

(ઘ) લલિતાસનમાં બેઠેલા અને દ્વિભુજ એવા બધા જ ધ્યાની બુદ્ધોની પોતપોતાની અલગ અલગ બુદ્ધશક્તિઓ હોય છે. એમનો વામ હસ્ત અભયમુદ્રામાં હોય છે, જ્યારે જમણો હસ્ત જમણા પગ પર ટેકવેલો, ફેલાવેલો કે કમળ ધારણ કરેલો હોય છે. પ્રત્યેક બુદ્ધશક્તિ પોતપોતાના ધ્યાની બુદ્ધની આકૃતિ પોતાના મુકુટ પર ધરાવતી હોઈને તેમનું નોખાપણું પામી શકાય છે.

(ઙ) ધ્યાની બુદ્ધના કુળ સાથે સંકળાયેલા બોધિસત્વોને દૈવી ગણવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે લલિતાસનમાં બેઠેલા કે જુદી જુદી ભંગિઓમાં ઊભેલા હોય છે. તેઓ દ્વિભુજ હોય ત્યારે બંને હાથમાં છોડની દાંડી (કમળદંડ) ધારણ કરેલા જોવામાં આવે છે. બોધિસત્ત્વો સુંદર વસ્ત્રાભૂષણ, પોતાના જટામુકુટ પર ધ્યાની બુદ્ધની આકૃતિ અને જમણા હાથમાં ધ્યાની બુદ્ધનાં ચક્ર, વજ્ર, રત્ન, પદ્મ, વિશ્વવજ્ર જેવાં ચિહ્નો પૈકીનું કોઈ પણ એક ચિહ્ન ધારણ કરતા હોઈ તેમની પિછાણ સુગમ બને છે.

(ચ) હજારો વર્ષ તૃષિત સ્વર્ગમાં વાસ કર્યા પછી બોધિસત્ત્વ છેલ્લા માનુષી અવતારમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે. આ રીતે 24 માનુષી બુદ્ધોને એકસાથે દર્શાવવાની પ્રણાલિકા શરૂ થઈ છે. આ પ્રણાલિકા અનુસાર સર્વ માનુષી બુદ્ધોનું પ્રતિમા-સ્વરૂપ લગભગ સરખું હોય છે. એ મુજબ તેઓ યોગાસનમાં બેઠેલા, ગૂંચળાંવાળા વાળ (મોટેભાગે જટાસહિત) ધરાવનારા, બે હાથ પૈકી જમણો હસ્ત વિવિધ મુદ્રામાં (અભય, વરદ, ભૂસ્પર્શ, ધર્મચક્ર-પ્રવર્તન વગેરે) રાખનારા તથા ડાબો હસ્ત ખોળામાં કે ડાબા પગના ઘૂંટણ પર ટેકવનારા હોય છે. માનુષી બુદ્ધો ઊભા હોય ત્યારે પોતપોતાના બોધિવૃક્ષની છાયામાં નજરે પડે છે. એમનાં પ્રતિમાસ્વરૂપો અલગ અલગ નહિ પણ એકીસાથે સાતના સમૂહમાં બતાવવામાં આવે છે. તેની સાથે હવે પછી માનુષી બુદ્ધ થનારા મૈત્રેયના પ્રતિમા-સ્વરૂપને પણ કંડારવામાં આવે છે.

પ્રતિમા-સ્વરૂપોની આ નવી પરંપરામાં ગૌતમ બુદ્ધ માનુષી બુદ્ધ તરીકે પશ્ચાદભૂમાં મુકાઈ ગયા અને ધ્યાની બુદ્ધના કુળનાં દેવી-દેવતાઓનાં પ્રતિમા-સ્વરૂપો બૌદ્ધોમાં સૌથી વધુ લોકપ્રિય થતાં ગયાં. ઈ. સ.ની ત્રીજી સદીના અંતિમ ચરણની આસપાસ શરૂ થયેલી આ પરંપરાનાં દેવીદેવતાઓ લગભગ ઈ.સ. 7૦૦ સુધીમાં સર્વસ્વીકૃત બની ગયેલાં જણાય છે.

(4) ઈ. સ. 7૦૦ આસપાસ વજ્રયાન પંથના તાંત્રિક માર્ગનું પ્રભુત્વ વધ્યું અને તાંત્રિક પૂજનવિધિ સાથે સંકળાયેલ અનેક દેવદેવીઓનાં પ્રતિમાસ્વરૂપો લોકપ્રિય થયાં. અલબત્ત, આ તબક્કામાં પણ દિવ્ય જ્ઞાની ‘બુદ્ધપ્રતિમા’ અને ‘માનુષી બુદ્ધ’ની પ્રતિમા બનતી રહી. માનુષી બુદ્ધ પ્રતિમાસ્વરૂપોમાં ગૌતમબુદ્ધના કેટલાક જીવન-પ્રસંગોને અનુલક્ષીને ઘડેલાં પ્રતિમાસ્વરૂપો આસનસ્થ, ઊભેલી અવસ્થામાં કે શયન અવસ્થામાં પ્રાપ્ત થાય છે. એમાં શયન અવસ્થાની પ્રતિમાઓ ભગવાન બુદ્ધના નિર્વાણ-કાલની દ્યોતક છે. આ કાલમાં માનુષી બોધિસત્વોની મૂર્તિઓ બિનતાંત્રિક સ્વરૂપની મળે છે. તેઓ દ્વિભુજ સ્વરૂપમાં હોય છે, પરંતુ જુદા જુદા પ્રકારના જટાબંધ, આછાં આભૂષણો અને વિવિધ પ્રકારનાં વસ્ત્રોથી શોભિત હોવાને લઈને તેઓ રાજયોગી જેવા લાગે છે. ધ્યાની બુદ્ધો સાથે સંકળાયેલા બોધિસત્વો દૈવી સ્વરૂપવાળા હોય છે. એમાં તાંત્રિક અને બિનતાંત્રિક – એમ બંને સ્વરૂપ નજરે પડે છે. બધાં દૈવી બોધિસત્વોના મસ્તક પર તેમના ધ્યાની બુદ્ધોની આકૃતિ કંડારાય છે, જેના જમણા હાથની મુદ્રા પરથી તેમની અલગતા ઓળખી શકાય છે. આ છેલ્લા તબક્કામાં મૈત્રેયનું સ્વરૂપ ખૂબ રાજસી ઠાઠમાં ર્દષ્ટિગોચર થાય છે.

મથુરા, ગંધાર પ્રદેશ, સારનાથ, બોધગયા, મહોબા, નાલંદા વગેરે અનેક સ્થળોએથી વજ્રયાન મતની સેંકડો પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. આમાં 1૦8 સ્વરૂપના બોધિસત્ત્વો અને લોકેશ્વર નામે પ્રચલિત થયેલા અવલોકિતેશ્વર અને મંજુશ્રી નામે પ્રસિદ્ધ થયેલા મંજૂષાપાણિની વિશિષ્ટ દેવ સ્વરૂપની મૂર્તિઓ ખાસ ધ્યાન ખેંચે છે. લોકેશ્વરનાં ષડક્ષરી, સિંહનાદ, ખસરપણ અને લોકનાથ સ્વરૂપો વિશેષ પ્રચલિત હતાં. જ્ઞાન અને બુદ્ધિના દેવતા તરીકે મંજુશ્રી લોકપ્રિય થયા હતા. સ્વતંત્ર દેવ તરીકે મનાતા મંજુશ્રીના હાથમાં જ્ઞાનના પ્રતીકરૂપ પુસ્તક (મંજૂષા) જોવામાં આવે છે.

અવલોકિતેશ્વર (નાલંદા)

વજ્રયાન મતમાં ધ્યાની બુદ્ધોની શક્તિ તરીકે તારાનું મહત્વ સ્વીકારાયા પછી દેવી સ્વરૂપે તેની પ્રતિમાની ઉપાસના ખૂબ લોકપ્રિય થઈ હતી. કઠોર અને અસહ્ય દુ:ખોથી છુટકારો મેળવવા, માનસિક શાંતિ પ્રાપ્ત કરી ધર્માભિમુખતા કેળવવા, તેમજ ભાગ્યવાન અને ઐશ્વર્યવાન થવા માટે તારાની સાધના વ્યાપક બની હતી. આ દેવીનાં આર્ય તારા, વૈશ્ય તારા, વજ્ર તારા, વરદ તારા, ખદિરવર્ણી તારા, ઉગ્ર તારા – એવાં વિવિધ સ્વરૂપો જ્ઞાત થાય છે. દેવી તારા અર્ધપર્યંકાસનમાં બેવડી કમળપીઠ પર, ડાબો પગ કમળ પર અને જમણો નીચે લટકાવીને બેઠેલાં જોવા મળે છે. તેમના જમણા હાથની વરદ કે અન્ય મુદ્રા અને ડાબા હાથમાં નીલોત્પલ; માથે મુકુટ અને અન્ય આભૂષણો, મસ્તક પાછળ આકર્ષક કેશરચના ર્દષ્ટિગોચર થાય છે. તારા પોતાના મસ્તક પર ધ્યાની બુદ્ધની આકૃતિ ધારણ કરે છે. સંપત્તિના સ્વામી તરીકે જમ્ભલની પ્રતિમાઓનું પૂજન થતું. હિંદુ દેવ કુબેરથી એને ચઢિયાતો બતાવવા માટે, તેના પગ નીચે કુબેરને કચડાતો દર્શાવાય છે. જમ્ભલના જમણા હાથમાં નોળિયો બતાવાય છે, જે તેના મોંથી રત્નોનું વમન કરે છે. બાળકોનું રક્ષણ કરનારી દેવી હારિતિની પ્રતિમાઓ મળે છે, જેમાં દેવીના ખોળામાં કે ખભા પર બેઠેલું અથવા સ્તનપાન કરતું બાળક દર્શાવાય છે.

પ્રતિમાવિધાન (હિંદુ) : હિંદુ દેવીદેવતાઓની પ્રતિમાઓનું નિર્માણ કરવા માટે શિલ્પશાસ્ત્રોમાં વિસ્તારથી નિરૂપણ થયું છે. એમાં ગણપતિ, શિવ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્ય, નવ ગ્રહો, પાર્વતી, દુર્ગા, મહાલક્ષ્મી, સરસ્વતી, બ્રાહ્મી, વગેરે. માતૃકાઓ; ઇન્દ્ર વગેરે અષ્ટ દિક્પાલો, હનુમાન, કાર્તિકેય, કામદેવ; અર્ધનારીશ્વર, ગોપાલસુંદરી, હરિહર, હરિહરપિતામહ, હરિહરપિતામહાર્ક, વગેરે સંયુક્ત પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. પ્રતિમાવિધાન પરત્વે જે તે દેવનો મહિમા દેશકાળ અનુસરીને અને શૈલીભેદને અનુસરીને વિગતફેર મળે છે.

હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અનુક્રમે રજોગુણ, સત્વગુણ અને તમોગુણના ધારક અને અનુક્રમે સૃષ્ટિના કર્તા, સંરક્ષક અને સંહારક મનાય છે. આમ મહેશ સંહારના દેવ ગણાય છે; પરંતુ સંહારમાં સૃષ્ટિના પુનર્નિર્માણનાં બીજ રહેલાં હોય છે. આથી મહેશ પોતાના ઉગ્રરૂપમાં રુદ્ર સ્વરૂપ છે અને જગતના કલ્યાણકર હોઈને શિવ પણ છે. શૈવ સંપ્રદાય આર્ય અને આર્યેતર ધારાઓનો સમન્વય ધરાવે છે. શિવની લિંગ સ્વરૂપે અને પ્રતિમા રૂપે એમ બંને પ્રકારે પૂજા-ઉપાસના થતી. સિંધુ સંસ્કૃતિના અવશેષોમાંની મુદ્રાઓ પર પશુઓ વચ્ચે યોગી રૂપે બેઠેલા પશુપતિની આકૃતિ કંડારેલી મળે છે. તે ઉપરાંત માનુષલિંગ અને યોનિ આકારના પથ્થર મળ્યા છે. ઋગ્વેદમાં શિશ્નદેવની ઉપાસના કરનારા લોકોની નિંદા કરવામાં આવી છે. એમાં રુદ્ર-શિવને રૌદ્ર રૂપ પ્રગટ કરનાર દેવ તરીકે વર્ણવ્યા છે. વેદોત્તરકાલમાં રુદ્ર-શિવનો મહિમા વધતો ગયો અને આર્યોની લિંગપૂજા પ્રત્યેની અરુચિ ઘટતી ગઈ. શિવના પ્રતીક રૂપે લિંગની પૂજા વ્યાપક થવા લાગી અને આર્યેતર પશુપતિ સ્વરૂપમાં ‘પશુ’ એટલે કે જીવ એવું પ્રતીકાત્મક આધ્યાત્મિક અર્થઘટન થઈ ગયું.

