પૉર્ટલૅન્ડ (વિક્ટોરિયા ઑસ્ટ્રેલિયા)

January, 1999

પૉર્ટલૅન્ડ (વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિકોણમાં આવેલા વિક્ટોરિયા રાજ્યનું એક નગર અને બંદર. ભૌ. સ્થાન : 38o 21′ દ. અ. અને 141o 36′ પૂ. રે. તે રાજ્યના પાટનગર મેલબૉર્નથી નૈર્ઋત્યમાં 364 કિમી.ને અંતરે, દક્ષિણ મહાસાગરના પૉર્ટલૅન્ડ અખાતને કિનારે આવેલું છે. આ શહેરની વસ્તી 1૦,754 (2૦17) જેટલી છે.

દક્ષિણ ગોળાર્ધમાં મધ્ય અક્ષાંશીય વિસ્તારમાં આવેલું આ સ્થળ ભૂમધ્ય પ્રકારની ખુશનુમા આબોહવા ધરાવતું હોવાથી અહીં પ્રવાસીઓનો સતત ધસારો રહે છે. વિક્ટોરિયા રાજ્યમાં બીજા ક્રમે આવતા શહેર ગિલાગ(Geelong)ની પશ્ર્ચિમે આવેલા આ બંદર પરથી ડેરીની પેદાશો, ખનિજો, ઢોરઢાંખર, ખાણ (fodder) તેમજ અનાજ અને માંસની નિકાસ; જ્યારે ફૉસ્ફેટ, ઍલ્યુમિના અને પેટ્રોલિયમ પેદાશોની આયાત થાય છે. રાજ્યની બેન્ડિગો અને બેલેરેટની સોનાની ખાણોમાંથી થતા સોનાના ઉત્પાદનને કારણે રાજ્ય ઉપરાંત આ બંદરની પણ સમૃદ્ધિ વધી છે. મેલબૉર્ન અને એડીલેઇડ જેવાં બે બાજુએ આવેલાં મહત્ત્વનાં શહેરી બંદરો વચ્ચે તે એકમાત્ર ઊંડાં જળ ધરાવતું બારું છે તેમજ તેમની સાથે તે પ્રિન્સ હાઈવે દ્વારા જોડાયેલું છે; તે ઉપરાંત ઑસ્ટ્રેલિયાનાં અન્ય મહત્ત્વનાં શહેરો સાથે પણ રસ્તા, રેલમાર્ગ અને હવાઈ માર્ગે સંકળાયેલું છે. અહીં ઍલ્યુમિનિયમ માટેનાં ધાતુગાળણ, ઇમારતી પાટિયાં, માંસપ્રક્રમણ, ફૉસ્ફેટ-ઉત્પાદન, ઊન-વેચાણ, ચિત્રો મઢવાનાં ચોકઠાં, શસ્ત્રક્રિયા માટેનાં સાધનો અને માછીમારી વગેરે માટેના ઉદ્યોગો ચાલે છે. રાજ્યના પૉર્ટ લિંકન તથા વૉર્નમબુલ બંદરોની માફક તે પણ મહત્ત્વનું બંદર બની રહેલું છે.

ઈ. સ. 18૦૦માં પૉર્ટલૅન્ડના અખાત પરનું આ સ્થળ શોધી કાઢવાનો યશ બ્રિટિશ નૌકાદળના અધિકારી જેમ્સ ગ્રાન્ટને ફાળે જાય છે, ‘ડ્યૂક ઑવ્ પૉર્ટલૅન્ડ’ની યાદમાં આ નામ અપાયું છે. જોકે ફ્રેન્ચ સાગરખેડુ અને સાહસિક સંશોધક નિકોલસ બૉડીન આ અગાઉ અહીં આવેલો ખરો. તેણે આ સ્થળને ‘ટુરવીલે’ નામ આપેલું, જે આજે પણ ઉપયોગમાં લેવાય છે. ઈ. સ. 1834માં હેન્ટી કુટુંબે (Henty family) સર્વપ્રથમ આ સ્થળે ઘેટાંઉછેર માટે સ્થાયી વસાહત સ્થાપી વસવાટનો પ્રારંભ કર્યો હતો. 1863માં વસ્તી વધતાં આ સ્થળ કસબામાં અને 1949માં નગરમાં ફેરવાયું. ત્યારપછીથી ક્રમે ક્રમે તેનો વિકાસ થતો રહ્યો છે. 195૦માં તેના બારામાં રહેલા ઊંડા જળને કારણે તેને બંદર તરીકે વિકસવાની વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આજે તે મહત્ત્વનાં બંદરોની કક્ષામાં મુકાયું છે.

મહેશ મ. ત્રિવેદી