પોટ્ટી, શ્રીરામુલુ (જ. 1901, ચેન્નઈ; અ. 15 ડિસેમ્બર 1952) : ગાંધીવિચાર અને વ્યવહારના આજીવન પુરસ્કર્તા.
શાળાકીય અભ્યાસ ચેન્નઈમાં. અભ્યાસ દરમિયાન ગાંધીવિચારથી પ્રભાવિત થયેલા. આથી પિતાના આગ્રહ છતાં ઉચ્ચ અભ્યાસાર્થે કૉલેજશિક્ષણ ન લીધું અને સૅનિટરી એન્જિનિયરિંગનો ડિપ્લોમા અભ્યાસક્રમ પાસ કર્યો. ત્યારબાદ એ જમાનાની ગ્રેટ ઇન્ડિયન પૅનિન્સ્યુલર રેલવે કંપનીમાં નોકરી સ્વીકારી.
ટૂંકા ગાળાના લગ્નજીવન બાદ 1919માં પત્નીનું અવસાન થતાં, જીવન પ્રત્યેના તેમના અભિગમમાં પરિવર્તન આવવા લાગ્યું. તેમણે સ્વાર્થત્યાગ અને અનાસક્તિના ગુણો વિકસાવ્યા. આ દરમિયાન ગાંધીવિચારોનો પરિચય કેળવ્યો અને વધાર્યો.
ગાંધીવિચારના પ્રભાવ હેઠળ શાંત અને સાદગીભર્યા જીવનની પસંદગી કરી અને રેલવેની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું. અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમમાં જોડાઈ ગાંધીજીના અનુયાયી બન્યા. તેઓ ગાંધીવિચારોને ચરિતાર્થ કરવા સતત મથામણ કરતા રહ્યા.
તેઓ આશ્રમજીવનના આરંભે હિંદી ભાષા શીખ્યા તથા મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા ઉપરાંત દારૂબંધી અને હરિજનોદ્ધારના કાર્યમાં જોડાઈ ગયા. કુટિર-ઉદ્યોગો અને ખાદીના પ્રસાર માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા.
1930ના મીઠાના સત્યાગ્રહમાં અને 1940ના વૈયક્તિક સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો. જેલમુક્તિ બાદ રાજકોટના સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા અને ખાદી-પ્રચાર, દારૂબંધી અને હરિજનોદ્ધારના કાર્યમાં ખૂંપી ગયા. થોડા વખત બાદ ચેન્નઈ પાછા ફર્યા. ત્યાંના કૃષ્ણ જિલ્લાના ‘કોમારવોલુ’ના ગાંધી આશ્રમમાં જોડાયા. દરમિયાન ‘હિંદ છોડો’ની લડતમાં ભાગ લીધો અને જેલવાસ કર્યો. ત્યારબાદ તેઓ ફરીને અસ્પૃશ્યતાનાબૂદી અને હરિજનોદ્ધારના કાર્યમાં જોડાઈ ગયા. તેમના વતન નેલોરમાં હરિજનોના મંદિર-પ્રવેશ માટે ગાંધીજીના આશીર્વાદ સાથે 33 દિવસના ઉપવાસ કર્યા અને હરિજનોના મંદિર-પ્રવેશનો સ્વીકાર કરાવીને જ જંપ્યા.
આઝાદી બાદ હરિજનોદ્ધારના અધૂરા કાર્ય તરફ મદ્રાસ રાજ્યની પ્રકાશમ્ સરકારનું ધ્યાન ખેંચવા 29 દિવસના ઉપવાસ કર્યા. સરકારે આ અંગે થઈ શકે તે તમામ કરવાની ખાતરી આપી અને પ્રત્યેક મહિનાનો છેલ્લો દિવસ ‘હરિજન કલ્યાણ દિન’ તરીકે જાહેર કર્યો, ત્યારે તેમણે પારણાં કર્યાં. ગાંધીજીએ તેમના આ અભિગમને બિરદાવતાં તેમને ‘કર્મઠ કાર્યકર’ તરીકે ઓળખાવ્યા.
1952માં આંધ્રપ્રદેશના અલગ રાજ્યની માગણીના સંદર્ભે 19 ઑક્ટોબરથી 15 ડિસેમ્બર સુધીના કુલ 57 દિવસના ઉપવાસને અંતે દેહ છોડ્યો. તેમની આ શહીદીને કારણે સમગ્ર આંધ્રપ્રદેશમાં તોફાનો ફાટી નીકળ્યાં. તેમના મૃત્યુના ચાર દિવસ બાદ, 19 ડિસેમ્બરે, તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં આંધ્રપ્રદેશના અલગ રાજ્યની રચનાની જાહેરાત કરી.
રક્ષા મ. વ્યાસ