પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર)

February, 1999

પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર) : કલ્પનાથી નવી વસ્તુ સર્જવાની શક્તિ ધરાવતી પ્રજ્ઞા. કલ્પનાથી કળા અને કાવ્ય વગેરે ક્ષેત્રે નવું સર્જન કરવાની સામાન્ય મનુષ્યમાં રહેલી ન હોય તેવી વિશિષ્ટ શક્તિ કળાકાર કે કવિ વગેરેમાં રહેલી હોય છે, તેને પ્રતિભા કહે છે. શબ્દશાસ્ત્રની ર્દષ્ટિએ તે પશ્યન્તી નામની વાણી ગણાય છે, કારણ કે તે ત્રણેય લોકમાં અને ત્રણેય કાળમાં બીજાએ નહિ જોયેલું જોઈ શકતી દિવ્ય આંખ છે. આવી  પ્રતિભા કોઈ વિરલ વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. સામાન્ય વ્યક્તિએ જોયેલી વસ્તુ પ્રતિભા ધરાવતી વિશિષ્ટ વ્યક્તિને કોઈ ઓર રૂપે દેખાય છે.

કવિમાં આવી પ્રતિભા રહેલી હોય છે એમ માનીને સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ તેના પર ઊંડો વિચાર કર્યો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ માને છે કે કવિત્વનું બીજ પ્રતિભા છે. તે જૂજ વ્યક્તિઓમાં રહેલી હોય છે. પૂર્વજન્મનાં અને આ જન્મનાં કર્મો પર આધારિત હોવાથી પ્રતિભા બે પ્રકારની હોય છે : (1) સહજા અથવા નૈસર્ગિકી અને (2) ઉત્પાદ્યા કે ઔપાધિકી. જે પ્રતિભા કવિમાં જન્મની સાથે જ કુદરતી રીતે રહેલી હોય તે સહજા અથવા નૈસર્ગિકી કહેવાય; જ્યારે જે પ્રતિભા કૃત્રિમ રીતે અર્થાત્ દેવ, મહાપુરુષ, ગુરુ કે મંત્ર વગેરેની કૃપાથી ઉત્પન્ન થાય છે તેને ઉત્પાદ્યા કે ઔપધિકી પ્રતિભા કહેવાય. સહજા પ્રતિભા ઉત્પાદ્યા કરતાં વધુ સારી છે એવો સામાન્ય મત છે. પ્રતિભા વગરનો માણસ ગમે તેટલું ભણેલો હોય કે ગમે તેટલી તાલીમ લીધી હોય; પરંતુ કાવ્ય લખી શકતો નથી. કદાચ પરાણે લખે તો તે કાવ્ય મશ્કરીને પાત્ર બને છે. જેમ બીજ વિના વૃક્ષ ઉત્પન્ન થઈ શકતું નથી તેમ પ્રતિભા વિના કાવ્ય રચી શકાતું નથી. પ્રતિભાને કારણે જ કાવ્ય-રચના માટે તત્કાળ વર્ણ્ય વસ્તુ વિશેની અવનવીન કલ્પનાઓ તથા તેને અનુકૂળ શબ્દો કવિના મનમાં ખડા થાય છે. પ્રતિભા ધરાવતો મનુષ્ય ઓછું ભણેલો હોય તોપણ કાવ્ય રચી શકે છે. પ્રતિભા ધરાવતા કવિઓ શાસ્ત્રજ્ઞાન અને કાવ્યરચનાની તાલીમ પામીને વધારે સુંદર કાવ્ય સરળતાથી લખી શકે છે. પ્રતિભા અને તેના સંસ્કારકો વ્યુત્પત્તિ (વિદ્વત્તા) અને અભ્યાસ (તાલીમ) ત્રણેય મળીને કાવ્યનો એકમાત્ર હેતુ થાય છે એમ ભામહ, દંડી, વામન, રુદ્રટ, કુન્તક, મમ્મટ વગેરે માને છે. જ્યારે ફક્ત પ્રતિભા જ કાવ્યહેતુ છે એમ રાજશેખર, હેમચંદ્ર, વાગ્ભટ, જયદેવ, જગન્નાથ વગેરે માને છે. આનંદવર્ધનને મતે કાવ્યમાં વ્યુત્પત્તિ ન હોવાને કારણે જે દોષ થાય તે કવિની પ્રતિભાથી ઢંકાઈ જાય છે; પરંતુ પ્રતિભા ન હોવાને કારણે કાવ્યમાં થતો દોષ તરત જ જણાઈ આવે છે. રાજશેખર નામના કવિ–વિવેચકે  પ્રતિભાના બે પ્રકારો ગણાવ્યા છે : (1) જે ખુદ કાવ્ય રચી શકે તેવી પ્રતિભા અર્થાત્ કવિની પ્રતિભા. તે કારયિત્રી પ્રતિભા કહેવાય. જ્યારે (2) જે સ્વયં કાવ્ય ન રચી શકે પણ અન્ય કવિએ રચેલા કાવ્યનો આસ્વાદ માણી શકે તેવી વિવેચક કે ભાવકની પ્રતિભાને ભાવયિત્રી પ્રતિભા કહેવાય. રાજશેખરના ગણાવેલા આ બે પ્રકારો ખૂબ જાણીતા છે. અંતે, કાવ્યની જેમ કળા, કારીગરી, વિજ્ઞાન વગેરેને ક્ષેત્રે કંઈક નવું કરવાની શક્તિ એ પ્રતિભા જ ગણાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી

દશરથલાલ ગૌરીશંકર વેદિયા