પૉર્ટો રિકો (પ્યુર્ટો રિકો)

January, 1999

પૉર્ટો રિકો (પ્યુર્ટો રિકો) : ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ ભાગરૂપ કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુસમૂહના ‘ગ્રેટર ઍન્ટિલીઝ’ વિભાગનો પૂર્વ તરફનો ટાપુ. તેનું સામાન્ય ભૌગોલિક સ્થાન 18o 15′ ઉ. અ. અને 66o 3૦’ પ. રે.ની આજુબાજુનું ગણાય, પરંતુ તે આશરે 17o 55’થી 18o 32′ ઉ. અ. અને 65o 36’થી 67o 15′ પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તે યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યથી અગ્નિ દિશામાં આશરે 16૦૦ કિમી. અંતરે આવેલો છે. આ ટાપુનું જૂનું સ્પૅનિશ નામ ‘ઈસ્ટૅડો લિબેરે ઍસોસિઍડો દ પ્યુર્ટો રિકો’ (Estado Libere Asociado de Purto Rico) છે.

ભૂમિ-ભૂપૃષ્ઠ : ફ્લોરિડા અને દક્ષિણ અમેરિકા વચ્ચે આવેલા લંબચોરસ આકારના આ ટાપુનો સમગ્ર ભૂમિપ્રદેશ આશરે 9,1૦૦ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની સાથે ઘણા નાના નાના ટાપુઓનો પણ સમાવેશ થાય છે. તે પૈકી કદ પ્રમાણે વિયેક્વિસ, મોના અને કુલેબ્રા મુખ્ય છે. ભૂપૃષ્ઠના સંદર્ભમાં પૉર્ટો રિકો ટાપુને મુખ્ય ચાર કુદરતી વિભાગોમાં વહેંચી શકાય : (1) કિનારાનો નીચાણવાળો ભાગ : તે ઉત્તર અને દક્ષિણ કિનારાપટ્ટીની સરહદો બનાવે છે. ઉત્તર કિનારાપટ્ટી આશરે 13થી 19 કિમી. પહોળાઈવાળી છે, તેની આબોહવા ભેજવાળી રહે છે. દક્ષિણ કિનારાપટ્ટી સાંકડી છે અને તેની આબોહવા પ્રમાણમાં સૂકી છે. (2) કિનારાના ખીણપ્રદેશો : કિનારાથી અંદરના ભાગમાં પૂર્વ અને પશ્ર્ચિમ તરફ ખીણપ્રદેશો આવેલા છે. તે ફળદ્રૂપ છે અને ત્યાં મોટે ભાગે શેરડીનું વાવેતર કરવામાં આવે છે. (3) તળેટી-ટેકરીઓ : તે હારમાળા રૂપે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી છે અને ઉત્તર અને દક્ષિણ કિનારાના નીચાણવાળા ભાગમાંથી અંદરના ભૂમિભાગ તરફ પથરાયેલી છે. તેમનાં શિખરો ખરબચડાં અને થાળાં ગોળાકાર છે. (4) મધ્યના પર્વતો : ટાપુના દક્ષિણમધ્ય વિભાગની આરપાર પૂર્વ-પશ્ચિમ પર્વતો આવેલા છે. તે પૈકી ‘કૉર્ડિલેરન સેન્ટ્રલ’ મુખ્ય છે. 1338 મીટર ઊંચાઈ ધરાવતું સેરો દ પુંટા તેનું ઊંચામાં ઊંચું શિખર છે.

મધ્યના પહાડી ભાગમાંથી નીકળતી નદીઓ ટૂંકી અને ઝડપી પ્રવાહવેગવાળી છે. આ નદીઓએ કિનારા નજીક મેદાની પટ્ટીઓ રચી છે. આ ઉપરાંત 9216 મીટર ઊંડી ‘પૉર્ટો રિકો ખાઈ’ (oceanic trench) આ ટાપુની નજીક આવેલી છે.

