પૉર્ટલૅન્ડ (મેન રાજ્ય યુ.એસ.)

January, 1999

પૉર્ટલૅન્ડ (મેન રાજ્ય, યુ.એસ.) : યુ.એસ.ના ઈશાનકોણમાં આવેલા મેન રાજ્યનું મોટામાં મોટું શહેર, કમ્બરલૅન્ડ પરગણાનું મુખ્ય મથક અને બંદરી પ્રવેશદ્વાર. ભૌ. સ્થાન : 43o 39′ ઉ. અ. અને 7૦o 15′ પ. રે. તે ઉત્તરે ઍટલાન્ટિક મહાસાગરના કાસ્કો ઉપસાગર(Casco Bay)ને પશ્ચિમ છેડે, કિનારાથી 8 કિમી.ને અંતરે, ઑગસ્ટાથી નૈર્ઋત્યમાં 8૦ કિમી.ને અંતરે, મેસેચૂસેટ્સના બૉસ્ટનથી ઈશાનમાં 16૦ કિમી.ને અંતરે આવેલું છે. ઉપસાગર પરથી તેમજ નજીકના ટાપુઓ પરથી જોઈ શકાય તેમ તે બે દ્વીપકલ્પીય ટેકરીઓ પર વસેલું છે. ઉનાળાની ઋતુ માટેનું પ્રવાસીઓનું વિહારધામ છે. તે ઍટલાન્ટિક મહાસાગર કિનારા તરફનું, યુ.એસ.ની તદ્દન ઉત્તર તરફ આવેલું, પશ્ર્ચિમ યુરોપીય દેશો માટે અંતરની દૃષ્ટિએ નજીક પડતું, વ્યાપારી દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતું બારું બની રહેલું છે. આ ઉપરાંત, યુ.એસ.ના પૂર્વ કિનારાનાં અન્ય બંદરો તથા શહેરો સાથે જોડાયેલું છે. અહીં વહાણોને લાંગરવા માટે જરૂરી ઊંડાં જળ તથા 8.8 કિમી. જેટલા જલવિભાગની સુવિધા છે. અહીંથી ઈશાનમાં આવેલા નોવાસ્કોશિયાના યારમથ સાથે પણ તે ફેરી-સેવાથી જોડાયેલું રહે છે. કિનારા પર 1791માં બાંધેલી દીવાદાંડી છે.

આ બંદર વિશેષે કરીને પશ્ચિમ યુરોપના દેશોથી અવરજવર કરતાં વહાણો માટે જાણીતું બનેલું છે. અગાઉ અહીં વહાણોનું બાંધકામ થતું હતું, તે અત્યારે બંધ છે, પરંતુ તેનો જહાજવાડો હજી છે. મેન રાજ્ય માટેનું તે મત્સ્ય-ઉદ્યોગનું કેન્દ્ર તેમજ કૅનેડા ખાતે મોકલાતા ખનિજતેલનું વિતરણ-કેન્દ્ર બની રહેલું છે. અહીં ખાદ્ય પેદાશો, કાગળ અને ચામડાની પેદાશો તેમજ અર્ધવાહકો(semi-conductors)નું ઉત્પાદન થાય છે.

રાજ્યની સમાજકલ્યાણકારી યોજના હેઠળ અહીં અંધ અને બહેરાઓ માટે શાળાની વ્યવસ્થા છે. અહીં જાહેર જનતા માટે સ્વાસ્થ્યકેન્દ્ર, ન્યાયાલય, કસ્ટમહાઉસ, કૉલેજો તેમજ યુનિવર્સિટી આવેલાં છે. અહીંનાં જોવાલાયક ઐતિહાસિક સ્થળો તેમજ સાંસ્કૃતિક સ્થાનોમાં મૅક કિનલેનો કિલ્લો તેમજ અન્ય કિલ્લાઓ, લૉંગફેલો હોમ, ફેસ્સેન્ડેન હોમ, વિલિસ્ટન દેવળ, ઓલ્ડ ઈસ્ટર્ન કબ્રસ્તાન, સેન્ટ લ્યુકન્યો મઠ, ઇમેક્યુલેટ કન્સિપ્શનનો મઠ, આર્ટ મ્યૂઝિયમ, મેન હિસ્ટૉરિકલ સોસાયટી, મ્યુનિસિપલ ઑડિટોરિયમ, પૉર્ટલૅન્ડ મ્યૂઝિયમ ઑવ્ આર્ટ અને પૉર્ટલૅન્ડ સિમ્ફની ઑરકેસ્ટ્રાનો સમાવેશ થાય છે. પૉર્ટલૅન્ડ કવિ હેન્રી વર્ડ્ઝવર્થનું, પ્રકાશક એચ. કે. કર્ટિસનું અને લેખક નાથાનિયેલ પાર્કર વિલિસનું જન્મસ્થળ છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર અહીં 1632માં સર્વપ્રથમ વસનાર અંગ્રેજો જ્યૉર્જ ક્લીવ અને રિચાર્ડ ટુકર હતા, ત્યારે આ સ્થળ મૅશીગૉન, એલ્બો, ઇન્ડિગ્રેટ, કાસ્કો, ફાલમથ (Falmouth) જેવાં નામોથી ઓળખાતું હતું. 1676માં ઇન્ડિયનો દ્વારા અને 169૦માં ઇન્ડિયનો તેમજ ફ્રેન્ચો દ્વારા હુમલાઓ કરી કરીને તેનો વિનાશ કરી નાખવામાં આવેલો. 1775માં ફાલમથ તરીકે ઓળખાતા આ નગર પર બ્રિટિશ વહાણો દ્વારા તોપમારો કરીને, અને બાળીને આ સ્થળને ખંડિયેરમાં ફેરવી નાખવામાં આવેલું. ત્યારપછી ક્રમે ક્રમે તેનો વિકાસ થતાં 1786માં તે નગર બન્યું ત્યારે તેનું નામ પૉર્ટલૅન્ડ અપાયું. 1812માં થયેલા યુદ્ધમાં તે લડાઈનું મેદાન બની રહેલું. 1832માં તે શહેર બન્યું. 182૦થી 1831 સુધી તે મેન રાજ્યનું પાટનગર રહેલું. 1866માં અહીં ભયંકર આગ લાગવાથી આખું શહેર તારાજ થઈ ગયેલું. ત્યારપછી તે ધીમે ધીમે ફરીથી વિકસ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા