પ્રજ્ઞાપારમિતા : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયની જ્ઞાનદાતા દેવી. બાર પારમિતાઓમાં પણ એનો સમાવેશ થયેલો છે. મહાયાનીઓના બધા ફિરકા તેને જ્ઞાનની દેવી તરીકે પૂજે છે. જોકે કેટલાક તેને બુદ્ધની માતા તરીકે પણ ઓળખાવે છે. પ્રજ્ઞાપારમિતાની પૂજાનો પ્રચાર નાગાર્જુન અને આર્ય અસંગે કર્યો હોવાનું મનાય છે. ભારત બહાર એનો પ્રચાર બીજી સદીથી અને ભારતમાં પાંચમી સદીથી થતો હોવાનું જણાય છે. સાધનમાલા ગ્રંથમાં તેના વર્ણનને લગતા નવ મંત્રો આપેલા છે. કહેવાય છે કે ધ્યાની બુદ્ધની કલ્પના પહેલાં પ્રજ્ઞાપારમિતાના ગ્રંથોની રચના થઈ હતી. તેના ત્રણ ભેદ બતાવાય છે : સિતપ્રજ્ઞાપારમિતા, પીતપ્રજ્ઞાપારમિતા અને કનકપ્રજ્ઞાપારમિતા.
સિતપ્રજ્ઞાપારમિતાનું મૂર્તિવિધાન આ પ્રમાણે છેઃ દેવી એક મુખ, દ્વિભુજ અને શ્વેત વર્ણ ધરાવે છે. સફેદ કમળ પર વજ્રપર્યંકાસનમાં બિરાજેલ હોય છે. જમણા હાથમાં રક્તકમળ અને ડાબા હાથમાં પ્રજ્ઞાપારમિતાનું (પોથીરૂપ) પુસ્તક છે, ચહેરો સુંદર છે અને સુંદર અલંકારોથી દેવી વિભૂષિત છે. મસ્તકે ધ્યાની બુદ્ધ અક્ષોભ્યને ધારણ કરે છે. તેનો ઉદભવ ૐ મંત્રથી થયો હોવાનું મનાય છે.
પીતપ્રજ્ઞાપારમિતાનો વર્ણ પીત છે અને પોતે જટાયુક્ત છે. શરીરે સુંદર અલંકારો ધારણ કર્યાં છે. બંને હાથ વ્યાખ્યાનમુદ્રામાં છે. કમળ ઉપર બેઠેલ છે અને પોતાની ડાબી બાજુ પ્રજ્ઞાપારમિતાનું પુસ્તક છે. મસ્તકે અક્ષોભ્ય ધ્યાની બુદ્ધને ધારણ કરેલ છે. આ દેવીને જ્યારે ચતુર્ભુજ દર્શાવાય છે ત્યારે તેમના ઉપલા હાથમાં પુસ્તક અને અક્ષમાલા હોય છે. નીચેના બંને હાથ ધર્મચક્ર મુદ્રામાં હોય છે.
કનકપારમિતાની પ્રતિમા અને ઉપરોક્ત પીતવર્ણની પ્રતિમા વચ્ચે થોડો તફાવત છે. સામાન્ય રીતે આ દેવી દ્વિભુજ છે અને તે બંને હાથે ધર્મચક્ર મુદ્રા ધારણ કરે છે. બંને બાજુ કમળ ઉપર પ્રજ્ઞાપારમિતાનું પુસ્તક આવેલું છે. આવી એક સુંદર પ્રતિમા ઇન્ડિયન નૅશનલ મ્યુઝિયમમાંથી મળી આવી છે. તેઓ બંને બાજુએ કમળ ઉપર પ્રજ્ઞાપારમિતાનો ગ્રંથ દર્શાવેલ છે.
પ્રજ્ઞાપારમિતાનું મૂર્તિસ્વરૂપ કંબોડિયામાં ઘણું જ લોકપ્રિય છે. અહીં તેનાં બે સ્વરૂપો જોવા મળે છે : 1. એક મુખ અને દ્વિભુજ સ્વરૂપ અને 2. અગિયાર મુખ અને બાવીસ હાથવાળું તાંત્રિક રૂપ. બંને સ્વરૂપો અલંકારથી વિભૂષિત હોય છે. દ્વિભુજમાં જમણા હાથમાં પુસ્તક અને ડાબામાં કમલગુચ્છ હોય છે. તાંત્રિક સ્વરૂપમાં તેના મસ્તક છ અને તેના ઉપર પાંચ મળીને 11 મસ્તક કરવામાં આવે છે. ઉપરના મસ્તકે અમિતાભને ધારણ કરેલ છે. હાથની અગિયાર જોડમાં પુસ્તક અને કમળ ધારણ કરવામાં આવે છે. કેટલીક વાર પ્રજ્ઞાપારમિતાને અવલોકિતેશ્વરના સમુદાયમાં પણ બતાવવામાં આવે છે. જાપાનમાં પ્રજ્ઞાપારમિતાનું સ્વરૂપ યમાન્તક અને ત્રૈલોક્યવિજય સાથે દર્શાવાય છે.
પ્રવીણચંદ્ર પરીખ