પ્રતાપ, મહારાણા (જ. 1540; અ. 1597) : મેવાડના મહાન દેશભક્ત, શક્તિશાળી અને શૂરવીર રાજવી. સમગ્ર ભારતના શ્રેષ્ઠ રાજપૂત રાજવીઓમાં એમની ગણતરી થાય છે. તેઓ એમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે પ્રસિદ્ધ છે. મેવાડના સિસોદિયા વંશના રાણાઓએ મુઘલ સમ્રાટોને નહિ નમવાની અને એમને પોતાના કુળની પુત્રીઓ નહિ પરણાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેનું પ્રતાપે અનેક કષ્ટો અને સંઘર્ષો વેઠી પાલન કર્યું હતું.
રાણા સંગના અવસાન પછી મેવાડની ગાદીએ એમના પુત્રો અનુક્રમે રતનસિંહ, વિક્રમજિતસિંહ અને ઉદયસિંહ આવ્યા. મુગલ સમ્રાટ અકબરે (1556–1605) ફેબ્રુઆરી 1568માં ચિતોડ ઉપર આક્રમણ કરીને તે જીતી લીધું. એ પછી રાણા ઉદયસિંહે કુંભલમેરમાં આશ્રય લીધો. એમણે ઉદયપુર નામનું નવું નગર વસાવ્યું. ઉદયસિંહે અકબરની શરણાગતિ સ્વીકાર્યા વગર જંગલોમાં સંતાઈને એનો સામનો કરવાનું ચાલુ રાખ્યું; પરંતુ 28મી ફેબ્રુઆરી 1572ના રોજ એમનું મૃત્યુ થયું. ઇતિહાસકાર કર્નલ ટૉડે એમની ડરપોક અને નિર્બળ રાજવી તરીકે ટીકા કરી છે. ઉદયસિંહના સૌથી મોટા પુત્ર પ્રતાપસિંહનો જન્મ 1540માં થયો હતો. ઉદયસિંહના અવસાન પછી મેવાડના અમીરો અને સરદારોએ પ્રતાપસિંહની પસંદગી કરી 1લી માર્ચ 1572ના રોજ તેમને રાજગાદી સોંપી. તેથી તેમના ભાઈ જગમલ અને શક્તિસિંહ નારાજ થઈને અકબરના શરણે ગયા હતા.
પ્રતાપે મુગલ સૈન્યનો સામનો કરવા લશ્કરી તૈયારીઓ કરી. એ મેવાડને મુગલોની પકડમાંથી છોડાવવા ઇચ્છતા હતા. એમણે રાજપૂતો અને ક્ષત્રિયો ઉપરાંત અફઘાન સરદાર હકીમ સૂર પઠાણ તથા ભીલોનો સાથ મેળવ્યો. ક્ષત્રિયોએ પહેલી જ વખત ભીલોની લડાયક શક્તિનો સ્વીકાર કરી એમને પ્રતિષ્ઠા આપી. 1568માં અકબરે ચિતોડ જીતી લીધું તે પછી ઉદયસિંહે ગોગુન્દાને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. પ્રતાપસિંહ પણ ત્યાં રહીને રાજ્ય કરતા હતા. 1572થી 1576 સુધીમાં એમણે સૈન્ય એકઠું કર્યું અને શસ્ત્રોથી સજ્જ કર્યું. તેથી અકબરે તેમને હરાવવા સેનાપતિ માનસિંહની સરદારી નીચે મોટું લશ્કર મોકલ્યું.
