પૉલિપોડિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકેલ્સ ગોત્રનું સૌથી મોટું કુળ. આ કુળમાં હંસરાજ(fern)ની વિવિધ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે :

આ કુળની વનસ્પતિઓ મધ્યોદભિદ્, શુષ્કોદભિદ, પરરોહી કે જલોદભિદ હોય છે અને શાકીય, ક્ષુપ કે ક્યારેક નાના કદના વૃક્ષ-સ્વરૂપે જંગલોમાં ભેજવાળા વિસ્તારોમાં અને પર્વતીય પ્રદેશોમાં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. આમ છતાં તે રણપ્રદેશથી માંડી વર્ષા-જંગલો(rain forests)માં અને ઉષ્ણ-કટિબંધથી માંડી ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ સુધીના પ્રદેશોમાં થાય છે. ભારતમાં પંચમઢી, દાર્જિલિંગ, સિમલા, કુલુ-મનાલી, ઊટી, કોડાઈ કૅનાલ જેવાં સ્થળોએ તેની પુષ્કળ જાતિઓ થાય છે. તેનાં પર્ણો સાદાં કે પીંછાકાર કે પંજાકાર સંયુક્ત પ્રકારનાં હોય છે. તેનાં પર્ણોનું કદ થોડાક સેન્ટિમીટર(Annogramma leptophylla)થી માંડી મીટર કે તેથી વધારે હોય છે. તેની ગાંઠામૂળીમાં નાલ રંભ (siphonostele); દા. ત., Adiantum sp.; નલી રંભ (solenostele); દા. ત., Pteris sp.; વિચ્છેદિત રંભ (dictyostele); દા. ત., Dryopteris; અથવા બહુચક્રીય (polycyclic) રંભ; દા. ત., Polypodium જોવા મળે છે. મૂળ દ્વિ-આદિદારુક (diarch), ત્રિ-આદિદારુક (triarch) કે ચતુ:આદિદારુક (tetrarch) પ્રકારનાં વાહીપુલો ધરાવે છે. કેટલીક જાતિઓમાં બહુઆદિદારુક મૂળ પણ હોય છે. બીજાણુધાનીઓ સમૂહમાં એકત્રિત થઈને બીજાણુધાનીપુંજ (sorus) બનાવે છે, જે ખુલ્લો હોય છે (દા. ત., Polypodium) અથવા પુંજચ્છદ (indusium) વડે આવૃત હોય છે (દા. ત., Dryopteris). પુંજચ્છદ આભાસી (દા. ત., Pteris અને Adiantum) અથવા વાસ્તવિક (દા. ત., Dryopteris) હોઈ શકે. બીજાણુધાનીપુંજનો વિકાસ સામાન્યત: મિશ્ર પ્રકારનો હોય છે. બીજાણુધાનીઓ લંબવર્તી હોય છે અને અપૂર્ણ સ્ફોટીવલય (annulus) ધરાવે છે. આ સ્ફોટીવલય બીજાણુધાનીના પ્રાવરનો   ભાગ રોકે છે. તેના કોષો જાડી દીવાલવાળા હોય છે. બીજાણુધાની સ્પષ્ટ સ્ફોટીમુખ (stomium) ધરાવે છે. તે પ્રાવરનો લગભગ  ભાગ રોકે છે અને તેના કોષો પાતળી દીવાલવાળા હોય છે. સ્ફોટીમુખ બીજાણુધાનીના સ્ફોટન અને બીજાણુવિકિરણમાં મદદરૂપ થાય છે. પ્રત્યેક બીજાણુધાનીમાં 16, 32 કે 64 બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ આકારે દ્વિપાર્શ્વ (bilateral) અથવા ચતુષ્ફલકીય (tetrahedral) હોય છે. તેને બીજાણુચોલ (perispore) હોય અથવા ન પણ હોય. બીજાણુઓ એકગુણિત (haploid) હોય છે અને તેના અંકુરણથી સામાન્યત: લીલો, પૃષ્ઠાધર (dorsiventral) અને હૃદયાકાર પૂર્વદેહ (prothallus) ઉત્પન્ન થાય છે. તે એકગૃહી (monoecious) હોય છે. પોષણની તીવ્ર અછતવાળી અને ગીચ સ્થિતિમાં પૂર્વદેહ તંતુમય બને છે અને માત્ર પુંજન્યુધાનીઓ ધરાવે છે. લિંગી પ્રજનનાંગોનો વિકાસ પૂર્વદેહની વક્ષસપાટીએ થાય છે. તેનો ભ્રૂણવિકાસ પાર્શ્વ પ્રકારનો હોય છે. યુગ્મનજનું પ્રથમ વિભાજન સ્ત્રીજન્યુધાનીના લંબ અક્ષને સમાંતરે થાય છે. ભ્રૂણ નિલંબ(suspensor)રહિત હોય છે. આ કુળ બહુસ્રોતોદ્ભવી (polyphyletic) છે. તેનાં સ્વરૂપો જૂરેસિક કલ્પમાં ઉત્પન્ન થયાં હતાં; છતાં કાઇનોઝોઇક કલ્પમાં સૌથી વધારે પ્રમાણમાં વિતરણ પામ્યાં હતાં. તે લગભગ 17૦ પ્રજાતિ અને 7૦૦૦ કરતાં વધારે જાતિઓનું બનેલું હંસરાજ(ferns)નું સૌથી મોટું કુળ છે. અમેરિકામાં હંસરાજની 85% જાતિઓ આ કુળની છે. આ કુળની મર્યાદા વિશે કોઈ સામાન્ય સંમતિ પ્રવર્તતી નથી. ક્રિસ્ટેન્સન (1938), ચિંગ (194૦), ડિક્સન (1946), હૉલ્ટમ (1947, 1949)  અને કૉપલડે (1947) આ કુળમાં રહેલી અસ્વાભાવિકતાને કારણે તેનું સ્વતંત્રપણે પુન: વર્ગીકરણ કર્યું છે. ક્રિસ્ટેન્સને રૂઢિગત રીતે આ કુળને ‘કુળ’નો  દરજ્જો આપી તેને 15 ઉપકુળમાં વિભાજિત કર્યું. ચિંગે આ કુળને 32 ઉપકુળોમાં અને હૉલ્ટમે 5 કુળોમાં વર્ગીકૃત કર્યું છે. ડિક્સને ચિંગનું વર્ગીકરણ સ્વીકાર્યું; છતાં બીજાણુધાનીપુંજના સ્થાનને આધારે તેમનું બે જૂથોમાં પુનર્જોડાણ કર્યું. કૉપલડે આ કુળનું 9 કુળોમાં પુન: વર્ગીકરણ કર્યું છે.

ક્રિસ્ટેન્સને 5૦થી વધારે જાતિઓ ધરાવતી આ કુળની લગભગ 25 પ્રજાતિઓ વર્ણવી છે; જેમાં Dryopteris (65૦ જાતિ), Pteris (28૦ જાતિ), Polystichum (225 જાતિ), Adiantum (2૦૦ જાતિ), Athyrium (18૦ જાતિ), Cheilanthes (13૦ જાતિ), Blechnum (2૦૦ જાતિ), Phymatodes (1૦૦ જાતિ), Pellaea (8૦ જાતિ), Vittaria (8૦ જાતિ), Dennstaedtia (7૦ જાતિ), Notholaena (6૦ જાતિ) અને Polypodium (5૦ જાતિ) મુખ્ય છે.

આ કુળનાં કેટલાંક અગત્યનાં ઉપકુળો અને સ્વરૂપો નીચે પ્રમાણે છે :

ઉપકુળ 1. ડૅન્સ્ટેડ્ટોઇડી : Dennstaedtia (7૦ જાતિ, ભારતમાં 3 જાતિ), Microlepia (45 જાતિ, ભારતમાં 7 જાતિ), Hypolepis (45 જાતિ).

ઉપકુળ 2. લિન્ડ્સેઓઇડી : Lindsaya (2૦૦ જાતિ, ભારતમાં 4 જાતિ), Schizoloma (6 જાતિ, દક્ષિણ ભારતમાં 3 જાતિ), Stenoloma (18 જાતિ, દક્ષિણ ભારતમાં 1 જાતિ), Taenites (3 જાતિ, આસામમાં 1 જાતિ).

ઉપકુળ 3. ડૅવેલિયોઇડી : Davallia (4૦ જાતિ, ભારતમાં 4 જાતિ), Humata (4૦ જાતિ, દક્ષિણ ભારતમાં 1 જાતિ), Leucostegia (2૦ જાતિ, ભારતમાં 9 જાતિ), Nephrolepis (3૦ જાતિ, ભારતમાં 4 જાતિ), Prosapita (1૦ જાતિ, ભારતમાં 2 જાતિ), Arthropteris (15 જાતિ).

ઉપકુળ 4. ઑલિયેન્ડ્રોઇડી : Oleandra (4૦ જાતિ, ભારતમાં 3 જાતિ).

ઉપકુળ 5. ટેરિડોઇડી : Pteridium (1 જાતિ – P. Aquilinum ભારતમાં સામાન્ય છે.), Pteris (28૦ જાતિ, ભારતમાં 19 જાતિ), Acrostichum (3 જાતિ, ભારતમાં 1 જાતિ), Stenochlaena (4 જાતિ, ભારતમાં 1 જાતિ), Actinopteris (1 જાતિ, ભારતમાં 1 જાતિ).

