પોર્ફાયરિનતા (porphyria) : પોર્ફાયરિન નામના શરીરમાંના રસાયણના ઉત્પાદનમાં ઉદ્ભવતી ક્ષતિને કારણે થતા વારસાગત વિકારો. તેમનું પ્રમાણ ઘણું જૂજ છે. તેમાં મુખ્યત્વે ચેતાતંત્ર તથા ચામડીમાં વિવિધ વિકારો ઉદ્ભવે છે. ડેલ્ટા-ઍમિનો લિવુલિનિક ઍસિડ (ALA) અને પોર્ફોબિલિનોજન (PBG) નામના રાસાયણિક અણુઓ પોર્ફોયરિનના અણુની બનાવટમાં વપરાતા ઘટકો છે. તેથી તેમને પોર્ફાયરિનના પૂર્વાણુ(precursors)ઓ કહે છે. પોર્ફાયરિનતા થવાનું મુખ્ય કારણ પોર્ફાયરિન નામના રસાયણનું કે તેના પૂર્વાણુઓનું વધુ પડતું ઉત્પાદન છે.
જૈવરસાયણવિદ્યા : લોહીના રક્તકોષોમાં હીમોગ્લોબિન અથવા રક્તવર્ણક નામનો એક લોહના પરમાણુ ધરાવતો રંગકણ (pigment) હોય છે. તે ઑક્સિજનનું વહન કરે છે. રક્તવર્ણક(haemoglobin)માં બે ઘટકો આવેલા છે : રક્તિલ (haem) અને ગ્લોબિન નામના પ્રોટીનની શૃંખલાઓ. રક્તિલમાં લોહનો પરમાણુ આવેલો છે. રક્તિલ એક પ્રકારનું પોર્ફાયરિન જૂથનું રસાયણ છે. જેને પોર્ફાયરિન-લોહસંકુલ અથવા ધાતુમય પોર્ફાયરિન (metalloporphyrin) કહે છે. માનવમાં ગ્લાયસિન અને સક્સિનાયલ-કો-એન્ઝાયમ-એ નામનાં રસાયણોમાંથી, વિવિધ વિશિષ્ટ ઉત્સેચકોની મદદથી અને શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાને અંતે, રક્તિલનો અણુ બને છે. આ બંને રસાયણોને સૌપ્રથમ કોષમાં આવેલા કણાભસૂત્રો(mitochondria)ના ઉત્સેચકોની મદદથી સંયોજીને ડેલ્ટા-ALA બનાવાય છે. ડેલ્ટા-ALAના બે અણુઓને જોડીને PBG બનાવાય છે. આ પ્રક્રિયા માટેનો ઉત્સેચક (enzyme) કોષપ્રરસ(cytoplasm)માં આવેલો છે. PBGના 4 અણુઓમાંથી ક્રમશ: યુરોપોર્ફાયરિન III અને અંતે પ્રોટોપોર્ફાયરિન-IX બને છે. પ્રોટોપોર્ફાયરિન IXમાં લોહના ફેરસ આયનનો સમાવેશ થાય ત્યારે રક્તિલનો અણુ બને છે. 4 રક્તિલના અણુને ગ્લોબિનની 4 શૃંખલાઓ સાથે જોડીને હિમોગ્લોબિન(રક્તવર્ણક)નો એક અણુ બનાવાય છે. હિમોગ્લોબિન ઉપરાંત કોષોમાંના અન્ય રસાયણો બનાવવામાં પણ રક્તિલનો ઉપયોગ થાય છે. કોષોમાં આવેલા કણાભસૂત્રોમાં કોષવર્ણકો (cytochromes) નામનાં રસાયણો આવેલાં છે. જે કોષોના ‘શ્વસન’ માટે ઉપયોગી કહેવાય એવા ઉત્સેચકો સાથે સંકળાયેલા હોય છે. તેમને કણાભસૂત્રીય કોષવર્ણકો (mitochondrial cytochromes) કહે છે. આ ઉપરાંત રક્તિલ સાથે સંયોજાતાં અનેક બીજાં પ્રોટીન દ્રવ્યો પણ હોય છે. જુદી જુદી પેશીની જરૂરિયાત પ્રમાણે તેમાં જુદા જુદા પ્રકારના રક્તિલ સાથેના રાસાયણિક અણુઓ બનતા હોય છે. રક્તિલનું મુખ્ય ઉત્પાદન (સંશ્લેષણ, synthesis) યકૃત(કલેજુ)માં કે અસ્થિમજ્જા (bone marrow) નામના હાડકાંના પોલાણમાં આવેલી માવા જેવી પેશીમાં થાય છે. અસ્થિમજ્જામાં હીમોગ્લોબિન બને છે. જ્યારે P-45૦ની સંજ્ઞાથી ઓળખાતા-રક્તિલ-પ્રોટીનોનો સમૂહ (કણાભસૂત્રીય કોષવર્ણકો) યકૃતમાં બને છે.