શિવલિંગની પૂજાની વિભાવના વ્યાપક થતાં  તેના પ્રતિમાવિધાન માટેના સ્પષ્ટ નિયમો અને તેમનું શાસ્ત્રીય નિરૂપણ પણ થવા લાગ્યું. લિંગપુરાણ, વિષ્ણુધર્મોત્તર, શિવપુરાણ, સ્કંદપુરાણ વગેરેમાં શિવલિંગનું પ્રતિમાવિધાન વિસ્તારપૂર્વક અપાયું છે. શિવલિંગ ‘ચલ’ અને ‘અચલ’ – એમ બે પ્રકારનાં હોય છે. અચલમાં સ્વયંભૂ અને મનુષ્યનિર્મિત એવા બે ભેદ છે. મનુષ્યનિર્મિત શિવલિંગ શાસ્ત્રાનુસાર રચાય છે. શિવાલયોમાં શિવની પ્રતિમા નહિ, પરંતુ એમનું લિંગ-પ્રતીક સ્થપાય છે ને પૂજાય છે. સામાન્ય રીતે લિંગના બે ભાગ જમીનની સપાટીની નીચે હોય છે ને એક ભાગ જમીનની સપાટીની ઉપર હોય છે. આ ઉપલો પૂજ્ય ભાગ ‘રુદ્રભાગ’ કહેવાય છે. કેટલાંક પ્રાચીન લિંગોના રુદ્રભાગ પર મોખરે બે સંયુક્ત ઊભી રેખા કરીને એના નીચલા છેડાઓની બહાર લિંગને ફરતી આડી રેખા કોતરી હોય છે. એને ‘બ્રહ્મસૂત્ર’ કહે છે, પરંતુ એ મૂળમાં પુરુષ-જનનેન્દ્રિયના શિરોભાગની વ્યાવર્તક રેખાની પ્રાકૃતિક અવસ્થા સૂચવે છે. જમીનની સપાટી નીચે દબાયેલા બે ભાગ પૈકીનો ઉપરનો અષ્ટકોણ ભાગ ‘વિષ્ણુભાગ’ તરીકે અને તેની નીચેનો ચોરસ ભાગ ‘બ્રહ્માભાગ’ તરીકે ઓળખાય છે. આ ત્રણે ભાગો ઊંચાઈમાં સરખા હોય ત્યારે ‘સમલિંગ’, નીચેથી ઉપર જતાં ક્રમશ: વધે તો ‘વર્ધમાન’, નીચેના બે સરખા અને છેક ઉપરનો રુદ્રભાગ મોટો હોય તો ‘શૈવાધિક’ અને ઉપરથી નીચે જતાં માન વધે તો તે ‘આઢ્ય’ સ્વરૂપનાં શિવલિંગ કહેવાય છે. કેટલાંક પ્રાચીન સ્થળોએ શિવલિંગની રુદ્રભાગની સંમુખ બાજુ પર એક મુખ કર્યું હોય છે અથવા એની ચારેય બાજુએ ચાર મુખ કર્યાં હોય છે. ક્યારેક એ ચાર મુખની ઉપરના ભાગ પર સંમુખ બાજુએ પાંચમું મુખ ઉમેર્યું હોય છે. આ પ્રકારના લિંગને ‘મુખલિંગ’ કહે છે.

એકમુખલિંગ (રાષ્ટ્રીય સંગ્રહાલય, દિલ્હી)

પ્રાચીન કાલમાં શિવની પૂર્ણમૂર્ત પ્રતિમાઓ પણ ઘડાતી. ઘણાં પ્રાચીન મંદિરોના મંડોવર વગેરેમાં પણ આવી પ્રતિમાઓ જોવા મળે છે. શિવનાં આવાં પ્રતિમા-સ્વરૂપો પૈકી એકાદશ રુદ્ર અનુક્રમે સદ્યોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ, ઈશાન, મૃત્યુંજય, વિજય, કિરણાક્ષ, અઘોરાસ્ત્ર, શ્રીકંઠ, મહાદેવ અને સદાશિવની મૂર્તિઓ મળે છે. આમાં દેવ સાધારણ રીતે ત્રિનેત્રો; મસ્તક પર જટાજૂટ; સર્પ અને ચર્મનાં આભૂષણો; બે, ચાર, છ, આઠ કે દશ હાથ અને હસ્તમાં ત્રિશૂળ, ખટ્વાંગ, કપાલ, પાશ, દંડ, ધનુષ્ય-બાણ, શક્તિ, ડમરુ, સર્પ વગેરે આયુધ કે ઉપકરણ રૂપે ધારણ કરતા હોય છે. તેમના હાથ વરદ કે અભય મુદ્રા પણ દર્શાવતા હોય છે. શિવનાં અનુગ્રહ અને રૌદ્ર સ્વરૂપની પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. એમાં અર્જુનાનુગ્રહ, રાવણાનુગ્રહ, ગજાસુરસંહારક, અંધકારસુરમર્દન-સ્વરૂપ તેમજ વીરભદ્રની પ્રતિમાઓ વિશેષ ર્દષ્ટિગોચર થાય છે. શિવની ભૈરવ સ્વરૂપની 64 પ્રકારની મૂર્તિઓ બનાવવાનું શાસ્ત્રોમાં વિધાન મળે છે. એ પૈકીનું બટુકભૈરવ સ્વરૂપ સર્વાધિક પ્રચલિત છે. સાધારણ રીતે બટુક (કિશોર) ભૈરવ નગ્ન હોય છે, તેમનાં નેત્રો વિસ્ફારિત હોય છે અને હસ્તમાં ખડ્ગ, ખેટક, કપાલ અને અસુરમસ્તક ધારણ કરતા જોવામાં આવે છે. તેમની પાસે તેમના વાહનરૂપે કૂતરો બતાવાય છે. ઉત્તર ગુજરાતમાં પાટણની રાણી વાવની દીવાલ પર 2૦ હસ્ત ધરાવતા બટુક ભૈરવની વિરલ પ્રતિમા ર્દષ્ટિગોચર થાય છે. અર્ધમૂર્ત શિલ્પ તરીકે એક પાર્શ્વગત, એક સંમુખ, અને એક પાર્શ્વગત એવી ત્રિમુખ જણાતી પરંતુ વસ્તુત: ચતુર્મુખ સમજવાની મહેશમૂર્તિનો સુંદર નમૂનો ઘારાપુરી (એલિફન્ટા) ગુફામાં છે જે પ્રસિદ્ધ છે. વ્યાખ્યાન આપતા શિવના દક્ષિણામૂર્તિના નમૂના પણ કેટલાંક પ્રાચીન શિવાલયોમાં નજરે પડે છે.

ભૈરવ (રાણીવાવ, પાટણ)

ભારતીય શાસ્ત્રોમાં શિવને નૃત્યકલામાં કુશળ અને તેના આચાર્ય કહ્યા છે. દક્ષિણ ભારતમાં શિવનું આ નટરાજ-સ્વરૂપ વિશેષ લોકપ્રિય થયું છે.

મહેશમૂર્તિ (એલિફંટા)

ભારતમાં જૂનાં મંદિરોમાં ઉમા-મહેશ્વરની સેંકડો પ્રતિમાઓ મળે છે; એમાં શિવ ચતુર્ભુજ હોય છે ને તેમના ડાબા ખોળામાં પાર્વતી બેઠાં હોય છે. શિવનો એક હસ્ત પાર્વતીને અને પાર્વતીનો એક હસ્ત શિવને આશ્લેષ આપતો હોય છે. કોઈ વાર શિવ-પાર્વતી ઊભેલાં હોઈ પરસ્પર આશ્લેષ આપે એવી પ્રતિમાઓ પણ મળે છે. આવી યુગલ પ્રતિમાને ‘હર-ગૌરી-પ્રતિમા’ કહે છે.

સૃષ્ટિના પાલક અને સંરક્ષક દેવતા તરીકે વિષ્ણુનું પ્રાચીન હિંદુ દેવીદેવતાઓમાં મહત્વનું સ્થાન ગણાય છે. છેક વેદકાળથી અત્યાર સુધી સમાજના મોટા વર્ગમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેમની પૂજા-ઉપાસના કરવામાં આવે છે. ઋગ્વેદમાં વિષ્ણુનો ઉલ્લેખ થયો છે, પણ ત્યાં તેઓ સૂર્યદેવતાના એક સ્વરૂપરૂપે હતા. ઉત્તર કાલમાં ભાગવત સંપ્રદાયનો વિકાસ થતાં, તેમનું સ્થાન વધતાં વધતાં તેઓ ‘પરમાત્મા’ સ્વરૂપે સ્વીકાર પામ્યા. ગુપ્તકાળથી વિષ્ણુનાં અવતારસ્વરૂપોનો મહિમા પ્રવર્ત્યો અને તેમાંય રામ અને કૃષ્ણનાં સ્વરૂપો અધિક પ્રચલિત થયાં. લગભગ બધાં પુરાણોમાં, શિલ્પશાસ્ત્રોમાં તેમની કથાઓ અને પ્રતિમાઓનું સ્વરૂપ-વિધાન પ્રાપ્ત થાય છે. વિષ્ણુની પ્રતિમાઓ દેશના લગભગ બધા ભાગોમાંથી મળે છે. પ્રાચીન પ્રતિમાઓ ઈ.પૂ. બીજી સદીથી મળવા લાગે છે.

વિષ્ણુ (ખજુરાહો)

વિષ્ણુની પ્રતિમાઓ સ્થાનક (ઊભી), આસન (બેઠેલી) અને શયન (શેષશાયી) સ્વરૂપની પણ મળે છે. સામાન્ય રીતે વિષ્ણુની પ્રતિમા ચતુર્ભુજ હોય છે ને ચાર હસ્તમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે. તેઓ મસ્તક પર કિરીટ મુકુટ, ગળામાં કૌસ્તુભ અને લાંબી વૈજયંતીમાળા ધારણ કરે છે. તેમના વક્ષ પર શ્રીવત્સનું ચિહ્ન હોય છે, જેને ભૃગુ-લાંછન કહેવામાં આવે છે. વિષ્ણુની સાથે ‘શ્રીદેવી’ અને ‘ભૂદેવી’ તરીકે ઓળખાતી તેમની પત્ની લક્ષ્મીની પ્રતિમાઓ પણ બનતી હોય છે.

વિષ્ણુની પ્રતિમામાં પૂજાનું ફળ પામવા નિમિત્તે જુદાં જુદાં 24 સ્વરૂપોની મૂર્તિઓ બનતી હતી. એમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ ચાર ચિહ્નોને ચોવીસ પ્રકારે જુદા જુદા ક્રમે ચાર હાથમાં ધારણ કરાતાં ચોવીસ સ્વરૂપો બને છે. ભારતમાં ઠેકઠેકાણેથી લગભગ આ સ્વરૂપોની પ્રતિમાઓ મળે છે. એમાંય નારાયણ તથા ત્રિવિક્રમની પ્રતિમા સૌથી વધુ સંખ્યા ધરાવે છે. નારાયણની પ્રતિમામાં નીચલા જમણા હાથમાં શંખ, નીચલા ડાબા હાથમાં ચક્ર, ઉપલા ડાબા હાથમાં ગદા અને ઉપલા જમણા હાથમાં પદ્મ હોય છે; જ્યારે ત્રિવિક્રમના નીચલા ડાબા હાથમાં શંખ, ઉપલા ડાબા હાથમાં ચક્ર, ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા જમણા હાથમાં પદ્મ હોય છે. નારણદેવ એટલે નારાયણ. નારણદેવનાં મંદિર ઠેકઠેકાણે હોય છે. રણછોડરાય અને દ્વારકાનાથનાં મંદિરોમાં ત્રિવિક્રમ સ્વરૂપ પૂજાય છે. ત્રિકમજી એટલે ત્રિવિક્રમ. ગુજરાતમાં આ સ્વરૂપનાં મંદિર ઠેકઠેકાણે આવેલાં છે. જૂનાગઢના રેવતીકુંડમાં ચોવીસેય સ્વરૂપોની પ્રતિમાઓ ર્દષ્ટિગોચર થાય છે.

વિષ્ણુના શ્રીમદ્ ભાગવતાદિ પુરાણોમાં વર્ણવાયેલા મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, સંકર્ષણ કે કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ – એ દશ અવતારોની પ્રતિમાઓનું મૂર્તિવિધાન શાસ્ત્રોમાં વિસ્તારથી અપાયું છે અને એ પ્રકારની પ્રતિમાઓ પણ મળે છે. દશાવતારની શિલ્પપંક્તિઓ ઘણાં જૂનાં મંદિરોમાં જોવા મળે છે. એમાં રામ, કૃષ્ણ ઉપરાંત વરાહ, નૃસિંહ અને વામનનું સ્વરૂપ લોકપ્રિય હતું.

વરાહ (કદવાર, સૌરાષ્ટ્ર)

કદવાર(સૌરાષ્ટ્ર)માં વરાહનું મંદિર છે ને એમાં નૃ-વરાહની કદાવર પ્રતિમા છે. વરાહમુખ નરદેહના વરાહ-સ્વરૂપને ‘નૃ-વરાહ’ કહે છે. કેટલાંક મંદિરોમાં વરાહનું પૂર્ણ પશુ-સ્વરૂપ જોવા મળે છે. એને ‘આદિ-વરાહ’ કહે છે. સિંહમુખ અને નરતન ધરાવતા નૃસિંહાવતારનું સ્વરૂપ મુખ્યત્વે દક્ષિણનાં મંદિરોમાં ર્દષ્ટિગોચર થાય છે. વામને ત્રણ પગલાં ભરવા ધારણ કરેલા વિરાટ સ્વરૂપને ત્રિવિક્રમ કહે છે. ભારતભરમાંથી અને વિશેષે કરીને ગુજરાતમાંથી વામનની ત્રિવિક્રમ-સ્વરૂપની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. ભારતમાં રામ અને કૃષ્ણનાં સેંકડો મંદિરો આવેલાં છે.

