પોલિબિયસ (જ. ઈ. સ. પૂ. 2૦૦, મૅગાલોપોલીસ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 118) : પ્રાચીન ગ્રીસનો પ્રખ્યાત ઇતિહાસકાર. તેનો સમય ગ્રીસ પરનાં રોમનાં આક્રમણોનો સમય હતો. તેણે રોમ સામે ત્રીજા મેસિડોનિયન યુદ્ધમાં (ઈ. સ. પૂ. 1681-66) ભાગ લીધો હતો. આ યુદ્ધમાં ગ્રીકોનો પરાજય થતાં યુદ્ધકેદી તરીકે તેને રોમ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં રોમના જાહેર જીવનમાં વગદાર એવા સિપીઓ કુટુંબ સાથે તેને મૈત્રીસંબંધ સ્થપાયો. આ સંબંધને કારણે અન્ય કેદીઓને જ્યારે રોમન સામ્રાજ્યનાં જુદાં જુદાં નગરોમાં મોકલી દેવામાં આવ્યા ત્યારે પોલિબિયસને 16 વર્ષ સુધી રોમમાં રહેવાની તક મળી. આ સમય રોમમાં પ્રજાતંત્રનો સુવર્ણયુગ હતો. રોમની રાજકીય સિદ્ધિઓ તથા તેની જાહેર સંસ્થાઓની કામગીરીને નજીકથી જોવાની તેને તક મળી. રોમનો પ્રતિસ્પર્ધી હોવા છતાં તેણે રોમન સંસ્કૃતિનું તટસ્થતાપૂર્વક અવલોકન કર્યું. રોમન સામ્રાજ્યની એકતા અને સંગઠન, તેની સેનેટની કુલીન પરંપરા, તેના કાયદાની ભવ્યતા વગેરેથી તે પ્રભાવિત થયો. તેણે ઇતિહાસના 4૦ જેટલા ગ્રંથો લખ્યા છે. તેમાંથી 5 તેના મૂળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જ્યારે અન્ય કેટલીક રચનાઓના ઉતારા તેના અનુગામી ગ્રીક લેખકોની કૃતિઓમાંથી મળી આવે છે. તે ભેગા કરીને પ્રગટ કરવામાં આવ્યા છે. તેણે લખેલો ઇતિહાસ મહદ્અંશે સમકાલીન છે. તે ઈ. સ. પૂ. 221થી ઈ. સ. પૂ. 146 સુધીનો સમયગાળો આવરી લે છે. તેના લખાણ પર થુસીડાઇડિસ અને એરિસ્ટોટલની અસર વર્તાય છે. તે વર્ણનાત્મક્ધો બદલે વિશ્લેષણાત્મક તથા બોધાત્મક ઇતિહાસલેખનનો આગ્રહી હતો. ઇતિહાસની સ્થાનિક અને છૂટક ઘટનાઓનું વર્ણન કરવાને બદલે તે સાર્વત્રિક અને સંકલિત ઇતિહાસલેખનનો આગ્રહી હતો. તેણે પોતાનાં લખાણોમાં રોમની ભવ્યતા અને ગ્રીકો કરતાં ચડિયાતી વ્યવસ્થાપનશક્તિઓની પ્રશંસા કરી છે. આ કારણે તે પોતાના ગ્રીક બંધુઓમાં અપ્રિય પણ બન્યો હતો. અલબત્ત, ચિંતન, શિક્ષણ અને ગહનતાની દૃષ્ટિએ ગ્રીકોની મહાનતાનો તેણે સ્વીકાર કર્યો હતો. તેનાં લખાણોમાં વિવેચકોને ભાષા, શૈલી તથા અભિવ્યક્તિની નિર્બળતાનાં દર્શન થાય છે. આમ છતાં તેના અનુગામી ઇતિહાસલેખકો પર તેનો વ્યાપક પ્રભાવ પડ્યો હતો તે બાબત ઉલ્લેખનીય છે.

તેણે ભૂમધ્ય સમુદ્રના દેશોનો વિસ્તૃત પ્રવાસ કર્યો હતો. તેને રાજકીય અને લશ્કરી બાબતોનો ઘણો અનુભવ હતો. તેણે તત્કાલીન ગ્રીક અને રોમન લેખકોના ગ્રંથોનો તેમજ ઘણા દસ્તાવેજોનો અભ્યાસ કર્યો હતો. તે મૌખિક માહિતીને મહત્ત્વ આપતો અને પ્રશ્નો પૂછીને વિગતો કઢાવવાનું પસંદ કરતો હતો.

રોહિત પ્ર. પંડ્યા