પોટૅશિયમ ક્લોરેટ (KClO3)

January, 1999

પોટૅશિયમ ક્લોરેટ (KClO3) : પોટૅશિયમ ધાતુનું એક સ્ફોટક સંયોજન. પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડના આલ્કલી દ્રાવણમાં ક્લોરિન વાયુ પસાર કરવાથી પોટૅશિયમ હાઇપોક્લોરાઇટ તથા પોટૅશિયમ ક્લોરાઇડ બને છે. વધુ ક્લોરિન પસાર કરતાં હાઇપોક્લોરાઇટનું ક્લોરેટ તથા વધુ ક્લોરાઇડમાં પરિવર્તન થાય છે.

ગરમ સંકેન્દ્રિત પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડમાં ક્લોરિન પસાર કરતાં ક્લોરેટ તત્કાળ બને છે.

6KOH + 3Cl2 = KClO3 + 5KCl + 3H2O

બંને પ્રક્રિયાઓમાં સૌપ્રથમ હાઇપોક્લોરાઇટ જ બનતો હોય છે અને દ્રાવણમાં ક્લોરિનનું પ્રમાણ વધતાં હાઇપોક્લોરાઇટનું વિઘટન થઈ મુક્ત હાઇપોક્લોરસ ઍસિડ બને છે, જે હાઇપોક્લોરાઇટનું ઉપચયન કરે છે :

2KOH + Cl2 = KOCl + KCl + H2O

પોટૅશિયમ હાઇપોક્લોરાઇટ

KOCl + Cl2 + H2O = KCl + 2HOCl

KOCl + 2HOCl = KClO3 + 2HCl

પોટૅશિયમ ક્લોરેટ(ના દ્રાવણ)ને ફૉસ્ફરસ કે સલ્ફર સાથે હલાવતાં ઝડપી ધડાકો થાય છે. કાગળના વીંટામાં ક્લોરેટ તથા સલ્ફરના મિશ્રણને મૂકી હથોડી વડે ઠોકતાં ધડાકો થાય છે. આથી તે સ્ફોટક દ્રવ્ય તરીકે વપરાય છે. પ્રયોગશાળામાં તે ઑક્સિજન બનાવવા વપરાય છે.

પોટૅશિયમ ક્લોરેટ ઉપચયનકર્તા તરીકે દીવાસળી-ઉદ્યોગમાં, ઑક્સિજનના સ્રોત તરીકે ટેક્સ્ટાઇલ છાપકામમાં, ફટાકડાઓમાં, આતશબાજીમાં, કારતૂસની ટોટીમાં, જંતુઘ્ન તરીકે તથા બ્લીચિંગમાં વપરાય છે.

જ. પો. ત્રિવેદી