પ્રતિમા : માટી, કાષ્ઠ, ધાતુ, પથ્થર વગેરેની બનાવેલી દેવની મૂર્તિ. ક્યારેક મનુષ્યની આવી મૂર્તિ પણ હોય છે, પરંતુ તેને પ્રતિમા કહેવાય નહિ. પ્રતિમા કે મૂર્તિને હંમેશાં પૂજનીય ગણવામાં આવે છે. આવી પ્રતિમા બનાવવાનું કારણ એ છે કે જ્ઞાની મનુષ્યો જ નિરાકાર ઈશ્વરની કલ્પના કરે છે. સામાન્ય મનુષ્યો આવી પ્રતિમા દ્વારા સાકાર ઈશ્વરની પૂજા અને ઉપાસના કરે છે અને તેનાથી ધીરે ધીરે નિરાકાર ઈશ્વરની પૂજા અને ઉપાસના તરફ મનને કેળવીને વાળી શકે છે. પ્રાય: તમામ ધર્મોનાં ઉપાસના-સ્થળોમાં ભગવાનના પ્રતીક તરીકે પ્રતિમાની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આમ છતાં, ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા ધર્મમાં પ્રતિમાની પૂજા કે ઉપાસનાની મનાઈ પણ ફરમાવવામાં આવી છે.

પ્રતિમાનો પ્રચાર પ્રાચીન કાળથી જોવા મળે છે. મહાભારત જેવા મહાકાવ્યમાં; વિવિધ આગમોમાં; મત્સ્યપુરાણ, અગ્નિપુરાણ, પદ્મપુરાણ, સ્કંદપુરાણ, લિંગપુરાણ, ભવિષ્યપુરાણ, વિષ્ણુપુરાણ અને વિષ્ણુધર્મોત્તરપુરાણ વગેરે પુરાણોમાં; માનસાર, માનસોલ્લાસ, શિલ્પરાજ, ચતુર્વર્ગચિંતામણિ અને સમરાંગણસૂત્રધાર વગેરે વાસ્તુશિલ્પના ગ્રંથોમાં પ્રતિમાવિધાન એટલે પ્રતિમા બનાવવાના સિદ્ધાન્તો આપવામાં આવ્યા છે. મંદિરના ગર્ભગૃહમાં કેન્દ્રસ્થાને આરાધ્ય દેવની પ્રતિમાને સ્થાપવામાં આવેલી હોય છે. સાથે સાથે મંદિરનાં ભીંત, શિખર, ઘુમ્મટ વગેરેમાં પણ યક્ષ, ગંધર્વ, વસુઓ, પ્રાણીઓ, ઋષિઓ, ગ્રહો, સુંદરીઓ, યુગલો વગેરે પણ તેમને લગતી વસ્તુઓ સાથે ચોક્કસ પટ્ટાઓમાં કોતરવામાં આવે છે. એ પટ્ટાઓમાં પૌરાણિક આખ્યાનના પ્રસંગો પણ કોતરવામાં આવે છે. પ્રત્યેક ધર્મ અને સંપ્રદાયમાં પોતપોતાની ધાર્મિક કે સાંપ્રદાયિક માન્યતાને અનુસરીને પ્રતિમા બનાવવામાં આવે છે.

શિલ્પશાસ્ત્ર મુજબ પ્રતિમાના વિવિધ પ્રકારો હોય છે. આકૃતિને આધારે પ્રતિમા : (1) ચિત્ર (આખા શરીરવાળી), (2) ચિત્રાર્ધ (અડધા શરીરવાળી) અને (3) ચિત્રાભાસ (અડધાથી ઓછા શરીરવાળી) એવા ત્રણ પ્રકારની હોય છે. ગતિને આધારે પ્રતિમા : (1) ચલા (ગતિ કરતી) અને (2) અચલા (સ્થિર ઊભેલી) એમ બે પ્રકારની હોય છે. વળી, મૂર્તિવિધાનની સામગ્રીને આધારે : (1) ધાતુજા (ધાતુની બનેલી), (2) રત્નજા (રત્નની બનેલી), (3) શૈલજા (પથ્થરની બનેલી), (4) કાષ્ઠજા (લાકડાની બનેલી), (5) મૃણ્મયી (માટીની બનેલી), (6) કૌસુમી (ફૂલોની બનેલી) વગેરે પ્રકારોની પ્રતિમા હોય છે. શરીરની સ્થિતિને આધારે : (1) આસ્થાનક (ઊભેલી), (2) આસન (બેઠેલી), (3) શયન (સૂતેલી) એવા પ્રતિમાના ત્રણ પ્રકારો પડે છે. કાર્યને આધારે : (1) યોગ (યોગસાધના કરતી), (2) ભોગ (ભોગ કરતી), (3) વીર (પરાક્રમ કરતી) અને (4) આભિચારિક (મંત્રતંત્રની સાધના કરતી, યંત્ર વગેરે) એમ ચાર પ્રકારની પ્રતિમા હોય છે. ધર્મ કે સંપ્રદાયને આધારે : (1) સૌર, (2) વૈષ્ણવ, (3) શૈવ, (4) ગાણપત્ય, (5) શાક્ત, (6) બૌદ્ધ અને (7) જૈન વગેરે પ્રતિમાના પ્રકારો પડે છે. ટૂંકમાં, પોતપોતાની ધાર્મિક કે સાંપ્રદાયિક માન્યતાઓ મુજબ પ્રતિમા બનાવવામાં આવે છે. દેવી સરસ્વતીને હિંદુ અને જૈન ધર્મમાં જુદી જુદી રીતે કલ્પવામાં આવી હોવાથી બંને ધર્મમાં દેવી સરસ્વતીની પ્રતિમાઓ જુદી જુદી છે.

શિલ્પશાસ્ત્રનો અભિપ્રાય એવો છે કે માન એટલે માપ એ જ પ્રતિમાના સૌંદર્યનો આધાર છે. આ માપના પણ : (1) અંગુલમાન (આંગળનું માપ), (2) તાલમાન (મસ્તકથી દાઢી સુધીનું માપ), (3) દંડમાન (લાકડીનું માપ) વગેરે જુદા જુદા પ્રકારો છે. તે માપ લઈને પ્રતિમા બનાવવામાં આવે છે. પ્રતિમામાં આસન, વાહન, આભૂષણ, વસ્ત્ર, આયુધ વગેરે કોતરવામાં આવે છે, જેને શિલ્પશાસ્ત્રની ભાષામાં ‘રૂપસંયોગ’ કહે છે. તદુપરાંત, પ્રતિમામાં ભરતના નાટ્યશાસ્ત્રમાં ગણાવેલી હસ્ત, પાદ, શરીરાદિ 64 મુદ્રાઓમાંથી કેટલીક મુદ્રાઓ પણ કોતરવામાં આવે છે. ‘સમરાંગણસૂત્રધાર’ અને ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’- માં એમ કહ્યું છે કે પ્રતિમામાં રસાભિનિવેશ પણ કરવો જોઈએ કે જેના વડે પ્રતિમામાં જીવંતતા આવે છે. સંક્ષેપમાં, પ્રતિમા વિશે પ્રાચીન ભારતમાં ઘણો ઊંડો વિચાર કરવામાં આવ્યો છે.

પ્રિયબાળાબહેન શાહ

પ્ર. ઉ. શાસ્ત્રી