પોર્ફાયરિનતાના વિકારોનું વર્ગીકરણ : પોર્ફાયરિનતાને 3 જુદી જુદી રીતે વર્ગીકૃત કરાય છે : (1) તેમના વિકારની ઉગ્રતાને આધારે, (2) રાસાયણિક વિકારના સ્થળ પ્રમાણે તથા (3) ચોક્કસ પ્રકારના ઉત્સેચકની ઊણપ કે ક્ષતિને આધારે. નીચેની સારણીમાં તેમનું વર્ગીકરણ દર્શાવેલું છે.
વિશ્વમાં તેનું વસ્તીપ્રમાણ (prevalence) જુદે જુદે સ્થળે જુદું જુદું છે. ભારતમાં તેનું કેટલું પ્રમાણ છે તે જાણમાં નથી, પરંતુ સ્કૉટલૅન્ડમાં ઉગ્ર સમયાંતરિત પોર્ફાયરિનતાનું પ્રમાણ દર 5૦,૦૦૦ની વસ્તીએ એકનું છે. વિવિધરૂપી પોર્ફાયરિનતાનું પ્રમાણ દક્ષિણ આફ્રિકામાં દર 1૦૦૦ની વસ્તીએ 1નું હોવાનું નોંધાયેલું છે.
પોર્ફાયરિનતાના વિકારોનું વર્ગીકરણ
જૂથ | ઉદાહરણ | ||
1. | ઉગ્ર (acute)
પોર્ફાયરિનતા (AP) |
(અ) | ઉગ્ર સમયાંતરિત પોર્ફાયરિનતા (acute intermittent porphyria AIP) |
(આ) | વિવિધરૂપી (variegate) પોર્ફાયરિનતા (VP) | ||
(ઇ) | વારસાગત કોપ્રોપોર્ફાયરિનતા (HC) | ||
2. | અનુગ્ર (non-acute)
પોર્ફાયરિનતા (NAP) |
(અ) | ત્વક્-યકૃતીય (cutaneous, hepatic) પોર્ફાયરિનતા (CHP) |
(આ) | રક્તકોષપ્રસર્જીય (erythro poietic) પોર્ફાયરિનતા | ||
(ક) જન્મજાત પોર્ફાયરિનતા (CEP) | |||
(ખ) રક્તકોષપ્રસર્જીય પ્રોટોપોર્ફાયરિનતા (EPP) |
(1) ઉગ્ર પોર્ફાયરિનતા (AP) : તે બધા વારસાગત વિકારો છે અને તે દેહસૂત્રીય પ્રભાવી વારસાપ્રણાલી (autosomal dominant inheritance) દ્વારા દરેક પેઢીમાં ઊતરી આવે છે. સામાન્ય રીતે વિકારના ઉગ્ર અથવા ટૂંકા સમયના હુમલા થાય છે, જે આપોઆપ શમે છે. પરંતુ AIPમાં ક્યારેક મૃત્યુ પણ નીપજે છે. બધા જ AP વિકારોમાં પેટમાં દુખાવો અને મનશ્ર્ચેતાકીય (neuropsychiatric) તકલીફો ઉદ્ભવે છે. ચેતાતંત્રની તેમજ માનસિક એમ બંને પ્રકારની તકલીફો થાય છે તેને મનશ્ચેતાકીય તકલીફો કહે છે. VP અને HCમાં પ્રકાશને કારણે પણ વિકાર થાય છે. તેને પ્રકાશ-અતિસંવેદિત (photosensitivity) કહે છે. કોઈવાર કેટલીક દવાઓ આ રોગના હુમલાની શરૂઆત કરે છે. ખાસ કરીને જે દવાઓ યકૃતના કોષોની સૂક્ષ્મકાય નામની અંગિકાઓમાં ઉત્સેચકોનું ઉત્તેજન કરતી હોય તેમાં તે વધુ જોવા મળે છે. દારૂ તથા લૈંગિક અંત:સ્રાવો પણ વિકારનો હુમલો આણે છે. હુમલો લાવતી મુખ્ય દવાઓમાં ક્લોરડાયાઝેપોક્સાઇડ, બાર્બિચ્યુરેટ્સ, સલ્ફોનેમાઇડ્સ, હેલોથેન, ક્લોરેમ્ફેનિકોલ, એરિથ્રોમાયસિન, મિથાયલડોપા, ટેટ્રાસાઇક્લિન્સ, હાઇડ્રેલેઝિન, ડાયફિનાયલ હાઇડેન્ટોઇન, સલ્ફોનિલયુરિયા, રિફામ્પીસીન, ડેપ્સોન, ક્લોનિડિન, વિવિધ બિનસ્ટિરોઇડી પ્રતિશોથ-પીડાશામકો (non-steroidal anti-inflammatory analgesics, NSAIDs) આઇસોનિયાઝિડ, મેક્રોલાઇડ્ઝ અને મેટોક્લોપ્રેમાઇડનો સમાવેશ થાય છે. વિકારના હુમલા સમયે ALA અને PBGનું ઉત્પાદન વધે છે અને તેથી તેમનું પેશાબમાં પ્રમાણ પણ વધે છે.
(1-અ) ઉગ્ર સમયાંતરિત પોર્ફાયરિનતા (AIP) : તે સૌથી તીવ્ર પ્રકારનો AP છે. તેમાં યુરોપોર્ફાયરિનોજન-I-સિન્થટેઝ નામના ઉત્સેચકની ઊણપ હોય છે. તે પુખ્ત સ્ત્રીઓમાં પુરુષો કરતાં 3:2ના દરે વધુ જોવા મળે છે. જે કુટુંબમાં આ વિકાર જોવા મળે તેમાં અનેક બીજા સભ્યોમાં તે તકલીફો ન પણ કરતો હોય. તેઓમાં તે લક્ષણરહિત નિષ્ક્રિય વિકાર(latent disorder)ના તબક્કામાં હોય છે. દવાઓ, દારૂ, ચેપ, સગર્ભાવસ્થા કે ઋતુસ્રાવના સમયે હુમલા થઈ આવે છે. 95 % દર્દીઓને પેટના વચલા ભાગમાં ચૂંક આવે છે અને તે સ્થળે દબાવવાથી દુખે છે (સ્પર્શવેદના). વારંવાર ખૂબ ઊલટી થાય છે. તેથી વિદ્યુતવિભંજ આયનો(દા.ત., સોડિયમ, પોટૅશિયમ વગેરે)નું સંતુલન બદલાઈ જાય છે. મોટેભાગે કબજિયાત અને સ્નાયુઓનો દુખાવો પણ થતો હોય છે. સ્નાયુઓમાંના દુખાવાને સ્નાયુપીડ (myalgia) કહે છે. ભાગના દર્દીઓમાં હાથપગની ચેતાઓમાં પણ વિકાર ઉદ્ભવે છે. તેને પરિઘીય ચેતારુગ્ણતા (peripheral neuropathy) કહે છે. ઘણી વખત દર્દીની તે જ મુખ્ય અને પ્રથમ તકલીફ હોય છે. મોટેભાગે હાથના ખભા પાસેના સ્નાયુઓ અસરગ્રસ્ત થાય છે. જો છાતીના સ્નાયુઓ પણ અસરગ્રસ્ત થાય તો શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ખોપરીમાંથી સીધી નીકળતી ચેતાઓ (કર્પરીચેતા, cranial nerves), નાના મગજ અને મોટા મગજમાં આવેલી તલીય ગંડિકાઓ(basal ganglia)માં પણ ક્યારેક વિકાર ઉદ્ભવે છે. દર્દીને આખા શરીરને અસર કરે તેવી ખેંચ (આંચકી) આવે છે. તે ખિન્ન (હતાશ) અને ચિંતાગ્રસ્ત બને છે. ક્યારેક તીવ્ર મનોવિકાર (psychosis) થાય છે. તો ક્યારેક તે પોતાના તરફ ધ્યાનાકર્ષણ કરાવનારો (hysterical) બને છે. ક્યારેક હૃદયના ધબકારા અને લોહીનું દબાણ પણ વધે છે. નિદાન માટે પેશાબમાં પોર્ફોબિલિનોજનનું પ્રમાણ વધ્યું છે એવું દર્શાવવા એહલરિચના દ્રાવણ અને ક્લૉરોફૉર્મ વડે કસોટી કરાય છે.
(1-આ) વિવિધરૂપી પોર્ફાયરિનતા (VP) : તે દક્ષિણ આફ્રિકામાં પુરુષો અને સ્ત્રીઓમાં સમાન રૂપે જોવા મળે છે. તેને મિશ્ર પોર્ફાયરિનતા (mixed porphyria) પણ કહે છે. તેમાં ઉગ્ર પોર્ફાયરિનતાની સાથે ત્વકીય (cutaneous) પોર્ફાયરિનતાનાં લક્ષણો જોવા મળે છે. તેમાં પ્રોટોપોર્ફાયરિનોજન ઑક્સિડેઝ નામના ઉત્સેચકમાં ક્ષતિ હોય છે. પેટનો દુખાવો, સ્નાયુઓનો વિકાર અને માનસિક વિકાર થાય છે. તે ઉપરાંત ચામડી પર પણ વિકાર (ત્વકીય વિકાર) જોવા મળે છે. ચામડી પર ફોલ્લા થાય છે. બાર્બિચ્યુરેટ્સ અને સલ્ફોનેમાઇડને કારણે આવા હુમલા થવાની સંભાવના વધુ રહે છે. ઘણી વખત બીજા વિકારો શમી જાય પછી પણ ચામડીનો વિકાર લાંબા સમય માટે રહી જાય છે. પુરુષોમાં ચામડીનો વિકાર વધુ થાય છે. જ્યારે સ્ત્રીઓમાં ચેતાતંત્રના વિકારો વધુ જોવા મળે છે.
(1-ઇ) વારસાગત કોપ્રોપોર્ફાયરિનતા (HC) : તે ભાગ્યે જ જોવા મળે છે. તેમાં કોપ્રોપોર્ફાયરિનોજન ઑક્સિડેઝ નામના ઉત્સેચકમાં ક્ષતિ હોય છે. તે 3૦ વર્ષનાં સ્ત્રીપુરુષોમાં સમાન દરે જોવા મળે છે. તેમાં પણ VPની માફક ચામડી, ચેતાતંત્રના પેટના તથા માનસિક વિકારો જોવા મળે છે. ઘણી વખત પ્રકાશઅતિસંવેદિતા(photo- sensitivity)નો વિકાર પણ થાય છે.
(2-અ) ત્વક્યકૃતીય પોર્ફાયરિનતા (CHP) : તેને ત્વકીય મંદગતિ પોર્ફાયરિનતા (porphyria cutanea tarda) અથવા લક્ષણદર્શી (symptomatic) પોર્ફાયરિનતા પણ કહે છે. તેમાં સૂર્યપ્રકાશ પડે તે ભાગની ચામડી પર ફોલ્લા થાય છે. તે મધ્યવયના પુરુષોમાં વધુ જોવા મળે છે. તેમાં યકૃતીય યુરોપોર્ફાયરિનોજન ડિકાબૉંક્સિલેઝ નામના ઉત્સેચકમાં ક્ષતિ હોય છે. આ વિકારમાં પેશાબમાં ALA અને PBG સામાન્ય સ્તરે જોવા મળે છે, પરંતુ યુરોપોર્ફાયરિનનું પ્રમાણ વધેલું હોય છે. મોં, માથું, ગળું વગેરે ભાગો પર ફોલ્લા થાય છે. જ્યારે રૂઝ આવે ત્યારે ત્યાં રૂઝપેશી(scar tissue)ના બનેલા ક્ષતનું ચિહ્ન (scar) જોવા મળે છે. ઘણી વખત સખત ખૂજલી આવે છે. ક્યારેક ચામડીમાં ભંગુરતા (fragility) અને ડાઘા (અતિવર્ણકતા, hyperpigmentation) પણ જોવા મળે છે. ઘણાં દર્દીઓમાં યકૃતનો વિકાર વિવિધ લક્ષણો તથા રાસાયણિક વિકારો પણ સર્જે છે. દારૂ પીવાને કારણે CHP થાય ત્યારે તેવું ખાસ બને છે. ક્યારેક ઇસ્ટ્રોજન અને હેક્સાક્લોરોબેન્ઝિનને કારણે પણ વિકાર થાય છે. કો’ક કિસ્સામાં યકૃતમાં કૅન્સર ઉદ્ભવેલું હોય છે.