કૃષ્ણનાં સ્વરૂપમાંથી ગોવર્ધનધારી સ્વરૂપ સવિશેષ પ્રચલિત છે. કેટલાંક સ્થળોએ વેણુગોપાલ તથા કાલિયમર્દન સ્વરૂપની પ્રાચીન પ્રતિમાઓ મળે છે. વિષ્ણુના ચારથી વધુ હાથ ધરાવતી કેટલીક વિશિષ્ટ પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. વૈકુંઠ-સ્વરૂપની અષ્ટભુજ અને દશભુજ, અનંત-સ્વરૂપની દ્વાદશભુજ; ચતુર્દશભુજ અને ષોડશભુજની ત્રૈલૌક્યમોહન સ્વરૂપની અને ત્રણ મુખ અને વીસ હસ્ત ધરાવતી વિશ્વરૂપ-સ્વરૂપની પ્રતિમાઓ પણ ર્દષ્ટિગોચર થાય છે. ભારત અને નેપાળમાં જળશાયી વિષ્ણુ સ્વરૂપની પ્રતિમાઓ મળી છે. ક્યારેક બેઠેલા ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિમા મળે છે. એને યોગીશ્વર કહે છે. ઉમા-મહેશ્વરની જેમ લક્ષ્મી-નારાયણની આશ્લેષયુક્ત યુગલ-પ્રતિમાઓ અનેક સ્થળોએથી મળે છે.

ગોવર્ધનધારી (બેલૂર)

શિવ અને વિષ્ણુની તુલનામાં બ્રહ્માની પ્રતિમા-પૂજા ખૂબ મર્યાદિત હોવાનું પ્રતીત થાય છે. જોકે પ્રાચીન કાળની ઈ.સ.ની છઠ્ઠીથી પંદરમી સદી સુધી બ્રહ્માની અનેક પ્રતિમાઓ દેશના જુદા જુદા ભાગોમાંથી પ્રાપ્ત થઈ છે, જે તેમની પૂજાની વ્યાપકતા સૂચવે છે. ચતુર્મુખ, જટા, મોટું ઉદર, લાંબી દાઢી અને ચતુર્ભુજ, સૌમ્ય સ્વરૂપ ધરાવતા બ્રહ્મા પોતાના હસ્તમાં માળા, કમંડળ, પુસ્તક અને સ્રુવ (સરવો) ધારણ કરે છે. તેમનું વાહન હંસ તેમના પગ પાસે દર્શાવાય છે. ઉમા-મહેશ્વર જેવી બ્રહ્મા-સાવિત્રીની યુગલ-પ્રતિમાઓ પણ મળે છે. એમાં સાવિત્રીને બ્રહ્માના ડાબા ખોળામાં બેઠેલાં બતાવાય છે. ક્યારેક હરગૌરીની જેમ ઊભેલાં બ્રહ્મા-સાવિત્રીની પ્રતિમા પણ મળે છે.

ગણપતિ (ખજુરાહો)

સમગ્ર ભારતમાં પ્રાચીન કાળથી અદ્યાપિપર્યંત વિઘ્નહર્તા દેવ તરીકે ગણપતિની પૂજા-અર્ચના લોકપ્રિય રહી છે, શૈવ, શાક્ત અને વૈષ્ણવ પંથોમાં પણ તેમની અગ્રપૂજાનું પ્રાવધાન છે. ગણપતિ પોતાનાં ગજમુખ, લંબોદર, સર્પનું યજ્ઞોપવીત, મોદકપાત્ર અને મૂષક-વાહનને લઈને અન્ય દેવોથી તત્કાળ અલગ તરી આવે છે. ઉપલબ્ધ પ્રાચીનતમ પ્રતિમાઓના અવલોકન પરથી જણાય છે કે સૌપ્રથમ ગણપતિ યક્ષ-શ્રેણીના દેવ હતા. ધીમે ધીમે ગજમસ્તકવાળા યક્ષ દેવમૂર્તિના રૂપમાં પરિવર્તિત થયા. ગુપ્તકાલમાં ચોથી-પાંચમી સદીઓ દરમિયાન તેમનું પુરુષાકૃતિ-ગજમુખ સ્વરૂપ નિશ્ચિત થયું. પાંચમીથી આઠમી સદી દરમિયાન ગાણપત્ય સંપ્રદાય પ્રચલિત થતાં ગણપતિને પરમેશ્વર અને ૐકાર સ્વરૂપ માનવામાં આવ્યા. બ્રાહ્મણ-પરંપરાના દેવતાઓમાં સપ્તમાતૃકાઓના સમૂહ સાથે ગણપતિની પ્રતિમા મૂકવાનો નિયમ બની ગયો. એવી રીતે શિવાલયના અંતરાલમાં એક ગવાક્ષમાં ઉત્તરાભિમુખે ગણપતિની પ્રતિમા સ્થાપવાનો નિયમ પણ કાયમ થયો. ગણપતિની પ્રતિમાઓમાં બેઠેલા, ઊભેલા, નૃત્ય કરતા, બેથી માંડીને વીસ સુધીના હાથ અને એક, પાંચ કે દશ મુખ ધરાવતાં અલગ અલગ નામવાળાં સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એમાંના ચતુર્ભુજ ગણપતિનાં વિનાયક અને વક્રતુંડ એ બે સ્વરૂપોનો વિશેષ પ્રચાર થયેલો જોવામાં આવે છે. વિનાયકના હસ્તમાં દંત, કમળ, મોદક અને પરશુ હોય છે; જ્યારે વક્રતુંડના હસ્તમાં પાશ અને અંકુશ હોય છે અને બાકીના બે હસ્ત વરદ અને અભય મુદ્રામાં હોય છે.

બ્રહ્માની જેમ સૂર્યની પૂજા હાલ વિરલ બની ગઈ છે, પરંતુ પહેલાં એ દેવનાં અનેક મંદિરો હતાં. કાશ્મીરનું માર્તંડમંદિર, મોઢેરાનું સૂર્યમંદિર અને ઓરિસામાં કોનાર્કનું સૂર્યમંદિર એનાં પ્રસિદ્ધ ર્દષ્ટાંત છે. મૂર્તિકલાનો ઇતિહાસ જોતાં જણાય છે કે વેદકાલ અને વેદોત્તર-કાલમાં સૂર્યોપાસના મંત્રો દ્વારા થતી હતી. શુંગકાલ(ઈ. પૂ. બીજી સદી)થી મૂર્તિપૂજાનો વ્યાપક પ્રચાર થતાં અન્ય દેવતાઓની જેમ સૂર્યની પ્રતિમાપૂજાનો પણ પ્રચાર થયો. સૂર્યનું પ્રાચીનતમ અંકન બુદ્ધગયાની એક વેદિકાના સ્તંભ પર થયેલું છે. એમાં ચાર ઘોડા જોડેલા રથ પર ધોતી અને ઉષ્ણીષ ધારણ કરેલા સૂર્યદેવ જોવા મળે છે. આ સર્વથા ભારતીય સ્વરૂપ છે; પરંતુ એ પછી ઉત્તર ભારતમાં શક-કુષાણકાલ (ઈ.સ. પહેલીથી ત્રીજી સદી) દરમિયાન મૂર્તિઓમાં સૂર્યનો ઉદીચ્ય (ઈરાની) વેશ-બંધ ગળાનો કોટ, પાયજામો, હોલ-બૂટ વગેરે ર્દષ્ટિગોચર થાય છે. આ સ્વરૂપ શકો સાથે ઈરાનથી અહીં આવેલું ને શાકદ્વીપી (મગ) બ્રાહ્મણોએ એનો સૂર્યોપાસનામાં વ્યાપક પ્રચાર કરેલો હોવાનું મનાય છે. શરૂઆતની મૂર્તિઓમાં ઘણું કરીને પર્યંકલીલાસનમાં પગ નીચે લટકતા રાખીને બેઠેલા ઉદીચ્યવેશધારી સૂર્યના એક હાથમાં પુષ્પ અને બીજા હાથમાં તલવાર કે કટાર જોવા મળે છે. સૂર્ય જ્યાં રથ પર સવાર હોય ત્યાં રથને સાત ઘોડા જોડેલા બતાવાયા છે. ગુપ્તકાલ દરમિયાન આ વિદેશી રાજવંશી સ્વરૂપનું સ્થાન ભારતીય સ્વરૂપે લીધું. જોકે ઉત્તર ભારતમાં હોલ-બૂટ યથાવત્ રહી ગયા છે. આ કાલમાં વિકસેલાં પુરાણોમાં સૂર્યના પગ અદર્શનીય ગણાતા. એ જોવાથી કુષ્ઠ(કોઢ)નો ભોગ બનવું પડે એવી માન્યતા લોકોમાં ઘર કરી ગઈ હોવાથી ઉત્તર ભારતમાં સૂર્યની પ્રતિમામાં આ બૂટવાળો ભાગ યથાવત્ રહી ગયો.

સૂર્યની એ સિવાયની વેશભૂષા ભારતીય જોવામાં આવે છે. આ ભારતીયકરણની સાથોસાથ સૂર્યના એક હાથમાં રહેલી કટારનું સ્થાન પણ પુષ્પે લીધું. બંને હાથમાં કમળપુષ્પ આપવાની ગુપ્તકાલમાં આરંભાયેલી પ્રથા ઉત્તરકાલમાં ર્દઢ થઈ ગઈ. વળી આ કાલથી સૂર્યદેવની બંને તરફ એમના એક એક પ્રતિહાર અનુક્રમે દંડ (યમ) અને પિંગળ(અગ્નિ)ને સ્થાન મળ્યું. આ અંકનનો વિસ્તાર થયો ત્યારે તેમની સાથે ઉષા, પ્રત્યૂષા, રાજ્ઞી અને નિષ્પ્રભા નામની દેવીઓનું અંકન થવા લાગ્યું.

સૂર્ય (ખેરાળુ, ગુજરાત)

સૂર્યનું સ્વતંત્ર દેવ ઉપરાંત નવગ્રહોમાં ગ્રહપતિ તરીકેનું મૂર્તિવિધાન પણ પ્રાપ્ત થાય છે. આમ તો નવગ્રહો જયોતિષના દેવતા મનાય છે. નવગ્રહોના માનવાકૃતિનું રૂપવિધાન ધરાવતા શિલ્પપટ્ટ મુખ્યત્વે મંદિરોની દ્વારશાખા, ઉત્તરંગ, કક્ષાસન, જંઘા અને ક્યારેક સ્તંભયષ્ટિ પર પણ જોવામાં આવે છે. તીર્થંકરોની પ્રતિમાઓમાં પદ્મપીઠ પર અને વાવોની દીવાલો પર પણ તેમનાં અંકનયુકત પટ્ટ પ્રાપ્ત થાય છે. ગ્રહદેવતાઓની પ્રતિમાઓ મુખ્યત્વે દ્વિભુજ અને ક્વચિત્ ચતુર્ભુજ હોય છે.

ભારતમાં દેવીપૂજાનાં પ્રમાણ સાહિત્યમાં ઋગ્વેદ જેટલાં પ્રાચીન છે અને પુરાતત્વમાં ઈ. પૂ. ચોથી સહસ્રાબ્દીથી પ્રાપ્ત થાય છે. વેદમાં સર્વ દેવોની જનેતા રૂપે ‘અદિતિ’નું વર્ણન મળે છે. ઉત્તરકાલમાં આ માતૃશક્તિને પત્ની-સ્વરૂપે પણ સ્વીકારવામાં આવી. ધીરે ધીરે બ્રહ્મા, વિષ્ણુ અને બીજા દેવો સાથે પત્ની રૂપે શક્તિનું સંયોજન થયું. સિન્ધુ સંસ્કૃતિના સમયમાં સ્ત્રી-રૂપની પૂજા શરૂ થઈ ગઈ હતી. સમય જતાં દેવી સ્વરૂપમાં આ સ્ત્રી-સ્વરૂપ ઉત્કૃષ્ટ રીતે રજૂ થવા લાગ્યું. અલબત્ત, માતૃકાના સ્વરૂપમાં એના ખોળામાં બાળક ધારણ કરેલું સ્વરૂપ પ્રચલિત થયું. બાળક ધારણ કરેલી માતૃકાઓની બેઠેલી, ઊભેલી, દ્વિભુજ કે ચતુર્ભુજ સ્વરૂપની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. ઉત્તરકાલમાં આ પરંપરા સ્વતંત્ર દેવી અને સ્વતંત્ર માતૃકા સ્વરૂપે વિશેષ પ્રચલિત બની. કુષાણકાલથી આવી સ્વતંત્ર પ્રતિમાઓ બનવા લાગી હતી. ગુપ્તકાલ અને ત્યારબાદ દેશભરમાં તેનો વ્યાપક પ્રચાર થયો. દેવીઓનાં તેમજ માતૃકાઓનાં સ્વતંત્ર મંદિરો પણ બન્યાં. પાર્વતી, દુર્ગા, કાલી, મહિષાસુરમર્દિની, લક્ષ્મી, સરસ્વતી, ચામુંડા વગેરેની સ્વતંત્ર પ્રતિમાઓ અને તેમનાં મંદિરો મોટી સંખ્યામાં જોવામાં આવે છે.