આબોહવા : આ ટાપુ અયનવૃત્તીય પ્રદેશમાં આવેલો હોવા છતાં ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલો હોવાથી અત્યંત ખુશનુમા આબોહવા ધરાવે છે. રેતાળ કંઠાર-પ્રદેશ પર વિહારધામો સહિતની હોટલોની સુવિધા હોવાને કારણે પ્રવાસીઓને રજાઓ ગાળવા માટે તે આકર્ષણરૂપ બની રહેલ છે. તેનું કુદરતી સૌંદર્ય અદ્ભુત અને રમણીય હોવાથી યુ.એસ.નાં નજીકનાં રાજ્યોમાંથી પ્રવાસીઓ વારંવાર અહીં આવવા પ્રેરાય છે; એટલું જ નહિ, કેટલાકને તો અહીં ઉદ્યોગો સ્થાપવા માટે પણ પ્રેર્યા છે. દર વર્ષે અંદાજે 15 લાખ પ્રવાસીઓ અહીં આવે છે. તેનું જુલાઈ અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન અનુક્રમે 27o સે. અને 23o સે. જેટલું રહે છે, અર્થાત્, તાપમાન વચ્ચેનો વાર્ષિક ગાળો ઓછો રહે છે. ટાપુના ઘણા ભાગોમાં તો વરસાદ લગભગ રોજ પડતો હોય છે. વરસાદ થોડીક વાર માટે જોરદાર ઝાપટાં રૂપે પડી જાય છે. ઉત્તર તરફનો સરેરાશ વાર્ષિક વરસાદ 1,8૦૦ મિમી. જેટલો, જ્યારે દક્ષિણના સૂકા ભાગોમાં સરેરાશ વાર્ષિક વરસાદ 94૦ મિમી. જેટલો પડે છે. જૂનથી નવેમ્બર સુધીમાં ક્યારેક હરિકેન (વાવાઝોડાં) આવી જતાં હોય છે. આ માટે અહીંના લોકોએ તૈયાર રહેવાનું હોય છે એ હકીકત તેઓ જાણે છે. બારે માસ પડતા વરસાદને કારણે પહાડી ઢોળાવો પર ગીચ વૃક્ષો સહિતનાં જંગલો સવિશેષ જોવા મળે છે. પૉર્ટો રિકોના આર્થિક વિકાસમાં ફળદ્રૂપ બનેલી જમીનોએ, ખેતીની પેદાશોએ અને જંગલસંપત્તિએ મહત્ત્વનો ભાગ ભજવેલો છે. ઇમારતી લાકડું, નાળિયેરી અને શેરડી આ ટાપુની મુખ્ય પેદાશો છે.

પૉર્ટો રિકોમાં આવેલું રાજ્યનું મુખ્ય વહીવટી કાર્યાલય

આર્થિક પ્રવૃત્તિઓ : (1) ઉત્પાદન : ઔદ્યોગિક ઉત્પાદન અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. લોકોની જીવનજરૂરિયાતની ઘરવપરાશની આશરે 4૦ % ચીજવસ્તુઓ આ પ્રવૃત્તિમાંથી પૂરી પડે છે. સેવા-ઉદ્યોગને પણ તેમાં સાંકળી લેવાય તો 5૦ %નો આંકડો મૂકી શકાય. આ ટાપુમાં આશરે 23૦૦ જેટલાં કારખાનાં છે અને તેમાં અંદાજે 1,4૦,૦૦૦ જેટલા કારીગરો કામ કરે છે. વિવિધ પ્રકારની પેદાશો અહીં તૈયાર થાય છે. મૂલ્ય અને મહત્ત્વના ક્રમાનુસાર તેમાં રસાયણો, વીજ-યંત્રસામગ્રી અને સાધનો, ખાદ્ય પેદાશો, વૈજ્ઞાનિક સાધનો અને કપડાં જેવી મુખ્ય પેદાશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રબર, પ્લાસ્ટિક પેદાશો, પાષાણ માટી કાચની ચીજવસ્તુઓ, ધાતુઓમાંથી બનાવેલી વસ્તુઓ, છાપકામ, ચામડાં અને ચામડાંની ચીજો પણ અહીં તૈયાર થાય છે. ટાપુ પર ઉગાડવામાં આવતી શેરડીમાંથી ખાંડ બનાવવાનાં કારખાનાં પણ છે. (2) ખેતી : ખેતીની પેદાશો ઘરવપરાશની 2 % જેટલી જરૂરિયાત પૂરી પાડે છે. અહીં 6૦ % ભૂમિ ખેતી માટે અનુકૂળ છે. વર્ષોથી ખેતી થતી હોવાથી જમીનોમાં કસ જળવાઈ રહે તે હેતુથી રાસાયણિક ખાતરોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. દૂધ-ઉત્પાદન, મરઘાં-ઉછેર અને ઈંડાં ખેતી હેઠળની સંલગ્ન પેદાશો ગણાય છે. ખેડૂતો માંસપ્રાપ્તિ માટે પણ ઢોરઉછેર કરે છે. કુલ ખેતીયોગ્ય જમીન પૈકી 33 % ભાગ એકલી શેરડીના વાવેતર માટે ઉપયોગમાં લેવાય છે અને ખેતીમાં રોકાયેલા લોકો પૈકી 2૦ % લોકો શેરડીની ખેતી કરે છે. શેરડીનું વાવેતર કિનારાના નીચાણવાળા ભાગોમાં થાય છે. મધ્યના પર્વતીય વિસ્તારના પશ્ચિમ ભાગમાં કૉફીનું વાવેતર કરવામાં આવે છે. પર્વતોની ખીણોમાં તમાકુ વવાય છે. મોટા ભાગની તમાકુ સિગાર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. કેળાં એ અહીંની મુખ્ય વ્યાપારી પેદાશ ગણાય છે. ઉત્તર તરફના કિનારાના નીચાણવાળા ભાગોમાં પાઇનેપલ ઉગાડાય છે. અન્ય ફળોમાં નાળિયેરી, નારંગી તેમજ ખાટાં ફળોનો સમાવેશ થાય છે. (3) મત્સ્ય-ઉદ્યોગ : અહીંથી વાર્ષિક આશરે 2૦ લાખ કિલોગ્રામ જેટલી માછલીઓ પકડવામાં આવે છે. માછલીઓની સાથે સાંઢ(lobsters)ને પણ પકડવામાં આવે છે. (4) પરિવહન : આખા ટાપુમાં મોટરો, બસો અને ટ્રકો માટે આશરે 12,4૦૦ કિમી.ના પાકા રસ્તા છે. અહીં ઉત્તર તરફ સાન જુઆન, દક્ષિણમાં પોન્સ અને પશ્ચિમમાં માયાગ્વેજ  એ દરિયાઈ બંદરો આવેલાં છે. મોટા ભાગની નિકાસ સાન જુઆન મારફતે થાય છે. પાટનગર સાન જુઆન પડોશી ટાપુઓ બહામા, જમૈકા, ત્રિનિદાદ, ટોબેગો, ક્યૂબા અને હૈતી સાથે જળ તથા હવાઈ માર્ગે જોડાયેલું છે.

ઝડપથી વિકસી રહેલ આ ટાપુમાં યુ.એસ. તથા યુરોપિયન કંપનીઓના આગમન બાદ અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે.

વસ્તી લોકો : આ ટાપુની વસ્તી આશરે 33.4 લાખ (2૦17) જેટલી છે અને તે ઘણો ગીચ વસ્તીવાળો પ્રદેશ છે. લગભગ 66 % લોકો શહેરોમાં વસે છે અને તે પૈકી 5૦ % લોકો મહાનગરોમાં રહે છે. સાન જુઆન આ ટાપુનું પાટનગર, મોટામાં મોટું શહેર અને ઉત્તર કિનારા પરનું મહત્ત્વનું બંદર છે. તે ઉપનગર બાયામોનના વિસ્તારને પણ આવરી લે છે. પોન્સ ત્રીજા ક્રમે આવતું મોટું શહેર છે. વળી તે દક્ષિણ કિનારા પરનું બંદર, વ્યાપારી તથા સાંસ્કૃતિક મથક પણ છે. આ ઉપરાંત ઍરેસીબો, કાગુઆસ અને માયાગ્વેઝ અગત્યનાં શહેરો છે. આ ટાપુ યુ.એસ.ના કૉમનવેલ્થનો એક ભાગ છે અને તેથી તેનું સત્તાવાર નામ ‘કૉમનવેલ્થ ઑવ્ પ્યુર્ટો રિકો’ છે. અહીંના નિવાસીઓ યુ.એસ.ના જ નાગરિકો ગણાય છે. તેઓ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિના યુ.એસ.માં જઈ આવી શકે છે. પરંતુ અલગ ટાપુ પર રહેતા હોવાથી તેમને યુ.એસ.ની ચૂંટણી માટે મતાધિકાર નથી, તેમજ યુ.એસ.નો કોઈ આવકવેરો ભરવાનો હોતો નથી. અહીંની સત્તાવાર ભાષા સ્પૅનિશ છે, ઘણા લોકો અંગ્રેજી ભાષા પણ બોલે છે. લોકો અહીંના ધાર્મિક તહેવારો આનંદ અને ઉલ્લાસપૂર્વક ધૂમધામથી ઊજવે છે.

