પોલાની, માઇકલ (જ. 12 માર્ચ 1891, બુડાપેસ્ટ, હાલનું હંગેરી અને જૂનું ઑસ્ટ્રિયા–હંગેરી; અ. 22 ફેબ્રુઆરી 1976, લંડન) : હંગેરીના જાણીતા વિજ્ઞાની અને વિચારક. મૂળે વિજ્ઞાનના અઠંગ અભ્યાસી હોવાથી બુડાપેસ્ટ યુનિવર્સિટીમાં રસાયણવિજ્ઞાન, ઉષ્માયાંત્રિકી, ભૌતિક અધિશોષણ, એક્સ-કિરણો, સ્ફટિકવિજ્ઞાન અને તંતુકી વિજ્ઞાન – એમ ઘણાં ક્ષેત્રોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો.
192૦માં બર્લિનની કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટમાં અને ત્યારપછી 1923માં હેબર ઇન્સ્ટિટ્યૂટ ઑવ ફિઝિકલ ઍન્ડ ઇલેક્ટ્રો-કેમિસ્ટ્રીમાં તથા 1933માં માંચેસ્ટર યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યમાં જોડાયા.
194૦ના દસકા દરમિયાન તેમના રસનાં ક્ષેત્રો નોંધપાત્ર રીતે બદલાયાં. 1933માં કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક યહૂદી વૈજ્ઞાનિકની બરતરફીના મુદ્દે ભારે વિવાદ ઊભો થતાં ત્યાંથી રાજીનામું આપ્યું અને માંચેસ્ટર યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. આ સમય દરમિયાન આ સંવેદનશીલ વૈજ્ઞાનિકે સામાજિક-રાજકીય વિચારધારાઓ અંગે ચિંતન કર્યું, જેને પરિણામે તેમનાં રસનાં ક્ષેત્રોમાં પરિવર્તન આવ્યું. તેમણે વ્યક્તિસ્વાતંત્ર્ય અંગે તેમજ કેંદ્રીય આયોજન વચ્ચેના સંઘર્ષમાંથી સર્જાતી સમસ્યાઓ તરફ વિશેષ ધ્યાન આપ્યું. 1948માં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં સમાજવિદ્યાઓના અભ્યાસને લગતા હોદ્દા પર તેમની નિમણૂક થઈ. જ્ઞાન, કૌશલ્ય અને વિવિધ શોધખોળોના સ્વરૂપ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત તેમણે ‘સોસાયટી ફૉર ફ્રીડમ’ દ્વારા વ્યક્તિસ્વાતંત્ર્યના હેતુની પરિપૂર્તિ કરવા તરફ પણ ધ્યાન આપ્યું. 1958થી 1976 દરમિયાન તેઓ ઑક્સફર્ડ ખાતે અધ્યાપનકાર્યમાં વ્યસ્ત રહ્યા. તેમણે ત્યાંથી ચિંતન-વિષયક લેખો લખવાનું કામ જારી રાખ્યું. અલબત્ત, વૈચારિક વર્તુળોમાં તેમનાં લખાણો ઘણાં ચર્ચાસ્પદ ને શંકાસ્પદ રહ્યાં.
‘પર્સનલ નૉલેજ’ (1958); ‘નૉલેજ ઍન્ડ બીઇંગ’ (1969) અને ‘સાયન્ટિફિક થૉટ ઍન્ડ સોશિયલ રિયાલિટી’ (1974) – આ ત્રણ તેમનાં નોંધપાત્ર પ્રકાશનો છે.
રક્ષા મ. વ્યાસ