ઉપકુળ 6. જિમ્નોગ્રેમિયોઇડી : Onychium (‘સોનેરી હંસરાજ’ 6 જાતિ, ભારતમાં 2 જાતિ), Cryptogramma (4 જાતિ, ભારતમાં 1 જાતિ), Gymnogramme (6૦ જાતિ, ભારતમાં 3 જાતિ), Syngramma (2૦ જાતિ, ભારતમાં 2 જાતિ), Gymnopteris (લગભગ 1૦ જાતિ, મોટા ભાગની ભારતની જાતિઓ), Hemionitis (ભારતમાં 8 જાતિ), Jamesonia (દક્ષિણ અમેરિકાની 18 જાતિ), Adiantum (2૦૦ જાતિ, ભારતમાં 8 જાતિ), Cheilenthes (13૦ જાતિ, ભારતમાં 1૦ જાતિઓ ‘રૂપેરી હંસરાજ’ તરીકે જાણીતી છે.), Pellaea (8૦ જાતિ, ભારતમાં 7 જાતિ), Notholaena (6૦ જાતિ, ઉચ્ચ પર્વતીય હિમાલયમાં 2 જાતિ), Doryopteris (35 જાતિ, ભારતમાં 1 જાતિ).

પૉલિપોડિયેસી : (1) Lindsayaની ફળાઉ પર્ણિકા; (2) Davalliaની ફળાઉ પર્ણિકા; (3) Oleandraનું બીજાણુપર્ણ; (4) Pteridium : અ. સ્વરૂપ, આ. ફળાઉ પર્ણિકા;  (5) Acrostichum; (6) Actinopteris; (7) Adiantum : અ. પર્ણ; આ. ફળાઉ પર્ણિકા; (8) Chelanthes : અ. સ્વરૂપ; આ. ફળાઉ પર્ણિકા; (9) Vittaria : અ. સ્વરૂપ; આ. સંબીજાણુધાનીપુંજ; (1૦) Blechnum : અ. પર્ણનો એક ભાગ; આ. ફળાઉ પર્ણિકા; (11) Asplenium : અ. સ્વરૂપ; આ. બીજાણુધાનીપુંજ; (12) Athyrium : પર્ણનો એક ભાગ; આ. ફળાઉ પર્ણિકા; (13) Dryopteris : અ. સ્વરૂપ; આ. ફળાઉ પર્ણ; (14) Pleopeltis. : સ્વરૂપ અને બીજાણુપર્ણ; (15) Drynaria : અ. ઉપરનું પર્ણ; આ. નીચેનું પર્ણ; (16) Polydium : અ. સ્વરૂપ; આ. ફળાઉ પર્ણિકા;

ઉપકુળ 7. વાઇટેરિયોઇડી : Vittaria (8૦ જાતિ, ભારતમાં 2 જાતિ), Monogramma (તૃણ જેવી 2 જાતિ), Antrophyum (4૦ જાતિ, ભારતમાં 3 જાતિ).

ઉપકુળ 8. ઑનોક્લિયોઇડી : Matteuccia Struthiopteris (3 જાતિ, ભારતમાં 1 જાતિ), Onoclea (1 જાતિ).

ઉપકુળ 9. બ્લૅકનોઇડી : Blechnum (2૦૦ જાતિ, ભારતમાં 4 જાતિ), Woodwardia (12 જાતિ, ભારતમાં 2 જાતિ), Doodia (11 જાતિ), Brainia (ભારતમાં 1 જાતિ).

ઉપકુળ 1૦. ઍસ્પ્લેનિયોઇડી : Asplenium (7૦૦ જાતિ, ભારતમાં 42 જાતિ), Athyrium (18૦ જાતિ, ભારતમાં 17 જાતિ), Diplazium (375 જાતિ, ભારતમાં 2૦ જાતિ), Cystopteris (18 જાતિ, ઉચ્ચ પર્વતીય હિમાલયમાં 1 જાતિ).

ઉપકુળ 11. વૂડ્સિયોઇડી : Woodsia (4૦ જાતિ, ભારતમાં 3 જાતિ).

ઉપકુળ 12. ડ્રાયોપ્ટેરિડોઇડી : Droyopteris (65૦ જાતિ, ભારતમાં 18 જાતિ), Polystichum (225 જાતિ, ભારતમાં 8 જાતિ),  Aspidium (2૦૦ જાતિ, ભારતમાં 16 જાતિ), Pteropsis (6 જાતિ, ભારતમાં 2 જાતિ).

ઉપકુળ 13. પૉલિપૉડિયોઇડી : Polypodium (5૦ જાતિ, ભારતમાં 25 જાતિ), Pleopeltis (ભારતમાં 27 જાતિ), Drynaria (ભારતમાં 5 જાતિ).

આ કુળની આર્થિક અગત્ય ઓછી છે; પરંતુ 225 જેટલી જાતિઓ શોભન-જાતિઓ તરીકે ઉગાડવામાં આવે છે; જેમાં Nephrolepis, Adiantum, Dryopteris, Platycerium, Polystichum, Polypodium, Dennstaedtia, Davallia, Pityrogramma અને Cyrtomiumની જાતિઓ મુખ્ય છે.

જૈમિન વિ. જોશી

બળદેવભાઈ પટેલ