પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર, માયા દાસ, મહેમૂદ.

દિગ્દર્શક ગુરુદત્તે પોતાનાં અગાઉનાં ચિત્રો કરતાં જુદી જ શૈલી અને ટેકનિકનો ઉપયોગ કરીને આ ચિત્રમાં સમાજના દંભને બેનકાબ કર્યો છે. દેશની સ્થિતિ અને એક કવિની નિષ્ફળતાને કલાત્મક રીતે કાવ્યાત્મક રીતે રજૂ કરતું આ ચિત્ર કાલજયી ચલચિત્રોમાં સ્થાન ધરાવે છે. આટલાં વર્ષો પછી પણ તેનું કથાવસ્તુ એટલું જ પ્રસ્તુત છે, બલકે વધુ અર્થપૂર્ણ બન્યું છે. આ ચિત્રની મોટામાં મોટી સફળતા એ છે કે ગંભીર કહી શકાય તેવું કથાવસ્તુ અને કળાત્મક માવજત હોવા છતાં પ્રેક્ષકોના તમામ વર્ગોમાં તે સ્વીકૃત બન્યું છે. ‘પ્રેમ અને કીર્તિ માટેની માણસની શાશ્વત પ્યાસ’  રજૂ કરતા આ ચિત્રમાં સમાજ જ્યારે એક કલાકારની ઉપેક્ષા કરે છે ત્યારે તે કેવી પીડા અને વેદના અનુભવે છે તે દિગ્દર્શકે કવિ વિજયના પાત્ર દ્વારા અસરકારક રીતે નિરૂપ્યું છે.

‘પ્યાસા’માં ગુરુદત્ત

કવિ વિજય હતાશ અને માયૂસ છે. તેની પ્રતિભાને કોઈ ઓળખી શકતું નથી. તે ફૂટપાથ પર રહેવા માંડે છે. એક નર્તકી ગુલાબ તેના પ્રેમમાં પડે છે. કવિની પ્રતિભાને પણ તે જ ઓળખી શકે છે. કવિની કૉલેજકાળની પ્રેમિકા મીના એક તુંડમિજાજી પ્રકાશક સાથે લગ્ન કરે છે. કવિ મૃત્યુ પામી ગયો હોવાનું ભૂલથી માનીને તેનાં કાવ્યોનો સંગ્રહ પ્રગટ કરવામાં આવે છે, જે ખૂબ વેચાય છે. પહેલાં કવિને ધિક્કારનારા, હડધૂત કરનારા તેને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થાય છે. ગુરુદત્તની કલ્પનાશીલતાએ આ ચિત્રને ચિરંજીવ બનાવ્યું છે. ‘આજ સજન મોહે અંગ લગા લો’, ‘જાને ક્યા તૂ ને કહી’, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ’, ‘જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈં’, ‘જાને વો કૈસે લોગ થે જિન કે પ્યાર કો પ્યાર મિલા’ વગેરે ગીતો અને સંગીત ચિત્રનાં પાત્રો અને પ્રસંગોને ઉપસાવવામાં સહાયક બને છે.

હરસુખ થાનકી