પૉલિથાયોનિક ઍસિડ

January, 1999

પૉલિથાયોનિક ઍસિડ : સલ્ફર પરમાણુની સંખ્યા ઉપર આધારિત પાંચ ઑક્સો ઍસિડની શ્રેણીનું વ્યાપક નામ. ડાઇ-, ટ્રાઇ-, ટેટ્રા-, પેન્ટા- અને હૅક્ઝાથાયોનિક ઍસિડને વ્યાપાક રીતે પૉલિથાયોનિક ઍસિડ કહે છે. તેમનું સામાન્ય સૂત્ર H2SnO6 (n = 2થી 6) તથા સંભવત: બંધારણ –

એકમાત્ર ડાઇથાયોનેટ ઋણાયનનું બંધારણ (O3SSO3)2- જાણીતું છે.

ડાઇથાયોનિક ઍસિડ (H2S2O6) : સલ્ફ્યુરસ ઍસિડ અને સલ્ફાઇટનાં દ્રાવણોનું MnO2, MnO4, Fe(OH)3 જેવા ઉપચયનકારકો દ્વારા ઉપચયન કરીને મેળવવામાં આવે છે. ઍસિડ મંદ દ્રાવણ તરીકે સ્થાયી છે, પરંતુ ગરમ કરતાં વિઘટન પામે છે.

ટ્રાઇથાયોનિક ઍસિડ (H2S3O6) : પોટૅશિયમ થાયોસલ્ફેટમાં SO2 પસાર કરીને પોટૅશિયમ ટ્રાઇથાયોનેટ બનાવી શકાય.

3SO2 + 2K2S2O3 → S + 2K2S3O6

આ ઉપરાંત પોટૅશિયમ હાઇડ્રોજન સલ્ફાઇટને સલ્ફર સાથે દ્રાવણમાં ગરમ કરતાં K2S3O6 બને છે. જેમાં હાઇડ્રૉસિલિસિક ઍસિડ ઉમેરતાં ટ્રાઇથાયોનિક ઍસિડ મળે છે.

સોડિયમ ટ્રાઇથાયોનેટને સોડિયમ સલ્ફાઇડ દ્રાવણ સાથે ગરમ કરતાં સોડિયમ થાયોસલ્ફેટ બને છે, જે દર્શાવે છે કે થાયોસલ્ફ્યુરિક ઍસિડ ટ્રાઇથાયોનિક ઍસિડ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે.

ટેટ્રાથાયોનિક ઍસિડ (H2S4O6) : સોડિયમ થાયોસલ્ફેટ ઉપર આયોડિનની પ્રક્રિયાથી સોડિયમ ટેટ્રાથાયોનેટ બને છે; જેના ઉપર મંદ H2SO4ની પ્રક્રિયાથી મુક્ત ટેટ્રાથાયોનિક ઍસિડ મેળવી શકાય છે. SO2ના સંતૃપ્ત જલીય દ્રાવણમાં H2S વાયુ પસાર કરીને પણ આ ઍસિડ મેળવી શકાય. થાયોનિક ઍસિડમાં આ સૌથી વધુ સ્થાયી ઍસિડ છે, આ ઉપરાંત આ દ્રાવણમાં અનેક પૉલિથાયોનિક ઍસિડ હોય છે. આ દ્રાવણને વૅકનરોડરનું દ્રાવણ પણ કહે છે.

જ. પો. ત્રિવેદી