પૉટ્સડૅમ પરિષદ

January, 1999

પૉટ્સડૅમ પરિષદ : જર્મનીમાં બર્લિન પાસે પૉટ્સડૅમ મુકામે 17 જુલાઈથી 2 ઑગસ્ટ, 1945 દરમિયાન મળેલી ત્રણ મહાસત્તાઓના વડાઓની પરિષદ. જર્મનીએ મે, 1945માં શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ જર્મનીના ભાવિનો નિર્ણય કરવા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ હૅરી ટ્રુમૅન, સોવિયેત સંઘના વડાપ્રધાન જૉસેફ સ્તાલિન અને ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ (પાછળથી તેમના અનુગામી ક્લેમન્ટ ઍટલી) પૉટ્સડૅમમાં ભેગા મળ્યા. તેમણે જર્મનીમાં મિત્રરાજ્યોનાં લશ્કરો તથા ઍલાઇડ કન્ટ્રોલ કમિશનને સત્તા સોંપી.

તેમણે આ પ્રમાણેના નિર્ણયો કર્યા : જર્મનીનું સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ કરવું. જર્મનીના ઉદ્યોગોએ યુદ્ધનાં શસ્ત્રો બનાવવાં નહિ. જર્મનીનું ચાર પ્રદેશોમાં વિભાજન કરી, પ્રત્યેક વિભાગને ફ્રેન્ચ, બ્રિટિશ, યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત લશ્કર હેઠળ મૂકવો. નાઝીઓને સત્તાનાં સ્થાનો પરથી દૂર કરવા અને લોકશાહી જર્મન સરકાર સ્થાપવી. નાઝીઓને યુદ્ધ-ગુનેગાર ગણીને તેમના ઉપર કામ ચલાવવું. પોલૅન્ડ, ચેકોસ્લોવૅકિયા (વર્તમાન સમયગાળામાં ઝેક રિપબ્લિક સ્લોવાકિઆ દેશો) અને હંગેરીમાં રહેતા જર્મનોને ફરજિયાત જર્મની મોકલી દેવા.

પૉટ્સડૅમ પરિષદમાં ત્રણ મહાસત્તાઓ ગ્રેટબ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત સંઘના વડાઓ – વિન્સ્ટન ચર્ચિલ, હૅરી ટ્રુમૅન અને જૉસેફ સ્તાલિનનું મિલન

બલ્ગેરિયા, હંગેરી, ફિનલૅન્ડ, ઇટાલી અને રુમાનિયા સાથે સંધિની શરતો નક્કી કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયેત સંઘ, ગ્રેટ બ્રિટન, ફ્રાંસ અને રાષ્ટ્રવાદી ચીનના વિદેશ પ્રધાનોની સમિતિ નીમવામાં આવી. સ્તાલિને રશિયામાં થયેલ નુકસાની પેટે જર્મની પાસેથી પુષ્કળ યુદ્ધદંડની માગણી કરી. ઉગ્ર ટપાટપી બાદ સોવિયેત સંઘને પોતાની સત્તા હેઠળના જર્મન-વિસ્તારમાંથી ઔદ્યોગિક યંત્રસામગ્રી લઈ જવાની પરવાનગી મળી. આ પરિષદે જાપાન પાસે બિનશરતી શરણાગતિની માગણી કરી.

વિશ્વયુદ્ધ દરમિયાનની અગાઉની પરિષદોમાં જે પ્રકારે શુભેચ્છા અને વિશ્વાસનું વાતાવરણ હતું તેનો આ પરિષદમાં અભાવ વર્તાતો હતો.

મહેબૂબ દેસાઈ