(2-ક) જન્મજાત રક્તકોષપ્રસર્જીય પોર્ફાયરિનતા (CEP) : ભાગ્યે જ જોવા મળતો આ વિકાર છે. તે દેહસૂત્રીય પ્રચ્છન્ન વારસા (auto-somalrecessive inheritance) રૂપે થાય છે. 1૦ વર્ષથી નાનાં છોકરા-છોકરીઓમાં તે સમાન દરે થાય છે. તેમાં યુરોપોર્ફારિનોજન કોસિન્થટેઝ નામના ઉત્સેચકમાં ક્ષતિ થયેલી હોય છે. ચામડી પર તીવ્ર વિકાર ઉદ્ભવે છે; જેમાં ખૂજલી, રક્તિમા (લાલાશ), ફોલ્લીઓ, ફોલ્લાઓ અને તે ફૂટે ત્યાં ચાંદાં થાય છે. ચાંદાં રૂઝાય ત્યારે ઉદ્ભવતી રૂઝપેશીને કારણે ઘણી વખત અંગોમાં કુરચના (deformities) થઈ આવે છે. તેથી અંગો વાંકાં વળી જાય છે. દાંતમાં ગુલાબી રંગનું પોર્ફાયરિન જમા થવાથી દાંત ગુલાબી રંગના બને છે. તેને દંતરક્તિમા (erythrodontia) કહે છે. આંખનો નેત્રમણિ જો અસરગ્રસ્ત થાય તો અંધાપો આવે છે. આ ઉપરાંત દર્દીનું હીમોગ્લોબિન ઘટે છે (પાંડુતા) તથા બરોળ મોટી થાય છે. રક્તકોષોના ઉત્પાદન અને જીવનકાળમાં ઘટાડો થવાથી આ વિકારો ઉદ્ભવે છે.
(2-ખ) રક્તકોષપ્રસર્જીય પ્રોટોપોર્ફારિનતા (EPP) : તે CEP કરતાં વધુ પ્રમાણમાં થાય છે. તે દેહસૂત્રી પ્રભાવી (dominant) વારસા દ્વારા દરેક પેઢીમાં ઊતરી આવે છે. તે શિશુકાળ(infant)થી માંડીને ગમે તે ઉંમરે જોવા મળે છે. તેમાં ફેરોકિલેટેઝ નામના ઉત્સેચકની લોહી, યકૃત, મૂત્રપિંડ કે અસ્થિમજ્જામાંની ક્રિયા ક્ષતિપૂર્ણ હોય છે. તેને કારણે જ્યાં પ્રકાશ પડતો હોય તેવી ચામડી પર સ્ફોટ (rash) થઈ આવે છે. ચામડી બળતી હોય એવી અસહ્ય પીડા થાય છે. કેટલાક દર્દીઓમાં યકૃતમાં પણ વિકાર થાય છે; ત્યારે તે મૃત્યુકારક હોય છે. રક્તકોષો અને મળમાં પ્રોટોપોર્ફાયરિનનું વધેલું પ્રમાણ નિદાનસૂચક ગણાય છે.
