પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH)

January, 1999

પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH) : કૉસ્ટિક પોટાશ તરીકે ઓળખાતું ઔદ્યોગિક અગત્ય ધરાવતું સંયોજન. સોડિયમ હાઇડ્રૉક્સાઇડની માફક જ સંકેન્દ્રિત પોટૅશિયમ ક્લોરાઇડના દ્રાવણના વિદ્યુત-વિભાજનથી તે મોટા પાયા ઉપર બનાવવામાં આવે છે.

ગાંગડા-સ્વરૂપે, લાકડી-સ્વરૂપે કે પતરી-સ્વરૂપે ઉપલબ્ધ આ  સંયોજન રંગવિહીન અને ખૂબ ભેજગ્રાહી હોય છે. તેને હવાચુસ્ત પાત્રમાં રાખવું જરૂરી હોય છે; કારણ કે હવામાંથી તે ભેજ તથા કાર્બન ડાયૉક્સાઇડ શોષે છે. તે પાણી તથા આલ્કોહૉલમાં દ્રાવ્ય તથા ઈથરમાં સાધારણ-દ્રાવ્ય છે. તેનું ગ.બિં. 405o સે. તથા ઘટત્વ 2.044 છે.

શ્વાસમાં કે મોંમાં જતાં તે વિષાળુ અસર ઉપજાવે છે. તેને વાપરવા માટે હાથમાં રબરનાં મોજાં પહેરવાં જરૂરી છે; કારણ કે ચામડી ઉપર તે ખૂબ દાહક અસર નિપજાવે છે, પરિણામે ચામડી ઉપર ફોલ્લા પડી જાય છે. વસ્તુત: ચામડી પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડના સંકેન્દ્રિત દ્રાવણમાં ઓગળી જાય છે. તેથી તે આંખમાં પડે તો ખૂબ જોખમી થાય છે. સોડિયમ હાઇડ્રૉક્સાઇડ કરતાં તેની દ્રાવ્યતા વધુ છે.

પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ સાબુ-ઉત્પાદનમાં, વિરંજન (bleaching) માટે, હાઇડ્રોજન સલ્ફાઇડ તથા CO2ના શોષક તરીકે, પોટૅશિયમ કાર્બોનેટના ઉત્પાદનમાં તેમજ આલ્કલાઇન બૅટરીમાં મુખ્યત્વે વપરાય છે. આ ઉપરાંત રંગ-ઉદ્યોગમાં, પ્રવાહી ખાતરમાં, તૃણનાશક (herbicide) તરીકે, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં, કાપડને મર્સરાઇઝ કરવા, રંગ દૂર કરવા તથા પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય છે.

જ. પો.  ત્રિવેદી