દેવીઓમાં સર્વાધિક પ્રસિદ્ધ દેવી પાર્વતી મનાય છે. તે પાર્વતી ઉપરાંત ગૌરી, ઉમા, શિવા, દુર્ગા, અંબિકા, કાલી, મહિષાસુરમર્દિની એમ અનેક નામોએ ઓળખાય છે. દેવીનાં આ નામો પ્રમાણે તેના મહિમાને વ્યક્ત કરતાં પુરાણાનુસારનાં પ્રતિમા-સ્વરૂપો પણ પ્રાપ્ત થાય છે. કુષાણકાલથી શિવની પ્રતિમાની સાથોસાથ પાર્વતીની પ્રતિમાઓ મળવા લાગે છે. તપ કરતી પાર્વતીની એ સમયની એક પ્રતિમા મથુરામાંથી મળી છે, જેમાં દેવી સમપાદમાં ઊભાં છે અને તેમની આસપાસ અગ્નિકુંડ બનાવેલા છે. ઉત્તરકાલમાં આ સ્વરૂપ લોકપ્રિય થયું અને ગુજરાત તેમજ ભારતના ઇતર ભાગોમાંથી આ સ્વરૂપની અનેક પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. આમાં પાટણની રાણીવાવમાં જોવા મળતી એક પગે ઊભાં રહી લંગોટધારી પાર્વતી તપ કરી રહ્યાં હોવાની પ્રતિમા અનુપમ અને વિરલ છે. શિવાલયમાં પછીતના અંદરના ગવાક્ષમાં ઊભેલાં પાર્વતીની ચતુર્ભુજ પ્રતિમા હોય છે, જેમાં તેમણે શિવ (લિંગ-સ્વરૂપ), ગણપતિ, કમંડળ અને અક્ષમાલા ધારણ કરેલાં હોય છે. ઉમા સ્વરૂપમાં દેવી અક્ષમાલા, કમળ, દર્પણ અને કમંડળ ધારણ કરે છે; જ્યારે ગૌરી સ્વરૂપમાં અક્ષમાલા, અભયમુદ્રા, પદ્મ અને કમંડલ ધારણ કરે છે. દેવીનાં અંબિકા જેવાં સૌમ્ય અને

પાર્વતી (રાણીવાવ, પાટણ)

મહિષાસુરમર્દિની (કાત્યાયની) અને કાલી જેવાં ઉગ્ર રૂપ જોવામાં આવે છે. ઉગ્ર સ્વરૂપમાં અષ્ટ, દસ, બાર, અઢાર, વીસ, ચોવીસ અને બત્રીસ હાથ ધરાવતી પ્રતિમાઓ વિશેષે કરીને બંગાળ અને ગુજરાતમાં તેમજ દેશના અન્ય ભાગોમાંથી પ્રાપ્ત થાય છે. ગુપ્તકાલથી મહિષમર્દિની દુર્ગાની પ્રતિમાઓ વિપુલ પ્રમાણમાં મળવા લાગે છે. એમાં શરૂઆતમાં મહિષને પશુ-સ્વરૂપે બતાવ્યો હોય છે. આઠમી સદીથી મળતા મહિષના પશુ-સ્વરૂપના મસ્તકને દેવી ત્રિશૂળ વડે ભેદી તેમાંથી પુરુષ રૂપે પ્રગટતા રાક્ષસના મસ્તકને ચોટલેથી પોતાના ડાબા હાથમાં ધારણ કરતાં જોવામાં આવે છે. સિંહવાહિની દેવીના ચતુર્ભુજ સ્વરૂપમાં જમણા નીચલા હાથમાં ત્રિશૂળ, ઉપલા હાથમાં ખડ્ગ, ડાબા ઉપલા હાથમાં ખેટક અને નીચલા હાથમાં અસુરમસ્તક ધારણ કરેલું હોય છે. અનેકહસ્તધારી સ્વરૂપમાં દેવી બધા જ દેવોનાં આયુધોને ધારણ કરતાં જોવામાં આવે છે. ઉત્તર ગુજરાતના પાટણની રાણીવાવમાંનું વીસભુજા-મહિષમર્દિનીનું પ્રતિમાસ્વરૂપ પણ કલા અને ભાવાભિવ્યક્તિની ર્દષ્ટિએ ભારે ખ્યાતિ પામ્યું છે. ઐહોળ અને ખજુરાહોમાંથી પણ આ પ્રકારનાં સુંદર પ્રતિમાસ્વરૂપો પ્રાપ્ત થયાં છે. કાલીની મુખ્યત્વે ચતુર્ભુજ અને અષ્ટભુજ પ્રતિમાઓ મળે છે. એના સૌમ્ય સ્વરૂપને ભદ્રકાલી કહે છે. ગજલક્ષ્મી અને શ્રીલક્ષ્મીની પ્રતિમાઓ છેક શુંગકાલથી પ્રાપ્ત થાય છે. મહાલક્ષ્મીની વરદ, ત્રિશૂળ, ખેટક અને પાનપાત્ર ધારણ કરતી પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. સરસ્વતીનું બે હાથમાં વીણા અને બાકીના બેમાં પુસ્તક અને માળા ધારણ કરતું સ્વરૂપ છેક ઈ.સ.ની બીજી સદીથી પ્રાપ્ત થાય છે.

દુર્ગા મહિષમર્દિની (રાણીવાવ, પાટણ)

દેશના ઘણા ભાગોમાં કુષાણ અને ગુપ્તકાલથી બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વારાહી, ચામુંડા વગેરે સપ્ત કે અષ્ટ માતૃકાઓની પ્રતિમાઓ કે તેમના પટ પ્રાચીન મંદિરોમાં ર્દષ્ટિગોચર થાય છે. ક્વચિત્ શીતલા માતાની પ્રતિમા પૂજાય છે. એ ખરારૂઢ હોય છે ને માથા પર સૂપડું અને એક હાથમાં સાવરણી ધારણ કરે છે.

હિંદુ ધર્મશાસ્ત્રમાં જુદા જુદા દેવો વચ્ચે એકાત્મભાવ દર્શાવવા માટે અભેદબુદ્ધિથી તેમનાં સંયુક્ત સ્વરૂપોની વિભાવના ર્દઢ થઈ. સમય જતાં એ દેવોની સ્વતંત્ર દેવરૂપે પ્રતિષ્ઠા થઈ. તેમનાં સ્વતંત્ર મંદિરો પણ થયાં. આવાં સંયુક્ત દેવ-સ્વરૂપોમાં અર્ધનારીશ્વર, હરિહર, હરિહર-પિતામહ, હરિહરપિતામહાર્ક વગેરેનાં પ્રતિમા-સ્વરૂપો પ્રાપ્ત થાય છે.

ઉમા અને મહેશ્વર શિવના સંયુક્ત સ્વરૂપને અર્ધનારીશ્વર કહે છે. આમાં જમણું અંગ શિવનું અને ડાબું અંગ પાર્વતીનું હોય છે. વામ અંગમાં સ્તન બતાવાય છે. ચતુર્ભુજ દેવના જમણા હસ્તમાં ત્રિશૂળ અને અક્ષમાલા હોય છે જ્યારે ડાબા હસ્તમાં દર્પણ અને નીલકમલ કે કમંડળ ધારણ કરેલું જોવામાં આવે છે.

