પ્રતાપલંકેશ્વર રસ : પ્રસૂતા સ્ત્રીનાં દર્દોનું એક ઉત્તમ રસ-ઔષધ. સંયોજન તથા વિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ 10–10 ગ્રામ, મરી 30 ગ્રામ, અભ્રકભસ્મ 10 ગ્રામ, લોહભસ્મ 40 ગ્રામ, શંખભસ્મ 80 ગ્રામ અને જંગલી અડાયાં છાણાંની વસ્ત્રગાળ રાખ (ભસ્મ) 160 ગ્રામ લઈ, તેનું ચૂર્ણ કરી, પથ્થરની ખરલમાં બધું વિધિપૂર્વક મેળવી, ઘૂંટી લેવામાં આવે છે. તે ચૂર્ણ રૂપમાં ભરી લેવામાં આવે છે. ‘મરી’ના બદલે ‘ચિત્રકમૂળ’ લઈ ઔષધિ બનાવાય, તો તે પ્રસૂતાના ગર્ભાશયમાં રહેલા દૂષિત રક્તને જલદી બહાર કાઢી, ગર્ભાશયની શુદ્ધિ કરે છે.

માત્રા તથા અનુપાન : આ ઔષધિ 3થી 6 રતી (125 મિગ્રા.) જેટલી 2થી 3 વખત આદુના રસ અથવા તુલસીના રસ અને મધ સાથે પ્રસૂતા સ્ત્રીને આપવામાં આવે છે.

ઉપયોગ-લાભ : આ ઔષધિ પ્રસૂતા સ્ત્રીઓને થતા કોઈ પણ જાતના દર્દમાં વૈદ્યોની પ્રથમસ્મરણીય અને ખૂબ લાભપ્રદ દવા છે. પ્રસૂતા સ્ત્રીને સામાન્ય રીતે થતા તાવ, ખાંસી, મસ્તકપીડા, ઊલટી, કફદોષ, આફરો, શૂળ, સળેખમ, ત્રિદોષ, ઝાડા, રાંઝણ (સાયેટિકા), ગાંડપણ, દાંત બંધાઈ જવા (વાઈ કે હિસ્ટીરિયા), ધનુર્વા તથા વાયુના અન્ય કોઈ પણ દર્દમાં તે ખૂબ લાભપ્રદ છે. આ દવા સૂતિકાજ્વર, અનિદ્રા, લવરી તથા સંનિપાત તાવને મટાડે છે. આ દવા પ્રસવદોષથી ઉત્પન્ન વિષદોષને તથા પિત્તદોષથી થતી ઊલટી કે ઉદરશૂળને ખાસ મટાડે છે. એ ઉપરાંત વાતદોષજન્ય શ્વાસરોગમાં તથા કફદોષજ દર્દોમાં પણ તે સારું કામ કરે છે; પરંતુ આ ઔષધિ સગર્ભા સ્ત્રીને અપાતી નથી.

બળદેવપ્રસાદ પનારા