પોન્નીલન (. 1940, મોનીકેટ્ટીપોટ્ટલ, કન્યાકુમારી, તમિળનાડુ) : તમિળનાડુના પ્રગતિશીલ નવલકથાકાર, કવિ, વિવેચક, ચરિત્રલેખક અને અનુવાદક. તેમને તેમની પ્રખ્યાત નવલકથા ‘પુદિય દરિશનંગલ’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

તેમણે તમિળ ઉપરાંત શિક્ષણશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. ત્યારપછી તેઓ શાળા-શિક્ષણ ખાતામાં જોડાયા. તેઓ વિશ્વશાંતિ, સાંપ્રદાયિક સદભાવ અને સામાજિક પરિવર્તનોમાં સંકલ્પપૂર્વક દૃઢતાથી કામકરતા રહ્યા છે. કોમી એખલાસ માટે અને અણુશસ્ત્રો વિરુદ્ધ તેમણે લાંબી પદયાત્રાઓ યોજી છે.

પોન્નીલન

તેમની પ્રથમ નવલકથા ‘કારીસાલ’ 1975માં પ્રગટ થઈ હતી. તે પહેલાં તેમની કેટલીય વાર્તાઓ તથા લઘુનવલો સાહિત્યિક સામયિકોમાં છપાઈ ચૂકી હતી. તેમણે વિવિધ પ્રકારની સાહિત્યિક રચનાઓ કરી હોવા છતાં એક વાર્તાકાર સાહિત્યકાર તરીકે તેમની છાપ ઊપસી છે. અત્યાર સુધીમાં તેમનાં કુલ 16 પુસ્તકો તથા કેટલાક નિબંધો પ્રગટ થયાં છે. તેમની 5 નવલકથાઓ પૈકી ‘થેડલ’ અને ‘પુતિય મોત્તુગલ’ ઉલ્લેખનીય છે. તે ઉપરાંત તેમણે ચાર લઘુનવલોનો 1 સંગ્રહ, 2 વાર્તાસંગ્રહો, 1 કાવ્ય સંગ્રહ, 1 પ્રવાસવર્ણન, 3 જીવનચરિત્રો અને 3 અનૂદિત કૃતિઓ પણ આપેલ છે. તેમની નવલકથા ‘ઉરાવુગલ’ પર એક સફળ ફિલ્મનું નિર્માણ કરાયું છે. તેમણે 1986માં ડેન્માર્કમાં યોજાયેલ વિશ્વશાંતિ સંમેલનમાં વિશેષ આમંત્રિત તરીકે ભાગ લીધો હતો  અને ભૂતકાળમાં સોવિયેત સંઘનો પ્રવાસ પણ ખેડ્યો છે. તેમના સાહિત્ય-વિષયક પ્રદાન માટે તેમને તમિળનાડુ સરકાર દ્વારા બે વખત પુરસ્કારવામાં આવેલા. વળી અનુવાદની કૃતિઓ માટે તંજઈ તમિળ યુનિવર્સિટી પુરસ્કાર પણ તેમને આપવામાં આવ્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘પુદિય દરિશનંગલ’ ત્રણ ગ્રંથમાં વિભાજિત દળદાર નવલકથા છે. તેમાં તમિળનાડુના કન્યાકુમારી જિલ્લાના દૂરના એક ગામમાં લોકો પર આવી પડેલ આપત્તિકાળની યાતનાઓનું વર્ણન છે. ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ, સામાજિક વિષયવસ્તુની કલાત્મક ગૂંથણી, લોકશાહી મૂલ્યો પરત્વે નૈતિક પ્રતિબદ્ધતા, સ્વતંત્રતા અને માનવતાના સંદેશનો ફેલાવો વગેરેને કારણે આ કૃતિ ભારતીય નવલકથાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાનને પાત્ર બની છે.

બળદેવભાઈ કનીજિયા