સારવાર : ઉગ્ર પોર્ફાયરિનતાના દરેક દર્દીએ કે તેનાં લક્ષણ ન ધરાવતાં કુટુંબીજનોએ દારૂ તથા ઉપર જણાવેલી દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ એવું સૂચવાય છે. જો તેમને શસ્ત્રક્રિયા માટે બેહોશ કરવા પડે તો નાઇટ્રસ ઑક્સાઇડ, ઈથર અને સાઇક્લોપ્રોપેન વપરાય છે. અફીણજૂથની દવાઓ અને બેલાડોનાનાં રાસાયણિક દ્રવ્યો વડે પૂર્વચિકિત્સા (premedication) કરાય છે. તેમને લાગતો કોઈ પણ પ્રકારનો ચેપ ત્વરિત અને અસરકારક સારવાર માંગી લે છે. ઉગ્ર હુમલો થાય તો દર્દીને 15૦૦થી 2૦૦૦ કૅલેરીવાળો, મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટવાળો ખોરાક અપાય છે. પેટનો દુખાવો કાબૂમાં લેવા માટે ડિહાઇડ્રોકોડિન, પેથિડીન કે મૉર્ફિન અપાય છે. બીટાબ્લોકર્સ વડે હૃદયના ધબકારા અને લોહીનું દબાણ સરખું કરાય છે. ઊલટી થતી રોકવા પ્રોમિથેઝિન અપાય છે. ખેંચ રોકવા ડાયાઝેપામ અને માનસિક વિકારોની સારવારમાં ક્લોરપ્રોમેઝિન, પ્રોમેઝિન અને ટ્રાઇફ્લ્યુઑપરેઝિન વપરાય છે. શ્વાસની તકલીફ થાય તો કૃત્રિમ શ્વસનની જરૂર પડે છે. વિદ્યુતવિભંજ આયનો(electrolytes)નું સંતુલન જાળવવું પડે છે. નસ દ્વારા હિમૅટિન નામનું દ્રવ્ય આપવાથી ALA અને PBGનું ઉત્પાદન ઘટે છે. ચામડીમાં જો પ્રકાશ-અતિસંવેદિતા થઈ હોય તો તેને ઢાંકેલી રાખવાનું સૂચવાય છે. તે માટે બીટા-કેરોટિન ઉપયોગી છે.
અનુગ્ર પોર્ફાયરિનતાના દર્દીમાં પણ વિકારકારક દવાઓ ન લેવાનું કે તત્કાળ બંધ કરવાનું સૂચવાય છે. CHPની સારવારમાં જરૂર પડ્યે 2થી 4 લિટર લોહી કાઢી લઈને બહારથી બીજું લોહી અપાય છે. ક્લોરોક્વિન વડે સારવાર કરવાથી રાહત મળે છે. જો કે તે કઈ રીતે ઉપયોગી છે તે સમજાયેલું નથી. જો સાથે કોઈ યકૃતનો વિકાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે. CEPની સારવારમાં બરોળને શસ્ત્રક્રિયા વડે કાઢી નાંખવાથી પાંડુતા તથા પ્રકાશ-અતિસંવેદિતામાં ફાયદો થાય છે. ક્લોરોક્વિન પણ ઉપયોગી દવા ગણાય છે. EPPની સારવારમાં બીટા-કેરોટિન વડે ચામડીની પ્રકાશ-અતિસંવેદિતા ઘટાડાય છે. પિત્તક્ષારો ઘટાડતી દવાઓ વડે યકૃતનો વિકાર વધતો અટકે છે.
પોર્ફાયરિન ચયાપચયના અસર કરતા અન્ય વિકારો : આ પ્રકારના વિકારો જન્મજાત કે વારસાગત હોતા નથી, પરંતુ અન્ય રોગોમાં પોર્ફાયરિનના ચયાપચયમાં ફેરફાર આવવાથી થાય છે. મહત્ત્વના ગણાતા વિકારોમાં સીસાની ઝેરી અસર, મદ્યપાન, લોહની ઊણપવાળી પાંડુતા, બહુરક્તકોષિતા (polycythaemia), રક્તકોષવિલયી વિકારો (haemolytic disorders) અને યકૃતના રોગોનો સમાવેશ થાય છે.
શિલીન નં. શુક્લ
ભરત જે. પરીખ