21મી જૂન 1576ના રોજ પ્રતાપસિંહ અને માનસિંહનાં લશ્કરો વચ્ચે હલદીઘાટના મેદાનમાં ભયંકર યુદ્ધ થયું. પ્રતાપસિંહનો ચેતક નામનો અશ્વ માનસિંહના હાથી ઉપર ધસી ગયો. તે તલવારથી ઘાયલ થયો. પરંતુ મૃત્યુ પામતાં પહેલાં તે વફાદાર અશ્વ ઝડપી ગતિથી એના સ્વામી પ્રતાપને રણભૂમિથી દૂર સલામત રીતે લઈ ગયો અને એમનો જાન બચાવ્યો. ચેતકની સ્વામીભક્તિ અને પ્રતાપની શૂરવીરતાની આ યશગાથા મેવાડના લોકોમાં પ્રચલિત છે. આ યુદ્ધમાં બિદા ઝાલા નામના યોદ્ધાએ પ્રતાપને બચાવવા એમનો તાજ પોતાના માથે મૂકીને મોત વહોરી લીધું. બિદા ઝાલાની આ બલિદાનકથા પણ પ્રસિદ્ધ છે. હલદીઘાટનું યુદ્ધ થયું તેના બીજે દિવસે માનસિંહે ગોગુન્દા કબજે કર્યું; પરંતુ એ પહેલાં પ્રતાપ પોતાના પરિવાર સાથે એ સ્થાન છોડી ગયા હતા. મુગલ લશ્કરને મુશ્કેલીમાં મૂકવા એમણે ગોગુન્દાની આસપાસના પ્રદેશને ઉજ્જડ બનાવ્યો તથા તે લશ્કરને ખાદ્યસામગ્રી ન મળે એવી નાકાબંધી કરી. પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે ‘જ્યાં સુધી ચિતોડ મુક્ત નહિ થાય ત્યાં સુધી હું કે મારા વંશજો કોઈ પણ વિલાસસામગ્રીનો સ્પર્શ કરીશું નહિ, વૃક્ષપાત્ર સિવાય અન્ય કોઈ ધાતુપાત્રમાં ભોજન કરીશું નહિ, તૃણશય્યા સિવાય બીજી શય્યા ઉપર શયન કરીશું નહિ અને માથાના વાળ કપાવીશું નહિ.’
અકબર પ્રતાપને પકડવા કે એમનું મોત નિપજાવવા ઇચ્છતો હતો. તેથી ઑક્ટોબર 1576માં એ પોતે અજમેરથી ગોગુન્દા આવ્યો. એની સાથે કુત્બુદ્દીનખાન, રાજા ભગવાનદાસ, માનસિંહ વગેરે સેનાપતિઓ હતા. તેઓ પ્રતાપની પાછળ પડ્યા. પણ એમને પકડી શક્યા નહિ. મહારાણાએ તે સમયે કુંભલગઢમાં આશ્રય લીધો હતો. અકબરે માર્ચ 1578માં કુંભલગઢનો કિલ્લો જીતવા મીર બક્ષી શાહબાજખાનને મોટા લશ્કર સાથે મોકલ્યો. શાહબાજખાને 4થી એપ્રિલ 1578ના રોજ કિલ્લો સર કર્યો; પરંતુ એ પહેલાં મહારાણા એ સ્થળ છોડી ગયા હતા. એ પછી પ્રતાપે 1584 સુધીમાં મેવાડનો સારો એવો પ્રદેશ પાછો મેળવ્યો હતો. એમાં ભામાશા નામના વફાદાર શ્રેષ્ઠીએ એમને નાણાકીય મદદ કરી હતી. અકબરે ફરી 1584ના અંતમાં રાજા જગન્નાથની સરદારી નીચે મેવાડ જીતવા લશ્કર મોકલ્યું. એને પણ મહારાણાને પકડવામાં નિષ્ફળતા મળી. મહારાણાને અગાઉથી માહિતી મળતાં તેઓ અન્ય સલામત સ્થળે પહોંચી ગયા. મહારાણાને પકડવાનો અકબરનો આ છેલ્લો પ્રયાસ હતો.
આમ, અકબરે અનેક પ્રયત્નો કરવા છતાં મહારાણા અજેય અને અણનમ રહ્યા. મુઘલોને નહિ નમવાની પ્રતિજ્ઞા એમણે જીવવાના અંત સુધી પાળી. મેવાડ મુક્ત ન થાય ત્યાં સુધી કઠોર જીવન જીવવાના શપથ એમણે અને એમના વંશજોએ પાળ્યા. માતૃભૂમિની મુક્તિ માટે પ્રતિજ્ઞાપાલનનો આવો કિસ્સો ભારતીય ઇતિહાસમાં અજોડ છે. 29મી જાન્યુઆરી 1597ના રોજ (વિ. સં. 1653ના માઘ માસની સુદ 11ના દિવસે) તેમનું 57 વર્ષની વયે અવસાન થયું. તે સમયે ચિતોડ અને માંડલગઢ સિવાય સમગ્ર મેવાડ તેમણે પાછું મેળવી લીધું હતું. તેઓ ભારતીય ઇતિહાસમાં મહાન દેશભક્ત તરીકે ચિરંજીવ છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી