પ્રજ્ઞપ્તિદેવી : શ્વેતાંબર જૈન પરંપરામાં વિદ્યાદેવી અને દિગંબર પરંપરામાં ભગવાન સંભવનાથનાં શાસન દેવી યક્ષી. આચાર-દિનકર પ્રમાણે શ્રુતદેવતા પ્રજ્ઞપ્તિને બે હાથ હોય છે જેમાં કમળ અને શક્તિ ધારણ કરેલાં હોય છે. નિર્વાણકલિકા અનુસાર દેવીને ચાર હાથ હોય છે અને એમાં વરદ, શક્તિ, માતુલિંગ અને શક્તિ ધારણ કર્યાં હોય છે. દેવીનો વર્ણ શ્વેત છે અને એમનું વાહન મયૂર છે.

સંભવનાથ પ્રભુના શાસનદેવી તરીકે એમના પરિકરમાં સાવધમુદ્રામાં ઊભેલ કે બેઠેલ સ્વરૂપમાં હોય છે. જ્યાં દેરાસરમાં મૂળનાયક તરીકે સંભવનાથ બિરાજતા હોય ત્યાં અંતરાલના ગવાક્ષમાં પ્રજ્ઞપ્તિની ઉચ્ચમૂર્ત પ્રતિમાની સ્થાપના થયેલી હોય છે. પ્રજ્ઞપ્તિનું મૂર્તિવિધાન શ્રુતદેવતા સરસ્વતીને ઘણું મળતું આવે છે. પ્રજ્ઞપ્તિનું વાહન મયૂર છે. ક્યાંક હંસ પણ બતાવેલ છે. દેવીને છ હાથ હોય છે જેમાં પરશુ, અર્ધચંદ્ર, ફળ, તલવાર, યષ્ટિ (દંડ) અને વરદમુદ્રા ધારણ કરેલ હોય છે. આ યક્ષિણીના પતિ ત્રિમુખ યક્ષ પણ મયૂર પર સવારી કરે છે.

પ્રવીણચંદ્ર પરીખ