પોટૅશિયમ ડાયક્રોમેટ (K2Cr2O7)

January, 1999

પોટૅશિયમ ડાયક્રોમેટ (K2Cr2O7) : પોટૅશિયમનું એક ઉપયોગી ઉપચયનકારી સંયોજન. તે પીળાશ પડતા રાતા રંગનું, પારદર્શક, સ્ફટિકમય, સ્વાદે કડવું (bitter) હોય છે. તે પાણીમાં દ્રાવ્ય, પણ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. તેનું ગ.બિં 3960 સે. અને ઘટત્વ 2.676 છે. તે 500o સે. તાપમાને વિઘટનશીલ છે.

પોટૅશિયમ ડાયક્રોમેટ બનાવવા માટે (અ) પોટૅશિયમ ક્લોરાઇડ અને સોડિયમ ડાયક્રોમેટની પ્રક્રિયા કરવામાં આવે છે, અથવા (બ) સંતૃપ્ત ક્રોમેટ દ્રાવણમાં આવશ્યક પ્રમાણમાં H2SO4 ઉમેરી ઠંડો પાડતાં તે ક્રોમેટ કરતાં ઓછો દ્રાવ્ય હોવાથી સ્ફટિક રૂપે અલગ પડે છે.

પોટૅશિયમ ડાયક્રોમેટ રસાયણો, રંગકો, મધ્યવર્તીઓ વગેરેના ઉપચનયકારક તરીકે; વૈશ્લેષિક પ્રક્રિયક તરીકે ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે; આતશબાજીમાં સ્ફોટક દ્રવ્ય તરીકે; દીવાસળી, કાપડ અને રંગ-ઉદ્યોગમાં; છાપકામમાં; ચામડાં કમાવવા માટે; લિથોગ્રાફીમાં; સંશ્લેષિત અત્તરોની બનાવટમાં; ક્રોમ એલમના ઉત્પાદનમાં તથા ચરબી અને મીણને રંગવિહીન બનાવવા માટે વપરાય છે.

જ. પો. ત્રિવેદી