પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’ શબ્દ વપરાતો હોવાથી તે યુદ્ધો પ્યુનિક વિગ્રહો કહેવાય છે.
રોમ અને કાર્થેજ વચ્ચે દક્ષિણ ઇટાલી અને મેસિનામાં આવેલાં ગ્રીક સંસ્થાનોમાંથી રોમ અને કાર્થેજે મળીને ગ્રીક લોકોને હાંકી કાઢ્યા. કાર્થેજે તો સિસિલીનો ટાપુ પણ જીતી લીધો, તેથી તે રોમના દક્ષિણ છેડા સુધી પહોંચી ગયું. શરૂઆતમાં રોમ અને કાર્થેજ વચ્ચે થયેલી સંધિ લાંબો સમય ન ટકી. થોડા જ વખતમાં તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને તીવ્ર હરીફાઈ શરૂ થઈ. દરિયાની સાંકડી પટ્ટીની સામ-સામે આવેલાં બે બળવાન રાજ્યો રોમ અને કાર્થેજ વચ્ચે સો કરતાં પણ વધારે વરસો સુધી વિગ્રહો ચાલ્યા.
પ્રથમ પ્યુનિક વિગ્રહ (ઈ. પૂ. 264–241) : રોમે પોતાની સત્તા નીચે ઇટાલીના સમગ્ર પ્રદેશનું અને જાતિઓનું એકીકરણ કર્યા પછી ભૂમધ્ય સમુદ્રના દેશો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ભૂમધ્યને સામે છેડે આફ્રિકામાં કાર્થેજનું નગર હતું. ત્યાં પણ પ્રજાસત્તાક બંધારણ હતું; પરંતુ શાસનતંત્ર ધનવાન વેપારી કુટુંબોના હાથમાં હોઈ, ત્યાં ઉમરાવશાહી હતી. ઇટાલીના કેટલાક સાહસિકોએ સિસિલીમાં આવેલા મેસિનામાં સંસ્થાન સ્થાપ્યું હતું. ઈ. પૂ. 265માં મેસિના પર સિરાક્યુઝ નગરના રાજવી હીરોએ આક્રમણ કર્યું. ત્યારે મેસિનાવાસીઓના એક પક્ષે કાર્થેજને મદદ કરવા વિનંતી કરી અને બીજા પક્ષે રોમને મદદ કરવા જણાવ્યું. બીજા પક્ષની વાત સ્વીકારવામાં આવતાં રોમે લશ્કર મોકલ્યું અને મેસિનાનો કબજો લીધો.
આ બનાવ પછી રોમની સેનેટે નૌકા-કાફલો અદ્યતન બનાવી કાર્થેજ પર આક્રમણની તૈયારી કરી. બીજી બાજુ કાર્થેજના સેનાપતિ હેમિલ્કારે વીજળીવેગે વિજયો મેળવી રોમનો સામનો કરવાની તૈયારી કરી; પરંતુ ઈ. પૂ. 241માં રોમે કાર્થેજના નૌકા-કાફલાનો સંપૂર્ણ નાશ કર્યો. આ યુદ્ધ પછી રોમ અને કાર્થેજ વચ્ચે સંધિ થઈ.
દ્વિતીય પ્યુનિક વિગ્રહ (ઈ. પૂ. 218–201) : બે વિગ્રહ વચ્ચેના સમયગાળામાં કાર્થેજના હેનિબાલે પોતાની સત્તા ઉત્તર સ્પેનમાં છેક એબ્રો નદી સુધી વિસ્તારી; ત્યારે રોમનોને ભય લાગવા માંડ્યો. ઈ. પૂ. 219માં પૂરતી તૈયારીઓ કર્યા પછી હેનિબાલે, અગાઉની સંધિનો ભંગ કરી સેગન્ટમ પર હલ્લો કર્યો. સેગન્ટમવાસીઓએ રોમની મદદ માગી. તે વખતે રોમનું લશ્કર ઇલિરિયામાં રોકાયેલું હતું તેથી સમય મેળવવા રોમે પોતાના પ્રતિનિધિઓને હેનિબાલ પાસે મોકલ્યા; પરંતુ હેનિબાલે મળવાની ના પાડી. આ બનાવ પછી રોમે કાર્થેજ સામે યુદ્ધની તૈયારી કરી. પોતાના 90 હજાર સૈનિકો, 20 હજાર ઘોડેસવાર અને 29 હાથી સાથે હેનિબાલે કાર્થેજથી ઇટાલી તરફ કૂચ આરંભી. તેણે પિરીનીઝ પર્વતમાળા ઓળંગી રહાઇન નદી પાસેથી આલ્પ્સ ઓળંગ્યો. હેનિબાલનું આ સાહસ પ્રાચીન વિશ્વના યુદ્ધોના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના હતી.
હેનિબાલનું સૈન્ય ઇટાલીની ધરતી પર ઊતર્યું ત્યારે રોમ પર જાણે વીજળી તૂટી પડી. તેના લશ્કરના અસંખ્ય સૈનિકો માર્ગમાં મૃત્યુ પામ્યા. રોમ અને મિત્રરાજ્યોનું લશ્કર 70 હજાર કરતાં વધુ સૈનિકોનું બનેલું હતું.
હેનિબાલે કેનીના યુદ્ધમાં રોમન લશ્કરને હરાવ્યું, પછી પોતાની વિજયકૂચ આગળ વધારી. અંતે ઝામાના મેદાનમાં રોમન સેનાપતિ સિપિયોએ હેનિબાલના લશ્કરને હરાવ્યું અને તેને સંધિ કરવા ફરજ પાડી.
તૃતીય પ્યુનિક વિગ્રહ (ઈ. પૂ. 149–146) : બીજા પ્યુનિક વિગ્રહને અંતે રોમે કાર્થેજ પર આકરી શરતો લાદી. ઈ. પૂ. 183માં હેનિબાલનું અવસાન થતાં રોમનો એક શક્તિશાળી દુશ્મન ઓછો થયો. આ દરમ્યાન કાર્થેજે ન્યુમિડિયા પર હુમલો કર્યો, તેથી સંધિનો ભંગ કર્યો છે એ બહાને રોમે કાર્થેજ સામે યુદ્ધ જાહેર કર્યું.
ઈ. પૂ. 149માં કાર્થેજનો ઘેરો શરૂ થયો. કાર્થેજવાસીઓએ બહાદુરીથી રક્ષણ કર્યું. આખરે ઈ. પૂ. 147માં સિપિયો કુટુંબના બહાદુર યુવાનને કૉન્સલ બનાવી, કાર્થેજને નમાવવા વિશાળ સૈન્ય સાથે મોકલવામાં આવ્યો.
કાર્થેજવાસીઓ વીરતાપૂર્વક લડ્યા. આખરે રોમન સેનાપતિએ કાર્થેજનાં તમામ મકાનો બાળી નાખવાનો હુકમ કર્યો ત્યારે કાર્થેજવાસીઓ શરણે આવ્યા.
રોમના લશ્કરે કાર્થેજનો નાશ કર્યો. કાર્થેજનો પ્રદેશ રોમના સામ્રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યો.
આ રીતે રોમ, પશ્ચિમી ભૂમધ્યની મહારાણી બન્યું. ઇટાલીમાં પણ રોમની સત્તા છેક ઉત્તર આલ્પ્સની તળેટી સુધી સ્થપાઈ ગઈ હતી.
પ્યુનિક વિગ્રહો પછી પશ્ચિમ તથા પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં રોમનું આધિપત્ય સ્થપાયું. પશ્ચિમ-ભૂમધ્ય સમુદ્રના પ્રદેશો રોમને મળ્યા તથા કાર્થેજનો નાશ થતાં સિસિલી, સાર્ડિનિયા, સ્પેન અને છેલ્લે આફ્રિકાની ધરતી પર પણ રોમની સત્તા સ્થપાઈ. આ વિસ્તાર પાછળથી રોમન સંસ્કૃતિની અસર નીચે આવ્યો હતો.
ગુણવંતરાય દેસાઈ