પ્રજ્ઞપ્તિ (પન્નત્તિ)

February, 1999

પ્રજ્ઞપ્તિ (પન્નત્તિ) : જૈન આગમ ગ્રંથો. પ્રાકૃત ભાષામાં રચાયેલી (1) જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, (2) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (3) સૂર્યપ્રજ્ઞપ્તિ, (4) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને (5) વિયાહપન્નત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ?) – એ પાંચ રચનાઓનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. પહેલી ચાર રચનાઓને સ્થાનાંગસૂત્ર મુજબ ઉપાંગો ગણવામાં આવી છે, જ્યારે છેલ્લી રચના વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ એ ભગવતીસૂત્ર નામનું અંગ ગણાય છે.

પહેલી રચના જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ(જંબુદ્દીવપન્નત્તિ)માં પહેલા વિભાગમાં ભારતના છ ખંડોની રાજધાનીઓ, પર્વતો, નદીઓ, ગુફાઓ, વિદ્યાધરોનાં નિવાસસ્થાનો, સિદ્ધાયતન વગેરેનાં વર્ણનો છે. બીજા વિભાગમાં હાલનું તથા ઋષભદેવના વિસ્તૃત ચરિત્રનું, ત્રીજા વિભાગમાં ભરત ચક્રવર્તીની વિજયયાત્રાનું, ચોથા વિભાગમાં હિમવંત પર્વતનું, પાંચમા વિભાગમાં જિનજન્માભિષેકનું અને છઠ્ઠા વિભાગમાં જ્યોતિષ્ક દેવ ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો અને તારાઓનું વિશદ વર્ણન છે.

ચંદ્રપ્રજ્ઞપ્તિ (ચંદપન્નત્તિ) વીસ પ્રાભૃતોમાં વહેંચાયેલો ગ્રંથ છે. એનું શીર્ષક સૂચવે છે તે મુજબ, તેમાં ચંદ્રના પરિભ્રમણનું વર્ણન આપ્યું છે. આખો ગ્રંથ ગૌતમ ઇન્દ્રભૂતિ અને મહાવીર વચ્ચે થયેલા સવાલ-જવાબોને રજૂ કરે છે. તેના પર મલયગિરિની ટીકા પણ મળે છે. સ્થાનાંગ-સૂત્ર મુજબ તે અંગબાહ્ય શ્રુતવિદ્યાનો ગ્રંથ છે.

સૂર્યપ્રજ્ઞપ્તિ (સૂરિયપન્નત્તિ) 20 પ્રાભૃતોમાં અને 108 સૂત્રોમાં વહેંચાયેલો ગ્રંથ છે. એમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સમયે પ્રચલિત જૈન ધર્મની માન્યતાઓ તેમાં રજૂ થઈ છે. સૂર્ય એક નથી, બે છે. સૂર્ય ચારેય દિશાઓમાં ઘૂમે છે વગેરે માન્યતાઓ આવી ગણાવી શકાય. આ ગ્રંથમાં સૂર્યના પરિભ્રમણનો માર્ગ, તેનાં ઉદય-અસ્ત, આકાર, ઓજસ્ તથા સૂર્ય અને ચંદ્રથી પ્રકાશતા સમુદ્રો અને દ્વીપો, નક્ષત્રનાં ગોત્ર, સીમા અને વિષ્કંભ, ચંદ્રની વધઘટ, સૂર્ય અને ચંદ્રનું પરિભ્રમણ વગેરે વર્ણવવામાં આવ્યાં છે. એના પર ભદ્રબાહુએ રચેલી નિર્યુક્તિ હાલ ઉપલબ્ધ નથી. આ ગ્રંથ 2,200 જેટલા શ્લોકનું કદ ધરાવે છે.

દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ (દ્દીવસાયરપન્નત્તિ) 280 ગાથાઓની બનેલી રચના છે. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ, તેમાં ભરતખંડનાં પર્વતો, નદીઓ, દ્વીપો અને સાગરોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રચના અપ્રકાશિત રહેલી હોવાથી તે બહુ પ્રચલિત બની શકી નથી.

વિયાહપન્નત્તિ એ સ્થાનાંગસૂત્ર મુજબ ચાર પ્રજ્ઞપ્તિઓમાં સમાવેશ પામતી નથી, કારણ કે તે અંગવિદ્યા છે, ઉપાંગ નથી.

રૂપેન્દ્રકુમાર પગારિયા