પ્રતિભા (મનોવિજ્ઞાન) : કેટલીક વ્યક્તિઓમાં રહેલી અસાધારણ કે વિચક્ષણ શક્તિ. મનોવિજ્ઞાનની ર્દષ્ટિએ મેધાવી વિદ્વત્તા ધરાવતા માણસો, ઉચ્ચ કક્ષાના ગાયકો-વાદકો-નર્તકો, પ્રથમ કોટિના વૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો, સંશોધકો, મૌલિક સાહિત્યના સર્જકો પ્રતિભાવંત ગણાય. માત્ર સુર્દઢ બાંધો, બાહ્ય છાપ કે પ્રભાવ વ્યક્તિત્વની મોહકતામાં ભલે ઉમેરો કરતાં હોય; પરંતુ તે નિર્ણાયક રીતે પ્રતિભાનો પુરાવો ગણાય નહિ. માણસમાં રહેલી સામાન્ય શક્તિમાં જ્યારે કેટલીક વિશિષ્ટ અને વિચક્ષણ શક્તિઓનો ઉમેરો થાય છે ત્યારે તે બંનેના સંકુલ પ્રભાવથી પ્રતિભા ખીલી ઊઠે છે. બુદ્ધિ, સ્મૃતિ, સર્જનશક્તિ, સંવેદનશીલતા, સ્નાયવિક યંત્રકૌશલ – આવી બધી શક્તિઓ એકબીજીથી તદ્દન ભિન્ન હોય છે. આધુનિક સંશોધનો સૂચવે છે કે પ્રતિભા એ કોઈ જન્મજાત, એકસરખી કે વિશિષ્ટ પ્રકારની શક્તિ કે શક્તિઓ નથી. માનવજીવનની ઘણીબધી પ્રવૃત્તિઓમાં બુદ્ધિમત્તા, ચીવટ અને પરિશ્રમ કરવાની આવડત અને વૃત્તિ તો હોવી જ જોઈએ; પરંતુ પ્રતિભા એ તેનાથી કંઈક વિશેષ હોય છે, તેમાં તેજસ્વિતા ઉપરાંત મૌલિકતા અને સર્જકતાના ગુણોનો આવિર્ભાવ અનિવાર્ય ગણાય છે. ભારતના પ્રાચીન ઋષિઓ, વેદોના દ્રષ્ટા, ઉપનિષદોના કર્તા, આદિશંકરાચાર્ય જેવા તત્વવેત્તાઓ, કવિકુલગુરુ કાલિદાસ અને આધુનિક જમાનામાં થઈ ગયેલા સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, કવિવર રવીન્દ્રનાથ ઠાકુર કે મહર્ષિ અરવિંદ ઘોષ, વિદેશમાં થઈ ગયેલા શેક્સપિયર, લિયોનાર્દો-દ-વિંચી, આઇન્સ્ટાઇન, બર્ટ્રાન્ડ રસેલ જેવા મહાપુરુષો પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવો (genius) ગણાય છે.

ઘણી વાર પ્રતિભાના વિકલ્પમાં ‘ટૅલન્ટ’ અને ‘જીનિયસ’ જેવા અંગ્રેજી શબ્દો પ્રયોજાતા હોય છે; પરંતુ ઊંડાણથી વિચાર કરતાં જણાશે કે તે બંને પરિમાણાત્મક અને ગુણાત્મક રીતે જુદા છે. ‘ટૅલન્ટ’ કોઈ વ્યક્તિમાં રહેલા શક્તિવિશેષનું સૂચન કરે છે તથા તે વિશિષ્ટ કાર્ય કરવા પ્રત્યે વ્યક્તિમાં રહેલ એકદેશીય કૌશલના અસ્તિત્વનો સંકેત આપે છે; પરંતુ ‘જીનિયસ’ (પ્રતિભા) વિચક્ષણ સિદ્ધિ હાંસલ કરવા માટે જરૂરી એવી મૌલિકતા અને સર્જકતાનો સંકેત આપે છે. જે ક્ષેત્ર અત્યાર સુધી બૌદ્ધિક ખેડાણમાંથી તદ્દન વંચિત રહ્યું હોય તે ક્ષેત્રમાં તેવું ખેડાણ કરી માનવજાતિને ચિરંતન ગણાય તેવું પ્રદાન કરવાની ક્ષમતાનું સૂચક છે. આ રીતે જોતાં ‘ટૅલન્ટ’ કરતાં ‘જીનિયસ’ શબ્દ વધારે ચઢિયાતા ગુણોનો પરિચાયક છે.

મહેશ દવે

મુકુન્દરાય મણિશંકર ત્રિવેદી