પોપ : ખ્રિસ્તી ધર્મના સૌથી પ્રાચીન સંપ્રદાય રોમન કૅથલિકના ધર્મગુરુ. ‘પોપ’ ગ્રીક ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ પિતા થાય છે. રોમમાં ચર્ચની સ્થાપના માનવપુત્ર ઈસુ ખ્રિસ્તના મુખ્ય શિષ્ય પીટરે કરી હતી. અને તેથી રોમ એ ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. આ કારણથી અહીંના ચર્ચના પોપનું સમગ્ર પશ્ચિમી જગતમાં મહત્વનું સ્થાન હતું. ઈસવી સનના સાતમા સૈકામાં પોપ રોમના આધ્યાત્મિક પિતા બની ગયા હતા.
રોમન કૅથલિક સંપ્રદાયના અનુયાયીઓ ધર્મની બાબતમાં પોપનાં ફરમાનોને જ અનુસરે છે. ખ્રિસ્તી ધર્મની બાબતમાં આખરી નિર્ણયો લેવાની અને જાહેર કરવાની સત્તા પોપને આપવામાં આવેલી છે.
રોમન કૅથલિક સંપ્રદાયમાં પોપની ચૂંટણી કરવામાં આવે છે. પહેલા પોપ સેંટ પીટર હતા. એ પછી સેંટ લાઇનસ, સેંટ એનેક્લેટસ, સેંટ ક્લેમન્થ ઇત્યાદિ પોપ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હાલમાં પોપ તરીકે ફ્રાન્સિસ છે. ખ્રિસ્તી ધર્મસંઘમાં પોપ સર્વોપરી સ્થાન ધરાવે છે. પરંપરાગત રીતે ધર્મની બાબતમાં કાનૂની નિર્ણયો લેવાની સત્તા તેમને સોંપવામાં આવેલી છે. અલબત્ત, માર્ટિન લ્યૂથરે પંદરમી સદીમાં શરૂ કરેલા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના અનુયાયીઓ પોપની સત્તા સ્વીકારતા નથી. પ્રાચીન યુરોપમાં પોપની પાસે ધાર્મિક અને આધ્યાત્મિક ઉપરાંત રાજકીય સત્તા પણ હતી. ઈ. સ. 64થી આજ સુધીમાં લગભગ 273 જેટલા પોપ રોમમાં વૅટિકન શહેરમાં આવી ગયા છે.
ચીનુભાઈ નાયક