અહીંના પ્રથમ વસાહતીઓ આરાવાક ઇન્ડિયનો હતા, પરંતુ મોટા ભાગના આ લોકોને મારી નાખવામાં આવેલા. સ્પૅનિશ વસાહતીઓ અહીં આવ્યા બાદ બાકીના પૈકી કેટલાક રોગથી મરી ગયેલા. તેઓ હવે બિલકુલ જોવા મળતા નથી. કેટલાક ઇન્ડિયનો જે દેખાય છે તે સ્પૅનિશ સાથેના મિશ્ર લોહીના વંશમાંથી ઊતરી આવેલા છે. આજની મોટા ભાગની વસ્તી સ્પૅનિશ છે. વસ્તીના આશરે 85 % રોમન કૅથલિક અને બાકીના પ્રૉટેસ્ટંટ છે.

અહીંની શાળાઓમાં આશરે 32,5૦૦ શિક્ષકો અને 6,93,૦૦૦ વિદ્યાર્થીઓ છે; 1,18,૦૦૦ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં તથા 1,25,૦૦૦ વિદ્યાર્થીઓ વૉકેશનલ શાળાઓમાં તેમજ રાત્રિશાળાઓમાં અભ્યાસ કરે છે.

ઇતિહાસ : 1493માં ક્રિસ્ટૉફર કોલંબસ તેનાં વહાણો હંકારીને પૉર્ટો રિકોમાં આવેલો. 15૦8માં પ્રથમ યુરોપિયન વસાહત સ્પેનના લોકોએ સ્થાપેલી. સેંકડો વર્ષોથી આ ટાપુના લોકો હરિકેન અને પ્લેગની અસર હેઠળ રહેલા. કેરિબ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો દ્વારા આ ટાપુ પર હુમલાઓ થયેલા. 1897માં સ્પેન તરફથી અહીં સ્થાનિક વહીવટ આપવામાં આવેલો. સ્પૅનિશ-અમેરિકી યુદ્ધ થયું તે અગાઉ 1898માં પ્યુર્ટો રિકોની સરકાર સ્થાપી દેવામાં આવી હતી.

1898માં પૅરિસની સંધિ હેઠળ સ્પેને પ્યુર્ટો રિકોનો કબજો યુ.એસ.ને સોંપી દીધો. 1917માં જોન્સ ધારા (Jone’s Act) હેઠળ આ ટાપુના લોકોને અમેરિકી નાગરિકત્વ મળ્યું. 194૦ના અરસામાં યુ.એસ.ની સહાયથી અહીંના નેતાઓએ ટાપુના નાગરિકો માટે જીવનધોરણ-સુધારણાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. મોટા કદનાં ખેતરોના ભાગ પાડી ખેતમજૂરોને વહેંચી આપ્યા. કેળવણીમાં સુધારા કર્યા, અક્ષરજ્ઞાન વધાર્યું. 1947માં નાગરિકોને પોતાનો ગર્વનર ચૂંટવાનો અધિકાર મળ્યો.

આજે આ ટાપુનો ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો છે. આર્થિક વિકાસ સંગઠન (સ્પૅનિશ ‘ફેમેન્ટો’) મારફતે ધંધાઓ વિસ્તૃત બન્યા છે. 2૦૦૦ જેટલાં કારખાનાં સ્થપાયાં છે. ઔદ્યોગિક વિકાસ થવાથી બેકારી ઘટી છે. સાંસ્કૃતિક વિકાસ સાધી શકાયો છે. લોકો પોતાની પરંપરાઓ જાળવે છે અને કલાને પ્રોત્સાહન આપે છે.

મહેશ મ. ત્રિવેદી

ગિરીશભાઈ પંડ્યા