પ્રતાપગઢ (2) : રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં આવેલું એક નગર. ભૌ. સ્થાન : 24° 02´ ઉ. અ. અને 74° 47´ પૂ. રે. તે ચિતોડગઢથી દક્ષિણે, બાંસવાડા તેમજ ડુંગરપુરથી ઈશાનમાં તથા મંદસોર(મ.પ્ર.)થી પશ્ચિમમાં આવેલું છે.

15મી સદીમાં સ્થપાયેલા પ્રતાપગઢના દેશી રજવાડાનું તે મુખ્ય વહીવટી મથક હતું. 1689માં નગર તરીકે તે જાણીતું બનેલું છે. 1948માં આ રજવાડાને સ્વતંત્ર ભારતના રાજસ્થાન રાજ્યમાં ભેળવી દેવામાં આવેલું છે. અહીં કેટલાંક જૂનાં ઐતિહાસિક સ્થળો આવેલાં છે, તે પૈકી મહેલ, પ્રાચીન જૈન મંદિરો તથા હિન્દુ મંદિરો મુખ્ય છે. આજે તે આજુબાજુના ગ્રામ-વિસ્તારો માટે કપાસનાં જિનો, હાથવણાટનું કાપડ તથા ખેતીની પેદાશોનું બજાર બની રહેલું છે. આ ઉપરાંત રાજસ્થાન યુનિવર્સિટીને સંલગ્ન એક સરકારી કૉલેજ અહીં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા