પોલો, માર્કો (. 15 સપ્ટેમ્બર 1254, વેનિસ, ઇટાલી; . 8 જાન્યુઆરી 1324, વેનિસ) : ઇટાલીના વેનિસનો વેપારી, વિશ્ર્વપ્રવાસી તથા સંશોધક, જેનો એશિયાના પ્રવાસવર્ણનનો ગ્રંથ પ્રમાણભૂત માહિતી-સ્રોત મનાતો. પોલો કુટુંબ મધ્યપૂર્વ સાથે વેપાર કરીને સમૃદ્ધ બન્યું હતું. માર્કોના પિતા નિકોલો અને કાકા મેફિયો વેપારી તરીકે 1260-69 દરમિયાન ચીન ગયા હતા. ત્યાંથી પાછા આવીને વેનિસથી ફરી વાર 1271માં તેઓ ચીન ગયા ત્યારે 17 વર્ષનો માર્કો પણ તેમની સાથે ગયો હતો. મધ્ય એશિયામાં થઈને તેઓ 1275માં ચીનના મંગોલ સમ્રાટ કુબ્લાઇખાનના ઉનાળાના પાટનગર શાન્ગદુ પહોંચ્યા. ત્યાં માર્કો કુબ્લાઇખાનનો માનીતો બન્યો અને કેટલાંક વરસ તે રાજ્યની સેવામાં રહ્યો. તે ચીનમાં 17 વર્ષ રહ્યો, તે દરમિયાન તેણે તિબેટ, મ્યાનમાર (બર્મા), લાઓસ, જાવા, જપાન અને સાઇબીરિયાનો પ્રવાસ કર્યો. ખાનની પરવાનગી લઈને, પુષ્કળ સંપત્તિ સાથે 1292માં તે સ્વદેશ જવા નીકળ્યો. પૂર્વના દેશોનો સાહસિક પ્રવાસ કરીને તથા અદ્ભુત અનુભવ લઈને 24 વરસે, 1295માં તે વેનિસ પહોંચ્યો ત્યારે તેનાં સગાંસંબંધીઓએ પણ તેને ઓળખ્યો નહિ. પૂર્વના દેશોનાં લાખોની વસ્તીવાળાં શહેરો તથા હીરા, માણેક, કીમતી ઝવેરાતની વાતો માનવા ત્યાંના લોકો તૈયાર નહોતા. માર્કોએ તેના પ્રવાસના અનુભવો 1299માં એક જાણીતા લેખકને લખાવ્યા; જેની ‘ધ ટ્રાવેલ્સ ઑવ્ માર્કો પોલો’ શીર્ષક હેઠળ ફ્રેન્ચ ભાષામાં અનૂદિત હસ્તપ્રત પૅરિસના નૅશનલ મ્યૂઝિયમમાં મોજૂદ છે. તેમાંનાં વર્ણનોને યુરોપના લોકો ઘણાં વરસો સુધી સ્વીકારતા નહોતા. ચીન જઈ આવેલા અન્ય પ્રવાસીઓના હેવાલો સાથે માર્કો પોલોનાં વર્ણનો સરખાવ્યા બાદ તેઓ તેને પ્રમાણભૂત માનવા લાગ્યા. તે ગ્રંથોમાંથી યુરોપના લોકોને દૂર પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પ્રેરણા મળી હતી અને ક્રિસ્ટૉફર કોલમ્બસ જેવા સંશોધકોને સાહસ ખેડવાનું પ્રોત્સાહન મળ્યું હતું.

માર્કો પોલો

જયકુમાર ર. શુક્લ