આ દેવની પ્રતિમામાં એક જ મુખ બતાવાય છે; જેમાં અડધું અંગ બધા પ્રકારનાં અલંકરણોથી સજ્જ નારીનું અને બાકીનું – જમણી બાજુનું અડધું જટા, ચંદ્રકલા, સર્પ, કુંડળ વગેરે ધારણ કરેલ શિવનું હોય છે. ઇલોરા, ઘારાપુરી, દક્ષિણ ભારત અને ગુજરાતમાંથી આ સ્વરૂપની અનેક પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. હરિ-હરના સંયુક્ત સ્વરૂપમાં વામ અંગ હરિ(વિષ્ણુ)નું અને દક્ષિણ અંગ હર(શિવ)નું હોય છે. હરિ-હર-પિતામહની ત્રિમૂર્તિમાં મધ્યમાં વિષ્ણુનું ને બે બાજુએ શિવનું અને બ્રહ્માનું મુખ હોય છે. એના છ હસ્ત પૈકીના બેમાં શંખ અને ચક્ર, બેમાં સર્પ અને ત્રિશૂળ અને બેમાં કમંડળ અને અક્ષમાલા હોય છે. કેટલીક વાર ત્રિમૂર્તિમાં હરિના બદલે સૂર્ય-નારાયણ હોય છે; જેમ કે, ગુજરાતમાં દેલમાલની ત્રિમૂર્તિમાં સૂર્યનારાયણ ગરુડારૂઢ છે ને તેમણે

અર્ધનારીશ્વર (ચેન્નઈ)

બંને હસ્તમાં કમળ ધારણ કર્યાં છે. પાટણમાંની આવી એક પ્રતિમામાં સૂર્ય-નારાયણ સપ્તાશ્વ રથ પર આરૂઢ છે ને તેમણે બે હસ્તમાં શંખ અને ચક્ર ધારણ કરેલ છે. આવી અષ્ટભુજ પ્રતિમાને હરિ-હર-પિતામહ-અર્કનું સંયુક્ત સ્વરૂપ માનવામાં આવે છે. આ બધાં સંયુક્ત સ્વરૂપો દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમજ અમુક અંશે મધ્યપ્રદેશમાં જોવામાં આવે છે.

હરિહરપિતામહાર્ક

હનુમાનનો સંબંધ રામ સાથે છે અને રામ, લક્ષ્મણ તથા જાનકીની પ્રતિમાઓ સાથે હનુમાનની પ્રતિમા પણ મૂકવામાં આવે છે. શિવાલયોમાં અંતરાલના એક ગવાક્ષમાં હનુમાનની પ્રતિમાને દક્ષિણાભિમુખે પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. રામકથાના પ્રચાર પછી હનુમાનનાં સ્વતંત્ર મંદિરો ઠેકઠેકાણે બન્યાં છે. હનુમાનની પ્રતિમામાં વાનરદેહધારી દેવને એક મુખ અને દ્વિભુજ હોય છે. તેઓ એક હસ્તમાં પર્વત ધારણ કરે છે અને પગ નીચે પનોતીને કચરે છે. બીજા હસ્તમાં ગદા ધારણ કરે અથવા તેને છાતી પર રાખે છે. કેટલાંક સ્થળોએ હનુમાનની પંચમુખ પ્રતિમાઓ મળી છે. એમાં પાંચેય મુખ વાનરનાં અથવા મધ્ય મુખ વાનરનું પણ બાજુનાં મુખ સિંહ, ગરુડ, વરાહ અને અશ્વનાં હોય છે. દક્ષિણ ભારતમાંથી હનુમાનની ધાતુ-પ્રતિમાઓ મળી છે, જેમાં દેવને કમલાસન પર ઊભેલા બતાવાયા છે.

શિવના પુત્ર અને ગણેશના અનુજ કાર્તિકેય ઉત્તર ભારતમાં સ્કંદ, સેનાપતિ અને કુમારને નામે અને દક્ષિણ ભારતમાં સુબ્રહ્મણ્યને નામે પ્રસિદ્ધ છે. તેઓ યુદ્ધના દેવતા મનાય છે ને તેમનાં મંદિરો પણ બન્યાં છે. કાર્તિકેયની પ્રતિમાઓ ઈ.સ.ની બીજી સદીથી મળે છે. તેમનું વાહન મયૂર છે. તેઓ શક્તિ અને તામ્રચૂડ (કૂકડો) ધારણ કરે છે. કેટલીક વિશિષ્ટ પ્રતિમાઓમાં તેમને ષણ્મુખ, ત્રિનેત્ર, સેનાપતિને યોગ્ય સુર્દઢ શરીર અને બાર હસ્ત હોવાનું જોવામાં આવે છે. એમાં એક બાજુના છ હાથમાં બાણ, શક્તિ, ખડ્ગ, અંકુશ, દંડ તેમજ અક્ષમાલા અને બીજી બાજુના છ હસ્તમાં વિષાણ, ધનુષ્ય, પાશ, ખેટક, કમંડળ અને વરદ મુદ્રા હોય છે.

ભારતીય દેવસૃષ્ટિમાં ચાર દિશાઓના ચાર અને ચાર ખૂણાઓના ચાર મળીને  કુલ આઠ દિક્પાલ દેવો ગણાય છે. પ્રાચીન મંદિરોના ગર્ભગૃહની બહારની દીવાલ(મંડોવર)ની જંઘામાં ચાર કે આઠ દિક્પાલોની પ્રતિમાઓ કંડારી હોય છે. પૂર્વના દિક્પાલ ઇંદ્ર, દક્ષિણના યમ, પશ્ચિમના વરુણ અને ઉત્તરના કુબેર છે. ઇંદ્રનું વાહન ઐરાવત (ગજ) છે ને તે અંકુશ અને વજ્ર ધારણ કરે છે. યમનું વાહન મહિષ છે અને તે દંડ તથા પાશ ધારણ કરે છે. વરુણનું વાહન મકર છે અને તે પાશ તથા રત્નપાત્ર ધારણ કરે છે. કુબેરનું વાહન ગજ છે. તે લંબોદર હોય છે ને નિધિની વાંસળી (નાણાથેલી) ધારણ કરે છે. ઈશાન, અગ્નિ, નિર્ઋતિ અને વાયુ – એ ચાર ખૂણાઓના દિક્પાલ છે. ઈશાન શિવનું સ્વરૂપ છે ને હાથમાં ત્રિશૂળ તથા નાગ ધારણ કરે છે. અગ્નિ દ્વિમુખ અને ત્રિપાદ હોય છે. તેનું વાહન મેષ(બકરો) હોય છે. તેઓ અક્ષસૂત્ર અને કમંડળ ધારણ કરે છે. નિર્ઋતિનું વાહન નર છે ને તેનું સ્વરૂપ ભીષણ હોય છે. તે ખડ્ગ-ખેટક ધારણ કરે છે. વાયુદેવનું વાહન મૃગ છે અને તેમના હસ્તમાં ધ્વજા-પતાકા હોય છે. દિક્પાલોને ચાર હાથયુક્ત પણ બતાવાય છે. ઘણીવાર દિક્પાલોની સાથે તેમની પત્નીઓની પ્રતિમા પણ કંડારાતી હોય છે.

પ્રિયબાળાબહેન શાહ

પ્રવીણચંદ્ર પરીખ