પોલ્લાચી : તમિળનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લાનું એક નગર. ભૌગોલિક સ્થાન : 10o 40′ ઉ. અ. અને 77o 01′ પૂ. રે. તે કોઇમ્બતુરથી આશરે 40 કિમી.ને અંતરે અગ્નિ દિશામાં પેરામ્બિકુલમ્ જતા માર્ગ પર આવેલું છે. જિલ્લાનું તે ઘણું અગત્યનું વ્યાપારી મથક છે, પ્રવાસનું કેન્દ્ર છે તથા મહત્ત્વની દૃષ્ટિએ કોઇમ્બતુર પછી બીજા ક્રમે આવે છે. અહીંનાં મરિયમ્મન અને સુબ્રહ્મણ્યમ્નાં મંદિરો જોવાલાયક છે. તે ઈશ્વરસમર્પિત છે. સુબ્રહ્મણ્યમ્ના મંદિરમાંના પાષાણો પર કંડારાયેલાં પાંચ ફેણવાળા નાગનાં તથા રાશિ-નક્ષત્રોનાં શિલ્પો બેનમૂન ગણાય છે. 2011માં આ શહેરની વસ્તી 90,180 જેટલી હતી.

ગિરીશભાઈ પંડ્યા