પૉર્ટો એલીગ્રી (Porto Alegre) : દક્ષિણ અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલના દક્ષિણ ભાગમાં આવેલા રિયો ગ્રાન્ડ દો સુલ રાજ્યની રાજધાની, ઔદ્યોગિક શહેર અને મહત્ત્વનું આંતરિક બંદર. ભૌ. સ્થાન : 30o 04′ દ. અ. અને 51o 11′ પ. રે. ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા રિયો ગ્રાન્ડ શહેરથી ઈશાનમાં આશરે 282 કિમી.ને અંતરે તેમજ મહાસાગરના ફાંટારૂપ પાટોસ ખાડીસરોવર(Patos lagoon)ને ઉત્તર છેડે તેને મળતી ગ્વાઇબા (Guaiba) નદી પર તે વસેલું છે. આ આંતરિક બંદર રેતપટ અને રેતીના પાળાથી છવાયેલું છે. ‘પૉર્ટો એલીગ્રી’નો અર્થ ખુશાલીભર્યું બંદર (joyous port) એવો થાય છે. 1807 સુધી તે બ્રાઝિલનું પાટનગર રહેલું. (હવે બ્રાઝિલિયા પાટનગર છે.) આ બંદર ખેતીની અને ડેરીની પેદાશોનો વિશાળ પીઠપ્રદેશ ધરાવે છે.
1742ના અરસામાં ઉત્તર ઍટલાન્ટિકના એઝોર્સ ટાપુઓમાંથી આવેલા વસાહતીઓ દ્વારા શહેર વસાવવામાં આવેલું. 1800 પછી તો અહીં ઘણા જર્મનો અને ઇટાલિયનો આવીને વસ્યા. ત્યારપછી તેમનો પીઠપ્રદેશ જેમ જેમ વિકસતો અને સમૃદ્ધ થતો ગયો તેમ તેમ આ શહેર વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી આગળ વધતું ગયું. સાઓ પાવલોથી દક્ષિણ તરફ આવેલું આ આંતરિક બંદરી શહેર આજે બ્રાઝિલ માટે ઘણું મહત્ત્વ ધરાવતું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર બની રહેલું છે; આ કારણે તે બૅંન્કો અને નાણાકીય સંસ્થાઓની સુવિધા પણ ધરાવે છે. 1920થી 1930ના ગાળા દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે તેનો વધુ ઝડપથી વિકાસ થયો છે. અહીં ઘણી ગગનચુંબી ઇમારતો છે. આજે તે આધુનિક શહેરનો મોભો ધરાવે છે. અહીં જહાજવાડો તેમ નદીકિનારા પર વહાણોને લાંગરવા માટે ઘણી અનુકૂળતાઓ છે. આજુબાજુના પીઠપ્રદેશમાંથી આવતાં ઇમારતી લાકડાં, ચામડાં, ડેરીની પેદાશો, માંસ, તમાકુ વગેરે ચીજવસ્તુઓની અહીંથી નિકાસ થાય છે.
અહીં સુતરાઉ કાપડની મિલો, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, ચર્મઉદ્યોગ, ઇમારતી લાકડાંનો ઉદ્યોગ, ખાદ્યપ્રક્રમણ અને માંસપ્રક્રમણ, ધાતુશોધનનાં કારખાનાં, ઊન પર પ્રક્રિયા કરવાનાં કારખાનાં વગેરેનો વિકાસ થયેલો છે.
આ શહેર પાટનગર બ્રાઝિલિયા, રિયો-ડી-જાનેરો, ક્યુરિટિબા, સાઓ પાવલો, આસુન્શિયૉન, મોન્ટેવિડિયો વગેરે સાથે રેલ કે સડક જેવા ભૂમિમાર્ગે તેમજ હવાઈ માર્ગે જોડાયેલું છે.
દક્ષિણ બ્રાઝિલના વિસ્તારને આવરી લેતી અને શૈક્ષણિક સગવડ પૂરી પાડતી યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાઓ અહીં આવેલી છે.
છેલ્લાં થોડાંક વર્ષોમાં આ શહેરની વસ્તી બમણી થઈ છે અને એક મહાનગર તરીકે તેણે વિકાસ સાધ્યો છે. આ શહેરની વસ્તી આશરે 14,88,252, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 44 લાખ જેટલી છે. (2020)
મહેશ મ. ત્રિવેદી