પૉલિપોરેલ્સ : ફૂગના બૅસિડિમાયસેટિસ વર્ગનું એક ગોત્ર. આ ગોત્રનાં સ્વરૂપો અસંખ્ય છિદ્રો ધરાવતાં હોઈ તેમને બહુછિદ્રિષ્ઠ (polyporous) કહે છે. તેનું પ્રકણીફળ (basidiocarp) અનાવૃત હોય છે. તેના પર એકકોષી મગદળ આકારના પૂર્ણ પ્રકણીધર (holobasidia) ઉત્પન્ન થાય છે અને એક સ્પષ્ટ સ્તર બનાવે છે. તેને ફળાઉ સ્તર (humenium) કહે છે. આ ફળાઉ સ્તર ખુલ્લું હોય છે અને પ્રકણીબીજાણુઓ(basidiospore)ની અપરિપક્વ અવસ્થાએ પણ તે આવરણ (veil) દ્વારા આવૃત થતું નથી. તે એકપાર્શ્વ (unilateral) કે ઉભયજન્ય (amphigenous) હોય છે. તેની સપાટી લીસી, ખરબચડી, દંતુર કે કંટકમય, છિદ્રિષ્ઠ કે ભાગ્યે જ પટલમય (lamellate) હોય છે. પ્રકણીફળો મગદળાકાર (clavate), વૃક્ષાકાર (dendroid) કે છત્રાકાર (pileate) હોય છે. તે અદંડી અથવા વૃંતી (stipate) હોય છે. આ વૃંત પાર્શ્વીય, બહિર્કેન્દ્રી કે મધ્યમાં હોય છે. તે સામાન્ય રીતે પત્રિત (papery), ચર્મિલ (leathery), ત્વક્ષીય (corky), કાષ્ઠમય કે મૃદુ હોય છે. છિદ્રો આકારે ગોળ, બહુકોણીય ડૅડેલોઇડ (daedaloid, અવિકસિત ઝાલરો અને  છિદ્રોની વચગાળાની રચના) કે પટલમય હોય છે. પ્રકણીફળ ઘેરાં લાલ, સફેદ, બદામી, કાટ જેવાં બદામી, પીળાશ પડતાં બદામી, કાળાં અથવા જુદા જુદા રંગની ઝાંય ધરાવે છે. તેની સપાટી લીસી, ચળકતી (laccate) રોમિલ કે મખમલી હોય છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે.

પૉલિપોરેલ્સ : (1) પ્રકણીફળ, (2) ફળાઉ સ્તર, (3) કાષ્ઠ પર પૉલિપોરસ, (4) ફળાઉ સ્તર, છિદ્રો, કવકસૂત્રો, પ્રકણીબીજાણુઓ

આ ગોત્રની ફૂગ વૃક્ષના જીવતા કે મૃત શુષ્ક થડ પર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ઇમારતી લાકડાને ભારે નુકસાન પહોંચાડે છે. વૃક્ષ નિર્જીવ બનતાં તે મૃતોપજીવન ગુજારે છે અને બદામી કાષ્ઠનો સડો (brown wood rot) ફેલાવે છે. રોગિષ્ઠ કાષ્ઠમાંથી રાખ જેવો પદાર્થ નીકળે છે; જેમાં અસંખ્ય પ્રકણીબીજાણુઓ હોય છે.

આ ગોત્રને થેલેફોરેસી, ક્લેવેરિયેસી, કૅન્થેરેલેસી, હીડ્નેસી, મીરુલિયેસી અને પૉલિપોરેસી  એમ છ કુળોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તે પૈકી પૉલિપોરેસી કુળ વધારે વિકસિત અને આર્થિક રીતે હાનિકર્તા ફૂગનું બનેલું છે. આ કુળ Poria, Fomes, Ganoderma, Daedalea, Fistulina, Hexogonia અને Polyporus નામની અગત્યની પ્રજાતિઓ ધરાવે છે. ભારતમાં Polyporus agariceus Berk; P. betulinus Fr.; P. circinatus Fr.; P. cubensis Mont; P. gilvus (schw) Fr. થાય છે. P. gilvus સાલ, બાવળ, સીસમ જેવાં ઉપયોગી વૃક્ષો પર થાય છે. તે હિમાલયમાં ઓક (Quercus sp) જેવાં કઠણ કાષ્ઠવાળાં વૃક્ષો પર મૃતોપજીવન ગુજારે છે અને સફેદ સડો લાગુ પાડે છે. આવાં વૃક્ષના ઇમારતી લાકડાને Ganoderma lucidum અથવા G. applanatum સાથે સંયુક્ત રીતે વિકાસ પામી ખૂબ નુકસાન પહોંચાડે છે. તેના પ્રકણીફળનો ઉપયોગ ધૂપ બનાવવામાં કે બળતણ અથવા ખાવા માટે થાય છે.

જૈમિન વિ. જોશી